You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારી મમ્મી ફોનને જ વળગેલી રહે છે; કાશ, તેની શોધ ન થઈ હોત'
- લેેખક, જ્યોર્જિના રન્નાર્ડ
- પદ, બીબીસી ન્યૂઝ
મોબાઇલ ફોન આપણા માટે ખરાબ છે. આ વાત આપણે જાણીએ છીએ, કારણ કે આવું જણાવતી કે સૂચવતી ન્યૂઝ સ્ટોરીઝ દરરોજ આવતી રહે છે.
એ અહેવાલો વાંચવા-સાંભળવા છતાં કોઈ તેનો મોબાઇલ ફોન છોડતું નથી, બરાબર?
તમે વ્હૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ઈ-મેલ અને મોબાઇલ પર સમાચાર વાંચવામાં વ્યસ્ત રહો છો તેનાથી બાળકો શું અનુભવે છે એવું બાળકો જ તમને જણાવે તો?
પ્રાથમિક શાળાના એક બાળકે તેના ક્લાસ અસાઇન્મેન્ટમાં લખ્યું હતું, "હું મારી મમ્મીના ફોનને ધિક્કારું છું અને ઇચ્છું છું કે મમ્મી પાસે ફોન જ ન હોય."
અમેરિકન શિક્ષક જેન એડમ્સ બીસને આ કૉમેન્ટ ફેસબૂક પર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે મોબાઇલ ફોન શોધાયો જ ન હોત તો સારું હતું એવું તેમનાં 21 પૈકીના ચાર વિદ્યાર્થીઓ ઇચ્છે છે.
લ્યુસિયાનામાં રહેતાં જેન એડમ્સ બીસને તેમના સાતથી આઠ વર્ષની વયના સ્ટુડન્ટ્સને ક્લાસમાં એક કામ સોંપ્યું હતું.
એવી કઈ વસ્તુ છે જેનું સર્જન જ ન થયું હોત તો સારું થાત એ વિશે લખવા તેમણે તેમના સેકન્ડ ગ્રેડ સ્ટુડન્ટ્સને જણાવ્યું હતું.
એ વિષય પર સ્ટુડન્ટ્સે જે લખ્યું હતું તેનાં પિક્ચર્સ પણ જેન એડમ્સ બીસને ફેસબૂક પર પોસ્ટ કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
બાળકોએ શું લખ્યું?
એક બાળકે લખ્યું હતું, "હું એમ કહીશ કે મને ફોન ગમતો નથી.
"મને ફોન નથી ગમતો, કારણ કે મારાં માતા-પિતા દરરોજ ફોનને વળગેલાં રહે છે. ફોન ક્યારેક ખરાબ આદત બની જાય છે."
એ બાળકે મોબાઇલ ફોનનું ચિત્ર દોર્યું હતું. તેના પર ચોકડી મારી હતી અને એક દુઃખી ચહેરો દોરીને લખ્યું હતું, "હું મોબાઇલ ફોનને ધિક્કારું છું."
શુક્રવારે પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફને 1.70 લાખથી વધુ વખત શેર કરવામાં આવ્યો હતો.
ટેક્નોલોજી સંબંધી પોતાની આદત બે વખત વિચારતાં માતા-પિતાઓનો સમાવેશ પણ એ ફોટોગ્રાફ શેર કરનારાઓમાં થાય છે.
ટ્રેસી જેન્કિન્સ નામનાં એક યુઝરે લખ્યું હતું, "વાહ. નાનાં બાળકો આ વાત કહે છે. આપણે બધાં દોષી છીએ."
સીલ્વિયા બર્ટને લખ્યું હતું, "બીજા ધોરણમાં ભણતા બાળકોના આકરા શબ્દો સાંભળો, માતા-પિતાઓ."
એક અન્ય યૂઝરે લખ્યું હતું, "આ બહુ જ દુઃખદ અને પ્રતીતિજનક છે. આપણા બધા માટે ફોન બાજુ પર મૂકીને બાળકો સાથે વધારે સમય ગાળવાનો આ સંદેશો છે."
જેન એડમ્સ બીસને ફેસબૂક પર શરૂ કરેલી આ ચર્ચામાં અન્ય શિક્ષકો પણ જોડાયા હતા.
શિક્ષકો અને માતા-પિતાના પ્રતિભાવ
માતા-પિતા દ્વારા કરવામાં આવતા ઇન્ટરનેટના વપરાશ વિશેના બાળકોના પ્રતિભાવો શિક્ષકોએ ચર્ચામાં જણાવ્યા હતા.
એબી ફોન્ટેલરોયે એવી કૉમેન્ટ કરી હતી કે "અમે ક્લાસમાં ફેસબૂક વિશે ચર્ચા કરી હતી. દરેક સ્ટુડન્ટે કહ્યું હતું કે તેમના માતા-પિતા ફેસબૂક પર વધારે સમય ગાળે છે. સંતાનો સાથે પૂરતી વાતો કરતાં નથી. મારા માટે એ હકીકત આંખ ઉઘાડનારી હતી."
આ સમસ્યાના નિરાકરણ માટે કેટલાક માતા-પિતાએ તેમની વ્યક્તિગત અનુભવની વાત કરી હતી.
બ્યૂ સ્ટેમરે જણાવ્યું હતું કે હું મોબાઇલ ફોનનો ઉપયોગ કરું છું ત્યારે મારી બે વર્ષનો દીકરો નકારાત્મક પ્રતિભાવ આપે છે.
બ્યૂ સ્ટેમરે લખ્યું હતું, "મેં જોયું છે કે હું મારા દીકરા સાથે રમતા હોઉં અને ક્યારેક કામ માટેનો ફોન આવે, ત્યારે હું ફોન હાથમાં લઉં પછી એ મારાથી અળગો થઈ જાય છે.
"તેનાથી મને બહુ પીડા થાય છે. મેં મારી જાત સાથે કરાર કર્યો છે કે હું મારા દીકરા સાથે રમતો હોઉં ત્યારે વચ્ચે કંઈ પણ ન આવવું જોઈએ."
અલબત, એક માતાએ એવું જણાવ્યું હતું કે તેમનાં ટીનેજ સંતાનો તેમના પપ્પા જેવાં જ છે. તેઓ પરિવાર સાથે બેસીને મજા માણવાને બદલે મોબાઇલ ફોન પર સમય ગાળવાનું વધારે પસંદ કરે છે.
અમેરિકામાં 2017માં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
એ સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલાં માતા-પિતા પૈકીના અરધોઅરધે જણાવ્યું હતું કે બાળકો સાથેના સંવાદમાં ટેક્નોલૉજીના ઉપયોગને કારણે દિવસમાં ત્રણથી વધુ વખત વિક્ષેપ પડે છે.
આ બાબતને 'ટેક્નોફિયરન્સ' એવું નામ આપવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો