You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તુર્કીમાં સૈન્ય બળવો રોકનાર અર્દોઆન બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ જીત હાંસલ કરી લીધી છે. દેશમાં ચૂંટણી કરાવનાર સંસ્થાના પ્રમુખે આ જાણકારી આપી છે.
સકારી મીડિયા પ્રમાણે, મોટાભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે અને અર્દોઆનને 53 ટકા અને તેમના પ્રતિદ્વંદી મુહર્રમને 31 ટકા મત મળ્યા છે.
તુર્કીમાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી એકસાથે થઈ રહી છે અને અને અંતિમ પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવશે.
આ પહેલાં અર્દોઆને પણ કહ્યું હતું કે તેમની એકે પાર્ટીના શાસકીય ગઠબંધને સંસદમાં બહુમતી સુરક્ષિત કરી લીધી છે.
હજુ સુધી મુખ્ય વિપક્ષી પાર્ટીએ સત્તાવાર રીતે હાર સ્વીકારી નથી. આ પહેલાં વિપક્ષે કહ્યું હતું કે હજુ ઘણા બધા મતોની ગણતરી બાકી છે અને પરિણામ કંઈ પણ આવે, તેઓ લોકતંત્રની લડાઈ ચાલુ જ રાખશે.
રાષ્ટ્રપતિ અર્દોઆને આ વખતે વહેલા ચૂંટણીનું આયોજન કરાવ્યું છે. ચૂંટણી પૂર્ણ થયા પછી તુર્કીમાં નવું બંધારણ લાગુ થઈ જશે, જેનાથી રાષ્ટ્રપતિની તાકાત વધી જશે. ટીકાકારો કહે છે કે તેનાથી લોકશાહી નબળી થશે.
આ ચૂંટણી નવેમ્બર 2019માં થવાની હતી પણ અર્દોઆને અચાનક વહેલા ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી. મતદાન કર્યા બાદ અર્દોઆને પત્રકારોને કહ્યુ હતું, "આ ચૂંટણીમાં તુર્કી એક લોકશાહી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે."
આ વચ્ચે ઉર્ફા પ્રાંતમાં ચૂંટણી નિરીક્ષકોને ડરાવવાની અને મતદાન દરમિયાન ધમાલનો રિપોર્ટ આવ્યો છે. તુર્કીના ચૂંટણી આયોગનું કહેવું છે કે તેઓ આ રિપોર્ટની તપાસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિપક્ષે તાકત લગાવી
અર્દોઆન અને તેમના મુખ્ય પ્રતિદ્વંદી મુહર્રમ ઇંચેએ શનિવારે રેલી યોજી હતી. બન્ને જ નેતાઓએ એક બીજાને તુર્કી પર શાસન કરવા માટે અયોગ્ય ગણાવ્યા હતા.
ઇંચે કહે છે કે અર્દોઆનના શાસન દરમિયાન તુર્કી તાનાશાહી તરફ આગળ વધ્યું છે. આ ચૂંટણી પ્રચારે વિપક્ષમાં ફરી એકવખત પ્રાણ ફૂંકી દીધા છે.
શનિવારે ઇસ્તંબૂલમાં આશરે 10 લાખ લોકોની રેલીને સંબોધતા ઇંચેએ કહ્યું હતું, "જો અર્દોઆન જીતી ગયા તો તમારા ફોન ટૅપ કરવામાં આવશે, ભયનું શાસન લાગુ થશે."
તેમણે કહ્યુ હતુ કે જો હું જીત્યો તો તુર્કીની અદાલતો સ્વતંત્ર થશે.
કટોકટી હટાવવાનો વાયદો
ઇંચેએ ચૂંટણી જીત્યા બાદ 48 કલાકમાં કટોકટી ખતમ કરવાનો વાયદો કર્યો હતો.
તુર્કીમાં જુલાઈ 2016માં સત્તા પલટવાના નિષ્ફળ પ્રયાસો પછી કટોકટી લાગુ કરાઈ હતી.
કટોકટી દરમિયાન સરકારને સંસદની મંજૂરીની જરૂર પડતી નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
રેલીમાં અર્દોઆને પોતાના સમર્થકોને પૂછ્યું હતું, "શું કાલે આપણે એ લોકોને 'ઉસ્માની' તમાચો મારવાના છીએ?"
ઉસ્માની તમાચો તુર્કીમાં એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ 'એક જ તમાચામાં વિરોધીને હરાવી દેવો' એવો છે.
અર્દોઆન 2014માં તુર્કીના રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં 11 વર્ષ સુધી વડા પ્રધાન હતા.
તેમણે પૂર્વ શિક્ષક અને 16 વર્ષથી સાંસદ તરીકે કાર્યરત મુકર્રમ ઇંચે પર અનુભવ ન હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું, "ફિઝિક્સના શિક્ષક તરીકે કામ કરવુ અને દેશ ચલાવવો બન્ને અલગ બાબતો છે. રાષ્ટ્રપતિ બનવા માટે અનુભવ પણ હોવો જોઈએ."
અર્દોઆન માટે મહત્ત્વપૂર્ણ દિવસ
બીબીસીના તુર્કી સંવાદદાતા માર્ક લોવેન પ્રમાણે વ્યૂહાત્મક રીતે સૌથી મહત્ત્વનું રાષ્ટ્ર તુર્કી ક્યારેય આટલું વિભાજિત રહ્યું નથી અને અર્દોઆન સામે પણ ચૂંટણીમાં આટલો કઠિન મુકાબલો થયો નથી.
આધુનિક તુર્કીના સંસ્થાપક કમાલ અતાતુર્ક પછી અર્દોઆન તુર્કીના સૌથી શક્તિશાળી નેતા છે. જો તેઓ ચૂંટણી જીતી જાય તો તેમની તાકત વધી જશે એમ મનાય છે.
પણ જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અર્દોઆનને 50 ટકા મત ન મળ્યા હોત તો મુહર્રમ ઇંચે સાથે ફરી વખત ચૂંટણી થઈ હોત. ઇંચેએ વિપક્ષમાં પ્રાણ ફૂંકી દીધાં છે.
તુર્કીમાં એક વર્ગ રાષ્ટ્રપતિ અર્દોઆનનો અંધ ભક્ત છે, જ્યારે બીજો વર્ગ કટ્ટર આલોચક છે.
કેવી રીતે થયું મતદાન?
તુર્કીના લોકોએ રાષ્ટ્રપતિ તથા સંસદની ચૂંટણી માટે મતદાન કર્યુ છે. આ ચૂંટણીમાં આશરે છ કરોડ તુર્ક નાગરિકો મતદાર છે.
રાષ્ટ્રપતિ પદ માટે છ ઉમેદવાર મેદાનમાં હતા. કોઈ એક ઉમેદવારને જો 50 ટકાથી વધુ મત મળે તો તે સીધા રાષ્ટ્રપતિ બની જાય છે.
જો કોઈ જ ઉમેદવારને 50 ટકા મત ન મળે તો સૌથી વધારે મત મેળવનારા બે ઉમેદવારો વચ્ચે ફરી સીધો મુકાબલો થાય છે.
600 સભ્યો ધરાવતી સંસદમાં રાષ્ટ્રપતિ અર્દોઆનની પાર્ટી એકેપીએ બહુમતી ટકાવી રાખવા લડત આપવી પડી હતી.
સંસદની ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધનની વિપક્ષ સાથે લડાઈ છે.
એવું મનાઈ રહ્યું છે કે સંસદીય ચૂંટણીમાં કુર્દ સમર્થક પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે.
જો સંસદમાં દાખલ થવા માટે જરૂરી દસ ટકા મત આ પક્ષને મળી જાય તો અર્દોઆનની એકેપી પાર્ટીને વર્ચસ્વ ટકાવી રાખવામાં તકલીફ થશે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સેલાહત્તીન દેમિરતાસને હાલમાં આતંકવાદના આરોપો હેઠળ જેલમાં રાખ્યા છે. તેઓ આરોપોને નકારી કાઢે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો