હવે ભારતીયો માટે સાઉદીમાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ

    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, નવી દિલ્હી

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશની અર્થવ્યવસ્થામાં જે ફેરફારો કરી રહ્યા છે, તેની સ્પષ્ટ અસરો દેખાઈ રહી છે.

સલમાન આર્થિક વૃદ્ધિ દરમાં ગતિ લાવવા માંગે છે અને પોતાના દેશના નાગરિકો માટે રોજગારીની તકો ઊભી કરવા માંગે છે.

જોકે સાઉદી અરેબિયામાં વિદેશી કંપનીઓને સરકારની માંગ પૂરી કરવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

દસકાઓથી સાઉદીઓ જે કામ કરવાનું પસંદ નથી કરતા, એ કામો ભારત અને ફિલીપીન્ઝના કામદારો કરે છે.

વૉલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટ પ્રમાણે, કિચન, કન્સ્ટ્રક્શન અને સ્ટોર કાઉન્ટર પર કામ કરતા મોટા ભાગના લોકો ભારતના અથવા ફિલીપીન્ઝના હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઓઇલનો મોટો જથ્થો ધરાવતા આ દેશમાં મોટાભાગના નાગરિક સરકારી નોકરી કરે છે.

ઘણાં કામોમાં ત્યાંના લોકો ઓછા કુશળ હોય છે અને ખાનગી સાહસોમાં નોકરી કરવા માટે ઓછો ઉત્સાહ ધરાવે છે.

સાઉદીની લૉજિસ્ટિક કંપનીના એક્ઝિક્યુટિવ અબ્દુલ મોહસીનનો અંદાજ છે કે તેમની કંપનીમાં અડધાથી વધુ એવા સાઉદીના નાગરિકો છે કે, જેઓ નામ માત્રનું કામ કરે છે.

તેમણે વૉલ સ્ટ્રીટ જનરલને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "મારી કંપની વિદેશી કામદારો વગર ચાલી જ ન શકે, કેમ કે કેટલાંક કામો એવા છે કે જેને સાઉદીના લોકો કરી શકતા નથી, જેમ કે ટ્રક ડ્રાઇવરનું કામ."

શનિવારે મધરાત્રિથી સાઉદી મહિલાઓને ડ્રાઇવિંગની મંજૂરી મળી જશે, જેનાં કારણે દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થાય તેમ છે.

સાઉદીમાં વધતી બેરોજગારી

દેશના શાસક માને છે કે શ્રમિકોમાં સાઉદીના નાગિરકોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. જોકે તેને એ હદે લઈ જવાની ઇચ્છા નથી કે જેનાથી આર્થિક નુકસાન થાય.

મોહમ્મદ બિન-સલમાન સાઉદીને ઓઇલ આધારિત અર્થતંત્રથી આગળ લઈ જવા માંગે છે. તેઓને લાગે છે કે તેમની અર્થવ્યવસ્થા ત્યારે જ ગતિશીલ થશે, જ્યારે ઓઇલ પરની નિર્ભરતા ઘટશે.

સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે, સાઉદીની સરકારી ઓઇલ કંપની અરામકોના નાના ભાગને વેચવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જ તેના શૅર બજારમાં ઉતારવામાં આવશે.

સાઉદીના ક્રાઉન પ્રિન્સ એ વાત પર પણ ભાર મૂકી રહ્યા છે કે લોકો સરકારી નોકરીનો મોહ છોડીને ખાનગી એકમો તરફી વલણ અપનાવે.

સાઉદીના શ્રમ મંત્રાલય પ્રમાણે, ત્રીજા ભાગના લોકો સરકારી નોકરી કરે છે. સાઉદી કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે કે તેઓ વિદેશી કામદારોના બદલે સ્થાનિકોને નોકરી પર રાખે.

સાઉદીના શ્રમ મંત્રાલય પ્રમાણે, 2017માં બેરોજગારીનો દર 12.8 ટકા હતો, જેને 2030 સુધીમાં ઘટાડીને સાત ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

'સાઉદીકરણ'

આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી સાઉદી મૂળના કામદારોને નોકરી પર રાખવા માટે તંત્ર દબાણ કરવા જઈ રહ્યું છે, જેમાં સેલ્સમૅન, બેકરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરતા વિદેશી કામદારોની નોકરી પર અસર થાય એ સ્વાભાવિક છે.

ગયાં વર્ષે જ જ્વેલરી સેક્ટરમાં આ જ રીતે વિદેશી કામદારોની જગ્યાએ સાઉદીના સ્થાનિક લોકોને નોકરી પર રાખવા માટે કહેવાયું હતું, જેના આ કારણે આ ક્ષેત્રે અનેક ઊથલપાથલ થઈ હતી.

'ગલ્ફ બિઝનેસ'ના એક રિપોર્ટ પ્રમાણે, મુશ્કેલી એવી છે કે, આ ક્ષેત્રમાં નોકરી માટે લોકોને ક્યાંથી લાવવા?

આ પગલું લેવાયા બાદ લાખો વિદેશી કામદારોએ રોજગારી ગુમાવી એટલું જ નહીં, જ્વેલરી ક્ષેત્ર પર પણ નકારાત્મક અસર થઈ.

24 વર્ષના અલી અલ-આયદના પિતાએ એક કંપની શરૂ કરી હતી. તેમણે વૉલ સ્ટ્રીટ જનરલને કહ્યું, "આ સોનાનું કામ છે અને કોઈ એક વ્યક્તિ દ્વારા થાય એ શક્ય નથી.

"સાઉદીમાં પ્રશિક્ષિત અને આ કામમાં કુશળ યુવાનો પૂરતી સંખ્યામાં નથી."

આ પરિવારે નોકરીની જાહેરાત ઇન્ટરનેટ પર આ તો સાઉદી ના લોકોએ રસ દાખવ્યો, પણ જૂજ લોકો નોકરી કરવા આવ્યા. લોકો કામના કલાકો અને રજા અંગે સહમત નહોતા.

ઘણાં લોકોએ તો નોકરી શરૂ કરીને છોડી દીધી. આ રિપોર્ટ પ્રમાણે, આ પરિવારે બે ભારતીઓને સાઉદીના લોકોને તાલીમ આપવા માટે નિયુક્ત કર્યા હતા.

હવે સેલ્સમૅનના કામમાં પણ સાઉદીના લોકોને રાખવાના નિર્ણયથી ત્યાં કામ કરતા ભારતીયોને અસર થઈ શકે છે.

સાઉદીમાં કામ કરતા ભારતીય સેલ્સમૅનોએ મજબૂરીમાં ભારત પરત આવવું પડે એવી શક્યતા છે.

વિદેશી કામદારો માટે મોંઘા વીઝા

ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, સાઉદી વિદેશી કામદારો માટે વિઝા મોંઘા કરવા જઈ રહ્યું છે.

સાઉદીમાં ખાનગી કંપનીમાં સાઉદીના નાગરિકોની તુલનામાં વધારે વિદેશી કામદારો હોય તો દંડ ભરવો પડે છે.

આ નિયમ સાઉદીના શ્રમ મંત્રાલયે બનાવ્યો છે. સાઉદીની કંપનીના માલિકોનું કહેવું છે કે સરકાર નિયમો માનવા માટે મજબૂર કરે છે, પણ સાઉદીમાં આ ક્ષેત્રના કુશળ લોકો ક્યાં છે?

ઝેદ્દામાં એક જાહેરાત કંપનીના મૅનેજર અબુઝા-યેદે વૉલ સ્ટ્રીટ જનરલને કહ્યું હતું કે, સાઉદીના કામદાર પગાર લે છે પણ બરાબર કામ કરતા નથી.

અબુઝાની જાહેરાત કંપની પર 65 હજાર રિયાલનો દંડ થયો અને વિદેશી કામદારોના વીઝાની અરજી પણ રોકી દેવાઈ હતી. અબુઝાનું કહેવું છે કે તેમની કંપની આ વર્ષના અંત સુધી ચાલે તો પણ જ ઘણું છે.

સાઉદીમાં ખાનગી કંપનીઓની ત્યાંના શાસન વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે. આ મહિનાની શરૂઆતમાં કિંગ સલમાને આ ફરીયાદોનો નિકાલ લાવવા માટે અબુલ અઝીઝને મંત્રી બનાવ્યા હતા.

ધ અરબ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, સોનાની ઇન્ડસ્ટ્રીથી વિદેશી સેલ્સમૅનને બહાર કર્યા બાદ સરકાર સાઉદીકરણની નીતિનું વિસ્તરણ કરવા જઈ રહી છે. એટલે હવે સાઉદીમાં વિદેશી લોકો માટે કામ કરવું સરળ નહીં હોય.

સાઉદી સરકારે તાજેતરમાં પાણી, વીજળી અને ઇંધણ પર અપાતી સબસિડીમાં કાપ મૂક્યો હતો અને પાંચ ટકા વૅટ લગાવ્યો હતો, ત્યારે સરકાર તેને સંતુલિત કરવા માટે પોતાના નાગરિકોને રોજગારી આપવા પર વધારે ભાર મૂકે છે.

સાઉદીકરણની નીતિના કારણે જ્વેલરીની ઘણી દુકાનો બંધ કરવી પડી છે, પણ આ વર્ષે ડિસેમ્બરમાં તેમાં ફરી તેજી જોવા મળે તેવી શક્યતા છે.

ધ અરબ ન્યૂઝનું કહેવું છે કે, સાઉદીના લોકો ઓછા કલાકો કામ કરવા માંગે છે અને શિફ્ટમાં કરવાનું ઓછું પસંદ કરે છે.

આ રિપોર્ટ પ્રમાણે, સાઉદીના લોકો વિદેશના પ્રશિક્ષિત કામદારોની તુલનામાં બમણું વેતન માંગે છે.

સાઉદીકરણની નીતિ કેટલી અસરકારક

સાઉદીની સરકારનું કહેવું છે કે 'સાઉદીકરણ'ની નીતિ દ્વારા આ દેશમાં વધતી બેરોજગારી પર કાબૂ મેળવી શકાશે, પણ ઘણાં તજજ્ઞોનું માનવું છે કે તેની કોઈ અસર નહીં થાય.

વૉશિંગટનમાં અરબ ગલ્ફ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યુટના સ્કૉલર કોરેન યુંગે ધ અરબ ન્યૂઝને કહ્યું, "સાઉદીની શ્રમ શક્તિને સર્વિસ સેક્ટરના વર્તમાન માળખામાં પરિવર્તિત કરવું સરળ નથી. તેમાં દસ વર્ષથી પણ વધારે સમય લાગી શકે છે.

"આ સાંસ્કૃતિક સ્વરૂપે પરિવર્તિત થવાનો મામલો છે. સર્વિસ, રીટેલ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સાઉદી લોકો માટે કામ કરવું સરળ નથી."

સાઉદી ગેઝૅટ અખબારમાં કૉલમિસ્ટ મોહમ્મદ બાસવાનીએ લખ્યું છે, "કંપનીઓનું કહેવું છે કે સાઉદીના લોકો આળસુ હોય છે અને કામ કરવા ઇચ્છતા નથી.

"અમારે પહેલાં સાઉદીના લોકોને કામ કરવા યોગ્ય બનાવવા સાથે અવધારણા બદલવાની જરૂર છે. સાઉદીકરણ એક ખોટી નીતિ છે જે ખતમ કરવાની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો