ટ્રમ્પ અને કિમની મંત્રણા પછી ઉત્તર કોરિયાના અણુશસ્ત્રોનું શું થશે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, કુલદીપ મિશ્ર
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષના ઑગસ્ટ સુધી ઉત્તર કોરિયા બાબતે આકરી ભાષામાં વાત કરતા હતા, પણ આ વર્ષે જૂનમાં તેમનો અંદાજ અને શબ્દોની પસંદગી બદલાઈ ગઈ હતી.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે સિંગાપોરમાં મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, "ભૂતકાળ આપણું ભવિષ્ય નક્કી કરે એ જરૂરી નથી.
"અતીતના વિવાદને ભવિષ્યમાં યુદ્ધ નહીં કરવાના કરારમાં પલટી શકાય છે."
"ચેરમેન કિમ અને મેં હમણાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કોરિયન દ્વિપકલ્પને અણુશસ્ત્રોથી સંપૂર્ણપણે મુક્ત કરવાની પોતાની અટલ પ્રતિબદ્ધતાનો તેમણે કરારમાં પુનરોચ્ચાર કર્યો છે."
"અમે આ કરારના વહેલામાં વહેલી તકે અમલ માટે નક્કર મંત્રણા કરવા માટે પણ સહમત થયા છીએ."
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની એ તસવીરોએ રાજકીય પટલ પર આશા જન્માવી છે તેમાં કોઈ શંકા નથી.
બન્ને દેશો વચ્ચેની તંગદિલીનું પ્રમાણ થોડાક મહિનામાં જ એકદમ ઘટી ગયું છે, પણ સવાલ એ છે કે શું આ મુલાકાતે અત્યાર સુધીની તમામ આશંકાને પણ ખતમ કરી નાખી છે?

સાફ દાનત, યોગ્ય નિઃશસ્ત્રીકરણ?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો કહી ચૂક્યા છે કે ઉત્તર કોરિયા નિઃશસ્ત્રીકરણનો ઈરાદો વ્યક્ત કરશે પછી જ તેના પરના આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુદ્દો એ છે કે ભરોસો ન કરી શકાય એવો આ દેશ નિ:શસ્ત્રીકરણની દિશામાં સાફ દાનત સાથે કામ કરશે?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કોરિયન સ્ટડીઝનાં પ્રોફેસર વૈજયંતિ રાઘવનને ખાતરી નથી.
વૈજયંતિના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સંબંધ અને સલામતીની બાબતોમાં અણુ નિઃશસ્ત્રીકરણની વાતનો અર્થ, અણુશસ્ત્રોનો એક પછી એક નાશ કરવો અને તેની ચકાસણી કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સી કરે એવો થાય.
વૈજયંતિ કહે છે, "ઉત્તર કોરિયાના સંદર્ભમાં અણુ નિઃશસ્ત્રીકરણનો ચુસ્ત અમલ થશે એવું મને લાગતું નથી."
"આ કરારમાં હાલ માત્ર પ્રતિબદ્ધતાની વાત કરવામાં આવી છે અને તેનો અર્થ એવો થઈ શકે કે અણુ કાર્યક્રમને આગળ વધારવામાં નહીં આવે અને મિસાઇલ પરીક્ષણ નહીં કરવામાં આવે."
"આપણે આ અણુ નિઃશસ્ત્રીકરણને મર્યાદિત અર્થમાં સમજવું જોઈએ."

અમેરિકાની અપેક્ષા સંતોષાશે?

ઇમેજ સ્રોત, AFP
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલા કરારમાં સમગ્ર કોરિયન દ્વીપકલ્પના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની વાત કરવામાં આવી છે.
તેનો અર્થ એ થાય કે દક્ષિણ કોરિયામાં અમેરિકાની અણુ સબમરીન તથા શસ્ત્રો હશે તો તેને પણ અમેરિકાએ પાછાં લેવાં પડશે.
ઉત્તર કોરિયાનાં અણુશસ્ત્રો અને ટેક્નૉલૉજી સંબંધે અમેરિકાની અપેક્ષા શું હશે?
આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકાર અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ ડેલાવેયરમાં પ્રોફેસર તરીકે કાર્યરત મુક્તદર ખાન કહે છે, "ઉત્તર કોરિયાનાં શસ્ત્રો ચીન કે અમેરિકા કે રશિયાને આપી દે અથવા તેને વૈજ્ઞાનિક રીતે ડીગ્રેડ કરી દે એ શક્ય છે."
જોકે, મુક્તદર ખાન અણુશસ્ત્રો બનાવવાની દુર્લભ ટેક્નૉલૉજીના મહત્ત્વને રેખાંકિત કરતાં જણાવે છે કે અણુ ટેક્નૉલૉજીનો સૌથી મહત્ત્વનો હિસ્સો યુરેનિયમના સંવર્ધનનો હોય છે.
મુક્તદર ખાન કહે છે, "જે પ્લાન્ટમાં યુરેનિયમનું 99 ટકા સુધી સંવર્ધન એટલે કે શુદ્ધિકરણ કરવામાં આવે, બંધ કરવામાં આવે, તેના સેંટ્રીફ્યુઝીસને નષ્ટ કરવામાં આવે એવો મકસદ અમેરિકાનો હશે."
"તેનો અર્થ એવો થાય કે દસ વર્ષ બાદ ઉત્તર કોરિયામાં કોઈ નવી સરકાર આવશે તો પણ એકડે એકથી પ્રારંભ કરવો પડશે."
"અમેરિકા એવું ઇચ્છે છે, પણ વાસ્તવમાં એવું થશે નહીં. અણુશસ્ત્રો ગૂમાવવાની સાથે ઉત્તર કોરિયા તેની એકમાત્ર શક્તિ પણ ગૂમાવી દેશે."
"તેના પર ભરોસો કરી શકાય એમ નથી એ અમેરિકા સાબિત કરી ચૂક્યું છે. ઈરાનના કિસ્સામાં એ અણુકરાર તોડી ચૂક્યું છે."

શું થયું હતું લીબિયામાં?

ઇમેજ સ્રોત, Reuters
ઈરાનનો દાખલો તો કિમ જોંગ ઉનના ધ્યાનમાં પણ હશે, પરંતુ માત્ર ઈરાન જ નથી. તેઓ લીબિયા વિશે પણ વિચારતા હશે.
તેનો ઉલ્લેખ અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જોન બોલ્ટને કિમ અને ટ્રમ્પની મુલાકાત પૂર્વે સૌથી પહેલાં કર્યો હતો.
ઉત્તર કોરિયા પાસેથી અમેરિકાને શું આશા છે તેની વાત કરતાં જોન બોલ્ટને એક ટીવી ચેનલને કહ્યું હતું, "મને લાગે છે કે આ યોગ્ય છે. લીબિયા મૉડેલ પણ અમારા ધ્યાનમાં છે."
"તેનો અર્થ તમામ અણુશસ્ત્રોથી પીછો છોડાવવાનો, તેને નષ્ટ કરવાનો અને અમેરિકાના ટેનેસી સ્થિત ઓક રિજ લઈ જવાનો છે."
જોન બોલ્ટન 2003માં જ્યોર્જ બુશના કાર્યકાળમાં લીબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફી સાથે નિ:શસ્ત્રીકરણ બાબતે થયેલા કરારની વાત કરી રહ્યા હતા.
એ ઉલ્લેખની સાથે તેમણે લીબિયાના તત્કાલીન શાસક મુઅમ્મર ગદ્દાફીના અંજામની યાદ પણ તાજી કરી હતી.
કરારના આઠ વર્ષ પછી 2011માં મુઅમ્મર ગદ્દાફીએ તેમના દેશમાં પશ્ચિમ સમર્થિત સશસ્ત્ર વિદ્રોહનો સામનો કરવો પડ્યો હતો. ગદ્દાફીએ પણ તેનો જવાબ હિંસાથી આપ્યો હતો.
આખરે ગદ્દાફી એ લડાઈ હારી ગયા હતા. શસ્ત્રધારી વિદ્રોહી લડવૈયાઓએ સિર્તના એક રસ્તા ઉપર ગદ્દાફીની હત્યા કરી હતી.

ગદ્દાફીના અંજામની સ્મૃતિ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના એ સમયના ઉત્તર અમેરિકાના એડિટર માર્ક માર્ડેલના જણાવ્યા મુજબ, હિલેરી ક્લિન્ટનને ગદ્દાફીના મોતના સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું, "વાહ."
જોકે, મુક્તદર ખાન કહે છે, "જોન બોલ્ટને ઉત્તર કોરિયાના સંદર્ભમાં લીબિયાના મૉડેલનો જે ઉલ્લેખ કર્યો હતો તેને ખોટી રીતે સમજવામાં આવ્યો છે."
"જોન બોલ્ટનનો સંદર્ભ 2003નો હતો. એ સમયે લીબિયાનો અણુ કાર્યક્રમ પ્રારંભિક સ્તરે હતો. એમ સમજો કે લીબિયા મોટરકાર બનાવવા ઇચ્છતું હતું."
"તેણે ટાયર બનાવ્યું હતું અને કહ્યું હતું કે અમે હવે ટાયર નહીં બનાવીએ. તમે અમને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સામેલ કરી લો, આર્થિક સહાય આપો વગેરે વગેરે."
"તેથી 2003ના કરાર બાદ લીબિયા માટે અણુશસ્ત્રો તરફ પાછા ફરવાનો કોઈ માર્ગ બચ્યો ન હતો. જોન બોલ્ટન ઇચ્છતા હતા કે નિ:શસ્ત્રીકરણ પછી ઉત્તર કોરિયા પાસે પણ એવો કોઈ વિકલ્પ ન રહે."
"અલબત, લોકો એવું સમજ્યા છે કે કર્નલ ગદ્દાફીની જેવી હાલત થઈ એવી હાલત કિમ જોંગ ઉનની પણ થશે એવું જોન બોલ્ટને કહ્યું હતું."

લીબિયા અને ઉત્તર કોરિયા વચ્ચેનો ફરક

ઇમેજ સ્રોત, KCNA
ઉત્તર કોરિયાને તેની લીબિયા સાથેની સરખામણી ગમી ન હતી તેનું કારણ એ છે કે લીબિયાનો અણુ કાર્યક્રમ એ વખતે એકદમ પ્રારંભિક તબક્કામાં હતો.
બીજી તરફ ડિફેન્સ ઍન્ડ ઇન્ટેલિજન્સ એજન્સીના અનુમાન મુજબ, ઉત્તર કોરિયા પાસે 2017માં જ અંદાજે 60 અણુશસ્ત્રો હતાં.
વૈજયંતિ રાઘવનના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયાનો અણુ કાર્યક્રમ જે તબક્કે પહોંચ્યાનું જણાવવામાં આવે છે ત્યાં સુધી પહોંચ્યા પછી કોઈ દેશે નિઃશસ્ત્રીકરણ કર્યું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ વાત વણસે તેવું ઇચ્છતા ન હતા. તેથી તેમણે જોન બોલ્ટનના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું એટલું જ નહીં, પણ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ઉત્તર કોરિયા વિશે બેજવાબદાર નિવેદન નહીં કરવાનો આદેશ પણ તેમણે તેમના પ્રધાનોને આપ્યો હતો.

"અણુશસ્ત્રો ન હોય તો.."

ઇમેજ સ્રોત, Getty Images
જોન બોલ્ટનના નિવેદનને ભલે ખોટી રીતે સમજવામાં આવ્યું હોય, પણ તેનાથી આખી દુનિયાને કર્નલ ગદ્દાફીની કહાણી તો યાદ આવી જ ગઈ છે.
જોકે, મુક્તદર ખાન માને છે કે લીબિયા જેવી ભૂલ ઉત્તર કોરિયા નહીં કરે.
મુક્તદર ખાન કહે છે, "ઉત્તર કોરિયા એટલું બેવકૂફ નથી. મને યાદ છે કે પહેલા અખાતી યુદ્ધમાં અમેરિકાએ ઈરાકને થોડા દિવસોમાં હરાવ્યું ત્યારે ભારતના તત્કાલીન સંરક્ષણ પ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે આ ઘટનામાંથી તમે શું સમજ્યા?
"ભારતના સંરક્ષણ પ્રધાને જવાબ આપ્યો હતો કે તમારી પાસે અણુશસ્ત્રો ન હોય તો અમેરિકા સાથે બહુ ઝઘડો ન કરવો."
મુક્તદર ખાનના મતાનુસાર, ઉત્તર કોરિયા જાણે છે કે તેની પાસે અણુશસ્ત્રો ન હોત તો તેની હાલત પણ ઈરાન જેવી થઈ હોત. પ્રતિબંધોના બોજને કારણે તેઓ સત્તા પરિવર્તન માટે મજબૂર થઈ જશે.
મુક્તદર ખાન કહે છે, "ઉત્તર કોરિયાનું નેતૃત્વ મારી પાસેથી સલાહ માગશે તો હું એમ કહીશ કે તેણે નિઃશસ્ત્રીકરણ તો ક્યારેય ન કરવું જોઈએ, અન્યથા તેની કોઈ હેસિયત જ નહીં રહે."

ફરી વિવાદની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
મુક્તદર ખાન એમ પણ જણાવે છે કે અમેરિકાની રાજકીય જમાતનો એક હિસ્સો આ કરારથી રાજી નથી, કારણ કે અમેરિકાને તેમાંથી ખાસ કંઈ મળ્યું નથી.
વૈજયંતિ રાઘવન માને છે કે બન્ને દેશો વચ્ચે એવા કેટલાય મુદ્દા છે, જેને કારણે નજીકના ભવિષ્યમાં ફરી વિવાદ સર્જાઈ શકે છે અને પરિસ્થિતિ બગડી શકે છે.
વૈજયંતિ રાઘવન કહે છે, "અમે દક્ષિણ કોરિયામાં સૈન્ય અભ્યાસ બંધ કરીશું એવું ટ્રમ્પે કહ્યું છે. આ વાત તેમણે દક્ષિણ કોરિયા સાથે વાત કરીને કહી હોય એવું મને નથી લાગતું.
"દક્ષિણ કોરિયાને એવું લાગી શકે કે તેમની સાથે સહયોગની પ્રતિબદ્ધતામાંથી ડોનાલ્ડ ટ્રમ્પ પારોઠના પગલાં ભરી રહ્યા છે."
જોકે, દેશોએ સફળતાપૂર્વક નિઃશસ્ત્રીકરણ કર્યું હોય અને તેનો લાભ તેમને મળ્યો હોય એવું ભૂતકાળમાં બન્યાના ઉદાહરણ પણ છે.
મુક્તદર ખાન કહે છે, "બ્રાઝિલ, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા અને સ્વીડન તેનાં ઉદાહરણ છે."
"સોવિયેત સંઘ પછીના દૌરમાં કઝાખસ્તાન, બેલારુસ અને યુક્રેન પાસે પણ 100થી વધારે અણુશસ્ત્રો હતાં, પરંતુ તેમણે એ બધાં આપી દીધાં હતાં અને તેના બદલામાં તેમને પશ્ચિમી દેશો પાસેથી અબજો ડોલરની મદદ મળી હતી."
"ઉત્તર કોરિયા આ વાતચીતને સારી રીતે મેનેજ કરે, તબક્કાવાર આગળ વધારે તો તેને પણ ઘણો ફાયદો થઈ શકે છે."
અત્યારે બધું એકદમ સ્થિર અને શાંત લાગે છે, પણ કિમ જોંગ ઉન સાથેની મુલાકાત પછી ડોનાલ્ડ ટ્રમ્પે સિંગાપુરમાં લાંબુ ભાષણ કર્યું ત્યારે બધી હકારાત્મક બાબતોની સાથે તેમણે પણ એક પંક્તિમાં જણાવી દીધું હતું કે કિમ જોંગ ઉનના વાયદા વિશેની આશંકા સંપૂર્ણપણે નિર્મૂળ થઈ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, "તેઓ આમ કરશે એવું મને લાગે છે. હું ખોટો પડી શકું છું. છ મહિના પછી હું તમારી સામે ફરી હાજર થઈને એમ કહું કે હું ખોટો હતો એ પણ શક્ય છે.
"હું એ ક્યારેય સ્વીકારી શકીશ કે નહીં એ ખબર નથી, પણ કોઈ કારણ જરૂર શોધી કાઢીશ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















