ચીન: દક્ષિણ ચીન સમુદ્ર બાબતે અમેરિકા સંભાળીને બોલે

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

સિંગાપુરમાં ક્ષેત્રિય સલામતી સંમેલનમાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનાં સૈન્યની હાજરી બાબતે આપેલા નિવેદન પછી ચીન અને અમેરિકા વચ્ચે જોરદાર જીભાજોડી શરૂ થઈ છે.

જેમ્સ મેટિસે કહ્યું હતું કે ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં તેની સૈન્ય હાજરી વધારીને પાડોશી દેશોને ડરાવી રહ્યું છે.

જેમ્સ મેટિસના આ નિવેદનને ચીને બેજવાબદાર ગણાવ્યું હતું.

ચીનના લેફટેનેન્ટ જનરલ હી લીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચીનને તેના વિસ્તારમાં ક્યાંય પણ સૈન્ય અને શસ્ત્રો ગોઠવવાનો અધિકાર છે.

હી લીએ પણ આ નિવેદન સિંગાપુરમાં ક્ષેત્રિય સલામતી સંમેલનમાં જ આપ્યું હતું.

હી લીએ જણાવ્યું હતું કે ચીને રાષ્ટ્રીય સલામતી નીતિના ભાગરૂપે દક્ષિણ ચીન સમુદ્રમાં સૈન્ય ગોઠવ્યું છે.

હી લીએ કહ્યું હતું, "દક્ષિણ ચીન સમુદ્રમાં શસ્ત્રો ગોઠવવાનો હેતુ તેના પર અન્યોને કબજો કરતા રોકવાનો છે."

"જ્યાં સુધી એ અમારો વિસ્તાર છે ત્યાં સુધી અમે ત્યાં સૈન્ય ગોઠવી શકીએ છીએ અને શસ્ત્રો પહોંચાડી શકીએ છીએ."

"કોઈ અન્ય દેશ એ બાબતે ઉહાપોહ કરશે તો અમે તેને અમારા આંતરિક મામલામાં દખલગીરી ગણીશું."

line

અમેરિકન સૈન્યની કાબેલિયત

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, AFP

બીજી તરફ અમેરિકાના લેફટેનેન્ટ જનરલ જોઈન્ટ સ્ટાફ ડિરેક્ટર કેનેથ મેકેંઝીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમેરિકાનું સૈન્ય પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં નાના-નાના દ્વીપોને નષ્ટ કરવાનો અનુભવ ધરાવે છે અને એવું કરવું અમેરિકન સૈન્યની મૂળભૂત કાબેલિયતમાં સામેલ છે.

લેફટેનેન્ટ જનરલ મેકેંઝીને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકન સૈન્ય કૃત્રિમ ટાપુઓને નષ્ટ કરી શકે છે કે કેમ.

લેફટેનેન્ટ જનરલ મેકેંઝીએ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સૈન્યની કામગીરીના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના નિવેદનને તથ્યના પુનરુચ્ચારથી વધારે મહત્ત્વ આપવું ન જોઈએ.

અલબત, લેફટેનેન્ટ જનરલ મેકેંઝીના આ નિવેદનથી એવો સવાલ ઉઠ્યો છે કે શું તેઓ ચીનને ધમકી આપી રહ્યા હતા?

line

શું કહે છે ચીન?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના એક તંત્રીલેખમાં જણાવ્યું હતું કે લેફટેનેન્ટ જનરલ મેકેંઝીનો ઇરાદો ભલે ગમે તે હોય, પણ મીડિયા રિપોર્ટ્સથી તો ધમકીનો જ આભાસ થયો હતો.

ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું, "અમેરિકા પાસે દેખીતી રીતે એવી ક્ષમતા છે, પણ તેની યાદ લોકોને અપાવવી એ ઘણીવાર રાજકીય ઉશ્કેરણી ગણવામાં આવી શકે છે. મેકેંઝી આ પાઠ પણ તેમના સૈન્ય શિક્ષણ દરમ્યાન ભણ્યા હશે."

ગ્લોબલ ટાઈમ્સે એમ પણ લખ્યું હતું, "વાસ્તવમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પાસે પણ ચીની દ્વીપ પરના કોઈ પણ હુમલાના સ્રોતને નષ્ટ કરવાની ક્ષમતા છે."

"તેમાં લશ્કરી થાણાઓ તથા સહાયક સમુદ્રી પ્લેટફોર્મ્સનો પણ સમાવેશ થાય છે. આ બાબત પણ ચીની સૈન્યની મૂળભૂત કાબેલિયત છે."

ગ્લોબલ ટાઈમ્સે ઉમેર્યું હતું, "ચીનનું સંરક્ષણ મંત્રાલય કે કોઈ જનરલ આ વાત અમેરિકાને ભારપૂર્વક જણાવતા નથી. ચીનનું સૈન્ય દેખીતી રીતે વધારે સંયમ ધરાવે છે."

ગ્લોબલ ટાઈમ્સે સવાલ કર્યો હતો, "ચીનના ટાપુને નષ્ટ કરવાનો અર્થ શું છે? શું તે ચીન સામે યુદ્ધની જાહેરાત છે?"

"અણુશક્તિ ધરાવતા દેશ વિરુદ્ધ અમેરિકા આવો પ્રયાસ કરે એવું અમને નથી લાગતું, પણ અમેરિકાની વર્તમાન સરકાર, તેની અગાઉની સરકારોની સરખામણીએ કંઈક વધારે ડંફાસ મારતી હોય છે."

આ તંત્રીલેખમાં અમેરિકાના જનરલોને એવી સલાહ આપવામાં આવી છે કે તેઓ અમેરિકન મીડિયાના પ્રભાવમાં આવીને ઉશ્કેરણીજનક નિવેદનો ન કરે.

line

છ દેશનો દાવો

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ચીનનું કહેવું છે કે નાનશા દ્વીપ પરનું નિર્માણ કાર્ય તેના સાર્વભૌમત્વમાં સામેલ છે અને ત્યાં રક્ષણાત્મક હથિયારો ગોઠવવાં એ વૃક્ષો ઉગાડવા જેવું છે.

ચીનના જણાવ્યા મુજબ, આ ક્ષેત્રમાં અન્ય દેશોની સરખામણીએ અમેરિકાની સૈન્ય હાજરી સૌથી વધારે છે.

તેમ છતાં અમેરિકા ચીન પર આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં સૈન્ય ગોઠવવાનો આક્ષેપ કરે છે.

દક્ષિણ ચીન સમુદ્ર મહત્ત્વનો સમુદ્રી માર્ગ છે અને તેના પર છ દેશો માલિકીનો દાવો કરી રહ્યા છે.

ચીન ત્યાં નાના-નાના કૃત્રિમ દ્વીપો બનાવી રહ્યું છે અને તેના પર સૈન્ય સામગ્રી ગોઠવવામાં આવી રહી છે.

ચીને ગયા મહિને જ જણાવ્યું હતું કે તેણે દૂર સુધી બોમ્બવર્ષા કરવાની ક્ષમતા ધરાવતાં વિમાનો કૃત્રિમ દ્વીપો પર ઊતાર્યાં છે.

અમેરિકાનું કહેવું છે કે ચીનની આવી ગતિવિધિને કારણે ક્ષેત્રમાં અશાંતિ તથા અસ્થિરતા ફેલાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો