રૉયલ વેડિંગ: પ્રિન્સ હેરી અને મેધન માર્કેલનાં લગ્નનું એ ટુ ઝેડ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રાજવી પરિવારની ગતિવિધિની ગંભીરતાપૂર્વક નોંધ લેતા હોલીવૂડથી માંડીને હેમ્પશાયર સુધીના તમામ લોકોમાં પરિકથા જેવાં આ લગ્ને ઉત્સુકતા જગવી છે, પણ કેટલાક સવાલોના જવાબ જાણી લેવા જરૂરી છે.

હવે કોનાં લગ્ન થવાનાં છે?

ક્વીનનાં પૌત્ર અને પ્રિન્સ ઓફ વેલ્સ તથા સદગત પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયનાના પુત્ર પ્રિન્સ હેરી હોલીવૂડનાં અભિનેત્રી મેઘન માર્કલનેને પરણવાના છે.

રાજવંશમાં પ્રિન્સ હેરીનો ક્રમ છઠ્ઠો છે, જ્યારે ટેલિવિઝન ડ્રામા 'સ્યૂટ્સ'માંની ભૂમિકા માટે મેઘન માર્કલ જાણીતાં છે.

તેમની મુલાકાત એકમેકના દોસ્તો મારફત 2016માં થઈ હતી. એક રાતે તેઓ સાથે મળીને ચિકન શેકતાં હતાં, ત્યારે પ્રિન્સે મેઘલ સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી હતી.

line

રાજવી પરિવારમાંના આ લગ્ન ક્યારે યોજાવાનાં છે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલનાં લગ્ન શનિવાર, 19 મેએ યોજાવાનાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

લગ્ન સમારંભ ક્યારે શરૂ થશે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

લંડનથી પશ્ચિમમાં 34 કિલોમીટર દૂર વિન્ડસર કેસલસ્થિત સેન્ટ જ્યોર્જિસ ચેપલમાં સ્થાનિક સમય અનુસાર, બપોરે લગ્ન સમારંભ યોજાશે.

તેનો અર્થ એ થયો કે તમે દિલ્હીમાં હશો તો આ લગ્ન બપોરે સાડાચારે, મોસ્કોમાં બપોરે બે વાગ્યે અને બીજિંગમાં સાંજે સાત વાગ્યે નિહાળી શકશો.

line

રૉયલ વેડિંગ નિહાળવાં કઈ રીતે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

અમે અમારી વેબસાઇટ પર લગ્ન સમારંભનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનાં છીએ. બીબીસી વર્લ્ડ ન્યૂઝ, બીબીસી અમેરિકા અને બીબીસી કેનેડા આ સમારંભનું પ્રસારણ આખો દિવસ કરશે.

લગ્ન વિશેની તાજી માહિતી જાણવા માટે તમે બીબીસી વર્લ્ડ સર્વિસ રેડિયો પણ સાંભળી શકો છે.

બ્રિટનમાં તેનું કવરેજ સ્થાનિક સમય અનુસાર, સવારના નવ વાગ્યાથી બીબીસી વન, બીબીસી ન્યૂઝ ચેનલ અને આઈપ્લેયર પર શરૂ થશે.

તમે બીબીસી રેડિયો-2 પણ સાંભળી શકો છો અને રેડિયો-4ના ટૂડેઝ પ્રોગ્રામમાં અને બીબીસી રેડિયો-5ના લાઇવ બ્રેકફાસ્ટમાં તેનું ખાસ પ્રસારણ પણ કરવામાં આવશે.

તમામનું વિન્ડસરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

line

રૉયલ વેડિંગનું ટામટેબલ શું છે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

ચર્ચમાં સર્વિસ પછી નવદંપતિનો વરઘોડો ક્વિનના સત્તાવાર નિવાસસ્થાનો પૈકીનો એક વિન્ડસર કેસલ જ્યાં આવેલો છે એ વિન્ડસર ટાઉનથી શરૂ થશે.

નવદંપતીએ સત્તાવાર અને પરંપરાગત સરકારી ઉત્સવો માટે ઉપયોગમાં લેવાતા એસ્કોટ લેન્ડો કેરેજની પસંદગી કરી છે.

વરઘોડો વિન્ડસર કેસલસ્થિત શાહીભોજના સ્થળ સેન્ટ જ્યોર્જ હોલ ખાતે પૂરો થશે. ક્વીને આશરે 600 લોકો માટે ભોજન સમારંભ સાથે રિસેપ્શનનું આયોજન કર્યું છે.

સાંજે નવદંપતિ તેમના નજીકના 200 દોસ્તો સાથે ફ્રોગમોર હાઉસ જશે.

એ રાજવી પરિવારનું નિવાસસ્થાન છે, જે તેમની સગાઈના ફોટોગ્રાફ્સમાં જોવા મળ્યું હતું.

line

રૉયલ વેડિંગમાં શા માટે રસ લેવો?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

તમે સાંગોપાંગ રોમૅન્ટિક વ્યક્તિ છો? તમે લગ્નમાં રડો છો? સમૃદ્ધ અને વિખ્યાત લોકોની જીવનશૈલી વિશે જાણવામાં તમને રસ પડે છે?

આ પૈકીના કોઈ પણ સવાલનો જવાબ જો 'હા' હોય તો તમને રોયલ વેડિંગમાં રસ જરૂર પડશે. રૉયલ વેડિંગ પ્રેમ અને પરંપરાનો ઉત્કૃષ્ટ પ્રસંગ બની રહેશે એ નક્કી છે.

તમારા દેશમાં રાજાશાહી હોય કે નહીં, તમે રાજાશાહીના વિચાર સાથે સહમત હો કે નહીં, પણ થોડો ઠાઠમાઠ, રોમાન્સ અને ગ્લેમર કોને પસંદ નથી હોતું?

બ્રિટન જઈને રૉયલ વેડિંગ વ્યક્તિગત રીતે નિહાળી શકાય?

આમંત્રણ વિના જઈ ચડતા લોકોને ખદેડી મૂકવામાં આવે એવું બની શકે, પણ રૉયલ વોચર્સ લગ્નના સમયે વિન્ડસર જઈ શકે અને વરઘોડો નિહાળી શકે અથવા સંખ્યાબંધ કૉમ્યુનિટી કે પબ પાર્ટીમાં હાજરી આપીને ઊજવણી કરી શકે.

લાંબી લાઈનો લાગી હશે. હોટેલ્સમાં જગ્યા નહીં મળે અને લોકોનાં ટોળેટોળાં એકઠાં થયા હશે એ ભૂલશો નહીં.

line

આખું બ્રિટન થંભી જશે?

સૈનિકો.

ઇમેજ સ્રોત, PA

ના, પણ તમને ભીડ પસંદ ન હોય તો લગ્નના દિવસે વિન્ડસર જવાનું ટાળજો.

બ્રિટનમાં ટેલિવિઝન માટે એ નિશ્ચિત રીતે મોટો પ્રસંગ હશે, પરંતુ એ દિવસે શનિવાર છે એટલે ઘણા બ્રિટનવાસીઓ તેમના વીકેન્ડની ઊજવણી રાબેતા મુજબ જ કરશે.

ફૂટબોલપ્રેમીઓની વાત કરીએ તો એ દિવસે એફએ કપની ફાઇનલ મેચ રમાવાની છે એટલે તેમના માટે એ વધારે મહત્ત્વની હશે.

line

કેટલા લોકો રૉયલ વેડિંગ નિહાળશે?

મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેઘન માર્કેલ.

2011માં પ્રિન્સ વિલિયમ અને કેટ પરણ્યાં ત્યારે 2.4 કરોડથી વધુ બ્રિટનવાસીઓએ એ પ્રસંગને ટીવી પર નિહાળ્યો હતો. પરિણામે એ પ્રસંગને બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ લોકો દ્વારા નિહાળવામાં આવેલા ટોચના દસ કાર્યક્રમોમાં સ્થાન મળ્યું હતું.

1966ની વર્લ્ડ કપની ફાઇનલ 3.23 કરોડ લોકોએ અને 1997માં પ્રિન્સેસ ડાયનાની અંતિમયાત્રા3.21 કરોડ લોકોએ નિહાળી હતી.

જોકે, ડિજિટલ યુગમાં મહત્વની ઘટનાને નિહાળવાના ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. બીબીસીનાં તમામ પ્લેટફોર્મ્સ પરના દર્શકોની સંખ્યા 2011માં 3.4 કરોડનાં આંક પર પહોંચી હતી.

હેરી અને મેઘનનાં લગ્નને દુનિયાભરનાં અબજો લોકો નિહાળશે એવી આશા છે.

લગ્નની વ્યૂઇંગ પાર્ટીનું આયોજન કરનારી કૉમ્યુનિટીઝ પાસેથી બીબીસી લાઇસન્સ ફી લેવાની નથી અને બ્રિટન સરકારે લગ્ન પહેલાંની તથા પછીની રાતે પબ્ઝ માટે લાયસન્સની મુદ્દત વધારી છે.

line

લગ્નપ્રસંગ કેવો હશે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

ક્વીન ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડના વડાં છે અને ચર્ચ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીધર્મની એક શાખા એંગ્લિકન કૉમ્યુનિયનનો એક ભાગ છે.

તેનો અર્થ એ થાય કે રાજવી પરિવારના સભ્યો ચર્ચના સક્રિય સભ્ય હોવા જોઈએ. તેથી મેઘન માર્કેલને કેન્ટરબરીના આર્કબિશપ રેવરન્ડ જસ્ટિન વેલ્બીએ માર્ચમાં ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડની દીક્ષા આપી હતી.

પ્રિન્સ હેરી અને મેઘનના લગ્નની વિધિ પણ જસ્ટિન વેલ્બી કરાવવાના છે. લગ્નવિધિમાં બૂક ઑફ કોમન પ્રેયરમાંથી પ્રતિજ્ઞા અને ધાર્મિક પઠન તથા બાઇબલના કેટલાક હિસ્સાના વાચનનો સમાવેશ થાય છે.

પરંપરાગત ઈંગ્લિશ કોરલ મ્યુઝિક ઉપરાંત કરેન ગિબ્સન ગોસ્પેલ ગ્રુપ તથા ધ કિંગ્ડમ ક્વાયર તથા સેલોંવાદક શેકુ કાન્નેહ-મેસન પણ લગ્નમાં ગાયન-વાદન કરશે.

line

મેઘન માર્કેલ પ્રિન્સેસ બનશે?

મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટિશ રાજવી પરિવાર માટે 'પ્રિન્સેસ' મુશ્કેલ પદવી છે. પ્રિન્સ હેરીનાં પત્ની હોવાને કારણે મેઘન માર્કેલને હર રૉયલ હાઇનેસ પ્રિન્સેસ હેન્રી ઑફ વેલ્સ તરીકે ઓળખવામાં આવશે.

રાજવી પરિવારમાં જન્મેલાં લોકો જ તેમના નામની આગળ 'પ્રિન્સેસ'ની પદવી લગાવી શકે છે.

નવદંપતીને ક્વીન ડ્યૂકનું પદગૌરવ આપે એવી શક્યતા છે. પ્રિન્સ હેરીના ભાઈ તથા ભાભીને ક્વીને ડ્યૂક અને ડચેસ ઑફ કેમ્બ્રિજનું પદગૌરવ આપ્યું હતું.

આ પદગૌરવ સન્માનદર્શક છે અને એ પદગૌરવ પ્રાપ્ત કર્યા પછી મેઘન માર્કેલ ડચેસ બની જશે.

ડાયનાને સત્તાવાર રીતે પ્રિન્સેસ ડાયના ક્યારેય કહેવામાં આવ્યાં ન હતાં. તેઓ પ્રિન્સેસ ઑફ વેલ્સ હતાં અને પ્રિન્સ ચાર્લ્સથી છૂટાછેડા લીધા પછી તેઓ ડાયેના-પ્રિન્સેસ ઑફ વેલ્સ બની રહ્યાં હતાં.

line

મેઘન માર્કેલ રત્નજડિત મુગટ પહેરી શકશે?

મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

પદવી ભલે ગમે તે હોય, પણ મેઘન માર્કેલને રાજવી પરિવારનો મુગટ પહેરશે એમાં કોઈ શંકા નથી.

પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ થયું ત્યારે તેઓ તેમનાં ઘરેણાં તેમની પુત્રવધુઓને આપવા માટે છોડી ગયાં હતાં.

ડચેસ ઑફ કેમ્બ્રિજે ડાયેનાનાં તથા ક્વીનનાં ઘણાં ઘરેણાં સત્તાવાર પ્રસંગોએ પહેર્યાં હતાં.

line

મહેમાનોની યાદીમાં કોનો-કોનો સમાવેશ છે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

પોતાને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની વાતને કેટલીક સેલિબ્રિટીએ જ સમર્થન આપ્યું છે. બીજા ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હશે.

રાજવી પરિવારમાં હાજરી આપી શકાય એટલા માટે સર એલ્ટન જોને તેમના બે કોન્સર્ટ રદ્દ કર્યા છે.

પોતાના ઉપરાંત અન્ય સ્પાઇસ ગર્લ્સને આમંત્રણ આપવામાં આવ્યાનો સંકેત મેલ બીએ આપ્યો છે.

મેઘન માર્કેલનાં ખાસ સખી અને ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રિન્સ હેરીના મહેમાનોની વાત કરીએ તો તેમના પિતા તથા ઓરમાન માતા, ડચેસ ઑફ કોર્નવોલ, ક્વીનનાં અન્ય સંતાનો તથા તેમનાં બાળકો, પ્રિન્સ હેરીનાં ફોઈ, કાકી, માસી, મામી, ફૂઆ, કાકા, માસા, મામાઓ અને પિતરાઈ ભાઈ-બહેનોની હાજરી અપેક્ષિત છે.

મેઘન માર્કલની સાથે તેમના પિતા થોમસ માર્કેલ હશે, તેવી ચર્ચા હતી. બાદમાં વિન્ડસર કેસલ દ્વારા ઔપચારિક નિવેદનમાં જણાવાયું હતું કે તેઓ હાજર નહીં રહે.

થોમસ માર્કલ નિવૃત લાઈટિંગ ડિઝાઈનર છે અને મેક્સિકોમાં રહે છે. તેઓ સ્ટારબક્સની એક સ્થાનિક શોપમાં 'ઈમેજીસ ઓફ બ્રિટનઃ એ પિક્ટોરિઅલ જર્ની થ્રુ હિસ્ટરી' નામનું પુસ્તક તાજેતરમાં વાંચતા જોવા મળ્યા હતા.

મેઘનનાં માતા ડોરિયા રેડલાન પણ દીકરીના લગ્નમાં હાજરી આપશે એવી આશા છે.

વિન્ડસર કેસલના મેદાનમાં યોજનારા પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહત્વના આશરે 1,200 લોકોને આપવામાં આવ્યું છે. તેમાં સખાવતી કાર્યો માટે જાણીતા લોકોનો પણ સમાવેશ થાય છે.

line

કોને-કોને બાકાત રાખવામાં આવશે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

પ્રિન્સ હેરીનાં માતા ડાયના સાથે ડેટિંગ કરવાની મજા બાબતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત મજાક કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પને બાકાત રાખવામાં આવશે અને તેમના પૂરોગામી બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવશે તેવી વાતો સાંભળવા મળે છે. બરાક ઓબામા પ્રિન્સ હેરીના દોસ્ત છે.

એકેય રાજકીય નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેથી બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે અને વિરોધ પક્ષના નેતા જેરેમી કોર્બીન મહેમાનોની યાદીમાંથી બાકાત છે.

મેઘન માર્કલના પિતાના પહેલાં લગ્નનાં બે સંતાનોને પણ મહેમાનોની યાદીમાં સ્થાન મળ્યું નથી.

line

વેડિંગ પાર્ટીમાં કોણ-કોણ હશે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

પ્રિન્સ વિલિયમના 2011માં લગ્ન થયાં ત્યારે પ્રિન્સ હેરી બેસ્ટ મેન એટલે કે અણવર બન્યા હતા. તેથી પ્રિન્સ હેરીના બેસ્ટ મેન પ્રિન્સ વિલિયમ બનશે.

પ્રિન્સ વિલિયમે મજાક કરી હતી, "આ તો મીઠો બદલો છે."

કેન્સિંગ્ટન પેલેસના જણાવ્યા મુજબ, મેઘન માર્કેલની કોઈ સહાયક સખી નહીં હોય અને તેમની બ્રાઇડ્સમેઇડ્સ તથા પેજબોય્ઝ બાળકો જ બનશે.

કેન્સિંગ્ટન પેલેસના કૉમ્યુનિકેશન સેક્રેટરી જેસોન નૌફે જણાવ્યું હતું,"મેઘન માર્કેલ ખાસ દોસ્તોનું એક જૂથ છે અને તેઓ તેમાંથી અમુકની પસંદગી કરીને અન્યોને નારાજ કરવા ઇચ્છતાં નથી."

line

કોણ, ક્યાં બેસશે એ સંબંધે કોઈ નિયમ છે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

રાજવી દંપતી લગ્નજીવનની પ્રતિજ્ઞા લેશે ત્યારે તેમના પરિવારના સભ્યો તેમની સૌથી નજીક બેસશે. પ્રિન્સ વિલિયમ 2011માં કેટને પરણ્યા ત્યારે કેટનાં માતા કેરોલ મિડલટન ક્વીનની બાજુમાં બેઠાં હતાં.

રૉયલ વેડિંગમાં મહેમાન મહિલાઓ વિચિત્ર હેટ્સ શા માટે પહેરે છે?

રૉયલ વેડિંગ વખતે મહેમાન મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી વૈવિધ્યસભર ચિત્ર-વિચિત્ર હેટ્સ અંગ્રેજોએ વિશ્વને આપેલી પહેરવેશ સંબંધી ભવ્યતમ ભેટ છે.

આ પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ હતી? મહિલાઓ લજ્જાની અભિવ્યક્તિ તરીકે તેમના માથાના વાળ દિવસ દરમ્યાન સદીઓથી ઢાંકતી રહી છે.

1950ના દાયકામાં આ પરંપરાનો અંત આવ્યો હતો, પણ ચર્ચમાં જવા જેવા ખાસ પ્રસંગોએ પોતાના વાળને ઢાંકવાનું મહિલાઓએ ચાલુ રાખ્યું હતું.

રૉયલ પ્રોટોકોલ અનુસાર, રાજવી પરિવારની તમામ મહિલાઓએ સત્તાવાર કાર્યક્રમો દરમ્યાન તેમનું મસ્તક ઢાંકેલું રાખવું પડે છે અને મેઘન માર્કેલ પણ આ પરંપરાને આગળ ધપાવી રહ્યાં છે.

line

સત્કાર સમારંભમાં શું હશે?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ અન્ય લોકો સાથે.

ઇમેજ સ્રોત, Getty Images

બપોરના અને રાતના ભોજનમાં કઈ-કઈ વાનગીઓ પીરસવામાં આવશે તેની સત્તાવાર યાદી હજુ જાહેર કરવામાં આવી નથી, પણ શેમ્પેઇન ભરપૂર પ્રમાણમાં અપેક્ષિત છે.

રાજવી પરવાનો ધરાવતા હોય તેવા હાલ આઠ શેમ્પેઇન ઉત્પાદકો છે.

ક્વીને તેમનાં પોતાનાં લગ્નમાં બોલિંગર શેમ્પેઇન પીરસ્યો હતો, પણ મોએટ ઍન્ડ ચેન્ડોન અને વ્યૂ ક્લિક્વોટ જેવી લોકપ્રિય બ્રાન્ડ્ઝને રાજવી પરિવારની મંજૂરી મળેલી છે.

line

લગ્નની કેક અમેરિકનો શા માટે બનાવશે?

ક્લૅર ટાક અને તેમની ટીમ લગ્નપ્રસંગ માટે કેક બનાવશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્લૅર ટાક અને તેમની ટીમ લગ્નપ્રસંગ માટે કેક બનાવશે.

મેઘન માર્કેલે ફ્રૂટકેક પીરસવાની રાજવી લગ્ન પરંપરાને ન અનુસરવાનો નિર્ણય કર્યો છે. તેમણે અમેરિકન શેફ ક્લેર ટેક પાસે ક્લાસિક વાઇટ વેડિંગ કેક બનાવડાવવાનું નક્કી કર્યું છે.

મેઘન માર્કેલની માફક ક્લેર ટેક પણ કેલિફોર્નિયામાં મોટાં થયાં છે અને હાલ લંડનમાં કાર્યરત છે.

ક્લેર ટેકની હેકની બેકરીની વાયોલેટ કેક્સમાં સીઝનલ તથા ઓર્ગેનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્લેર ટેક લેમન એલ્ડરફ્લાવર કેક તૈયાર કરી રહ્યાં છે અને તેમાં "વસંતઋતુની ઝમકદાર લહેજત"નો સમાવેશ કરવામાં આવશે.

તેના પર બટરક્રીમનું આવારણ હશે અને તેને તાજાં ફૂલો વડે સુશોભિત કરવામાં આવશે એવું કેન્સિંગ્ટન પેલેસે જણાવ્યું હતું.

line

ડીજે કે બેન્ડ?

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ.

ઇમેજ સ્રોત, Getty Images

અફવા સાચી હોય અને સ્પાઇસ ગર્લ્સને આમંત્રણ આપવામાં આવ્યું હશે તો સ્પાઇસ ગર્લ્સનું હીટ 'ટુ બિકમ વન' પહેલું ગીત હશે જેની તરજ પર નવદંપતી વર-વહુ તરીકે સાથે સૌપ્રથમવાર ડાન્સ કરશે.

સર એલ્ટન જોન આ પ્રસંગે 'કેન યુ ફીલ ધ લવ ટુનાઇટ' ગીત રજૂ કરી શકે છે.

રૉયલ વેડિંગના પ્લેલિસ્ટ વિશે અમારી પાસે કોઈ ગુપ્ત માહિતી નથી, પણ બ્રિટિશ અખબાર 'ધ સન'ના અહેવાલ અનુસાર, નવદંપતીએ તેમની પાર્ટીની શરૂઆત વ્હિટની હ્યુસ્ટનના 'આઈ વોન્ના ડાન્સ વિથ સમબડી' ગીતથી કરાવવાનું નક્કી કર્યું છે.

ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજના લગ્નથી આ લગ્ન કઈ રીતે અલગ હશે?

પ્રિન્સ હેરી તેમના મોટાભાઈ પ્રિન્સ વિલિયમના વારસદાર બને એવી શક્યતા ઘણી ઓછી છે. તેથી મેઘન માર્કેલ સાથેના પ્રિન્સ હેરીનાં લગ્ન પણ એ મુજબનાં હશે.

દાખલા તરીકે લગ્નની તારીખ.

પ્રિન્સ વિલિયમ અને કેટનાં લગ્ન 2011ની 29 એપ્રિલ અને શુક્રવારે થયાં હતાં. સરકારે એ દિવસે બેન્ક હોલિડે જાહેર કર્યો હતો, જેથી લોકો તેમનાં લગ્ન ઘરે રહીને નિહાળી શકે.

પ્રિન્સ હેરીના લગ્ન સંબંધે બ્રિટિશ લોકોને રજા મળી નથી, કારણ કે આ લગ્ન 19 મેના શનિવારે થવાનાં છે.

વેસ્ટમિન્સ્ટર એબીના વિખ્યાત ચર્ચમાં રાજવી પરિવારના અનેક સભ્યોનાં લગ્ન થયાં હતાં. એ લોકોમાં પ્રિન્સ હેરીના ભાઈ, તેમનાં ફોઈ, તેમના એક મામા અને તેમનાં દાદીમા ક્વીનનો સમાવેશ થાય છે.

અલબત, પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલનાં લગ્ન વેસ્ટમિન્સ્ટર એબીમાં થવાનાં નથી. સંપૂર્ણપણે અંગત ઘટના જેવાં તેમનાં લગ્ન સેન્ટ જ્યોર્જ ચેપલમાં થવાનાં છે.

વેસ્ટમિન્સ્ટર એબી 1,900 મહેમાનોને સમાવવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે સેન્ટ જ્યોર્જ ચેપલની ક્ષમતા માત્ર 800 મહેમાનોને સમાવી શકવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો