ભારતીય ટીચરે અંધાધૂંધ ગોળીબારમાંથી સ્ટુડન્ટ્સને કઈ રીતે બચાવ્યા?

સ્ટોનમેન ડગ્લાસ સેકન્ડરી સ્કૂલનાં શિક્ષિકા શાંતિ વિશ્વનાથન
ઇમેજ કૅપ્શન, શાંતિ વિશ્વનાથન
    • લેેખક, આરતી જ્ઞાનશેખર
    • પદ, બીબીસી તામિલ, સીએટલ, વોશિંગ્ટન ડીસીથી.

આખું વિશ્વ 14 ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન ડેની ઊજવણી કરી રહ્યું હતું અને ફ્લોરિડાના ફોર્ટ લોન્ડરડેલ ખાતેની સ્ટોનમેન ડગ્લાસ સેકન્ડરી સ્કૂલમાંના મોટા ભાગના લોકો માટે પણ એ સામાન્ય દિવસ હતો.

બપોરે અઢી વાગ્યાની આસપાસ સ્કૂલનો દિવસ પૂર્ણ થવાનો હતો, ત્યારે સ્કૂલમાં ગણિતનાં ભારતીય શિક્ષિકા શાંતિ વિશ્વનાથન બીજા માળ પરના ક્લાસ રૂમમાં એલ્જીબ્રા એટલે કે બીજગણિતનો તેમનો પીરિયડ આટોપવાની તૈયારી કરતાં હતાં.

અચાનક તેમને પહેલા માળ પરથી જોરદાર અવાજ સંભળાવા લાગ્યો હતો. એ અવાજ શેનો છે એવું શાંતિ વિશ્વનાથનને સમજાય તે પહેલાં તો સ્કૂલ બિલ્ડિંગનો ફાયર અલાર્મ વાગવા લાગ્યો હતો.

કટોકટીની પરિસ્થિતિમાં ક્લાસરૂમની બહાર કેવી રીતે નીકળવું તેની તાલીમ પામેલા સ્કૂલના સ્ટુડન્ટ્સ અન્ય ક્લાસરૂમમાંથી બહાર દોડી જવા લાગ્યા હતા.

જોકે, શાંતિ વિશ્વનાથને અંતસ્ફૂર્ણાને આધારે તેમના સ્ટુડન્ટ્સને ક્લાસ છોડવાનો આદેશ આપ્યો ન હતો.

અચાનક આટલો અવાજ શા માટે થઈ રહ્યો છે તેનું કારણ જાણ્યા વિના તેઓ તેમના સ્ટુડન્ટ્સને ક્લાસરૂમ બહાર મોકલવા તૈયાર ન હતાં.

શાંતિ વિશ્વનાથને તેમના ક્લાસરૂમનો દરવાજો અંદરથી તત્કાળ બંધ કરી દીધો હતો, તમામ લાઇટ્સ બંધ કરી દીધી હતી અને સ્ટુડન્ટને શાંતિ રાખવા તથા બેન્ચની નીચે છૂપાઈ જવા જણાવ્યું હતું.

line

ક્લાસરૂમમાં ભયાનકતા

સ્ટોનમેન ડગ્લાસ સેકન્ડરી સ્કૂલ પરના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

શાંતિ વિશ્વનાથનના હૈયામાં ગભરાટ વધી રહ્યો હતો. તેમણે કેટલાંક પેપર્સ ક્લાસરૂમના દરવાજા પરના પારદર્શક કાચ પર લગાવી દીધાં હતાં.

કાચ પર કાગળ લગાવી રહેલાં શાંતિ વિશ્વનાથનને નિહાળીને સ્ટુડન્ટ્સ વધુ ગભરાયા હતા.

શાંતિ વિશ્વનાથને સ્ટુડન્ટ્સને શાંત પાડતાં કહ્યું હતું, "આ એક કવાયત છે અને ગભરાવાની જરૂર નથી."

થોડીવાર પછી તેમના બાજુના ક્લાસરૂમમાં ગોળીબારનો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો હતો. એ પછી તેમને સમજાયું હતું કે સ્કૂલ બિલ્ડિંગમાં ખરેખર શું ચાલી રહ્યું છે.

થોડી ક્ષણો પછી શાંતિ વિશ્વનાથનના ક્લાસરૂમના દરવાજાનો નોબ કોઈ બહારથી જોશભેર ફેરવવા લાગ્યું હતું.

બહારથી કોઈ વ્યક્તિ ક્લાસરૂમમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહી હોવાનું જાણીને બધા વધુ ગભરાયા હતા.

ક્લાસરૂમનો દરવાજો બંધ હતો અને રૂમમાં અંધારું હતું. તેથી હુમલાખોરને એવું લાગ્યું હતું કે ક્લાસરૂમ ખાલી છે. એટલે એ ત્યાંથી આગળ વધ્યો હતો.

તેની દસ મિનિટ બાદ બિલ્ડિંગમાં ગોળીબારના અવાજ સંભળાવાનું બંધ થયું હતું.

આખા બિલ્ડિંગમાં શાંતિ છવાઈ ગઈ પછી શાંતિ વિશ્વનાથનના ક્લાસરૂમના દરવાજા પરનો નોબ કોઈ ફરી ફેરવવા લાગ્યું હતું.

આપદા પ્રબંધન સહાય ટીમના સભ્યો ક્લાસરૂમની બહાર આવી પહોંચ્યા હતા અને તેઓ દરવાજો ખોલવાની વિનંતી કરતા હતા.

તેમ છતાં શાંતિ વિશ્વનાથને ક્લાસરૂમમાંના સ્ટુડન્ટ્સને ચૂપ રહેવા જણાવ્યું હતું. થોડીવાર પછી પોલીસ બારી તોડીને ક્લાસરૂમની અંદર ધસી આવી હતી.

પોલીસ ક્લાસરૂમમાંથી તમામ સ્ટુડન્ટ્સને સલામત રીતે બહાર લઈ ગઈ હતી.

સ્ટુડન્ટ્સને બહાર લઈ જવામાં આવતા હતા ત્યારે કેવાં દ્રશ્યો જોવાં મળ્યાં હતાં તેની વાત કરતાં શાંતિ વિશ્વનાથન રડી પડ્યાં હતાં.

ઠેકઠેકાણે લોહીના ખાબોચિયાં ભરાયાં હતાં અને સાથી સ્ટુડન્ટ્સ તથા ટીચર્સનાં શબ પડ્યાં હતાં.

સ્ટુડન્ટ્સે શરૂ કરી ઝુંબેશ

સ્ટુડન્ટ્સે શરૂ કરેલી ઝૂંબેશનો ફોટોગ્રાફ

સ્કૂલમાં કરવામાં આવેલા જીવલેણ હુમલાના એક મહિના બાદ શાંતિ વિશ્વનાથને બીબીસી સાથે એ બાબતે પ્રથમવાર વાત કરી હતી.

શાંતિ વિશ્વનાથન માને છે કે અનેક લોકોના જીવ લેનારો આવો હત્યાકાંડ ફરી બનવો ન જોઈએ.

શાંતિ વિશ્વનાથને જણાવ્યું હતું કે આ ઘટના પછી કાયદામાં ફેરફાર માટે મોટી ઝુંબેશ શરૂ કરી ચૂકેલા સ્ટુડન્ટ્સને તેઓ તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે.

સ્કૂલ પર ગોળીબાર કરીને અનેક લોકોનો જીવ લઈ ચૂકેલા 19 વર્ષના હુમલાખોર નિકોલસ ક્રુઝને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

તેનો બદલો લેવા માટે નિકોલસે આ કૃત્ય કર્યું હોવાનું લોકો કહે છે. નિકોલસે આ હુમલામાં એઆર-15 અસોલ્ટ રાઇફલનો ઉપયોગ કર્યો હતો.

મોટાભાગના અમેરિકન સ્ટુડન્ટ્સ તેમના દેશમાં એઆર-15 રાઇફલ પર પ્રતિબંધની માગણી કરી રહ્યા છે.

આ માગણીના અનુસંધાને અમેરિકાનાં ઘણાં શહેરોમાં સ્ટુડન્ટ્સે 'માર્ચ ફોર અવર લાઇવ્સ' નામની વિશાળ કૂચ પણ કરી હતી.

line

અમેરિકન સંસદ અવઢવમાં

સ્ટુડન્ટ્સે શરૂ કરેલી ઝૂંબેશનો ફોટોગ્રાફ

સ્ટુડન્ટ્સને સમગ્ર દેશમાંથી વધુને વધુ ટેકો મળી રહ્યો છે ત્યારે આ સંબંધે અમેરિકન સંસદનો નિર્ણય ગૂંચવાડાભર્યો રહ્યો છે.

શાસક રિપબ્લિકન પાર્ટી કહે છે કે સ્ટુડન્ટ્સની માગણી અમેરિકન બંધારણમાંની બીજા સુધારાથી એકદમ વિપરીત છે.

અમેરિકાના બંધારણ(1789)નો બીજો સુધારો (1992) જણાવે છે, "કટોકટીને પહોંચી વળવા માટે ઊભું કરવામાં આવેલું નાગરિકોનું સુનિયંત્રિત લશ્કરી દળ (મિલિશે) મુક્ત રાષ્ટ્રની સલામતી માટે જરૂરી છે.

"શસ્ત્રો રાખવાના નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન થવું ન જોઈએ."

જોકે, સ્ટુડન્ટ્સ માને છે કે રાજકારણીઓ નેશનલ રાઇફલ અસોસિયેશન(એનઆરએ)ના ગુલામ હોવાથી આવાં નિવેદનો કરતા રહે છે.

શાંતિ વિશ્વનાથને કહ્યું હતું, "350 મિલિયન લોકોની વસતી ધરાવતા દેશનું સંચાલન એનઆરએના 50 લાખ સભ્યો કરી રહ્યા છે. તે દર્શાવે છે કે સત્તા માત્ર સમૃદ્ધ લોકોના હાથમાં છે."

"પોતાની સલામતી માટે લોકો હેન્ડગન રાખી શકે છે, એક સાથે અનેક રાઉન્ડ ફાયર કરી શકે તેવી અસોલ્ટ રાઇફલની શું જરૂર છે?

"સ્કૂલ પર ત્રાટકેલો હુમલાખોર જે રાઇફલ છોડી ગયો હતો તેમાં 180 રાઉન્ડ (કારતૂસ) બાકી હતા. આવાં શસ્ત્રો કેટલાં શક્તિશાળી હોય છે એ વિચારો."

સ્કૂલ પરિસરમાં સલામતી રક્ષકો બાબતે અમે સવાલ કર્યો ત્યારે શાંતિ વિશ્વનાથને જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનાનો વીડિયો બહાર પડશે પછી જ સચ્ચાઈની ખબર પડશે.

ભયભીત બાળકો

સ્ટોનમેન ડગ્લાસ સેકન્ડરી સ્કૂલ પરના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

શાંતિ વિશ્વનાથનના જણાવ્યા મુજબ, ગોળીબારની ઘટનાથી સ્ટુડન્ટ્સ ભયભીત છે અને એકલાં વોશરૂમ્સમાં જતાં પણ ડરે છે.

હુમલાને દિવસે બનેલી ભયાનક ઘટનાની સ્મૃતિ સાથે જીવવાનું સ્ટુડન્ટ્સ માટે બહુ મુશ્કેલ બનશે, એવી ચિંતા શાંતિ વિશ્વનાથનને વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો