You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બહેરીનમાં રાહુલે કહ્યું-રહસ્યમય રીતે મરી રહ્યા છે જજ
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે બહેરીનમાં ભારતીયોને સંબોધિત કર્યાં. જેમાં રાહુલ ગાંધીના નિશાન પર મોદી સરકારની નીતિઓ અને કામ કરવાની પદ્ધતિ હતી.
રાહુલે એમ પણ કહ્યું કે સંવેદનશીલ મામલાની તપાસ કરી રહેલા જજોના સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ રહ્યાં છે.
રાહુલે ભાષણની શરૂઆત બાળપણના એક કિસ્સાથી કરી હતી.
રાહુલે કહ્યું કે બાળપણમાં કેમેસ્ટ્રીનાં એક ટીચર તેમને ભણાવતાં હતાં.
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે કહ્યું, "તે બહેરીનમાં કામ કરતાં હતાં. તેમણે મને કહ્યું હતું કે એક દિવસ તું બહેરીન જરૂર આવજે અને જોજે કે અહીં કેવી રીતે કામ થયું છે."
"તેઓ એ પણ કહેતાં હતાં કે ત્યાં જે ભારતીય સમુદાયના લોકો છે તેમને પણ કેવી રીતે સ્વીકારી લેવામાં આવ્યાં છે."
"તેમની સાથે કોઈ ભેદભાવ થતો નથી. તેઓ એ પણ કહેતાં હતાં કે બહેરીનના નિર્માણમાં ભારતીયોનું મોટું યોગદાન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલે ભારતીયોને સંબોધિત કરતાં કહ્યું કે દેશ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે.
કોંગ્રેસ પ્રમુખે કહ્યું, "આ સમસ્યાના સમાધાનમાં તમે પણ ભાગીદાર છો એટલે હું અહીં આવ્યો છું. હું કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ છું અને તેનો જન્મ જ લોકોને સાથે લાવવા માટે થયો હતો."
રાહુલે કહ્યું કે ભારતના નિર્માણમાં એનઆરઆઈ સમુદાયની મોટી ભૂમિકા રહી છે.
તેમણે કહ્યું કે દેશના ત્રણ મહાન નેતાઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને ડૉ. ભીમરાવ આંબેડકર એક સમયે એનઆરઆઈ હતા.
રાહુલે કહ્યું, "ભારતમાં આજે જે સરકાર છે તે લોકોને રોજગારી પૂરી પાડી શકતી નથી."
કોંગ્રેસ પ્રમુખે કહ્યું, "આપણું મુખ્ય પ્રતિસ્પર્ધી ચીન 24 કલાકમાં 50 હજાર રોજગાર ઊભા કરે છે જ્યારે ભારત 400 નોકરીઓ પેદા કરી રહ્યું છે."
"મતલબ, જે કામ ચીન બે કલાકમાં કરી રહ્યું છે તે કામ કરતા ભારતને બે વર્ષ લાગે છે. આ મારા આંકડાઓ નથી ભારત સરકારના આંકડા છે."
રાહુલે કહ્યું, "નોકરીઓનું સર્જન કરવામાં ભારત છેલ્લાં આઠ વર્ષમાં સૌથી નીચેના સ્તરે આવી ગયું છે. નવા રોકાણના મામલામાં ભારત છેલ્લાં 13 વર્ષના સૌથી નીચેના સ્તરે આવી ગયું છે."
"નોટબંધીના નિર્ણયના કારણે દુનિયાભરના ભારતીયોની કમાણીને આંચ આવી છે. ભારતના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી ગઈ છે."
"ભારત આ નીતિઓના આધારે આગળ નહીં વધી શકે. આપણો દેશ વિશ્વમાં બીજા નંબરની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે."
કોંગ્રેસ પ્રમુખે કહ્યું, "દરરોજ 30 હજાર યુવાનો ભારતના જૉબ માર્કૅટમાં આવી રહ્યા છે. નવી નોકરીઓ ઊભી ન થવાથી લોકોમાં ગુસ્સો છે અને તેનો અનુભવ પણ થઈ રહ્યો છે."
"યુવાનો સવાલ પૂછી રહ્યા છે કે તેમના ભવિષ્યનું શું થશે. જ્યારે આપણે નવી નોકરીઓ ઊભી કરવામાં અને વિશ્વકક્ષાની શિક્ષણ વ્યવસ્થા પર કામ કરવું જોઈએ ત્યારે એના બદલે નફરત ફેલાવવામાં આવી રહી છે."
રાહુલે કહ્યું, "દુઃખ એ વાતનું છે કે આપણા દેશમાં વાસ્તવિક સમસ્યાઓ પર વાત નથી થઈ રહી. વાત એના પર થઈ રહી છે કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ."
"એક્ટિવિસ્ટ અને પત્રકારોને સ્વતંત્રરૂપે કામ કરવાની કિંમત ચૂકવવી પડી રહી છે. કોઈ ખાસ ધાર્મિક આસ્થા ના હોવાના કારણે લોકોને મારવામાં આવી રહ્યા છે."
"સંવેદનશીલ મામલાની તપાસ કરી રહેલા જજોના સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ રહ્યાં છે. આટલું બધુ થઈ રહ્યું છે પરંતુ સરકાર મૌન છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો