You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેબસ્ટિયન કુર્ઝ દુનિયાના સૌથી યુવા રાષ્ટ્રપ્રમુખ બનવાની તૈયારીમાં
ઑસ્ટ્રિયાની પીપલ્સ પાર્ટી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બહુમત સાથે જીતની નજીક પહોંચી ચૂકી છે. એમાં ખાસ શું છે? તેવો સવાલ થવો સ્વાભાવિક છે.
તો ખાસ વાત એ છે કે ઑસ્ટ્રિયામાં કન્ઝર્વેટિવ તરીકે ઓળખાતી પીપલ્સ પાર્ટીની આગેવાની એક એકત્રીસ વર્ષીય યુવાન કરી રહ્યા છે.
તેમનું નામ છે સેબસ્ટિયન કુર્ઝ.
જો પીપલ્સ પાર્ટીએ જીત મેળવી તો સેબસ્ટિયન દુનિયામાં સૌથી નાની વયના રાષ્ટ્રપ્રમુખ બનશે.
ચૂંટણી વિશ્લેષકોનું અનુમાન છે કે ઑસ્ટ્રિયાની પીપલ્સ પાર્ટી 31% મત મેળવી શકે છે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે સોશિઅલ ડેમોક્રેટ્સ કે દક્ષિણપંથી તરીકે ઓળખાતી ફ્રીડમ પાર્ટીમાંથી બીજા સ્થાન પર કોણ આવશે.
જો સેબસ્ટિયન કુર્ઝ બહુમતી મેળવવાથી થોડા દૂર રહી જાય છે તો તેઓ અપ્રવાસન વિરોધી ફ્રીડમ પાર્ટી સાથે ગઠબંધન કરવા પ્રયાસ કરી શકે છે.
પોતાના સમર્થકોને સેબસ્ટિયને કહ્યું, "આ દેશમાં બદલાવનો સમય છે. આજે એક જબરદસ્ત જનાદેશ મળ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં તેમણે ઉમેર્યું, "આ દેશને બદલવા માટે હું એ બધા લોકોનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે જેમણે આ શક્ય બનાવ્યું."
કોણ છે સેબસ્ટિયન કુર્ઝ?
આ ચૂંટણી પહેલા સેબસ્ટિયન ઑસ્ટ્રિયાના અત્યાર સુધીના સૌથી યુવા વિદેશ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.
વર્ષ 2013માં જ્યારે તેમને જવાબદારી મળી, તે સમયે તેમની ઉંમર માત્ર 27 વર્ષ હતી. મે 2017માં તેમને પીપલ્સ પાર્ટીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું.
તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત પાર્ટીની યૂથ વિંગથી કરી હતી. વિએનાના સિટી કાઉન્સિલ માટે ચૂંટાયા પહેલા તેઓ યૂથ વિંગની બાગડોર સંભાળી ચૂક્યા હતા.
ઑસ્ટ્રિયાના રાજકારણમાં લોકો તેમને 'વુંડરવુઝ્ઝી'ના નામે ઓળખે છે.
તેનો મતલબ છે, 'એવો શખ્સ કે જે પાણી પર પણ ચાલી શકે છે.'
તેમની સરખામણી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે કરવામાં આવી રહી છે.
ઇમૈનુએલ મેક્રોંની જેમ સેબસ્ટિયને પોતાની આસપાસ એક વાતાવરણ બનાવ્યું છે.
તેઓ 30 વર્ષની વયે પીપલ્સ પાર્ટીને ન્યૂ પીપલ્સ પાર્ટી તરીકે રજૂ કરવામાં સફળ થતા જોવા મળી રહ્યા છે.
આગળ શું ?
સેબસ્ટિયન ચૂંટણીના મતનો મોટો ભાગ લઈને આગળ ચોક્કસથી જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ બહુમતીથી દૂર છે.
જો ચૂંટણીના પરિણામોની ભવિષ્યવાણી સાચી સાબિત થાય તો તેમણે ફ્રીડમ પાર્ટી સાથે ગઠબંધનનો સહારો લેવો પડી શકે છે.
સોશિઅલ ડેમોક્રેટ્સ અને પીપલ્સ પાર્ટીનું ગઠબંધન આ પહેલા તૂટી ગયું હતું અને આ વખતે એવું થાય તેની ઓછી શક્યતા છે.
જો કે સેબસ્ટિયન ચૂંટણીના પરિણામ સામે ન આવે ત્યાં સુધી પોતાના પત્તાં ખોલવા તૈયાર નથી જોવા મળી રહ્યા.
તેમણે માત્ર એટલું કહ્યું છે કે બીજી પાર્ટીઓ સાથે વાત કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો