You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય : ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની અસર, બનાસકાંઠા સહિત બીજા જિલ્લાઓમાં વરસાદની કેવી સ્થિતિ છે?
બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
તે પ્રમાણે ગઈ કાલથી જ ઉત્તર ગુજરાતના પાલનપુર, પાટણ, રાધનપુર, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
હવામાન વિભાગે આજે સવારે આપેલા બુલેટિન અનુસાર વાવાઝોડું બિપરજોય હવે નબળું પડી 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઇ ગયું છે. હાલમાં વાવાઝોડું દક્ષિણપશ્ચિમ રાજસ્થાન તરફ જઈ રહ્યું છે અને રાજસ્થાનના બાડમેરથી દક્ષિણ દિશાએ 80 કિમી દૂર છે.
ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર વાવાઝોડું હવે 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ ગયું છે.
વાવાઝોડું હાલમાં ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.
જેના કારણે દક્ષિણ રાજસ્થાનના એક-બે વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે.
વાવાઝોડાને કારણે જ આ વરસાદ થઈ રહ્યો છે અને તેને ચોમાસા સાથે કોઈ લેવાદેવા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત 15 જૂને વાવાઝોડાનું લૅન્ડફોલ થતાં કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે વરસાદ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા જોવા મળ્યા હતા. કચ્છ-સૌરાષ્ટ્ર તરફથી વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ ગતિ ચાલુ રાખી આગળ વધ્યા બાદ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
15 જૂનની માફક જ 16 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું, જોકે તેની તીવ્રતામાં ઘટાડો જરૂર થવા પામ્યો હતો.
હવામાન વિભાગના દૈનિક રિપોર્ટ અનુસાર કચ્છ, જામનગર, દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
16 જૂને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
શુક્રવારે રાતના સાડા આઠ વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ પડ્યો હતો.
આ સિવાય લગભગ તમામ જિલ્લામાં સરેરાશ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
16 જૂનની વાત કરીએ તો ભારે વરસાદને પગલે બનાસકાંઠામાં રેડ ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું. કેટલાંક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપાટ છવાયેલો રહ્યો હતો. અને અનેક સ્થળોએ મકાનોની છતો ઊડી હતી.
ક્યાં કેટલો વરસાદ?
રિપોર્ટ અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાતનાં બનાસકાઠાં, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર જિલ્લામાં એકથી આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
તેમજ મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ ખાતે પણ વરસાદ જોવા મળ્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે.
ભારે પવન અને વરસાદનાં પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા છે.
બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોથી વિજળી નથી. એટલું જ નહીં કેટલાંક મકાનોમાં નળીયા અને પતરાં ઊડી ગયાં છે. અરવલ્લીથી બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણે પણ જણાવ્યું છે જિલ્લામાં બાયડ પર બિપરજોયની અસર જોવા મળી હતી.
આગામી દિવસોની આગાહી અંગે વાત કરીએ તો વાવાઝોડાની તીવ્રતા ઘટી ગયા છતાં 17 જૂને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની સંભાવના છે.
આ સિવાય વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 18 જૂને પણ ઉત્તર ગુજરાત, કચ્છ, વડોદરા, છોટા-ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની સંભાવના છે.
આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ સહિત દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
નોંધનીય છે કે વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હજુ પૂરનાં પાણી ભરાયેલાં છે. સમાચાર સંસ્થાઓના અહેવાલો અનુસાર આ વિસ્તારોમાં ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તંત્રના 'શૂન્ય માનવમૃત્યુના દાવા' સામે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓ કેટલાંક સ્થળે પાછા ફરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારોમાં ઘણાં સ્થળોએ ઘરો અને કાટમાળોને નુકસાન પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય ઘણા વિસ્તારોમાં વાવાઝોડાને પગલે વીજળીના પુરવઠાની સમસ્યા સર્જાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન હજુ સુધી સંપૂર્ણપણે પાટે ફરી શક્યું નથી.
બિપરજોય વાવાઝોડાથી તબાહી, અત્યાર સુધીમાં શું થયું?
ગુરુવારે સાંજે કચ્છના જખૌ બંદર પાસે વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ એ પહેલાં જ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને પવન પણ ફૂંકાઈ રહ્યો હતો.
કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં આખી રાત સુધી વરસાદ પડ્યો હતો અને પવન પણ ફૂંકાતો રહ્યો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
શુક્રવારે સવારે પણ આખા જિલ્લામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.
જોકે બપોર બાદ વરસાદ ઓછો થયો હતો અને પવનની ગતિમાં પણ ઘટાડો થયો હતો. જે બાદ વાવાઝોડા વખતે થયેલી નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ તેનો સરવે શરૂ કરી દેવાયો છે.
ભુજના ભવાનીપુર પાસેનો આ પુલ ધોવાઈ ગયો હતો. આ પુલ ભુજ અને નલિયાને જોડતો હતો, જેના તૂટવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પાસે ટકરાયા બાદ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને તે બાદ વાવાઝોડું નબળું પડવાની શરૂઆત થઈ ગઈ હતી.
અતિ પ્રચંડ વાવાઝોડાના રૂપમાં તે ટકરાયું ત્યારે તેની ગતિ 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની હતી અને મહત્તમ ઝડપ 140 કિલોમિટર પ્રતિ કલાક સુધીની હતી.
લૅન્ડફોલ બાદ તેના ટ્રૅકમાં પણ ફેરફાર થયા હતા.
વાવાઝોડામાં તબાહી, 600 કાચાં મકાન ધરાશાયી
બિપરજોય વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 600 કાચાં મકાનને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે એનડીઆરએફ દ્વારા અપાયેલા વાવાઝોડાના રિપોર્ટ પ્રમાણે એક પણ પાકાં મકાનને નુકસાન થયું ન હતું.
ગુજરાતના રિલીફ કમિશનર આલોક પાંડેએ એએનઆઈને માહિતી આપતાં કહ્યું હતું કે, "આપણે હજુ પણ સતર્ક રહેવું પડશે. અત્યાર સુધી 24-25 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક પણ મૃત્યુ થયું નથી."
તેમણે કહ્યું હતું કે "લગભગ 600 કાચાં મકાનો પડી ગયાં છે."
પાકિસ્તાનનાં આશ્રયસ્થાનોમાં કેવી છે પરિસ્થિતિ?
બિપરજોય વાવાઝોડાની અસર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ જોવા મળી હતી, ગુજરાતની સરહદ પાસે આવેલા પાકિસ્તાનના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને સાથે જ વરસાદ પણ વરસ્યો હતો.
આ તસવીરો પાકિસ્તાનના સિટી બગાન શૅલ્ટરહોમની છે. બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને કારણે પાકિસ્તાનમાં પણ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સરહદી પ્રાંતનાં ગામોમાં થનારી સંભવિત અસરને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલા પાકિસ્તાનના આ લોકોની તસવીરો બીબીસી સંવાદદાતાએ લીધી હતી.
આ વાવાઝોડાથી કરાચીમાં નુકસાન થવાની શક્યતા હતી પણ એ તરફ વધારે નુકસાન હજી સુધી થયું નથી.
જોકે ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતને અડીને આવેલા સિંધના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. વરસાદ અને પવન ફૂંકાવાના કારણે અહીંનાં ગામોમાં ઘણું નુકસાન થયું હતું. જેના કારણે જનજીવનને પણ અસર થઈ હતી.
માંડવીમાં પાણી ભરાયાં, વાહનો ડૂબ્યાં
કચ્છમાં શુક્રવાર સુધી પવન સાથે વરસાદ વરસ્યો હતો. . આખી રાત સતત વરસેલા વરસાદના કારણે કચ્છના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
બીબીસી ગુજરાતીની ટીમ માંડવી પાસેના એવા એક રહેણાક વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં કૉલોનીમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ઘરોમાં પાણી ઘૂસવાનાં શરૂ થઈ ગયાં હતાં.
કૉલોનીમાં પાર્ક કરેલી ગાડીઓ આ પાણીમાં લગભગ અડધી ડૂબી ગયેલી ડોઈ શકાય છે તો મોટરસાઇકલ અને અન્ય વાહનો આખેઆખાં ડૂબી ગયાં હતાં.
પાણી ભરાઈ જવાના કારણે કૉલોનીમાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ ગયા હતા અને અવરજવર બંધ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિ માંડવીના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિક તંત્ર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
બિપરજોય વાવાઝોડાના કારણે 100 ટ્રેન રદ કરાઈ
પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઑફિસર સુમિત ઠાકુરે કહ્યું છે કે, "બિપરજોય વાવાઝોડાની કારણે હવે વધુ બે ટ્રેન રદ થઈ છે અને એક ટ્રેનનો રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 100 ટ્રેન રદ કરવામાં આવી છે અને 40 ટ્રેનનો રૂટ ટૂકાવી દેવામાં આવ્યો છે."
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા રદ કરાયેલા ટ્રેનોની યાદી ગુરુવારે સાંજે આપવામાં આવી હતી. જેમાં મોટા ભાગની ટ્રેન કચ્છ અને સૌરાષ્ટ્રની હતી, કેટલીક ટ્રેન એવી હતી જે સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ટેશનથી મુંબઈ તરફના સ્ટેશન સુધી જતી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો