બિપરજોય: 'ઘરમાં 10 બાળકો છે, માથે છત નથી, ક્યાં જાવું, શું ખાવું?' બબ્બે વાવાઝોડાંનો ભોગ બનેલા લોકોની વ્યથા

"અમે પરિવારમાં 10-15 લોકો છીએ અને તેમાં દસેક તો બાળકો છે. અમારી માથે બહુ મોટી આફત આવી પડી છે. અમારા ઘરમાં કંઈ રહ્યું નથી. ઘર પડી ગયું છે. ખાવાનું કંઈ નથી."

અમરેલી જિલ્લાના મોરંગી ગામનાં રહેવાસી દક્ષાબહેન પોતાનું તૂટેલું ઘર દેખાડીને આ વાત કરી રહ્યાં છે.

બિપરજોય વાવાઝોડાને લીધે મોરંગી ગામમાં ઘણું નુકસાન થયું છે, લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે.

દક્ષાબહેન વાત કરતાં કરતાં તેમના ઘર તરફ ઇશારો કરીને ઘરની હાલત જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તૌકતે વાવાઝોડું આવ્યું ત્યારથી તેમના ઘરની આવી હાલત છે.

તેઓ કહે છે, "ઘરમાં હતું એ પણ પલળી ગયું છે. અમારે ક્યાં જવું. અમે 300 રૂપિયા દાડી કરીને કમાઈ છીએ. એક માણસ મજૂરીએ જાય છે. ખાવાપીવાનું પૂરું નથી થતું. સરકારને અમારી વિનંતી છે કે અમને ઘર બનાવી આપે. આમાં (તૂટેલા ઘરમાં) અમારે કેવી રીતે રહેવું? કેટલાય દિવસથી આમને આમ પડ્યું છે. સરકાર અમારી સામું જોતી નથી. સામું જોયું હોત તો ઘર ન બની ગયું હોય?"

'તૌકતે વખતે પણ સહાય નથી મળી'

બીબીસીના સહયોગી ફારુક કાદરીએ આપેલી માહિતી પ્રમાણે, મોરંગી ગામમાં અંદાજે 35 મકાનોનાં નળિયાં-પતરાં ઊડી ગયાં છે, તો દીવાલો પડી ગઈ છે.

મોરંગી ગામના સરપંચ ભાણજીભાઈ રાઠોડનું કહેવું છે કે મકાનવિહાણો અને અસરગ્રસ્ત લોકોને સ્કૂલમાં રાખવામાં આવ્યા છે. તેમની ત્યાં ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરપંચની એવી પણ માગ છે કે સરકાર અસરગ્રસ્તોને યોગ્ય સહાય કરે.

દક્ષાબહેનની જેમ ગામમાં રહેતા જાકિર હુસૈન પણ વાવાઝોડાનો ભોગ બન્યા છે.

તેઓ કહે છે, "મારા પરિવારમાં અમે પાંચ સભ્યો છીએ. અમે સાવ ગરીબ છીએ. તૌકતે વાવાઝોડું આવ્યું ત્યારે પણ અમારા ઘરનાં પતરાં ઊડી ગયાં હતાં અને આ વાવાઝોડામાં પણ એવી સ્થિતિ થઈ છે."

"અમે ઘરમાં જ હતા અને અમારા ઘરનાં પતરાં ઊડી ગયાં. ઘરવખરી પલળી ગઈ છે. આજુબાજુવાળા અમારું ધ્યાન રાખે છે, અમને ખાવાનું આપે છે. માંડ માંડ ગુજારો કરીએ છીએ. સરકાર હવે અમને કંઈક સહાય કરે તો સારું."

તેમનો દાવો છે કે સરકાર તરફથી તૌકતે વખતે તેમને કંઈ સહાય મળી જ નથી. હવે મળે તો સારું.

વાવાઝોડાથી કેટલું નુકસાન?

ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી કાંઠાવિસ્તાર વચ્ચે ગુજરાતના જખૌ બંદર પાસે બિપરજોય વાવાઝોડું ગત મોડી રાત્રે ટકરાયું હતું. આ વિસ્તારોમાં તેનું લૅન્ડફૉલ થતાં સમગ્ર કચ્છ જિલ્લામાં તેની માઠી અસર જોવા મળી છે.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, ગીર-સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ તેની કેટલેક અંશે અસરો જોવા મળી છે.

વાવાઝોડાને લીધે કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઘણું નુકસાન થયું છે.

ગત રાત્રે લૅન્ડફૉલ થયું જે વહેલી સવાર સુધી સક્રિય રહ્યું. એના લીધે 140 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનમાંથી ઊખડી ગયા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં દરિયાનાં પાણી ઘૂસી ગયાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કચ્છનાં નલિયાનાં ગામોમાં 45 ગામોમાં અંધારપટ છે. ચક્રવાતને લીધે વીજપુરવઠા માટેના તાર તૂટી ગયા છે અને વીજથાંભલાઓ પણ પડી ગયા છે.

બિપરજોય વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 600 કાચાં મકાનને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે એનડીઆરએફ દ્વારા અપાયેલા વાવાઝોડાના રિપોર્ટ પ્રમાણે એક પણ પાકાં મકાનને નુકસાન થયું ન હતું.

ગુજરાતના રિલીફ કમિશનર આલોક પાંડેએ એએનઆઈને માહિતી આપતા કહ્યું છે કે, "આપણે હજુ પણ સતર્ક રહેવું પડશે. અત્યાર સુધી 24-25 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક પણ મૃત્યુ થયું નથી."

તેમણે કહ્યું હતું કે "લગભગ 600 કાચાં મકાનો પડી ગયાં છે.

અત્યારે વાવાઝોડું ક્યાં છે?

ભારતીય હવામાનના 2.30 વાગ્યાના બુલેટિન અનુસાર, બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

છેલ્લા છ કલાક દરમિયાન આ વાવાઝોડું 13 કિમી પ્રતિ કલાકની ગતિથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડું 16 જૂનના રોજ અઢી વાગ્યા સુધીમાં હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કેન્દ્રિત છે.

દક્ષિણ રાજસ્થાન પર વાવાઝોડું ડીપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જે હાલ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું લગભગ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સાથે આજની રાતે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં નબળું પડે તેવી શક્યતા છે.

વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ ઉત્તર-પૂર્વ તરફ તેની અસર થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં હળવો અને ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે પવનની ગતિ ધીમે ધીમે ઓછી થઈ જશે.