મોરબી પુલ દુર્ઘટના : ઓરેવા ગ્રૂપને મૃતક દીઠ 10 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Gujarat High Court

ગુજરાત હાઈકોર્ટે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મૃતક દીઠ બે હપ્તામાં પાંચ-પાંચ લાખ રૂપિયા મળીને કુલ 10 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર જ્યારે ઘાયલોને બે લાખ રૂપિયા ચૂકવવા જયસુખ પટેલના ઓરવા ગ્રૂપને આદેશ કર્યો છે.

ઓરેવા ગ્રૂપે ગુજરાત હાઈકોર્ટમાં વચગાળાના વળતર રૂપે પાંચ કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોર્ટેને આ વળતર 'પૂરતું' નહોતું લાગ્યું.

ઓરેવા ગ્રૂપ તરફથી હાઈકોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ નીરૂપમ નાણાવટીએ કોર્ટને જણાવ્યું હતું કે જો પ્રસ્તાવિત વળતરની રકમને પીડિતોમાં વહેંચવામાં આવે તો મૃતકના પરિવાર દીઠ 3.5 લાખ રૂપિયા મળશે જ્યારે ઘાયલોને 1 લાખ રૂપિયા મળશે. જે મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી અને ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બેન્ચને 'પૂરતા' નહાતા લાગ્યા.

પીડિતોના પરિવારજનોના વકીલ ઉત્કર્ષ દવેએ આ અંગે પત્રકારોને માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર કોર્ટે વચગાળાના વળતર તરીકે ઓરેવા ગ્રૂપને મૃતક દીઠ પાંચ લાખ રૂપિયા અને બે સપ્તાહ બાદ સરકારે ભરેલા નાણાંમાંથી પાંચ લાખ બીજા એમ કુલ દસ લાખ રૂપિયા તથા ઘાયલોને બે લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

30 ઑક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દુર્ધટના મામલે ગત વર્ષે દાખલ કરવામાં આવેલી સુઓ મોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ઓરેવા ગ્રૂપે સંબંધિત વળતરનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

line

SIT રિપોર્ટમાં કેવા ખુલાસા કરાયા?

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, GUJARATTOURISM

30 ઑક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ મામલે સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) પ્રાથમિક રિપોર્ટ જમા કરાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, મોરબી ઝૂલતા પુલના મુખ્ય બે કેબલ પૈકીનો એક કટાયેલી હાલતમાં હતો અને દુર્ઘટના પહેલાં જ તેના અડધા વાયરો તૂટી ગયા હતા.

આઈએએસ ઑફિસર રાજકુમાર બેનીવાલ, આઈપીએસ ઑફિસર સુભાષ ત્રિવેદી, રાજ્યના માર્ગ-મકાન વિભાગના સૅક્રેટરી તેમજ ચીફ ઍન્જિનિયર અને સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ વિભાગના પ્રોફૅસર આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો હતા.

એસઆટીએ કરેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ ગત ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો. આ મામલે હજી પણ કેટલાક મુદ્દાને લઈને તપાસ બાકી હોવાથી શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવીને સત્વરે જવાબ આપવા કહ્યું છે.

પ્રાથમિક તપાસનાં તારણો અનુસાર યોગ્ય રીતે રિનોવેશન કર્યા વગર અને કોઈ પણ જાતના ટેસ્ટ કે પરવાનગી વગર પુલ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.

આપણે જાણીશું મોરબી પુલદુર્ઘટના ઘટી ત્યારથી લઈને તેનું સંચાલન કરનારી કંપની તેમજ તેના સંચાલકને લઈને થયેલા વિવાદો અને તાજેતરમાં આવેલા એસઆઈટીના રિપોર્ટમાં બીજું શું-શું છે.

line

વૉકિંગ સ્ટ્રક્ચરમાં પણ રહી ગઈ હતી ખામી

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, MORBI.NIC.IN

ડિસેમ્બર 2022માં રાજ્ય સરકાર દ્વારા ગઠિત એસઆઈટીની તપાસમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું હતું.

અહેવાલ પ્રમાણે, એસઆઈટીએ નોંધ્યું છે કે પુલના મુખ્ય બે કેબલ (જે પુલ બન્યો તે સમયના હતા) પૈકીના એકમાં કાટ લાગી ગયો હતો અને પુલ તૂટતાં પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઈ શકે છે.

એસઆઈટી અનુસાર, પુલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પુલની અન્ય ક્ષતિ વિશે જણાવવામાં આવ્યું છે કે, "પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા."

રિપોર્ટ મુજબ 'આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જે સૂચવે છે દુર્ઘટના પહેલાં જ તેમાંથી ઘણા તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોઈ શકે છે.'

એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે રિનોવેશન દરમિયાન કેબલને પુલના પ્લેટફૉર્મ સાથે જોડતા સસ્પેન્ડર્સને લઈને પણ ઉદાસીનતા રાખવામાં આવી હતી.

આ પ્રકારના પુલમાં સામાન્ય રીતે ભાર સહન કરવા સક્ષમ સિંગલ રૉડ સસ્પેન્ડર્સ હોવા જોઈએ પરંતુ રિનોવેશન દરમિયાન જૂના સસ્પેન્ડર્સનું નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ સિવાય એ પણ ધ્યાને આવ્યું છે કે પુલનું વૉકિંગ સ્ટ્રક્ચર લાકડાના લવચીક પાટિયાની જગ્યાએ કઠોર ઍલ્યુમિનિયમ પૅનલ્સમાંથી બનાવેલું હતું. જો એ લાકડાનું હોત તો જાનહાનિ ઘટી શકી હોત.

આ ઉપરાંત પુલ ખુલ્લો મુકાય તે પહેલાં કોઈ તે ભાર સહન કરી શકે છે કે કેમ? તે માટે કોઈ ટેસ્ટ કરાયા ન હતા.

line

ઓરેવા ગ્રૂપ અને તેના માલિક જયસુખ પટેલ

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, OREVA.COM

ઇમેજ કૅપ્શન, ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ

ગુજરાતના મોરબીમાં પુલદુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં, જેના લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું 1,262 પાનાંની ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

જયસુખ પટેલને અગાઉ ધકપકડ કરાયેલા નવ આરોપી સાથે 10મા આરોપી બનાવવામાં આવ્યા હતા. આરોપીઓમાં પેટા કૉન્ટ્રૅક્ટર, ટિકિટ ક્લાર્ક અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે.

અજંતા બ્રાન્ડ હેઠળ ઘડિયાળના ઉત્પાદન માટે જાણીતી કંપની ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના 100 વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.

બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ પછી તૂટી પડ્યો હતો.

જયસુખ પટેલના પિતા અને ભારતના 'દીવાલ ઘડિયાળના પિતા' ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.

આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ હતી. કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'.

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, OREVA.COM

ઇમેજ કૅપ્શન, રાજકીય નેતાઓ સાથે જયસુખ પટેલ

જયસુખ પટેલના રાજકીય સંપર્કો ગુજરાતના બંને મુખ્ય પક્ષો- કૉંગ્રેસ અને ભાજપ સાથે રહ્યા છે.

મોરબી ખાતેના બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે, તેમના પિતા અને જયસુખભાઈ ભાજપના થોડા વધુ નજીક હતા. તેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે લાંબા સમયથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પણ છતાં તેમના કાર્યક્રમોમાં ભાજપ અને કૉંગ્રેસ એમ બંને પક્ષોના નેતાઓ આવતા રહ્યા છે.

તેમની કંપનીની વૅબસાઇટમાં તેમના ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ મળે છે, જેને કારણે તેઓ ભાજપના નજીકના હોવાના ઓરોપો પણ લાગે છે.

જયસુખ પટેલ અને ઓરેવા ગ્રૂપ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો...

line

પુલના કૉન્ટ્રેક્ટને લઈને વિવાદ

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર થયેલા ચાર પાનાંના કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટમાં ટિકિટના દર માટે જેટલી વિગતવાર માહિતી આપવામાં આવી છે, તેટલી સ્પષ્ટતા આ પુલની જાળવણી માટેની શરતો માટે જોવા મળતી નથી.

બીબીસી ગુજરાતી પાસે આ કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટની કૉપી છે.

આ ઍગ્રીમેન્ટમાં કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ દ્વારા પુલ પર જવાના દર અને વર્ષ 2027-28 સુધી તેમાં કેટલો વાર્ષિક વધારો કરવામાં આવશે તેની વયજૂથ પ્રમાણે વિગતો આપવામાં આવી હતી.

વર્ષ 2027-28 બાદ દર વર્ષે તમામ સહેલાણીઓની પ્રવેશ ફીમાં બે રૂપિયાનો વધારો થશે તેમ પણ આ ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે.

ટિકિટના આ દર સહિત ઍગ્રીમેન્ટમાં કુલ નવ મુદ્દા છે. જેમાં ટિકિટ સિવાયના બાકીના કોઈ જ મુદ્દાની વિગતવાર છણાવટ નથી કરવામાં આવી કે કોઈ પણ શરતો મૂકવામાં નથી આવી.

કૉન્ટ્રેક્ટ મુજબ "ઓરેવા ગ્રૂપ દ્વારા ઝૂલતા પુલને યોગ્ય રિનોવેટ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં ઍગ્રીમેન્ટની તારીખથી અંદાજે આઠથી 12 માસનો સમય લાગવાનો હતો." પરંતુ ઍગ્રીમેન્ટના સાતમા મહિને જ તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

ઍગ્રીમેન્ટની તમામ બાબતો વાંચવા માટે અહીં ક્લિક કરો...

line

શું હતો ઘટનાક્રમ?

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, UGC/RAJESH AMBALIYA

મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.

સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો.

સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.

આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ પોલીસ પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.

નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન