મોરબી પુલ દુર્ઘટના : 'મજૂરી કરવા ગયા ત્યાં ખોટી રીતે ફસાવી દીધા, હવે પરિવારનું ભરણપોષણ કોણ કરશે'

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
30 ઑક્ટોબરે મોરબીનો જાણીતો ઝૂલતો પુલ તૂટ્યો જેમાં સરકારી આંક અનુસાર 135 લોકોનાં મૃત્યુ થયાં.
મોરબી પુલ દુર્ઘટનામાં જે નવ લોકોની ધરપકડ કરાઈ છે તેમાંના ત્રણ લોકો દાહોદના એક ગ્રામ્ય વિસ્તારના છે.
બીબીસીએ દાહોદના સુકી અનોપ ગામની મુલાકાત લઈને, આદિવાસી સમાજના અલ્પેશ અને દિલીપ ગોહિલ મજૂરીકામ માટે મોરબી ગયા અને પુલ દુર્ઘટનાના કેસમાં કેવી રીતે ફસાઈ ગયા તે વિશે પરિવારજનો સાથે વાત કરી હતી.
અલ્પેશ અને દિલીપ ગોહિલ બંને ભાઈઓ છે અને તેમનાં પત્ની સહિતનો પરિવાર મોરબીમાં તેમની સાથે રહેતો હતો. પતિની ધરપકડ થતાં બંને મહિલાઓ મોરબીનું ઘર ખાલી કરીને વતન સુકી અનોપ ગામે રહેવા આવી ગયા છે.
બંનેની ધરપકડ બાદ પરિવાર ઘેરા આઘાતમાં છે. પરિવાર કહે છે કે ઝૂલતા પુલની દુર્ઘટના સાથે તેમનો કોઈ સંબંધ નથી.
શહેરમાં સારું જીવન જીવવાના સપના સાથે તેઓ દસ વર્ષ પહેલાં મોરબી ગયા હતા. અલ્પેશભાઈ શું કામ કરતા હતા? પ્રશ્નના જવાબમાં અલ્પેશનાં પત્ની પ્રમીલાબહેન કહે છે, “તેઓ ઘડીયાળની ફેકટરીમાં ગાડી ભરવાનું અને ખાલી કરવાનું કામ કરતા હતા.”
પગાર કેટલો હતો? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “દસ હજાર. 300 રૂપિયાની મજૂરી લેખે એટલા જ થાય ને.”

અલ્પેશ સાથે તેમનાં પત્ની પણ મજૂરીકામ કરતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમે કંપનીને કંઈ રજૂઆત કરી હતી?
આ પ્રશ્નના જવાબમાં પ્રમીલાબહેન કહે છે, “દિવાળીની આઠ દિવસની રજા પડી એટલે હું અહીં ઘરે આવી હતી. દિવાળી પછી ત્રણ દિવસ કામ કર્યું અને રજા પડી એટલે કંપનીમાં કંઈ કામ નહોતું એટલે તેમને સિક્યૉરિટી ગાર્ડ તરીકે ત્યાં મોકલ્યા હતા.”
આ ત્રણ દિવસ દરમિયાન તેમને ઝૂલતા પુલ પાસે સિક્યૉરિટી ગાર્ડનુ કામ સોંપવામાં આવ્યું હતું. સિક્યૉરિટી ગાર્ડનું કામ તેમનું મૂળ કામ નહોતું, તે જ્યાં ગાડી ભરવા-ઉતારવાનું કામ કરતા હતા ત્યા દિવાળીની રજા કારણે તેમને ઝૂલતા પુલ પર સિક્યૉરિટીની કામગીરી સોંપાઈ હતી તેમ અલ્પેશનો પરિવાર કહે છે.
અલ્પેશભાઈની ધરપકડ કરાઈ તે પછી કંપનીએ તમને શું કીધું? પ્રશ્નના જવાબમાં તેમના પત્નીનું કહેવું છે કે કંપનીવાળાએ તેમનો હજુ સુધી કોઈ સંપર્ક કર્યો નથી. પગાર ચાલુ રહેશે કે નહીં તે અંગે પણ કોઈ જાણ કરી નથી.
અલ્પેશભાઈનાં પત્નીને કંપની મદદ કરે તેવું લાગતું તો નથી પરંતુ અપેક્ષા છે કે કંપની મદદ કરે.
કેમ કે તેમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે.
પતિની ધરપકડને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ પરિવાર સામે નવા નવા સંઘર્ષો આવી રહ્યા છે.

પરિવારનું પેટ ભરવાનો પ્રશ્ન

દાહોદના સુકી અનોપ ગામે તેમના ઘરના ફળિયે કાખમાં ધાવણું બાળક તેડેલા દિલીપ ગોહિલનાં પત્ની કાળીબહેનને મેં પૂછ્યું કે, “તમે હાલમાં શું કરો છો?” જવાબમાં તેમણે સામો પ્રશ્ન કર્યો, “શું કરીએ?”
તમારાં ત્રણ બાળકો (દિલીપ ગોહિલનાં સંતાનો)નું તમે કેવી રીતે પેટ ભરો છો? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “તેઓ(તેમના પતિ) કમાઈને આપે તો હું બાળકોનાં પેટ ભરું ને.” આનાથી આગળનો તેમની પાસે કોઈ જવાબ નથી.
ગામલોકોનું પણ કહેવું છે કે તેઓ ગરીબ હોવાના કારણે તેમને ખોટી રીતે ફસાવવામાં આવે છે.
દિલીપનાં પત્ની પણ કહે છે કે તેમના પતિ ઘડિયાળની ફેકટરીમાં ગાડી ભરવાનું અને ખાલી કરવાનું કામ કરતા હતા.

ગામલોકો સવાલ કરે છે, મજૂર માણસ મજૂરી કરવા ગયા અને ખોટી રીતે ફસાવ્યા અને હવે આ ઘરે બેઠા માણસોનું ભરણપોષણ કોણ કરે? બે ભાઈઓ સિવાય તેમનું કોઈ આગળ-પાછળ નથી.
ગામના એક મહિલા વેધક સવાલ કરે છે, “મજૂરી કરવા ગયા અને તેમના માથે ગુનેગારનું આળ મેલે તો અમારે પરિવારનું પેટ કઈ રીતે ભરવું? નાનાં નાનાં બાળકો છે એમના પરિવારમાં, કોઈ મોટું વડીલ નથી. કોણ એમનું પેટ ભરે?”
આ અંગે સ્થાનિક કર્મશીલો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. સુનિતા મોહનિયા મજૂર અધિકાર મંચ નામની સંસ્થાનાં આગેવાન છે. તેઓ આ પરિવારને કાયદાકીય લડતમાં મદદ કરી રહ્યાં છે.
સુનિતા કહે છે, “કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે. અમે 21 તારીખે કલેક્ટર કચેરી સામે ધરણાં અને પ્રદર્શન કરવાનાં છીએ. એ માટે મંજૂરી પણ મેળવી લીધી છે.”
આ મુદ્દે ઓરેવા કંપનીનો પક્ષ જાણવા માટે બીબીસીએ કંપનીનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
જોકે મોરબી પોલીસ અધીક્ષક પ્રમાણે, આ લોકો સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે.
બીજી બાજુ આ પરિવારનો સવાલ છે કે આ ઘટના સાચા જવાબદારો સુધી પોલીસ ક્યારે પહોંચશે?

શું હતો ઘટનાક્રમ

ઇમેજ સ્રોત, GUJARATTOURISM
મોરબીનો ઝુલતો પુલ માર્ચની શરૂઆતથી જ બંધ હતું અને 2008થી પુલ જાળવણી અને સંચાલન માટે ઓરેવા ગ્રૂપને સોંપી દેવાયો હતો. 26 ઑક્ટોબરના રોજ સમારકામ બાદ તેને ગુજરાતી નવા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
30 ઑક્ટોબરે મોરબીનો જાણીતો ઝૂલતો પુલ તૂટ્યો અને સરકારી આંક અનુસાર એમાં 135 લોકોનાં મૃત્યુ થયાં.
મોરબી શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે 56 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં 40 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં, 32 મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં.
વરિષ્ઠ પત્રકાર અને છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા પ્રવીણ વ્યાસે કહ્યું હતું કે સામ્રાજ્યવાદી યુગના ઝૂલતા પુલ (હેંગિંગ બ્રિજ)ને રાજ્યની પ્રવાસન વેબસાઇટમાં "ટેકનૉલૉજિકલ અજાયબી" તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે નગરજનોમાં ભારે લોકપ્રિય હતો અને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ હતો.
પ્રવીણ વ્યાસે બીબીસીને કહ્યું, "ઘણી ઊંચાઈએ આવેલા આ પુલ પરથી શહેરનું વિહંગાવલોકન કરી શકાતું હતું. બાળકો તેને વિશેષ પસંદ કરતાં હતાં કારણ કે તે ઝૂલતો હતો."
તેમણે ઉમેર્યું કે જે રવિવારની સાંજે જ્યારે દુર્ઘટના બની ત્યારે તે ઝૂલતો પુલ સ્થાનિકો અને પ્રવાસીઓથી ભરચક હતો. રજાનો દિવસ અને દિવાળી વૅકેશનનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.














