નિક્કી યાદવ મર્ડર કેસ : પોલીસ શ્રદ્ધા વાલકર 'કૉપીકેટ મર્ડર' તરીકે કેમ જોઈ રહી છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મંગળવારે દેશભરમાં યુવા હૈયાં પ્રેમના પર્વ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે દિલ્હી પોલીસે એવા કેસ પરથી પડદો ઊંચક્યો કે જેમાં પ્રેમી ઉપર જ તેની પ્રેમિકાની હત્યા કરવાનો આરોપ છે.

એટલું જ નહીં, હત્યા બાદ આરોપી સાહિલે પરિવારની મરજી મુજબ અન્ય એક યુવતી સાથે એ સમયે લગ્ન કરી લીધું, જ્યારે એણે એની પ્રેમિકા નિક્કી યાદવનો મૃતદેહ એના ફ્રિજમાં છૂપાવી રાખ્યો હતો.

પોલીસ આ ઘટનાને શ્રદ્ધા વાલકર 'કૉપીકેટ' માનવું છે કે લગ્ન કરીને પરત આવ્યા બાદ તેની ગણતરી નિક્કી યાદવનાં મૃતદેહનો નિકાલ કરવાની હતી.

જોકે, આફતાબ અને શ્રદ્ધા કેસથી વિપરીત નિક્કી-સાહિલ કેસમાં એક બાબત ઊડીને આંખે વળગે છે, જેની સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાહિલ અને મૃતક નિક્કી બંને એકબીજાને પાંચ વર્ષથી ઓળખતાં હતાં અને લિવ-ઇન કપલ તરીકે સાથે રહેતાં હતાં.

2018માં ધો. 12ની પરીક્ષા પાસ કર્યા બાદ બંને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે દિલ્હી આવ્યાં હતાં.

બંને દિલ્હીના ઉત્તમનગર ખાતે એક કૉચિંગ સેન્ટરમાં સાથે ટ્યૂશન લેવા જતાં, એ દરમિયાન તેમનો બસરૂટ એક હતો, અહીંથી

બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, આગળ જતાં બંનેએ નોઇડાસ્થિત એક યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. બાદમાં લિવ-ઇન સાથે રહેવાં લાગ્યાં હતાં.

2020માં લૉકડાઉન દરમિયાન બંને પોત-પોતાનાં ઘરે જતાં રહ્યાં હતાં. પરત આવીને તેમણે દિલ્હીમાં દ્વારકા વિસ્તારમાં ફ્લૅટ રાખી લીધો હતો. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન તેઓ મનાલી, દેહરાદૂન, હરિદ્વાર અને ઋષિકેશ જેવા સ્થળોએ સાથે ફરવાં ગયાં હતાં.

બંનેએ પરિવરજનોને તેમનાં પ્રેમસંબંધ અંગે જાણ કરી ન હતી. સાહિલ તેના પરિવારના દબાણ હેઠળ લગ્ન કરવા તૈયાર થયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

પ્રેમી, પ્રેમિકા અને પત્ની

દિલ્હી પોલીસને આના વિશે એક ગુમનામ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે મૃતદેહને કબજે લેવાની તજવીજ હાથ ધરી હતી.

દિલ્હીની ક્રાઇમ-બ્રાન્ચના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) સતીશ કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ) સાથે વાત કરતા એ દિવસના ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો.

નવમી ફેબ્રુઆરીના આરોપીની સગાઈ હતી, એ પહેલાં સાહિલ નિક્કીને મળવા માટે પહોંચ્યો હતો. તે મોડીરાત્રે પહોંચ્યો અને વહેલી સવારે પરત નીકળ્યો હતો, આ દરમિયાન સાહિલ અને નિક્કી બંને દિલ્હીના અલગ-અલગ સ્થળોએ ફર્યાં હતાં.

આ દરમિયાન બંને વચ્ચે લગ્નને મુદ્દે દલીલ બોલાચાલી હતી, જેના પગલે સાહિલ ગુસ્સે ભરાયો હતા અને તેમણે ગાડીમાં રહેલા મોબાઇલ ચાર્જિંગ કેબલથી નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. એ પછી મૃતદેહને મિતરાંવ ગામ ખાતેના પોતાના ઢાબામાં રહેલા ફ્રિજમાં મૂકીને કરીને પોતાના લગ્નને માટે પરિવાર પાસે જતો રહ્યો હતો.

આ અંગે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને એ રાત્રે તેઓ ક્યાં-ક્યાં ગયા હતા અને કયા-કયા રૂટ ઉપર ફર્યા હતા, તેના સીસીટીવી ફૂટેજ એકઠા કરવામાં આવી રહ્યા છે.

પોલીસે સાહિલના કબૂલાતનામાના આધારે ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ, મૃતક નિક્કીના પિતાના કહેવા પ્રમાણે, છેલ્લા દોઢેક મહિનાથી તેમની અને નિક્કીની મુલાકાત નહોતી થઈ.

જ્યારે નિક્કીની સાથે સંપર્ક ન થઈ શક્યો ત્યારે તેમણે ફરિયાદ દાખલ કરી હતી. તેમણે માગ કરી હતી કે નિક્કીના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે.

શ્રદ્ધા વાલકર કોપીકૅટ મર્ડર

પોલીસ આ કેસને શ્રદ્ધા વાલકર 'કૉપીકેટ' મર્ડર તરીકે જોઈ રહી છે. નવેમ્બર-2021માં દિલ્હીમાં શ્રદ્ધા વાલકર નામની મહારાષ્ટ્રિયન યુવતીની હત્યાનો કેસ બહાર આવ્યો હતો, જેમાં આફતાબ પુનાવાલા નામના યુવકે તેનાં લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી નાખી હતી.

આ હત્યા તેણે મે મહિનામાં નિપજાવી હતી અને મૃતકના હત્યાને ફ્રીજમાં સંગ્રહી દીધો હતો, એટલું જ નહીં, તેના 35 જેટલા ટુકડા કરીને દિલ્હીના અલગ-અલગ ભાગમાં તેનો નિકાલ કર્યો હતો. મૃતદેહ જ્યારે ફ્રીજમાં હતો, ત્યારે આફતાબે ડેટિંગ ઍપ પર અન્ય યુવતીઓનો સંપર્ક સાધ્યો હતો અને ડેટને ઘરે પણ લાવ્યા હતા.

પોલીસને નાર્કોટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ, સાંયોગિક પુરાવા અને આફતાબના કબૂલાતનામા ઉપર આધાર રાખવો પડ્યો હતો.

કેસ બહાર આવ્યાના 75 દિવસની અંદર પોલીસે છ હજાર 500 કરતાં વધુ પન્નાની ચાર્જશિટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસ તેને શ્રદ્ધા વાલકર 'કૉપીકેટ' મર્ડર તરીકે જોઈ રહી છે.

દિલ્હી પોલીસના કમિશનર (સીપી, ક્રાઇમ) રવિન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, "દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સમયસર યોગ્ય કાર્યવાહી કરી હતી, જેના કારણે મૃતદેહ જપ્ત કરી શકાયો હોત.આ કેસમાં કોઈ કેસ કે મીસિંગની ફરિયાદ દાખલ થઈ ન હતી."

"જો લગ્ન કરીને પરત ફર્યા બાદ મૃતદેહનો નિકાલ કરી દેવામાં આવ્યો હોત તો તપાસમાં ઘણીબધી અડચણ આવી હોત. ડીએનએનું મૅચિંગ કરવું, પુરાવા શોધવા, પુરાવાને આરોપી સાથે જોડવા, વગેરે જેવી મુશ્કેલીઓ પડી હોત અને ટ્રાયલ લાંબી ચાલી હોત."

પોલીસે હત્યાના કૃત્ય માટે કથિત રીતે ઉપયોગમાં લેવાયેલી ગાડીને જપ્ત કરી છે અને તેની ફૉરેન્સિક તપાસની તજવીજ હાથ ધરી છે. પોલીસે સાહિલના પાંચ દિવસના રિમાન્ડ લીધા છે, જેમાં ઘટનાક્રમને પ્રસ્થાપિત કરવામાં આવશે, વધુ પુરાવા એકઠા કરવામાં આવશે, સાક્ષીઓને સાથે રાખીને સાહિલની પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય સાક્ષી પણ એકઠા કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કેસને મજબૂત બનાવી શકાય.

ગાડીને રિકવર કરવી અને તેની ફૉરેન્સિક તપાસ. જ્યાં-જ્યાં ફેરવી હતી, ત્યાં-ત્યાંના સીસીટીવી પુરાવા એકઠા કરવામાં આવશે.

મહારાષ્ટ્રના પાલઘરમાં હાર્દિક નામના શખ્સે તેમનાં મેઘા નામનાં લિવ-ઇન પાર્ટનરની હત્યા કરીને તેમના મૃતદેહના પથારીમાં છૂપાવી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કહાણી કૉપીકેટ મર્ડરની

ન્યૂઝ મીડિયામાં કહેવાય છે કે ત્રણ સી એટલે કે 'ક્રાઇમ, ક્રિકેટ અને સૅલિબ્રિટી' વિશેના સમાચાર ખૂબ જ વંચાય છે. શ્રદ્ધા વાલકર હત્યા કેસનું વ્યાપક રીતે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું.

મીડિયામાં ગુનાના કવરેજ અંગે અભ્યાસ કરનારા કલ્ચરલ બિહૅવિયરિસ્ટ લૉરેન કોલમૅનના કહેવા પ્રમાણે, "કૉપીકેટ મર્ડર અને સ્યૂસાઇડ એ વાસ્તવિકતા છે અને મીડિયા આ નકલ કરવાના વ્યવહારને ચેપી રીતે ફેલાવવાનું કામ કરે છે."

શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબે અમેરિકાના ક્રાઇમડ્રામાં 'ડેક્સ્ટર'માંથી પ્રેરણા લીધી હોવાનું માનવામાં આવે છે. જેમાં દિવસે ફૉરેન્સિક નિષ્ણાતનું કામ કરનાર વ્યક્તિ રાત પડ્યે સિરિયલ કિલર બની જાય છે.

ક્રિમિનલ સાઇકૉલૉજિસ્ટ અનુજા કપૂરના કહેવા પ્રમાણે, "શ્રદ્ધા વાલકર હત્યાકેસ જેવા સમાચારનો સનસનાટીપૂર્વક રજૂ કરવાને કારણે હિસ્ટેરિયા પેદા થાય છે અને આ પ્રકારની હત્યાઓ કરવા માટે પ્રેરિત કરી શકે છે."

જોકે, પોલીસ અને ક્રાઇમ સાઇકૉલૉજિસ્ટના મતે 'ફ્રીજ અને સ્યૂટકેસ મર્ડર'માં એકબીજાની નકલને મીડિયા દ્વારા સનસનાટીભરી રીતે રજૂ કરવામાં આવે છે, પરંતુ એકબીજાની નકલ થાય છે એમ માનવાને કોઈ કારણ નથી.

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી દિપેન્દ્ર પાઠકના મતે, "કૉપીકેટ ક્રાઇમ વાસ્તવિકતા છે, પરંતુ મારો અનુભવ છે કે ગુનાને બદલે ફિલ્મો અને નવલકથાઓમાંથી પ્રેરણા લઈને પુરાવાનો નાશ કરવા માટેની પ્રેરણા લેવામાં આવે છે."

જોકે, સોશિયલ મીડિયા ઉપરની ચર્ચા પ્રમાણે, શ્રદ્ધા વાલકર અને નિક્કી યાદવની હત્યા અંગે મીડિયામાં અલગ-અલગ રીતે ચર્ચા થઈ રહી છે, તેનું કારણ આરોપીનો ધર્મ છે.

સોશિયલ મીડિયા સેન્સેશન

ડેમૉક્રેટિક આઝાદ પાર્ટીના નેતા સલમાન નિઝામીએ ટ્વિટર પર લખ્યું, "દિલ્હીમાં સાહિલ ગેહલોતે તેની પ્રેયસીની હત્યા કરી નાખી અને તેના મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો અને એજ દિવસે અન્ય યુવતી સાથે લગ્ન કરવા જતો રહ્યો, છતાં આના વિશે કોઈ આક્રોશ નહીં, કોઈ ટીવી ડિબેટ નહીં, કારણ કે તે મુસ્લિમ ન હતો. આરઆઈપી નિક્કી યાદવ.

કંઇક આવો જ સૂર પત્રકાર વિનોદ કાપરીએ વ્યક્ત કર્યો હતો. ટ્વીટ કરીને તેમણે લખ્યું, "દિલ્હીમાં વ્હાલી દીકરી નિક્કી યાદવની નૃશંસ હત્યા કરી દેવામાં આવી. ચાર દિવસ સુધી તેના મૃતદેહને ફ્રીજમાં સંગ્રહીને રાખવમાં આવ્યો, છતાં કોઈ હોબાળો નહીં , કોઈ કાગારોળ નહીં, કારણ કે (આરોપી) હત્યારો સાહિલ ગેહલોત છે."

રાષ્ટ્રવાદી કિસાન ક્રાંતિ દળના વડા અને રાજકીય વિશ્લેષક અમરેશ મિશ્રાના કહેવા પ્રમાણે, "શ્રદ્ધા-આફતાબ કેસમાં ભાજપ અને આરએસએસની નફરતી બ્રિગૅડને જઘન્ય અપરાધ નહીં,પરંતુ લવજેહાદ નજરે પડતાં હતાં. નવમી ફેબ્રુઆરીએ સાહિલ ગેહલોતે તેનાં લિવ-ઇન પાર્ટનર નિક્કી યાદવની નિર્દયતાપૂર્વક મોબાઇલ ચાર્જરથી ગળું દબાવીને હત્યા કરી નાખી (હોવાનો આરોપ છે), છતાં કોઈ ઇકૉસિસ્ટમ શા માટે હત્યારાનો ધર્મ નથી પૂછી રહી? આવા બેવડાં માપદંડ કેમ? "

તો સોશિયલ મીડિયા ઉપર કેટલાક માની રહ્યા છે કે જે લિવ-ઇન સંબંધમાં ગર્લફ્રૅન્ડને વસ્તુમાત્ર સમજવામાં આવતી હોય અને જે સંસ્કૃતિમાં માતા-પિતા દ્વારા લગ્ન નક્કી કરવામાં આવતા હોય, ત્યાં લિવ-ઇન વ્યવસ્થા સાર્થક ન નિવડી શકે. સમાજ હજુ આ પ્રકારના સંબંધો માટે તૈયાર નથી અને એટલે જ આ પ્રકારના ગુના થઈ રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો