બે લાખનો વીમો મંજૂર કરાવવા ડૉક્ટરે પોતાને મૃત ઘોષિત કર્યા અને મળી સાત વર્ષની કેદ

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • એલઆઇસીની પૅનલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ પોતાની જાતને મૃત જાહેર કરી જીવનવીમા પૉલિસીનાં નાણાં મેળવ્યાંનો મામલો સામે આવ્યો હતો
  • આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરતની કોર્ટે ડૉક્ટર અને તેમનાં પત્નીને સાત વર્ષની સજા ફટકારી હતી
  • આખરે કેવી રીતે પોતાના જ મૃત્યુનો ડોળ રચી ઠગાઈ કરવામાં દંપતી સફળ થયાં?

"સમાજમાં દેખીતી રીતે ડૉક્ટરનો વ્યવસાય ધરાવનાર વ્યક્તિ ઇજ્જત, પ્રતિષ્ઠા, નામના, લોકોના વિશ્વાસ મેળવતો હોય છે.

જ્યારે હાલના કેસમાં આરોપી ડૉકટર ઉપરાંત એલઆઇસી જેવી સંસ્થાના પૅનલ ડૉકટર છે. એલઆઇસી જેવી સંસ્થાના કલેમ પાસ કરતી વખતે પૅનલ ડૉકટરની ભૂમિકા મહત્ત્વની ગણાય.

તેઓની કામગીરી પર સમાજને વિશ્વાસ હોય છે, જેથી આરોપી જવાબદારીભર્યું પદ ધરાવતા હોવા છતાં એ પદની સહેજ પણ શરમ-સંકોચ રાખ્યા-અનુભવ્યા વગર આરોપી નંબર 2 સાથે મળી જઈ કેસમાં ગુનાહિત કાવતરું રચ્યું છે."

આ અવલોકન સુરત એડિશનલ ચીફ મૅજિસ્ટ્રેટ દીપાબહેન ઠાકરનું છે.

તેમણે આ અવલોકન એક એવા આરોપીને સાત વર્ષની સજા કરતી વખતે કર્યું, જે ડૉક્ટર છે અને પોતાને મૃત ઘોષિત કરી લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી) પાસે 2.01 લાખનો વીમો મંજૂર કરાવી લીધો હતો.

આ ગુનાહિત કાવતરું અને ઠગાઈ કરનાર આરોપીઓ ડૉ. પંકજ હીરાલાલ મોદી અને તેમનાં પત્ની મીનાબહેન મોદીને કોર્ટે સાત વર્ષની સજા કરી છે.

આ કેસ જેટલું વિચિત્ર લાગે છે તેટલી જ અલગ તેની પાછળની કહાણી પણ છે. આ કેસમાં દોષીએ પોતાના મૃત્યુનો ડોળ રચી અને વીમા કંપની પાસેથી મૃત્યુનો ક્લેમ મંજૂર કરાવી લીધો હતો.

આખરે દોષી આ કેવી રીતે પકડાયા અને કેવી રીતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ સમગ્ર મામલાની તપાસ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

સુરતમાં એલઆઇસીની કતારગામ બ્રાન્ચના એક અધિકારી જાન્યુઆરી 2003માં મૃતક ડૉક્ટરની ત્રણ વીમા પૉલીસી પૈકી બે પૉલીસીના ક્લેમ મંજૂર કરવા માટે તેમનાં પત્નીની રૂબરૂ મુલાકાત માટે ગયા હતા પરંતુ એ સમયે કંઈક એવું બન્યું કે તેઓ ચોંકી ગયા હતા.

કેમ કે, જે મૃત ડૉક્ટરની જીવનવીમાની પૉલીસીની મંજૂરીની પ્રક્રિયા કરવા માટે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યાં ડૉકટર પંકજ મોદી જીવિત મળી આવ્યા હતા.

ઘટના સામે આવતા ખબર પડી હતી કે એલઆઇસીના પૅનલ ડૉક્ટરે પોતાની જાતને મૃત બતાવીને તેના ખોટા દસ્તાવેજો ઊભા કરી એલઆઇસીને રૂ.2.01 લાખનો ચૂનો ચોપડ્યો હતો.

આ સમગ્ર ઘટના બહાર આવતાં એલઆઇસીના અધિકારીઓમાં ભારે ચર્ચા જાગી હતી.

આ સમગ્ર ઘટનામાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં તા.19 ફેબ્રઆરી 2004માં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા ડૉ. પંકજ હીરાલાલ મોદી તથા તેમનાં પત્ની મીનાબહેન પંકજભાઈ મોદી સામે આઇપીસીની કલમ 406, 409, 418, 420, 465, 467, 468, 471, 120(બી), 114, 201 મુજબનો ગુનો નોંધાયો હતો.

આ કેસમાં આરોપી ડૉકટર અને તેમનાં પત્નીની ધરપકડ કરવામાં આવી હતી પછી તેઓને તા.23 ફેબ્રુઆરી 2006ના રોજ જામીન આપવામાં આવ્યા હતા.

આ કેસની કાર્યવાહી કોર્ટમાં આગળ વધતાં તા. 3 જાન્યુઆરી 2023ના રોજ બંને આરોપીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

એલઆઇસીના પૅનલ ડૉક્ટર હતા દોષિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા 65 વર્ષીય ડૉ. પંકજ મોદી એલઆઇસીના પૅનલ ડૉકટર તરીકે કાર્યરત્ હતા.

તેમણે સુરતના કતારગામની એલઆઇસીની બ્રાંચથી ત્રણ જીવનવીમા પૉલિસી લીધી હતી.

એક પૉલિસી રૂ. 75 હજાર, બીજી પૉલિસી રૂ.25 હજાર અને ત્રીજી પૉલિસી રૂ.50હજારની હતી.

જરૂરી પ્રક્રિયા બાદ તેઓને પૉલિસી આપવામાં આવી હતી.

આ ત્રણેય પૉલિસીમાં નૉમિની તરીકે તેમનાં પત્ની મીના મોદીનું નામ હતું.

મીનાબહેન મોદીએ જુલાઈ 2002માં એલઆઇસીની કચેરીમાં આ ત્રણેય પૉલીસીનો ક્લેમ પાસ કરાવવા માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા હતા.

પંકજ મોદી સ્કૂટર પરથી સ્લિપ થઈ જતાં મૃત્યુ પામ્યા હોવાનું કહીને આ દાવો રજૂ કરાયો હતો.

આ ક્લેમ માટે તેઓએ પોલીસ ફરિયાદ, પંચનામુ, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, હૉસ્પિટલ દાખલ થયાનું પ્રમાણપત્ર, મરણનો દાખલો વગેરે ડૉક્યુમૅન્ટ રજૂ કર્યા હતા.

આ ક્લેમ સાચો માની એલઆઇસીએ એક પૉલિસીમાં ક્લેમ પેટે રૂ. 2.01લાખ ચૂકવી દીધા હતા. જ્યારે બે પૉલિસીમાં જરૂરી દસ્તાવેજો ખૂટતાં હોઈ એલઆઇસી અધિકારી તેમના નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા.

જ્યાં તેમને ડૉ. પંકજ મોદી જીવિત હોવાનું જાણવા મળ્યું હતું.

મુલાકાત દરમિયાન અધિકારી સમક્ષ દોષિત ડૉક્ટરે પોતાનો ગુનો કબૂલ્યો પણ હતો.

આ સમગ્ર ઘટનામાં તમામ ડૉક્યુમૅન્ટ ખોટા હોવાનું ખૂલ્યું હતું પછી આ સમગ્ર મામલે પોલીસ કેસ નોંધાયો હતો. જેમાં ડૉક્ટર સહિત તેમનાં પત્ની સહઆરોપી હતાં.

આ કેસમાં 16 સાક્ષીઓને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 56 જરૂરી જુબાની અને પુરાવાઓના આધારે બંને આરોપીઓને સાત વર્ષની સજા કરાઈ હતી.

બચાવપક્ષના વકીલે આરોપી ઉંમરલાયક, ગુનાહિત ઇતિહાસ વગરનાં અને મેડિકલ સારવાર હેઠળ હોઈ દયા રાખી ઓછી સજા કરવા માટે વિનંતી કરી હતી પણ કોર્ટ દ્વારા આરોપીનું કૃત્ય માફી કે દયાને પાત્ર નથી તેવું અવલોકન કરી સાત વર્ષની સજા સાથે રૂ. 15 હજારનો દંડ કર્યો હતો.

આરોપી પક્ષના વકીલ અજય વેલાવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી જણાવ્યુ હતું કે, "અમારા અસીલને નીચલી કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેથી અમે નારાજ છીએ અને અમે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. સેશન્સ કોર્ટ દ્વારા નીચલી કોર્ટના હુકમ પર સ્ટે આપવામાં આવ્યો છે. જેથી ડૉક્ટર દંપતી હાલ જામીન આપવામાં આવ્યા છે."

આ સમગ્ર મામલે સરકારી વકીલ આર. બી. દેસાઈએ જણાવ્યું હતું કે, "નામદાર કોર્ટે ચુકાદો અમારી તરફેણમાં આપ્યો છે. "