હેલ્થ : સ્માર્ટફોન પર અંધારામાં લાંબો સમય સર્ફિંગ કરવાથી આંખને કેટલું નુકસાન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમરેન્દ્ર
- પદ, બીબીસી સંવાદદાતા
હૈદરાબાદની 30 વર્ષની યુવતીની આંખમાં સમસ્યા સર્જાઈ હતી. એક સવારે તેઓ જાગ્યાં ત્યારે તેમને કશું દેખાતું ન હતું. આવી તકલીફ થાય ત્યારે આંખના ડૉક્ટર તમામ જાતજાતના ટેસ્ટ્સ કરાવવાનું કહે છે. પરીક્ષણને આધારે નિદાન થાય છે અને પછી સારવાર બાદ સારું થઈ જાય છે.
હૈદરાબાદની યુવતીને આંખના ડૉક્ટરને બદલે ન્યુરોલોજિસ્ટ (મજ્જાતંતુના રોગના નિષ્ણાત) પાસે જવાની સલાહ આપવામાં આવી હતી. તેઓ ન્યુરોલોજિસ્ટ પાસે ગયાં હતાં. તેમણે ઓપ્ટિક નર્વ્ઝ સંબંધી તમામ પરીક્ષણ કર્યાં હતાં.
તેના આધારે એવું તારણ કાઢ્યું હતું કે આંખમાં કોઈ સમસ્યા નથી. આંખમાં સમસ્યા ન હોય તો તેને આવી તકલીફ શા માટે થઈ હતી એ જાણવાનો પ્રયાસ પણ ડૉક્ટરે કર્યો હતો.

- હૈદરાબાદનાં 30 વર્ષનાં યુવતી એક સવારે જાગ્યાં ત્યારે તેમને કશું દેખાતું ન હતું, તેમની આંખમાં સમસ્યા સર્જાઈ હતી.
- યુવતીએ જણાવ્યું હતું કે તેને કાળા ટપકાં, આડી-અવળી લાઈન દેખાય છે. દૃષ્ટિ ધૂંધળી પડી ગઈ છે. એ યુવતીને લગભગ દોઢેક વર્ષથી આ તકલીફ હતી.
- દર 15-20 મિનિટે યુવતીને આંખમાં આવી તકલીફ થતી હતી. બે-ત્રણ મિનિટ બાદ બધું નોર્મલ થઈ જતું હતું. એ યુવતી રાતે બાથરૂમ જતી હતી ત્યારે તેને બે-ત્રણ મિનિટ કશું દેખાતું ન હતું.
- આવી તકલીફમાં આંખના ડૉક્ટર જાતજાતના ટેસ્ટ્સ કરાવવાનું કહે છે. પરીક્ષણને આધારે નિદાન થાય છે અને પછી સારવાર બાદ સારું થઈ જાય છે.
- હૈદરાબાદનાં આ યુવતીને આંખના ડૉક્ટરને બદલે ન્યુરોલોજિસ્ટ (મજ્જાતંતુના રોગના નિષ્ણાત) પાસે જવાની સલાહ અપાઈ હતી. તેઓ ન્યુરોલોજિસ્ટ પાસે ગયાં અને ઓપ્ટિક નર્વ્ઝ સંબંધી તમામ પરીક્ષણો કરાવ્યાં હતાં.
- ન્યુરોલૉજિસ્ટે તારણ કાઢ્યું હતું કે આંખમાં કોઈ સમસ્યા નથી. આંખમાં સમસ્યા ન હોય તો તેને આવી તકલીફ શા માટે થઈ હતી એ જાણવાનો પ્રયાસ પણ ડૉક્ટરે કર્યો


ઇમેજ સ્રોત, Alamy
ડૉક્ટરે એ સંદર્ભમાં ટ્વીટ કરી હતી. તે ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. આ બાબતે વિગતવાર માહિતી મેળવવા બીબીસીએ ડૉક્ટર સાથે વાત કરી હતી. પેલી યુવતીને ખરેખર શું સમસ્યા હતી તે ડૉક્ટરે સમજાવ્યું હતું.
ડૉ. સુધીર કુમાર હૈદરાબાદની એપોલો હૉસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં કામ કરે છે. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "30 વર્ષની યુવતી થોડા દિવસ પહેલાં આંખની સમસ્યાના ઇલાજ માટે આવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તેને કાળા ટપકાં, આડી-અવળી લાઈન દેખાય છે. દૃષ્ટિ ધૂંધળી પડી ગઈ છે. એ યુવતીને લગભગ દોઢેક વર્ષથી આ તકલીફ હતી."
તેમણે કહ્યું હતું કે "દર 15-20 મિનિટે યુવતીને આંખમાં આવી તકલીફ થતી હતી. બે-ત્રણ મિનિટ બાદ બધું નોર્મલ થઈ જતું હતું. એ યુવતી રાતે બાથરૂમ જતી હતી ત્યારે તેને બે-ત્રણ મિનિટ કશું દેખાતું ન હતું."
એ યુવતીએ આંખના ડૉક્ટરને દેખાડ્યું હતું, પણ તેમણે વિવિધ પરીક્ષણ બાદ યુવતીને એવું જણાવ્યું હતું કે આંખમાં કોઈ તકલીફ નથી. આંખના ડૉક્ટરે આપેલી સલાહના અનુસંધાને તે યુવતી ડૉ. સુધીર કુમાર પાસે ગઈ હતી.
ડૉ. સુધીર કુમારે વિવિધ પરીક્ષણ કર્યાં હતાં અને તેમણે પણ યુવતીને જણાવ્યું હતું કે તેની આંખમાં કોઈ તકલીફ નથી. તેની નર્વ્ઝમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી તેની દૃષ્ટિમાં સમસ્યા કેમ છે તેનું નિદાન કરવા ડૉ. સુધીર કુમારે યુવતી પાસેથી તે સવારથી રાત સુધી શું કરે છે, તેની દૈનિક દિનચર્ચા શું છે તેની માહિતી મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તપાસમાં મળ્યું આશ્ચર્યજનક તારણ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સુધીર કુમારે કહ્યું હતું કે "એ યુવતી ભૂતકાળમાં બ્યુટિશિયન તરીકે કામ કરતી હતી. તેણે પારિવારિક કારણોસર તે કામ છોડી દીધું હતું. તેના પતિ સવારે નોકરી પર જતા હતા અને મોડી રાતે પાછા ફરતા હતા. ફાજલ સમય પસાર કરવા એ યુવતી સ્માર્ટફોન પર સર્ફિંગ કરતા થયાં હતાં અને પછી સ્માર્ટફોનને બંધાણી થઈ ગયાં હતાં. પતિ ઓફિસે જાય અને ઘરનું કામકાજ પતે પછી તરત જ એ યુવતી કલાકો સુધી સ્માર્ટફોન પર સર્ફિંગ કરતાં હતાં."
રાતે લાઈટ બંધ કરીને પથારીમાં પડ્યા પછી પણ બે કલાક સુધી સ્માર્ટફોન પર સર્ફિંગ કરતાં હતાં. તેમને દિવસમાં 10-12 કલાક સ્માર્ટફોન વાપરવાનું વળગણ થઈ ગયું હતું.
ડૉ. સુધીર કુમારે ઉમેર્યું હતું કે "ગયા વર્ષે પણ આવો જ એક કેસ મારી પાસે આવ્યો હતો. આવા લોકોના ચેતાતંત્રમાં કોઈ સમસ્યા નથી હોતી. કલાકો સુધી સ્માર્ટફોન પર ચોંટ્યા રહેવાથી અને અંધારામાં પણ સ્માર્ટફોન પર સર્ફિંગ કરવાથી દૃષ્ટિને નુકસાન થાય છે. મેં એ યુવતીને સ્માર્ટફોન પર સર્ફિંગનો સમય ઘટાડવાની સલાહ આપી હતી. એક મહિના પછી પણ સમસ્યા યથાવત રહે તો વધુ તબીબી પરીક્ષણ કરીશું એવું જણાવ્યું હતું."
એ યુવતી એક માસ બાદ તાજેતરમાં સારવારની સમીક્ષા માટે ડૉ. સુધીર કુમાર પાસે ફરી આવી હતી. તેમણે કહ્યું હતું કે "ડૉક્ટર, મેં સ્માર્ટફોનનો વપરાશ ઓછો કર્યાના બે-ત્રણ દિવસમાં જ મારી તકલીફ ઓછી થઈ ગઈ હતી અને એક સપ્તાહ પછી તો દૃષ્ટિ તદ્દન સાફ થઈ ગઈ હતી."

સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમ શું છે?

ઇમેજ સ્રોત, TWITTER
સ્માર્ટફોન્સ અને લેપટોપ્સનો ઉપયોગ કરતા ઘણા લોકો વર્ષોથી આરોગ્ય સંબંધી વિવિધ તકલીફોની પીડાઈ રહ્યા છે. એ તકલીફોમાં સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમ, લેપટોપ વિઝન સિન્ડ્રોમ અને ડિજિટલ વિઝન સિન્ડ્રોમનો સમાવેશ થાય છે.
ડૉક્ટર્સના કહેવા મુજબ, ડિજિટલ સ્ક્રીન સામે લાંબો સમય કામ કરતા કે તાકતા રહેવાથી આ સમસ્યા સર્જાય છે. અંધારામાં અને ખાસ કરીને રાતે સ્માર્ટફોનમાં તાકતા રહેવાથી આંખોમાં સમસ્યા સર્જાતી હોવાનું કેટલાક અભ્યાસ દર્શાવે છે.
આંખો એક જ સ્પોટને લાંબા સમય સુધી નિહાળ્યા કરે ત્યારે આંખો સાથે જોડાયેલાં એક્સ્ટ્રાઓક્યુર મસલ્સ નબળાં પડે છે. તેને કારણે ક્યારેય ડબલ વિઝનની પરિસ્થિતિ પણ સર્જાય છે. સ્માર્ટફોન, કમ્પ્યુટર્સમાંથી નીકળતી ગરમીની અસર સ્માર્ટફોન કે કમ્પ્યુટરના ઉપયોગ વખતે તેમાંથી જે ગરમી જનરેટ થાય છે તેની આંખો પર માઠી અસર થાય છે. તેને લીધે આંખો ડ્રાય થઈ જાય છે. લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં જ હતા ત્યારે આ પ્રકારની અનેક સમસ્યા સર્જાઈ હતી.
દિલસુખનગરસ્થિત આંખના રોગોના નિષ્ણાત ડૉ. વિશાલે કહ્યુ હતું કે "સ્માર્ટફોનમાં વધુ પડતો સમય સર્ફિંગ કરવાથી આંખોમાંનો ભેજ ઘટે છે, આંખ શુષ્ક થઈ જાય છે. તેમાં બળતરા અને પીડા થાય છે. રાતના અંધારામાં લાંબા સમય સુધી સ્માર્ટફોન પર સર્ફિંગ કરતા રહેવાથી સમસ્યા વકરે છે, કારણ કે આજુબાજુ અંધારું હોય છે અને ફોનની સ્ક્રીનમાંથી આવતી લાઈટને લીધે આંખો પર વધારે તાણ સર્જાય છે. તેથી સવારે ઉઠીએ ત્યારે થોડીવાર માટે કશું દેખાતું નથી."
આ પ્રકારના કિસ્સામાં સંપૂર્ણ અંધાપો નથી આવતો, પરંતુ આંખનું સ્વાસ્થ્ય જરૂર નબળું પડે છે. આ સ્થિતિમાં ડૉક્ટરો લુબ્રિકેટિંગ ડ્રૉપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સુધીર કુમારના કહેવા મુજબ, ડિજિટલ સ્ક્રીન સામે કામ કરતા લોકોએ કેટલીક તકેદારી જરૂર લેવી જોઈએ.
- કોઈ પણ સ્ક્રીન સામે કામ કરતી વખતે થોડા-થોડા સમયે બ્રેક લેવો જોઈએ
- 20-20-20ના નિયમનું પાલન કરવું જોઈએ. એટલે કે ડિજિટલ સ્ક્રીન સામે 20 મિનિટ કામ કર્યા પછી 20 સેકન્ડનો બ્રેક લેવો જોઈએ અને એ સમયે ડિજિટલ સ્ક્રીનથી 20 ફૂટ દૂર રહેવું જોઈએ.
- ડિજિટલ સ્ક્રીનને અત્યંત નજીકથી નિહાળવો જોઈએ નહીં.
- આંખની કીકીને ચારે તરફ ફેરવવાની નાનકડી એક્સરસાઈઝ કરવી જોઈએ.

સ્માર્ટફોન વ્યસન શા માટે બની જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતેના હેલ્થ સાઇકોલૉજીનાં પ્રોફેસર મીના હરિહરનના જણાવ્યા મુજબ, સ્માર્ટફોન વ્યસન બની જવાનાં ઘણા કારણો છે.
તેનું એક કારણ એક જ ઘરમાં રહેતા હોવા છતાં પરિવારજનો વચ્ચેના આંતરિક સંવાદમાં થતો ઘટાડો છે. લોકો પરિવારજનો સાથે વાત કરવાને બદલે સ્માર્ટફોનમાં જ ગૂંથાયેલા રહે છે.
એ ઉપરાંત લોકો ગ્રુપ સાથે પ્રવાસે જાય ત્યારે પણ એકમેકની સાથે વાત કરવાને બદલે સ્માર્ટફોન સાથે ચીપકેલા રહે છે.
લોકો વાસ્તવિકતાથી પલાયન માટે પણ સ્માર્ટફોનના આદી બની રહ્યા છે. પોતાનો ફાજલ સમય કેવી રીતે પસાર કરવો એ લોકો જાણતા નથી. તેથી તેઓ સ્માર્ટફોનના વ્યસની બની રહ્યા છે.

આ વ્યસનમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી?

ઇમેજ સ્રોત, Getty Images
આજે લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે. સ્માર્ટફોન લોકોની દૈનિક જીવનચર્ચાનો હિસ્સો બની ગયો છે.
મીના હરિહરને બીબીસીને કહ્યું હતું કે "સ્માર્ટફોનનું વ્યસન છોડવું તે આપણા હાથમાં છે. દિવસમાં અમુક કલાક સ્માર્ટફોનથી દૂર રહેવાનો નિયમ બનાવવો જોઈએ. તેના પાલન માટે દૃઢ ઇચ્છા જરૂરી છે."
સ્માર્ટફોનનું વ્યસન છોડવાની કેટલીક ટિપ્સ આ મુજબ છે.
- સ્માર્ટફોન ફાસ્ટિંગ કરવું જોઈએ. સપ્તાહમાં એક દિવસ સ્માર્ટફોનથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ.
- તમારે નક્કી કરવું જોઈએ કે દિવસ દરમિયાન ફોનકોલ્સ સિવાય હું સ્માર્ટફોનનો બીજો કોઈ ઉપયોગ નહીં કરું. થોડી મિનિટ મેસેજ ચેક જરૂર કરી શકાય.
- આપણે આપણું ધ્યાન પુસ્તકના વાચન કે લેખન જેવી બીજી બાબતો તરફ વાળવું જોઈએ.
- ચાલવા જતી વખતે કે મંદિરે જતી વખતે સાથે સ્માર્ટફોન રાખવો ન જોઈએ.

ઊંઘ પર કેવી અસર થાય?
મીના હરિહરને કહ્યું હતું કે "ઊંઘતી વખતે બેડરૂમમાં સ્માર્ટફોન રાખવો હિતાવહ નથી. આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણે શરીરમાં મેલાટોનિન ઉત્પન્ન થતું હોય છે, જે આપણને ઊંઘવામાં મદદરૂપ થાય છે. ઊંઘતા હોઈએ ત્યારે ફોન ઓશિકાની બાજુમાં રાખ્યો હોય તો તેમાંથી નીકળતા રેડિયેશનની અસર મેલાટોનિનની ઉત્પાદન પર થાય છે."
તેમના જણાવ્યા મુજબ, અનેક વૈજ્ઞાનિક અભ્યાસના તારણ દર્શાવે છે કે ઊંઘતી વખતે બાજુમાં સ્માર્ટફોન રાખવાથી તમારી નિંદ્રાને અસર થાય છે. રાતે ઊંઘવાના બે કલાક પહેલાં જ સ્માર્ટફોનથી દૂર થઈ જવું હિતાવહ છે.

આંખની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે શું ખાવું?

ઇમેજ સ્રોત, Getty Images
પોષણશાસ્ત્રી સૈયદા સાનાએ જણાવ્યું હતું કે દૃષ્ટિને તંદુરસ્ત રાખવા માટે સારો પોષણક્ષમ ખોરાક લેવો જરૂરી છે. વિટામિન-એથી સમૃદ્ધ હોય તેવો ખોરાક લેવાથી આંખમાં ચેપ લાગતો નથી. આંખો ડ્રાય નથી થતી અને મોતિયો, ગ્લુકોમા અને નેત્રપટલની સમસ્યા નિવારી શકાય છે.
વિટામિન-એ રોડોપ્સિનના ઉત્પાદનને વેગ આપે છે અને નેત્રપટલની કામગીરીને સરળ બનાવે છે. લીલાં શાકભાજી, ગાજર અને પપૈયામાંથી વિટામિન-એ મળે છે.
વિટામિન-સીથી ભરપૂર ખોરાક ખાવાથી એન્ટીઓક્સિડેન્ટ્સ મળે છે. તેનાથી દૃષ્ટિ સુધરે છે. વિટામિન-સી લીંબુ અને નારંગી જેવાં ફળોમાંથી મળે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














