ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જોવાથી સ્વાસ્થ્ય પર કેવી અવળી અસર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેલી ઓક્સ
- પદ, બીબીસી ફ્યૂચર
સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. થોડી પણ નવરાશ મળતાં જ આપણે, આપણી ફેસબુક ફીડ, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર ટાઇમલાઇન પર પહોંચી જઈએ છીએ.
ક્યારેય તમે એ વાત અંગે વિચાર્યું છે કે સોશિયલ મીડિયાની તસવીરો તમારા મન પર કેવી અસર કરે છે? પછી ભલે એ તમારા મિત્ર કે બહેનપણીની રજા માણતી તસવીરો હોય કે અમુક સેલિબ્રિટીનો જિમમાં લેવાયેલ ફોટો. આ તસવીરો પોતાની જાત વિશે તમારા વિચારોને કેવી રીતે પ્રભાવિત કરે છે?
વર્ષોથી એવા આરોપો લાગતા રહ્યા છે કે મીડિયાની મુખ્ય ધારામાં ખૂબસૂરતીના એવા માપદંડ ઘડાયા છે જે કુદરતી રીતે અસંભવ છે.
ખ્યાતનામ હસ્તીઓની તસવીરો બનાવટીપણે સુંદર બનાવીને રજૂ કરાય છે. પાતળી મૉડલની તસવીરોને ચુસ્ત કાયાવાળી દુનિયાના પ્રતીક સ્વરૂપે રજૂ કરાય છે.
આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં એડિટિંગ વડે જે તસવીરો રજૂ કરાય છે, એ લોકોને વિચારતા કરી મૂકે છે.
જોકે, સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગથી આપણે આ તસવીરોને જોઈને પોતાની જાતને સારો અનુભવ પણ કરાવી શકીએ છીએ કે ઓછામાં ઓછું ખરાબ હોવાનો અહેસાસનો અનુભવ થતા અટકાવી શકીએ છીએ.

સોશિયલ મીડિયા પર શું જુઓ તો નકારાત્મક વિચાર આવતા અટકે છે?

- શું તમે પણ નવરા પડતાંની સાથે જ સોશિયલ મીડિયાની ટાઇમલાઇન જોવા લાગો છો?
- શું વારંવાર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે?
- તેની મનોવૈજ્ઞાનિક અસરો વિશે જાણો છો?
- સોશિયલ મીડિયા સેલિબ્રિટી કે કોઈ અન્ય વ્યક્તિના ઘડાયેલાં શરીર કે સારી જીવનશૈલીના ફોટો જોઈને તમે નકારાત્મક અનુભવો છો, તો તમારે આ વાત અંગે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે
- જો સોશિયલ મીડિયા પર કેટલીક વસ્તુઓ એવી પણ છે જે જોવાથી કે અનુભવવાથી તમારા માનસ પર તેની હકારાત્મક અસર પડે છે, તમે તેના વિશે જાણો છો?

શરીર પર પડતી અસર

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા એ ખૂબ જૂની વસ્તુ નથી. તેથી તેના પર થયેલાં સંશોધનો પણ વધુ જૂનાં નથી. તેથી આ રિસર્ચના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું એ યોગ્ય ન કહેવાય. પરંતુ આ સંશોધનોમાં આપણને અમુક ઇશારા જરૂર મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમ કે, આપણે એવું તો ન કહી શકીએ કે વ્યક્તિ પર સતત ફેસબુક જોવાનો નકારાત્મક પ્રભાવ પડે છે. પરંતુ એ વાત જરૂર ખબર પડી જાય છે કે સતત ફેસબુકમાં વ્યસ્ત રહેતા લોકો પોતાની જાતને ખૂબસૂરત વ્યક્તિ તરીકે રજૂ કરવા માટે પરેશાન રહે છે.
સોશિયલ મીડિયા પર અન્યોની સારી તસવીરો જોઈને, લોકો પોતાની જાતને ઊતરતા સમજવા માંડે છે. ઇન્સ્ટાગ્રામ અને બીજાં પ્લૅટફૉર્મ પર બીજાથી સારી તસવીરોની અસરના કારણે લોકો પોતાની જાત વિશે નૅગેટિવ વિચારવા લાગે છે.
સોશિયલ મીડિયા પર માત્ર નજર નાખવાની પણ અલગ અલગ અસર હોય છે. અને જો તમે સેલ્ફી લઈને તેને એડિટ કરીને પોતાની જાતને બહેતર બનાવીને વિશ્વ સામે રજૂ કરો છો, તો તેની માનસિક અસર થાય છે.
કારણ કે તમે સેલિબ્રિટી કે પછી એવા લોકોથી પ્રભાવિત થાઓ છો, જે તમારી નજરમાં ખૂબસૂરત કે હૅન્ડસમ છે.
રિસર્ચ પરથી ખબર પડી છે કે આપણે કોની સાથે પોતાની સરખામણી કરીએ છીએ, એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પરિમાણ છે.

હીન ભાવના

ઇમેજ સ્રોત, Getty Images
સિડનીની મૅક્વેરી યુનિવર્સિટીનાં જાસ્મિન ફાર્દુલેએ આ વિષય પર સંશોધન કર્યું છે.
જાસ્મિન કહે છે કે, "લોકો પોતાની સરખામણી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલી તસવીરોથી કરવા લાગે છે. સામાન્ય રીતે આવા લોકો પોતાની જાતને ઓછા આંકવા માંડે છે."
જાસ્મિને યુનિવર્સિટીનાં વિદ્યાર્થિનીઓ પર આ વિશે સવાલ પૂછ્યા. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની આસપાસના લોકોની સરખામણીએ પોતાની જાતને ઓછાં ખૂબસૂરત માને છે.
સેલિબ્રિટીની સરખામણીમાં પણ તેઓ પોતાની જાતને ઓછાં આંકે છે. જે લોકોને આ વિદ્યાર્થિનીઓને ઓછાં જાણે છે, તેમને લઈને હીન ભાવના વધારે હતી.
જાસ્મિન કહે છે કે આપણે જે લોકો વિશે વિચારીએ છીએ, તેમની અસલી સુંદરતાથી વાકેફ હોઈએ છીએ.
બીજી તરફ, જેમનાથી આપણે દૂર હોઈએ છીએ, તેમની ખૂબસૂરતીને બાબતે પોતાના મનમાં વહેમ પાળી લઈએ છીએ. જ્યારે સોશિયલ મીડિયા પર સામાન્યપણે લોકો પોતાની જાતની રજૂઆતમાં અતિશયોક્તિ કરે છે.

નકારાત્મક અસર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, સોશિયલ મીડિયાની દરેક તસવીર તમારા પર નૅગેટિવ અસર કરે, એ પણ જરૂરી નથી.
ઘણા લોકો પોતાની કસરતી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર નાખે છે. ઘણી વાર આ તસવીરો અસલી હોય છે પરંતુ ઘણી વાર તે માત્ર દેખાડો પણ નીકળે છે.
આ વિશે બ્રિટનની બ્રિસ્ટૉલ યુનિવર્સિટીનાં એમી સ્લેટરે 2017માં સંશોધન કર્યું હતું. એમીએ યુનિવર્સિટીનાં 160 વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી.
જે વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયા પર માત્ર કસરત કરતી તસવીરો જોઈ, તેમના મન પર આવી તસવીરોની નકારાત્મક અસર થઈ. તેમજ, જેમણે પ્રેરણા આપનારાં નિવેદન વાંચ્યાં, જેમ કે, 'તમે જેવા છો એ સારા છો', તેમના પર નકારાત્મક અસર ઓછી થઈ. તેઓ પોતાની શરીરને લઈને હીન ભાવનાનાં શિકાર ન થયાં.
આ વર્ષે આવેલા વધુ એક સંશોધનમાં 195 યુવાન મહિલાઓને તેમની પ્રશંસા કરનારી પોસ્ટ બતાવવામાં આવી. તે પૈકી અમુક મહિલાઓને બિકની પહેરેલ, કે કસરતની પોઝવાળી તસવીરો બતાવાઈ.
અમુક યુવતીઓને કુદરતી સૌંદર્યની તસવીરો બતાવાઈ. જે મહિલાઓને બિકનીવાળી કે ફિટનેસનો પ્રચાર કરતી તસવીરો દેખાડાઈ, એ યુવતીઓ પર આ તસવીરોની સારી અસર થઈ. તેઓ પોતાનાં શરીરથી સંતુષ્ટ હતાં.
એમી સ્લેટર કહે છે કે, "સોશિયલ મીડિયાની અમુક તસવીરોની લોકો પર સારી અસર પણ થાય છે."
જે બૉડી પૉઝિટિવ તસવીરો લોકો પર સારી અસર છોડી ગઈ, તે પણ શરીર પર જ ભાર મૂકી રહી હતી. પરેશાની આ જ વાતની છે. મહિલાઓનાં શરીર, તેમની પાતળી કાયા પર જ ભાર વધુ છે. આવી પરિસ્થિતિમાં દરેક યુવતી પોતાની સરખામણી બીજા સાથે કરીને પોતાની જાતને ઊતરતાં કે બહેતર આંકવા પર મજબૂર હોય છે.
એટલે કે જો કોઈ પોતાની જાતને એવું લખીને રજૂ કરે કે, "હું ખૂબસૂરત છું.", તો આ સોશિયલ મીડિયા પોસ્ટ જોનારા પોતાની વિશે કરાયેલી ટિપ્પ્ણી પર ધ્યાન આપે છે. જો લોકો સારી કૉમેન્ટો ન કરી તો તેની નકારાત્મક અસર પડે છે.

સેલ્ફીવાળો ઇશ્ક

ઇમેજ સ્રોત, Getty Images
લોકોમાં સેલ્ફી એ ખૂબ પ્રચલિત છે. લોકોમાં ગમે ત્યાં સેલ્ફી લઈને પોતાના ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પજે પર નાખવાનું ચલણ જોવા મળી રહ્યું છે. ઘણા લોકો અસલી તસવીરોને બનાવટી રીતોથી સજાવીને પણ પોસ્ટ કરે છે.
ટોરંટોની યૉર્ક યુનિવર્સિટીનાં જેનિફર મિલ્સે સેલ્ફીના શોખીનો વચ્ચે એક પ્રયોગ કર્યો. તેમણે વિદ્યાર્થિનીઓના એક સમૂહને તેમની તસવીરો લઈને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર નાખવાનું કહ્યું. અમુક વિદ્યાર્થિનીઓને માત્રે એક તસવીરો લેવાની મંજૂરી હતી. તેમજ, બીજાં વિદ્યાર્થિનીઓને ગમે તેટલી સેલ્ફી લેવાની છૂટ હતી. તેઓ ઇચ્છે તો પોતાની સેલ્ફીને એડિટ પણ કરી શકતાં હતાં.
જેનિફર અને તેના સહયોગીઓએ જોયું કે સેલ્ફી લેનારાં મોટા ભાગનાં યુવતીઓને પોતાની ખૂબસૂરતી પર વિશ્વાસ નહોતો. જેમને ફોટો સાથે ચેડાં કરવાની મંજૂરી હતી, તેઓ પણ પોતાની જાતને ઊતરતાં જ માની રહ્યાં હતાં. તેમની ફરિયાદ હતી કે તેઓ અન્ય જેવાં સુંદર કેમ નથી.
આમાંથી કેટલાંક વિદ્યાર્થિનીઓનો રસ એ વાતમાં વધુ હતો કે તેમની તસવીરોને કેટલી લાઇક મળી. કે પછી તેઓ એવું જાણવા માગતાં હતાં કે તસવીરો સારી છે કે નહીં. તો જ તેઓ પોસ્ટ કરશે.
જેનિફર કહે છે કે, "તમામ વિદ્યાર્થિનીઓ પોતાના દેખાવને લઈને શંકામાં રહેતાં. તેઓ સુંદર લાગી રહ્યાં છે કે નહીં, આ વાત પર ઘણો ભાર મુકાતો. તેથી લોકો ખૂબ ઝડપથી એક પછી એક સેલ્ફી લેવા માંડતાં."

આત્મવિશ્વાસનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
2017માં આવેલા એક સંશોધનમાં કહેવાયું હતું કે જે લોકો સેલ્ફી લીધા બાદ તેને સુધારીને અપલોડ કરવામાં સમય પસાર કરે છે, તેઓ પોતાની જાતને લઈને આત્મવિશ્વાસના શિકાર હોય છે.
પરંતુ, સોશિયલ મીડિયા પર થઈ રહેલાં સંશોધન હજુ પણ જૂનાં નથી થયાં. સોશિયલ મીડિયાનો સમયગાળો જ એટલો ઝાઝો જૂનો નથી થયો. તેથી ખાતરીપૂર્વક તેની અસરને લઈને દાવો કરવો એ યોગ્ય નથી.
તેમજ, મોટા ભાગનાં સંશોધન મહિલાઓ પર જ કેન્દ્રીત રહ્યાં છે. જોકે સોશિયલ મીડિયા અને પુરુષોને લઈને થયેલાં સંશોધન પણ આ જ તરફ ઇશારો કરે છે.
જે પુરુષો ફિટનેસ સાથે જોડાયેલી તસવીરો વધુ જુએ છે, તેઓ પોતાનાં શરીરને લઈને નકારાત્મક વિચાર ધરાવે છે.
જાસ્મિન કહે છે કે સોશિયલ મીડિયાને લઈને હજુ વધુ સંશોધન થવાં જોઈએ. તો જ તેની અસરને લઈને આપણે ખાતરીપૂર્વક કોઈ પરિણામ પર પહોંચી શકીશું.

હાલ તમે શું કરશો?
જો તમે તમારા વિશે ખરાબ મહેસૂસ ન કરવા માગતા હો, તો પોતાનો ફોન કે આઈ - પૅડ મૂકી દો. કોઈ બીજાં કામમાં સમય ફાળવો. એવાં કામ કરો, જેનું કોઈની સુંદરતા કે તાકત સાથે કોઈ લેવાદેવા ન હોય.
બીજી વાત એ છે કે તમે એ જુઓ કે સોશિયલ મીડિયા પર તમે કોને ફૉલો કરી રહ્યા છો. તમારી ટાઇમલાઇનમાં કારણ વગરની તસવીરોનું પૂર તો નથી આવ્યું ને. જો એવું હોય, તો સોશિયલ મીડિયા ઍકાઉન્ટમાં તમે જેમને ફૉલો કરો છો તે યાદી પર ફરીથી વિચાર કરો.
હાલના સમયમાં સંપૂર્ણપણે સોશિયલ મીડિયાથી અળગા રહેવાનું શક્ય નથી. પરંતુ, તમારી ટાઇમલાઇન પર કુદરતી સૌંદર્યની તસવીરો, ખાણીપીણીની સારી તસવીરો અને પ્રાણીઓની તસવીરો પણ આવશે ત્યારે તમે સારું અનુભવશો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













