ગુજરાતમાં પણ તુર્કી અને સીરિયા બાદ ભૂકંપ આવશે? કયા ઝોન જોખમી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
તુર્કી અને સીરિયામાં ગત અઠવાડિયે આવેલા ભૂકંપમાં હજારો લોકોનો ભોગ લેવાયો છે અને આ ભૂકંપે ગુજરાતના કચ્છમાં 22 વર્ષ પહેલાં આવેલા વિનાશકારી ભૂકંપની યાદ તાજી કરી દીધી છે.
તુર્કી અને સીરિયામાં સેંકડો ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે.
સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃતાંક વધીને 33 હજારને પાર થયો છે. આ દરમિયાન એક ડચ સંશોધનકર્તાએ કરેલું ટ્વીટ વાઇરલ થઈ રહ્યું છે.
સામાન્ય રીતે એમ કહેવાય છે કે, ભૂકંપની આગાહી કરવી શક્ય નથી, પરંતુ રિસર્ચર અને પ્રોગ્રામર ફ્રૅન્ક હૉગરબીટ્સે ટ્વિટર પર તુર્કીમાં 7.5ની તીવ્રતાનો ભૂંકપ આપવાની આગાહી કરી હતી.
તેમનો દાવો છે કે 'ભવિષ્યવાણી'ના ત્રણ દિવસ બાદ તુર્કી-સીરિયામાં ભૂકંપ આવ્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હવે આવાજ પ્રકારની આગાહી તેમણે ભારત માટે પણ કરી છે અને એશિયાના કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં ભૂકંપ આવવાનો દાવો કર્યો છે.
એશિયાના આ વિસ્તારોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત અને ચીનનો સમાવેશ કરાયો છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપ જેવી કુદરતી આફતનું પહેલાં જ અનુમાન લગાવવું શક્ય નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પરંતુ વૈજ્ઞાનિકોએ પૃથ્વીને એવા સેસ્મિક ઝોનમાં વહેંચી છે જેના પરથી આપણે કયા ભાગમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવી શકે તેનો તાગ મેળવી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2001માં કચ્છમાં આવેલા ભૂકંપનું સાક્ષી રહેલા ગુજરાતમાં ભૂકંપની કેવી શક્યતાઓ છે?
ખાસ કરીને ત્યારે જ્યારે અમરેલીના મીતિયાળા ગામમાં અને કચ્છમાં પણ નાના-મોટા આંચકા નોંધાઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીનગરસ્થિત 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજિકલ રિસર્ચ'ના નિયામક જનરલ ડૉ. સુમેર ચોપરા જણાવે છે કે તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ગુજરાતમાં પણ ભૂકંપ આવે તેવી કોઈ શક્યતા નથી, કારણ કે તુર્કી અને ગુજરાત નીચે પાતાળની ગતિવિધિઓ અલગ-અલગ છે.
ડૉ. સુમેર ચોપરા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "પ્લેટ બાઉન્ડરી અને પ્લેટ ઇન્ટિરિયરને કારણે મોટા ભૂકંપ આવે છે. હાલની ઍક્ટિવ પ્લેટો - અરેબિયન પ્લેટથી ગુજરાત 400 કિમી દૂર છે, હિમાલયન પ્લેટથી 1500 કિમી દૂર છે."
ડૉ. સુમેર ચોપરા વધુમાં જણાવે છે કે હાલ જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નાના-નાના આંચકા આવે છે તેની પાછળ 'રેઇન ફ્લો'ને કારણે ઊભું થયેલું દબાણ પણ કારણભૂત છે. આ પ્રકારના આંચકા સામાન્ય રીતે ચોમાસા પછી નોંધાતા હોય છે.
નોંધનીય છે કે આફ્રિકન પ્લેટ, અરેબિયન પ્લેટ, માઇક્રો પ્લેટ અને યુરેશિયન પ્લેટના ઍક્સ્ટેન્શન કે ટકરાવને કારણે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો.
ડૉ. સુમેર ચોપરાના જણાવ્યા અનુસાર ગુજરાત હિમાલયના કોલિઝન ઝોનમાં આવેલું છે જ્યાં ભારતીય અને ઑસ્ટ્રેલિયા ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ હેઠળ સરકી જાય છે અને તેને કારણે નીચેના ભાગમાં ફોલ્ટલાઈન પેદા થાય છે.
'ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજિકલ રિસર્ચ'ના અન્ય એક વૈજ્ઞાનિક સંતોષકુમાર પણ આવી શક્યતાને નકારે છે.
જોકે, કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ અર્થ ઍન્ડ એન્વાયર્મેન્ટના હેડ પ્રોફેસર મહેશ ઠક્કરનું માનવું છે કે ભલે તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે ગુજરાતમાં ભૂકંપ ન આવી શકે, પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પહેલાંથી જ જોખમી વિસ્તારો છે.
પ્રોફેસર ઠક્કર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "ડચના જે તજજ્ઞે ભવિષ્યવાણી કરી છે કે મુજબ તુર્કી અને સીરિયામાં ભૂકંપ માટે જવાબદાર ફોલ્ટ ભારતમાંથી પસાર થતી ફોલ્ટલાઈનને સક્રિય કરી શકે છે, પણ તેમણે કોઈ પ્રમાણ નથી આપ્યું કે તુર્કીની એ ઍક્ટિવ ફોલ્ટલાઈન 4-5 હજાર કિમી દૂર સુધી ભારતની કોઈ ફોલ્ટલાઈનને સક્રિય કરી શકે."
મહેશ ઠક્કર વધુમાં જણાવે છે કે જ્યારે કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો તે પહેલાંના વર્ષ 2000માં ભાવનગર અને અમરેલીમાં ઘણા નાના-નાના ઝટકા આવ્યા હતા. તેઓ ઉમેરે છે કે ભૂકંપની આગાહી કરી શકાતી નથી પરંતુ ગુજરાતમાં લોકોએ તકેદારી રાખવાની તો જરૂર છે જ!

ગુજરાતમાં હાલમાં નોંધાયેલા ભૂકંપના આંચકા

ઇમેજ સ્રોત, Getty Images
ISRના આંકડા મુજબ વર્ષ 2023માં અત્યાર સુધી ભૂકંપના 13 આંચકા આવી ચૂક્યા છે. આ આંક છેલ્લા 2 મહિનાનો છે અને જે ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3ની કે તેનાથી વધુની છે તેની ગણતરી જ આ સંખ્યામાં કરવામાં આવી છે.
આ આંકડો વર્ષ 2022માં માત્ર 1નો હતો. જ્યારે 2021માં 7 ભૂકંપના આંચકા આવ્યા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3થી ઓછી હતી.
- વર્ષ 2023માં પહેલો ભૂંકપનો ઝટકો 11 જાન્યુઆરીના રોજ કચ્છના ભચાઉમાં આવ્યો હતો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની હતી
- 19 જાન્યુઆરી 2023ના રોજ કચ્છના ભચાઉમાં જ 3ની તીવ્રતાનો ભૂકંપ
- 30 જાન્યુઆરી 2023ના રોજ કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ
- 30 જાન્યુઆરી 2023ના રોજ જ દુધઈમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ
- 2 ફેબ્રુઆરી 2023ના રોજ અમરેલીમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ
- 4 ફેબ્રુઆરી 2023ના રોજ અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ
- 4 ફેબ્રુઆરી 2023ના રોજ જ ગોંડલમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ
- 5 ફેબ્રુઆરી 2023ના રોજ ભચાઉમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ
- 6 ફેબ્રુઆરી 2023ના રોજ અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ
- 9મી ફેબ્રુઆરી 2023ના રોજ કચ્છના દુધઈમાં 3ની તીવ્રતાનો ભૂકંપ
- 11 ફેબ્રુઆરી 2023ના રોજ સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ
- 11 ફેબ્રુઆરી 2023ના રોજ જ દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
આ સિવાય નાના નાના આંચકા કે જે રિક્ટર સ્કેલ પર ત્રણથી ઓછી તીવ્રતા ધરાવતા હતા તેની સંખ્યા પણ ઘણી હતી.

ગુજરાત ભૂકંપના કયા ઝોનમાં આવેલું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઈએસઆર અનુસાર અતિશય ઊંચું જોખમ, ઊંચું જોખમ અને મધ્યમ જોખમના આધારે દેશમાં ગુજરાત ઝોન-4 અંતર્ગત આવે છે.
કચ્છ જિલ્લો ભારે જોખમી વિસ્તારમાં આવે છે એટલે તેને ઝોન-4માં મૂકવામાં આવે છે. જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠાને ઝોન-3માં મૂકવામાં આવે છે.
ગુજરાતનો અંદાજે 32 ટકા વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ અતિશય ઊંચું જોખમ ધરાવે છે. દાહોદને ઓછી સંભાવના ધરાવતા ઝોન-2માં મૂકવામાં આવે છે જ્યારે ગુજરાતનો બાકીનો 66 ટકા વિસ્તાર ઝોન-3માં આવે છે.
સમગ્ર કચ્છ, ઉત્તર, મધ્ય ગુજરાતનો વિસ્તાર તથા દરિયાકાંઠાવાળો સૌરાષ્ટ્રનો વિસ્તાર અતિશય ભારે તીવ્રતા ધરાવતા ભૂકંપ ઝોનમાં આવે છે. પૂર્વ ગુજરાત કે જેમાં દાહોદ અને ડાંગ જિલ્લાના નાના વિસ્તારો સિવાયનો ભાગ મધ્યમસરની તીવ્રતા ધરાવતા ભૂકંપ ઝોનમાં આવે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને નવસારી સિવાયના વિસ્તારો તથા રાજ્યનાં તમામ મોટાં શહેરો અતિશય ભારે તીવ્રતા ધરાવતા કે ભારે તીવ્રતા ધરાવતા ભૂકંપ ઝોનમાં આવે છે.

ગુજરાતમાં ફોલ્ટ કેટલા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સૌથી વધુ જોખમી ફોલ્ટ કચ્છમાં છે. સંતોષકુમારના જણાવ્યા પ્રમાણે ફોલ્ટ પ્રમાણે ગુજરાતને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં કચ્છ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને ગુજરાત મેઇનલૅન્ડ ઝોન.
સંતોષકુમાર વધુમાં જણાવે છે કે મેઇનલૅન્ડમાં ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલા મુખ્ય ફોલ્ટ આ પ્રમાણે છેઃ
- નગર-પારકર ફોલ્ટ કે જે NPF ફોલ્ટ તરીકે પણ ઓળખાય છે, તે ઉત્તરથી દક્ષિણ તરફ આવેલો છે
- અલ્લા બંધ ફોલ્ટ જે ABF ફોલ્ટ તરીકે ઓળખાય છે. તેની લંબાઈ 85 કિમી સુધીની છે
- આઇલૅન્ડ બેલ્ટ ફોલ્ટ કે જે IBF ફોલ્ટ તરીકે ઓળખાય છે
- કચ્છ મેઇનલૅન્ડ ફોલ્ટ કે જે જોખમી મનાય છે. તેને KMF ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેની લંબાઈ 140 કિમી સુધીની છે
- કચ્છ કંટ્રોલ હિલ ફોલ્ટને પણ જોખમી માનવામાં આવે છે. તેને KHF ફોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે
સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલા મુખ્ય ફોલ્ટ આ પ્રમાણે છે અને સૌરાષ્ટ્રના ફોલ્ટ ડેક્કન ટ્રેપ રચનામાં આવેલા છેઃ
- ગિરનાર ફોલ્ટ જે તાલાળા પાસેથી પસાર થાય છે, જેને GF ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તે 10થી 12 કિમી સુધી જ સીમિત છે. તે બહુ મોટો નથી
- નૉર્થ કટિયાવાર ફોલ્ટ, તેને નૉર્થ કાઠિયાવાડ ફોલ્ટ પણ કહે છે. NKF તરીકે ઓળખાતો આ ફોલ્ટ પણ બહુ જોખમી નથી
- વેસ્ટ કૉસ્ટ ફોલ્ટ. WCF તરીકે ઓળખાતો આ ભાવનગર પંથકમાં આવેલો છે
- એક્સ્ટેન્શન સોન નર્મદા ફોલ્ટ કે જે Ext SNF ફોલ્ટ તરીકે પણ ઓળખાય છે. આ ફોલ્ટ દીવથી ભાવનગર પાસેના પંથકમાં આવેલો છે
મેઇનલૅન્ડ ગુજરાતમાં આવેલા મુખ્ય ફોલ્ટ આ પ્રમાણે છેઃ
- ઇસ્ટ નર્મદા ફોલ્ટ. જેની લંબાઈ વધુ નથી અને તે વધુ જોખમી પણ નથી
- કેમ્બે ફૉલ્ટ. જેની લંબાઈ પણ વધુ નથી અને તે વધુ જોખમી પણ નથી
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા કેમ આવી રહ્યા છે?
સંતોષકુમાર આ અંગે બીબીસી સાથે વાતચીત કરતા કહે છે કે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સિઝન બાદ આ પ્રકારે આંચકા આવે છે.
સંતોષકુમાર કહે છે કે, "સૌરાષ્ટ્ર એ પેનિનસ્યુલર ઇન્ડિયાના ભાગમાં છે. ત્યાં પેટાળમાં પાણી ઓછું અને ખડક વધારે છે. એટલે જ્યારે વરસાદ પડે છે ત્યારે હાઇડ્રોલૉજિકલ લૉડિંગને કારણે પ્રેશર રિલીઝ થાય છે અને તેને કારણે આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળે છે."
સંતોષકુમાર વધુમાં ઉમેરે છે કે, "ક્યારેક સ્થાનિક ભૂગર્ભની હલચલને કારણે પણ આ પ્રકારના આંચકા આવે છે. ફોલ્ટ ફેઇલને કારણે દબાણ ટ્રાન્સફર થાય છે તેથી નાના-નાના આંચકા આવે છે અને મોટા આંચકા નથી આવતા."
ડૉ. સુમેર ચોપરા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે આ પ્રકારના નાના આંચકાને સિસ્મિક સ્વોર્મ કહે છે.
ડૉ. સુમેર ચોપરા કહે છે, "ઉદાહરણ તરીકે અમરેલીમાં ઘણાં આંચકા આવી ગયા પરંતુ તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2થી 3ની વચ્ચે હતી."

ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- જેવા ભૂકંપના આંચકા આવે કે તરત જ ઘર, ઑફિસ કે કોઈ પણ ઇમારતની બહાર નીકળી જવું
- વીજળીના થાંભલા, ઝાડ કે ઊંચી ઇમારતોથી દૂર ઊભા રહેવું
- ઘર કે ઑફિસ જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો
- ઘર આસપાસ મેદાન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છુપાઈને બેસી શકાય
- ભૂકંપ આવે ત્યારે ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું
- ઘરમાં રહેલા ભારે સામાન, કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ કે ડૅસ્ક જેવી મજબૂત જગ્યાની નીચે ઘૂસી જવું
- દરવાજા હોય ત્યાં ઊભા ન રહેવું જેથી દરવાજો તૂટે તો વાગે નહીં
- પરિવારના તમામ સભ્યોને ભૂકંપની જાણકારી આપો
- ભૂકંપવિરોધી ટેકનૉલૉજીની મદદથી ઇમારતોનું નિર્માણ કરવું
- ઘરનો, ખુદનો અને પરિવારજનોનો વીમો કરાવવો
- પ્રાથમિક ઉપચાર અને ફાયર ફાઇટિંગની તાલીમ લેવી. જરૂરી દસ્તાવેજો, રોકડ અને અન્ય ચીજવસ્તુઓને બૅગમાં ભરીને હાથવગી રાખવી
- વાહન ચલાવતા હોવ તો તમે વાહનને એવી જગ્યાએ ખસેડો જ્યાં તમે રસ્તાને અવરોધતા ન હોવ
- વાહનને અંડરપાસ, ઇમારતો, ઓવરબ્રિજ કે પુલની આસપાસ પાર્ક કરવાનું ટાળવું
- કટોકટીની સૂચનાઓ અપડેટ્સ માટે રેડિયો સાંભળવો
- વગર કારણે ફોનની લાઇનોને વ્યસ્ત ન રાખવી

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















