You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UNના વડા એન્ટોનિયો ગુટેરસે ભારતમાં માનવ અધિકાર મુદ્દે સવાલો કર્યા : પ્રેસ રિવ્યૂ
યુએન ચીફ ત્રણ દિવસ ભારતના પ્રવાસે છે. તેમણે આ યાત્રાની શરૂઆત મુંબઈમાં તાજ પૅલેસ હોટલ પર 26/11 હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરી હતી.
ત્યારબાદ તેમણે બુધવારે IIT મુંબઈમાં IIT બૉમ્બેમાં "ઇન્ડિયા @75: યુએન ઇન્ડિયા પાર્ટનરશિપ સાઉથ-સાઉથ કૉર્પોરેશન" વિષય પર વાત પણ કરી હતી. એન્ટોનિયો ગુટેરસનો ભારત પ્રવાસ આજે જ પૂરો થઈ રહ્યો છે.
યૂએન પ્રમુખે છેલ્લાં 75 વર્ષમાં ભારતની ઘણી સિદ્ધિઓનાં વખાણ પણ કર્યાં હતાં. તેમણે કોરોનામાં દુનિયાભરમાં રસી પહોંચાડવાની મોદી સરકારની નીતિની પણ પ્રશંસા કરી હતી.
પરંતુ માનવઅધિકારને લઈને પણ ઘણા સવાલો કર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે બુધવારે કહ્યું કે "વિશ્વમંચ પર ભારતના અવાજને લોકો ત્યારે જ ગંભીરતાથી લેશે, જ્યારે ભારતની અંદર સમાવેશી વ્યવસ્થા અને માનવાધિકારોને લઈને પ્રતિબદ્ધતા હશે."
એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે "ભારત માનવાધિકાર પરિષદમાં ચૂંટાયેલું સભ્ય છે અને તેની આ જવાબદારી છે કે વૈશ્વિક માનવાધિકારને દિશા આપે અને અલ્પસંખ્યક સમેત બધી વ્યક્તિઓના માનવાધિકારોની રક્ષા કરે."
બિલકિસબાનો કેસના આરોપીઓ પર ઘણા કેસ, છતાં "સારા વર્તન"ને લીધે છોડાયા
એનડીટીવીના અહેવાલ પ્રમાણે અદાલતમાં એવી દલીલ કરાઈ છે કે આરોપીઓને 'સારા વર્તન' માટે છોડી દેવામાં આવ્યા હતા.
2002નાં ગુજરાતનાં રમખાણોમાં બિલકીસબાનો પર બળાત્કાર કરવા અને તેમના પરિવારની હત્યા કરનાર 11 દોષીઓની ઝડપથી મુક્તિ કરવાના બચાવમાં ગુજરાત સરકારે "સારા વર્તન" અને કેન્દ્રની મંજૂરીનો ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે "સારા વર્તન"ના દાવાને આરોપીઓ સામે જાહેર કરવામાં આવેલી એફઆઈઆર દ્વારા ખાળી દેવામાં આવ્યા છે, આ આરોપીઓની મુક્તિ થઈ એ પહેલાં તેમણે હજારો દિવસ પેરોલ પર વિતાવ્યા હતા.
એનડીટીવીના અહેવાલમાં દાવો કરાયો છે કે તેમણે એફઆઈઆર અને પોલીસ ફરિયાદો ઍક્સેસ કરી છે. જેમાં આરોપીઓ પેરોલ પર બહાર હોય ત્યારે સાક્ષીઓને ધમકાવવા અને હેરાન કરવાનો આરોપ છે.
તેમનાં સારાં વર્તનના સમર્થનમાં ગુજરાત સરકારે એવો પણ દાવો કર્યો હતો કે આરોપી જેલમાં સમય પસાર કરી રહ્યા હતા અને જ્યારે પેરોલ પર બહાર હતા ત્યારે તેમણે કોઈ ખોટું કામ કર્યાના પુરાવા નથી.
એનડીટીવીના સંશોધન અનુસાર, 2017-2021ની વચ્ચે આ કેસમાં ઓછામાં ઓછા ચાર સાક્ષીઓએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી. એનડીટીવીએ એક એફઆઈઆર અને બે પોલીસ ફરિયાદો મેળવી છે.
આ આરોપીઓને 15 ઑગસ્ટે મુક્ત કરાયા હતા અને ગુજરાતની જેલની બહાર હાર પહેરાવી અને મીઠાઈ વહેંચી તેમનું સ્વાગત કરાયું હતું.
સુપ્રીમ કોર્ટે ગઈકાલે ટિપ્પણી કરી હતી કે ગુજરાતના બચાવમાં ઘણા ચુકાદા ટાંકવામાં આવ્યા હતા, પરંતુ સાચા નિવેદનો ચૂકી ગયાં હતાં.
એનડીટીવીના અહેવાલ મુજબ, "કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ તેમના 'સારા વર્તન'ને ટાંકીને આરોપીઓની મુક્તિનો બચાવ કર્યો."
"જ્યારે સરકાર અને સંબંધિત લોકોએ નિર્ણય લીધો છે, ત્યારે મને તેમાં કંઈ ખોટું નથી લાગતું કારણ કે તે કાયદાની પ્રક્રિયા છે."
ધર્માંતરને લીધે વસતીનું અસંતુલન સર્જાયું : RSS મહાસચિવ
ધર્માંતર અને બાંગ્લાદેશથી થતા સ્થળાંતરને લીધે દેશમાં વસતીનું અસંતુલન સર્જાયું હોવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલે કરી છે.
પ્રયાગરાજમાં પૂર્ણ થયેલા 'અખિલ ભારતીય કાર્યકારી મંડળ'ના કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ વાત કરી અને સાથે જ ધર્માંતરવિરોધી આકરા કાયદાની માગ પણ ઉઠાવી.
તેમણે દેશના કેટલાય ભાગોમાં ધર્માંતર માટેનાં 'ષડ્યંત્રો' ચાલી રહ્યાં હોવાનો પણ આરોપ લગવતાં ઉમેર્યું કે સંઘ આની સામે જાગૃતિ ફેલાવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું, "ધર્માંતરવિરોધી કાયદાઓનો સખ્તાઈથી અમલ કરવાની જરૂર છે." ચાર દિવસનો આ કાર્યક્રમ સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં યોજાયો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે મોહન ભાગવતે તાજેતરમાં જ લીધેલી મસ્જિદની મુલાકાતે ખાસ્સી ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત, હિંદુ અને મુસલમાનોના ડીએનએ એક હોવાની વાત પણ તેઓ સતત કરતા રહ્યા છે. એવામાં સંઘના મહાસચિવે સંબંધિત વાત કરી છે.
ઇન્ડોનેશિયા: જકાર્તામાં ઇસ્લામિક સેન્ટરની મોટી મસ્જિદમાં લાગી આગ, ગુંબજ તૂટ્યો
જકાર્તાના મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર જકાર્તાની જામી મસ્જિદમાં બુધવારે બપોરે સ સ્થાનિક સમય પ્રમાણે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મસ્જિદમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું.
જકાર્તા ગ્લોબના સમાચાર અનુસાર, આ મસ્જિદ ઇસ્લામિક સ્ટડીઝ અને ડેવલપમૅન્ટથી જોડાયેલા થિંક ટૅન્ક જકાર્તા ઇસ્લામિક સેન્ટરના પરિસરમાં બનેલી છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ગુંબજ પડતાં જ ચારેબાજુ ઘુમાળો જોવા મળી રહ્યો હતો. આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઇન્ડોનેશિયા ન્યૂઝ નેટના સમાચાર અનુસાર, આશરે 20 વર્ષ પહેલાં ઑક્ટોબર 2002માં આ મસ્જિદના સમારકામ સમયે પણ આગ લાગી હતી. એ સમયે આગ ઓલવવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો.
પોલીસના કહ્યા મુજબ, આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.
આ આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ હજુ ચાલું છે અને પોલીસે કહ્યું છે કે, મસ્જિદનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર કંપનીના ચાર મજૂરો સાથે વાતચીત કરવામાં આવશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો