મલ્લિકાર્જુન ખડગે બન્યા કૉંગ્રેસ પ્રમુખ, મોદી-શાહને કેટલી ટક્કર આપી શકશે?

ખડગે જાણે છે કે પક્ષ માત્ર સંસ્થાગત કે માળખાગત નહીં, વૈચારિક નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહ્યો છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખડગે જાણે છે કે પક્ષ માત્ર સંસ્થાગત કે માળખાગત નહીં, વૈચારિક નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહ્યો છે
    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

24 વર્ષ બાદ કૉંગ્રેસને કોઈ બિન-ગાંધી પક્ષપ્રમુખ મળ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર મલ્લિકાર્જુન ખડગેએ પ્રમુખપદ માટેની ચૂંટણી જીતી લીધી છે. તેમને કુલ 7897 મળ્યા, જ્યારે શશી થરૂરને 1072 મત મળ્યા. 416 મત ફગાવી દેવાયા હતા.

લાઇન

દિલ મિલે ના મિલે, હાથ મિલાતે ચલો."

મલ્લિકાર્જુન ખડગે સમક્ષ કૉંગ્રેસના અધ્યક્ષપદની મોટી જવાબદારી સંભાળવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હશે ત્યારે શક્ય છે કે તેમના દિમાગમાં આ કહેવત આવી હશે. જાણકારો માને છે કે ખડગેને આ જવાબદારી ગાંધી પરિવારના આશીર્વાદથી મળી રહી હોય તે શક્ય છે.

પોતાના સૌથી નજીકના દોસ્તો પૈકીના એક દિવંગત ધરમસિંહને કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા બનાવવાનો સંકેત આપતાં ખડગેએ 2004ની 24 મેના રોજ મારી સાથેની વાતચીતમાં આ કહેવત સંભળાવી હતી. ધરમસિંહે કૉંગ્રેસ-જનતા દળ(સેક્યુલર)ની સૌપ્રથમ યુતિ સરકારમાં કૉંગ્રેસ વિધાનસભા પક્ષનું નેતૃત્વ કર્યું હતું.

ધરમસિંહ એ સમયે ખડગે અને એચ. કે. પાટીલ (જેઓ હાલ કૉંગ્રેસ કારોબારીના સભ્ય છે) બૅંગલુરુમાં તત્કાલીન મુખ્ય મંત્રી એસ. એમ. કૃષ્ણાની ચેમ્બરના કૉન્ફરન્સ હૉલની બાજુમાં આવેલા બીજા ખંડમાં કૉંગ્રેસના તત્કાલીન નિરીક્ષક વિલાસરાવ દેશમુખ સાથે અંતિમ તબક્કાની વાત કરવા જતા હતા.

સંદેશો સ્પષ્ટ હતો કે કર્ણાટકમાં કૉંગ્રેસના વડપણ હેઠળની યુતિ સરકારનું નેતૃત્વ ખડગેને બદલે અજાતશત્રુ નામે ચર્ચિત નેતા ધરમસિંહ કરશે તો જેડીએસના નેતા એચ. ડી. દેવેગૌડા યુતિ સરકારને ટેકો આપશે.

આ કહેવતના ઘણા અર્થ છે, જે ખડગેના વ્યક્તિત્વને પણ પરિભાષિત કરે છે. તેનો એક અર્થ એવો પણ છે કે તમારું હૃદય નિર્ણયનો સ્વીકાર ન કરતું હોય તો પણ તેનો સ્વીકાર કરો અને આગળ વધો.

ખડગે જાણે છે કે પક્ષ માત્ર સંસ્થાગત કે માળખાગત નહીં, વૈચારિક નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે ગાંધી પરિવાર પાસે તેમના જેવા વફાદાર નેતા પર ભરોસો કરવા સિવાયનો, કદાચ કોઈ બીજો વિકલ્પ નથી.

ખડગે મૂળતઃ એવી વ્યવહારુ વ્યક્તિ છે, જે પોતાની તાકત અને નબળાઈ બન્નેને સારી રીતે જાણે છે. રાજ્યના રાજકારણથી લોકસભા અને પછી રાજ્યસભા સુધી પહોંચેલા ખડગેને તેમની સમક્ષના પડકારોની પણ ખબર છે. ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેનું નેતૃત્વ કરી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીની મજબૂત મશીનરીનો સામનો કરવાના પડકારની તેમને બરાબર ખબર છે.

80 વર્ષના ખડગે જગજીવનરામ પછીના કૉંગ્રેસના પૂર્ણ સમયના સૌપ્રથમ દલિત અધ્યક્ષ બન્યા છે. જગજીવનરામ વર્ષ 1969માં આ પદ પર આવ્યા હતા.

લાઇન

કૉંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ખડગે ભાજપ માટે પડકાર બની શકશે?

લાઇન
  • પાછલા કેટલાક દિવસોથી કૉંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી અને તેની તૈયારીઓ ચાલી રહી હતી.
  • બુધવારે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે દક્ષિણના નેતા મલ્લિકાર્જુન ખડગે ચૂંટાઈ આવ્યા છે.
  • કૉંગ્રેસના કદાવર નેતા શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે અધ્યક્ષપદનો મુકાબલો યોજાયો હતો.
  • 80 વર્ષીય ખડગે અંગે કેટલાક એવું માને છે કે તેઓ કૉંગ્રેસને ફરી સક્ષમ બનાવવામાં ભૂમિકા ભજવી શકશે.
  • જ્યારે ઘણા એવો મત પણ વ્યક્ત કરે છે કે મોદી-શાહની જોડીને હરાવવા માટે ખડગેના પ્રયાસો પૂરતા નહીં સાબિત થઈ શકે.
લાઇન

છેક નીચલા સ્તરેથી અધ્યક્ષપદ માટેની દાવેદારી સુધી

ખડગે કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના કૉંગ્રેસના એક સામાન્ય કાર્યકર હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખડગે કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના કૉંગ્રેસના એક સામાન્ય કાર્યકર હતા

ખડગે કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના કૉંગ્રેસના એક સામાન્ય કાર્યકર હતા.

છેક ત્યાંથી પક્ષના અધ્યક્ષપદ સુધી પહોંચવાની તેમની સફરને 'એક સામાન્ય કાર્યકર્તાના સન્માન' સ્વરૂપે પણ નિહાળવામાં આવે છે. પક્ષ સાથે જોડાયેલા અનેક લોકો માને છે કે આ મજબૂત સંદેશો દેશભરના પક્ષના કાર્યકરો સુધી પણ પહોંચશે.

કર્ણાટક વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર રમેશકુમારે બીબીસીને કહ્યું હતું કે, "તેઓ પક્ષના નિષ્ઠાવાન કાર્યકર છે અને પક્ષના સન્માનજનક અસ્તિત્વને બચાવવામાં નિશ્ચિત રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમની વિચારધારા બહુ મજબૂત છે. તેઓ નરેન્દ્ર મોદી - અમિત શાહના પક્ષની મશીનરીને પડકારી શકે તેમ છે."

રમેશકુમાર અને ખડગે એકમેકને 1970ના દાયકાથી, બન્નેની પસંદગી દેવરાજ અર્સે કૉંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવા માટે કરી ત્યારથી ઓળખે છે. એ સમયે પોતાના પહેલા વિભાજન બાદ કૉંગ્રેસ પાર્ટી, ઈંદિરા કૉંગ્રેસ તરીકે પણ ચર્ચિત હતી.

ખડગે કલબુર્ગીમાં સ્થાયી થયા હતા અને ત્યાં એક મિલના કામદાર સંગઠન સાથે જોડાયા હતા. દેવરાજ અર્સે તેમને ગુરમિતકાલ બેઠક માટે ટિકિટ આપી હતી. એ મતવિસ્તારમાં ઊંચી જ્ઞાતિના મતદારોનો દબદબો હતો. ખડગે કુલ દસ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા અને તેમને કન્નડ ભાષામાં 'સોલ ઈલાદે સરદાર' (એટલે કે ક્યારેય હારતા નથી એવા સરદાર)ના નામથી વિખ્યાત થયા હતા.

ટોચના એક નિવૃત્ત સનદી અધિકારીએ બીબીસીને કહ્યું હતું કે, "ખડગે ચતુર વહીવટકર્તા હતા. તેમણે દેવરાજ અર્સથી માંડીને એસ. એમ. કૃષ્ણા સુધીની સરકારોમાં અલગ-અલગ મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તેઓ સરકારી અધિકારીઓ સાથે હંમેશાં વિનમ્રતાથી વાત કરતા હતા, પરંતુ તેમની આગવી વિચારશૈલી પણ હતી. તેઓ તેમની પ્રાથમિકતા હંમેશાં સ્પષ્ટ રીતે જણાવતા હતા. કોઈ અધિકારી તેમને મૂર્ખ બનાવી શકતા નહીં. વાસ્તવમાં તેઓ મુખ્ય મંત્રીપદના દાવેદાર હતા, પરંતુ તેમણે એ તક ત્રણ વખત ગુમાવવી પડી હતી."

તેઓ 2009માં લોકસભા માટે પહેલી વાર ચૂંટાયા પછી મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારમાં પ્રધાન બન્યા હતા. એ કાર્યકાળમાં તેમણે બંધારણની કલમક્રમાંક 372(જે)માં સુધારા માટે અભિયાન ચલાવ્યું હતું. તેને લીધે હૈદરાબાદ અને કર્ણાટક વિસ્તારના લોકોને શિક્ષણ તથા રોજગારમાં અનામત મળી હતી. 2014માં તેઓ લોકસભામાં વિરોધપક્ષના નેતા હતા, પરંતુ 2019માં તેઓ સંસદીય ચૂંટણી હારી ગયા હતા.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કે. એચ. રંગનાથને મને ખડગે વિશે દાયકાઓ પહેલાં કહ્યું હતું કે, "સમગ્ર કર્ણાટકના રાજકીય ક્ષેત્રના શોષિત વર્ગના નેતાઓમાં પ્રગતિ કરવાની ક્ષમતાની બાબતમાં ખડગે સૌથી વધારે ચતુર અને અગ્રણી છે."

ખડગે જીતશે તો પક્ષ સામે એક પડકાર પણ સર્જાશે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખડગે જીતશે તો પક્ષ સામે એક પડકાર પણ સર્જાશે

રાજકીય વિશ્લેષક ઇંદુધારા કોન્નાપુરાએ બીબીસીને કહ્યું હતું કે, "ખડગે એક દલિત નેતા તરીકે આગળ વધ્યા છે, પરંતુ તેમણે પોતાની પ્રતિષ્ઠાનો લાભ ક્યારેય લીધો નથી. તેઓ તમામ સમુદાયો માટે નિષ્પક્ષ બની રહ્યા છે. અલબત્ત, તેમનામાં તમામ ગુણ હોવા છતાં, દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, તેઓ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે કામ કરી શકશે કે નહીં એ કોઈ કહી શકે તેમ નથી."

વિશ્લેષકો માને છે કે ખડગેને અધ્યક્ષ તરીકે ચૂંટીને કૉંગ્રેસ કદાચ આખા દેશને એક સંદેશ આપવા ઇચ્છે છે. રાજકીય વિશ્લેષક કે. બેનેડિક્ટે બીબીસીને કહ્યું હતું કે, "તેઓ દુભાયેલા લોકોને રાહત આપવાની અને પક્ષનાં તમામ જૂથો વચ્ચેની ખેંચતાણ ઓછી કરવાની બાબતમાં નિપુણ છે. તેઓ અન્યો સાથે કોઈ લડાઈ કરે તેવા નેતા નથી." બેનેડિક્ટના આ નિરીક્ષણની ઝલક અસંતુષ્ટ કૉંગ્રેસી નેતાઓના જૂથ જી-23 સાથે જોડાયેલા નેતાઓ દ્વારા ખડગેના ઉમેદવારી પત્ર પર સહી કરવાના સ્વરૂપમાં જોવા મળે છે. આનંદ શર્મા, મુકુલ વાસનિક અને ભૂપિન્દરસિંહ હુડ્ડા ત્રણેય જી-23નો હિસ્સો હતા. બીજી તરફ એ. કે. એન્ટની, અશોક ગેહલોત, તારિક અનવર અને દિગ્વિજયસિંહ ગાંધી પરિવારના ચુસ્ત વફાદાર છે.

ખડગે વિંધ્ય પર્વતમાળાની દક્ષિણ દિશામાંથી આવે છે. તેમના દલિત હોવાથી પક્ષને ફાયદો થઈ શકે છે, પરંતુ દક્ષિણ ભારતનું રાજકારણ, ઉત્તર ભારતના રાજકારણ કરતાં અલગ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ તથા બિહાર જેવાં રાજ્યોમાં, જ્યાં કૉંગ્રેસ અત્યંત નિર્બળ હાલતમાં છે.

મોદી - શાહની જોડીનો મુકાબલો ખડગે કરી શકે તેમ છે ખરા?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, મોદી - શાહની જોડીનો મુકાબલો ખડગે કરી શકે તેમ છે ખરા?

રાજકીય વિશ્લેષક પૂર્ણિમા જોશી કહે છે કે, "ખડગે પક્ષના જૂના સૈનિક છે, સભ્ય છે અને જમીન સાથે જોડાયેલા નેતા છે. તેમની ગણતરી મામૂલી નેતા તરીકે કરવાનું કોઈને પાલવે નહીં, પરંતુ કૉંગ્રેસને પુનર્જીવિત કરવાનો સવાલ છે ત્યાં સુધી, પક્ષ જે ખાલીપા સામે ઝઝૂમી રહ્યો છે તેને ખડગે ભરી શકશે નહીં. આ ખાલીપાને બીજું કોઈ પણ ભરી શકે તેમ નથી. ખડગે પાસે એવું કશું જ નથી, જેનાથી રાષ્ટ્રીય સ્તરના પક્ષમાં તાજગી લાવી શકાય."

નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચૂંટણી મશીનરીને પડકારવાનું સામર્થ્ય ખડગેમાં છે એવા રમેશકુમારના નિરીક્ષણ સાથે અસહમત થતાં પૂર્ણિમા જોશીએ કહ્યું હતું કે, "મોદી અને શાહ માટે તેઓ કોઈ પણ રીતે પડકાર નહીં હોય. કૉંગ્રેસને એવા નેતાની જરૂર છે, જે મોદી-શાહની ભાષા બોલી શકે, જે ચતુર હોય અને ભાજપને તેના જ ખેલમાં હરાવી શકે. ખડગે બહુ સભ્ય વ્યક્તિ છે."

મોદી - શાહની જોડીનો મુકાબલો ખડગે કરી શકે તેમ નથી. સોનિયા અને રાહુલ ગાંધીની કૉંગ્રેસની પ્રકૃતિ જ અલગ છે, એવા પૂર્ણિમા જોશીના નિરીક્ષણ સાથે સહમત થતાં કે બેનેડિક્ટે કહ્યું હતું કે, "ખડગે બહુ નરમ વ્યક્તિ છે. થરૂર વડા પ્રધાનપદ માટે સારા ઉમેદવાર હોઈ શકે, પરંતુ કૉંગ્રેસના અધ્યક્ષપદ માટે યોગ્ય નથી. મુશ્કેલી એ છે કે કૉંગ્રેસમાં નવો સંચાર જરૂરી છે, પક્ષને વ્યવસ્થિત કરવો જરૂરી છે. અલબત્ત, ખડગે ભાજપનો મુકાબલો નહીં કરી શકે."

પૂર્ણિમા જોશીએ કહ્યું હતું કે, "આખરે શું થશે એ કોઈ જાણતું નથી. ખડગેને લોકો હકારાત્મક આવકાર આપે એ શક્ય છે, કારણ કે તેઓ બન્ને પક્ષોની સરખામણી કરશે. આ બાબતનું પરિણામ આવવાનું બાકી છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન