ગુજરાત વિધાનસભા ચૂંટણી : સૌરાષ્ટ્રમાં ભાજપ કેવી રીતે કૉંગ્રેસને તોડી રહ્યો છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા અપેક્ષા મુજબ જ ધારાસભ્યપદ છોડ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. આગામી દિવસોમાં હજુ પણ પાર્ટીમાંથી ધારાસભ્યોના રાજીનામાં પડી શકે છે, કારણ કે જુલાઈ મહિનામાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન છ જેટલા કૉંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીની પસંદથી ઉપરવટ જઈને પાર્ટીસમર્થિત ઉમેદવાર યશવંત સિંહાના બદલે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ માટે મતદાન કર્યું હતું.
  • ગત વિધાનસભાના ચૂંટણીપરિણામો પર નજર કરીએ કૉંગ્રેસને સૌથી વધુ ફાયદો સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયો હતો. અહીં પાટીદાર અનામત આંદોલનની હવા જોવા મળી હતી અને પાર્ટીને 45માંથી 29 બેઠક મળી હતી.
  • 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ વિઠ્ઠલભાઈ રાદડિયા તથા જયેશભાઈ રાદડિયાને પાર્ટીમાં લાવ્યો, જેઓ રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પાટીદાર સમુદાય પર પ્રભુત્વ ધરાવે છે. આ સિવાય રાઘવજી પટેલ પણ 2017 પછી પાર્ટી છોડી ગયા છે.
  • સોમાભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા જેવા કોળી નેતાઓને સાથે લઈને ભાજપે સૌરાષ્ટ્રવિસ્તારમાં મહત્ત્વપૂર્ણ મતદાતા સમુદયાને સાધવા પ્રયાસ કર્યો છે. આ સિવાય જવાહરભાઈ ચાવડાને (માણાવદર) પણ પાર્ટીમાં સમાવવામાં આવ્યા છે.
  • જયેશ રાદડિયા, બાવળિયા અને ચાવડા વિજય રૂપાણી સરકારમાં કૅબિનેટ મંત્રી હતા. મંત્રીમંડળના સંપૂર્ણ પરિવર્તન બાદ બ્રિજેશ મેરજા અને રાઘવજી પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા અપેક્ષા મુજબ જ ધારાસભ્યપદ છોડ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે.

2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપને માત્ર 99 બેઠક મળી હતી, જે બહુમતથી માત્ર સાત જ વધારે હતી, જ્યારે કૉંગ્રેસને 77 બેઠક મળી હતી, જે તાજેતરના ઇતિહાસનું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. જ્યારે હાલની સ્થિતિ પ્રમાણે, વિધાનસભામાં ભાજપના 111 ધારાસભ્ય છે. બીજી બાજુ, કૉંગ્રેસને 77 બેઠક મળી હતી, જે ઘટીને હાલમાં 62 રહી જવા પામી છે.

આ પ્રદર્શનમાં કૉંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો લાભ થયો હતો, જેના કારણે ભાજપને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નુકસાન વેઠવું પડ્યું હતું. લગભગ 2010થી એક યા બીજા કારણોસર પાટીદારો ભાજપથી નારાજ હતા, પરંતુ આ વખતે દેખીતો આક્રોશ નથી.

આ સિવાય આમ આદમી પાર્ટી રૂપે ત્રીજું પરિબળ છે, જેની સામે પરંપરાગત હરીફો ભાજપ અને કૉંગ્રેસે લડવાનું છે. સૌરાષ્ટ્રમાં આ પહેલાં 2012માં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, પરંતુ તેનાથી ભાજપને ખાસ નુકસાન થયું ન હતું.

આગામી દિવસોમાં હજુ પણ પાર્ટીમાંથી ધારાસભ્યોના રાજીનામાં પડી શકે છે, કારણ કે જુલાઈ મહિનામાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન છ જેટલા કૉંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીની પસંદથી ઉપરવટ જઈને પાર્ટીસમર્થિત ઉમેદવાર યશવંત સિંહાના બદલે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ માટે મતદાન કર્યું હતું.

કૉંગ્રેસ માટે સૌરાષ્ટ્ર

ગત વિધાનસભાનાં ચૂંટણીપરિણામો પર નજર કરીએ તો કૉંગ્રેસને સૌથી વધુ ફાયદો સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયો હતો. અહીં પાટીદાર અનામત આંદોલનની હવા જોવા મળી હતી અને પાર્ટીને 45માંથી 29 બેઠક મળી હતી.

2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને અહીંથી 15 બેઠક મળી હતી. આમ લગભગ બે ગણી બેઠકો મળી હતી. આ વિસ્તારમાં પાર્ટીને 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ નુકસાન થયું હતું. રાદડિયા પિતા-પુત્ર કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા, જ્યારે જીપીપી રૂપી ત્રીજું પરિબળ પણ લુપ્ત થઈ ગયું હતું. આમ છતાં કૉંગ્રેસે આ પ્રદર્શન કર્યું હતું.

જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જિલ્લામાં ભાજપને ધોબીપછાડ મળી હતી, તો જામનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવેલા લલિત કગથરા અને લલિત વસોયા ધારાસભ્ય બન્યા. આ સિવાય વીરજી ઠુંમર (લાઠી) તથા પરેશ ધાનાણી (અમરેલી) જેવા પાટીદાર નેતા અનામત આંદોલન પહેલાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ સિવાય બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરિયા, હર્ષદ રિબડિયા, જેવી કાકડિયાને આંદોલનનો ફાયદો થયો હતો.

'કૉંગ્રેસયુક્ત ભાજપ'

કૉંગ્રેસમુક્ત ભારતની વાત કરતો ભાજપ સૌરાષ્ટ્રવિસ્તારમાં 'કૉંગ્રેસયુક્ત' બની ગયો છે. આ વિસ્તારમાંથી કૉંગ્રેસના નવ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે અને એ તમામ ભાજપમાં જોડાયા છે. આમ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા કૉંગ્રેસના લગભગ 33 ટકા ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં ભળી ગયા છે.

વિસાવદરની બેઠક પરથી ધારાસભ્ય હર્ષદ રિબડિયા ગુરુવારે ભાજપમાં જોડાઈ ગયા. પાર્ટી છોડતા પહેલાં તેમણે કૉંગ્રેસને 'દિશાવિહીન' ગણાવી હતી અને ગુજરાતમાં ચૂંટણી હોવા છતાં દક્ષિણભારતમાં 'ભારત જોડો યાત્રા' કાઢવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન છ ધારાસભ્યોના ક્રૉસવૉટિંગને કારણે કૉંગ્રેસ હજુ પણ અમુક રાજીનામાં માટે માનસિક રીતે સજ્જ છે. જીપીસીસીના નેતાઓએ ગુજરાત કૉંગ્રેસ લૅજિસ્ટલેટિવ પાર્ટીની બેઠક બોલાવીને ક્રૉસવૉટિંગ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી નથી કરી.

શું સૌરાષ્ટ્ર વિસ્તારમાં નેતાઓના જવાથી પાર્ટીને નુકસાન થશે? તેવા સવાલના જવાબમાં ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું, "ન્યૂઝ ચેનલ હોય કે રાજકીય પક્ષ આવનજાવન થતું રહે. નરેન્દ્ર મોદીના સમયમાં જ યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા જેવા નેતાઓ પાર્ટી છોડી ગયા છે. આ સિવાય અકાલીદળ અને શિવસેના જેવા જૂના સાથીપક્ષો પણ સાથ છોડી ગયા છે. પાર્ટી કોઈ વ્યક્તિથી નથી બનતી. તે લાખો કાર્યકરોની મહેનત અને વિચારધારાથી બનતી હોય છે. મતાદાતા તેને જોઈને મતદાન કરતા હોય છે."

"જે દિવસે રિબડિયાએ રાજીનામું આપ્યું, તે દિવસે જ મોરબી ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા પાર્ટીમાં જોડાયા. તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે, આ સિવાય લલિત કગથરા જેવા નેતા પણ પાર્ટી પાસે છે. તાજેતરમાં પાર્ટીએ સૌરાષ્ટ્રવિસ્તારમાં યાત્રા કાઢી, ત્યારે પાટીદાર સમુદાયનો અમને સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. કૉંગ્રેસના નેતાઓ ખોડલધામ પણ ગયા હતા અને નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં તેમણે કૉંગ્રેસમાં પાટીદારોને મળતાં પ્રતિનિધિત્વ વિશે ખુશી વ્યક્ત કરી હતી."

રાવલે રિબડિયાના એ નિવેદનને પણ યાદ અપાવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 'રાજ્યસભાની ચૂંટણી સમયે ધારાસભ્યોને રૂ. 40-40 કરોડની ઑફર થઈ હતી.' બાદમાં રિબડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં સોગંદપૂર્વક કહ્યું હતું કે તેમને કોઈ ઑફર થઈ નહોતી.

લલિત કગથરા (ટંકારા) અને ઋત્વિક મકવાણાને (ચોટિલા) કાર્યકારી અધ્યક્ષ બનાવીને સાચવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને પણ કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ જ બનાવવામાં આવ્યા હતા. આ સિવાય લાઠીની બેઠક પરથી ધારાસભ્ય અને પાટીદાર નેતા વીરજી ઠુંમરનાં પુત્રી જૈનીબહેનને ગુજરાત કૉંગ્રેસની મહિલા પાંખનાં અધ્યક્ષા બનાવવામાં આવ્યાં છે.

નાયકો પર નજર

'મોદી@20 - ડ્રીમ્સ મીટ ડિલિવરી'માં ગૃહ મંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદી વિશે આખું પ્રકરણ લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે 1987માં નરેન્દ્ર મોદીને સંઘમાંથી ભાજપના સંગઠનસચિવ તરીકે નીમવામાં આવ્યા હતા. તેમના આયોજનથી પાર્ટીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય મળ્યો.

"એ પછીના વર્ષે પાર્ટીએ રાજ્યવ્યાપી સદસ્યતા અભિયાન હાથ ધર્યું અને એક નિયમિત આયોજનને 'સંગઠનપર્વ' એવું નામ આપ્યું. જેથી કરીને લોકોમાં તહેવાર જેવો 'ઉત્સાહ' ઉત્પન્ન થાય અને તે પક્ષનો નિરસ કાર્યક્રમ ન બની રહે."

"નરેન્દ્રભાઈની એક સલાહ મને ખાસ યાદ રહી ગઈ છે. તેમણે અમને સરપંચની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોને સાધવા માટે કહ્યું હતું."

"સ્વાભાવિકપણે તેઓ કૉંગ્રેસ કે જનતા દળમાંથી હોવાના, જે એ સમયે ગુજરાતના મુખ્ય બે રાજકીયપક્ષ હતા. હારી ગયેલો ઉમેદવાર હાંસિયામાં ધકેલાઈ ગયો હોય અને ભૂલાઈ ગયો હોય."

"સભ્યપદ અભિયાન દરમિયાન બીજા ક્રમાંક પર રહેલા ઉમેદવારનો ખાસ સંપર્ક સાધવો, એવી તેમની સૂચના હતી."

મોદી-શાહની આ વ્યૂહરચના કદાચ આજે ભૂતકાળ બની ગઈ છે. ગુજરાત ભાજપે સતત એવા નેતાઓની ઉપર નજર દોડાવી છે કે જેઓ સ્થાનિકસ્તરે વર્ચસ્વ ધરાવતા હોય અને વિજેતા હોય.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાત વિધાનસભાના 21 ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ 14ને ટિકિટ આપવામાં આવી હતી, જેમાંથી સાતનો વિજય થયો હતો, જ્યારે સાતનો પરાજય થયો હતો. વિજેતા ઉમેદવારોમાં કુંવરજીભાઈ બાવળિયા, જવાહર ચાવડા અને રાઘવજીભાઈ પટેલ મુખ્ય છે તો હારનારાઓમાં અલ્પેશ ઠાકોર અને તેમના આંદોલન સમયના સાથી ધવલસિંહ ઝાલા મુખ્ય છે.

હર્ષદ રિબડિયાએ ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું, યોગાનુયોગ ભાજપમાં જોડાતાં પહેલાં તેઓ કૉંગ્રેસમાં જ હતાં.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ વિઠ્ઠલભાઈ રાદડિયા તથા જયેશભાઈ રાદડિયાને પાર્ટીમાં લાવ્યો, જેઓ રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પાટીદાર સમુદાય પર પ્રભુત્વ ધરાવે છે. આ સિવાય રાઘવજી પટેલ પણ 2017 પછી પાર્ટી છોડી ગયા છે.

સોમાભાઈ પટેલ (લીમડી) અને કુંવરજીભાઈ બાવળિયા જેવા કોળી નેતાઓને સાથે લઈને ભાજપે સૌરાષ્ટ્રવિસ્તારમાં મહત્ત્વપૂર્ણ મતદાતા સમુદયાને સાધવા પ્રયાસ કર્યો છે. આ સિવાય જવાહરભાઈ ચાવડાને (માણાવદર) પણ પાર્ટીમાં સમાવવામાં આવ્યા છે.

જયેશ રાદડિયા, બાવળિયા અને ચાવડા વિજય રૂપાણી સરકારમાં કૅબિનેટ મંત્રી હતા. મંત્રીમંડળના સંપૂર્ણ પરિવર્તન બાદ બ્રિજેશ મેરજા અને રાઘવજી પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌથી ધનવાન ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ઉમેદવારી કરી હતી અને હારી ગયા હતા. તેઓ 2012ની ચૂંટણી દરમિયાન રાજકોટ પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. હવે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને પાર્ટીને જીતાડવા માટે સૌરાષ્ટ્રવિસ્તાર ખૂંદી રહ્યા છે.

આ સિવાય પાસ આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ બધાની વચ્ચે કૉંગ્રેસ માટે આશ્વાસનજનક બાબત એ છે કે વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાર્ટીમાં જોડાયા છે, પરંતુ ટેકનિકલ કારણોસર તેમણે પોતાનું અપક્ષ ધારાસભ્યપદ નથી છોડ્યું.

ચૂંટણીજંગનો ત્રીજો ખૂણો

2007ની વિધાનસભા ચૂંટણી પહેલાં કેશુભાઈ પટેલ જૂથના મનાતા ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપ છોડીને મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. 2012ની વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી, ત્યારે ઝડફિયાએ પોતાની પાર્ટીને જીપીપીમાં વિલીન કરી દીધી.

ઝડફિયા ગોંડલની બેઠક પરથી બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે વિસાવદરની બેઠક પરથી કેશુભાઈ પટેલની પાર્ટીના નલિન કોટડિયા વિજયી થયા હતા. આગળ જતાં 2014ની લોકસભા ચૂંટણી પહેલાં કેશુભાઈ પોતાની પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ કરી નાખ્યું હતું. આજે ઝડફિયા ગુજરાત ભાજપમાં ઉપાધ્યક્ષ છે.

આ સિવાય નિરમા પ્લાન્ટ સામેના આંદોલનથી ચર્ચામાં આવેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ સ્થાપેલા 'સદ્દભાવના મંચ'એ સૌરાષ્ટ્રવિસ્તારમાં ત્રીજા પરિબળની ભૂમિકા ભજવી હતી. પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી, પરંતુ સાવરકુંડલામાં તેના કારણે ભાજપનો વિજય થયો હતો. જ્યારે કળસરિયા પોતાની પરંપરાગત મહુવા બેઠક છોડીને ગારિયાધારની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેમને 10 હજાર મત મળ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર રહી હતી, એટલે ભાજપવિરોધીઓ માટે કૉંગ્રેસ એકમાત્ર વિકલ્પ હતો, જ્યારે આ વખતે આ વર્ગ પાસે આમ આદમી પાર્ટી સ્વરૂપે વધુ એક વિકલ્પ છે.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસે પાર્ટી છોડીને જતા નેતાઓ વિશે તો ચિંતા કરવાની જરૂર છે જ, આ સિવાય તેણે આમ આદમી પાર્ટી સ્વરૂપે ત્રીજા પરિબળનું પણ ધ્યાન રાખવું પડશે. બેઠક પરની હારજીત ઉપરાંત આપને મળતા મતોની ટકાવારી પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. જે મહદંશે કૉંગ્રેસના ભોગે જ હશે."

"2015થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની અસર દેખાતી હતી, જે આ વખતે પ્રત્યક્ષ નથી. આ બધા સંજોગોમાં કૉંગ્રેસ દ્વારા 2017 જેવું પ્રદર્શન કરવું મુશ્કેલ બની રહેશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો