ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ગુજરાતમાં જે બીટીપી સાથે ગઠબંધન કર્યું હતું તેને જ તોડી રહી છે આમ આદમી પાર્ટી?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીને મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક સંગઠનના નેતાઓએ બીટીપીનો સાથ છોડી દીધો છે અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નર્મદા જિલ્લાના બીટીપીના પ્રમુખ અને આંદોલનકારી નેતા ચેતર વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી છે.તેમની સાથે અન્ય આગેવાનો અને કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યાં છે.

ચૈતર વસાવા યુવાઓમાં લોકપ્રિય નેતા ગણાય છે અને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સતત કાર્યરત રહ્યા છે.

ચૈતર વસાવા દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળ્યા હતા અને પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી.આમ આદમી પાર્ટીએ પણ તમામ નેતાઓને પક્ષમાં આવકાર્યા હતા.

ચૈતર વસાવાની સાથે દેવેન્દ્ર વસાવા, જગદીશ વસાવા, માધવસિંહ વસાવા તથા શાંતિલાલ વસાવા પણ હાજર રહ્યા હતા.

બીટીપી આદિવાસી વિસ્તારમાં મોટી પાર્ટી ગણાય છે અને તેનું ભરૂચ અને નર્મદા જિલ્લામાં વર્ચસ્વ છે.

આદિવાસી નેતાઓએ બીટીપી કેમ છોડી?

ચૈતર વસાવા દિલ્હીમાં ગયા હતા અને એક વીડિયાના માધ્યમથી તેમણે પોતાના રાજીનામાની વાત કરી હતી.

તેમણે કહ્યું, "ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં એમની (બીટીપી) તરફથી અમને કોઈ નિર્ણય કે જવાબ મળ્યા નથી, તેઓ અમારી કોઈ વાત સાંભળતા નથી. આથી અમે નાછૂટકે બીટીપીમાંથી રાજીનામું આપી રહ્યા છીએ."

"અમારી સાથે ડેડિયાપાડાના 500થી વધુ આગેવાનોએ રાજીનામાં આપ્યાં છે. અમે કેજરીવાલસાહેબને મળ્યા અને અમારી માગણીઓ તેમની સમક્ષ મૂકી છે, તેમણે અમારી તમામ માગણીઓ સ્વીકારી છે. આથી આવનારા સમયમાં અમારી લડાઈ લોકસભા, વિધાનસભા અને રાજ્યસભામાં પણ ચાલુ રહેશે."

ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લાં વર્ષોથી વિવિધિ આંદોલન ચાલ્યાં હતાં. આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી તેમની સંસ્કૃતિ અને જમીન બચાવવા માટે વિવિધ સંગઠનના નેજા હેઠળ આંદોલન કરી રહ્યો છે.

છેલ્લે પાટનગર ગાંધીનગરમાં હજારો આદિવાસીઓ આંદોલન માટે એકઠા થયા હતા અને તેમણે સરકાર સમક્ષ કેટલીક માગણીઓ મૂકી હતી.

તેમનું કહેવું હતું કે આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટ્સ આવે છે એ તેમણે જોઈતા નથી. આ આંદોલનને ગુજરાત કૉંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું.

ચૈતર વસાવા પણ એ આંદોલનકારીઓમાંના એક છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજની સમસ્યા, તેમના પ્રશ્નો મામલે લડત ચલાવે છે.

તેમણે ખોટા આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો પણ ખાસ્સો ઉઠાવ્યો હતો અને તેની યુવાઓમાં બહુ અસર થઈ હતી.

એ રીતે સમયાંતરે થતાં આંદોલનો અને કાર્યક્રમો થકી તેઓ નર્મદા જિલ્લામાં લોકપ્રિય પણ થયા છે.

રાજીનામાંથી બીટીપીને કેટલું નુકસાન?

ચૂંટણી પહેલાં આ રાજીનામાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં બીટીપીને મોટું નુકસાન કરી શકે છે.

બીબીસીના સહયોગી નરેન્દ્ર પેપરવાલા કહે છે કે "ચૈતર વસાવાને પાર્ટીએ પહેલાં કમિટમેન્ટ આપેલું હતું કે તેમને ડેડિયાપાડાની વિધાનસભાની ટિકિટ મળશે, પણ ચૂંટણી નજીક આવતા લાગ્યું કે તેમને ટિકિટ નહીં. આથી તેમણે પાર્ટી છોડી છે."

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે બહુ દિવસો રહ્યા નથી, તો સ્વાભાવિક છે કે આટલા ટૂંકા ગાળામાં બીટીપી માટે સંગઠનને જોડવું એ પણ એક મોટો પડકાર છે.

તેઓ વધુમાં કહે છે કે "ચૈતર વસાવા આદિવાસી સમાજની સમસ્યાને સતત વાચા આપતા રહ્યા છે અને બહુ ટૂંકા ગાળામાં બીટીપીના સંગઠનમાં મોટું કામ કર્યું છે. આથી તેમના જવાથી પાર્ટીને સંગઠનમાં મોટું નુકસાન થઈ શકે છે."

પેપરવાલા જણાવે છે કે "તેમનો (રાજીનામું આપનાર) આક્ષેપ છે કે બીટીપીએ પાછલા બારણે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું છે."

ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભામાં બીટીપી અને કૉંગ્રેસનું ગઠબંધન હતું, પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપીએ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું, જોકે આ ચૂંટણીમાં બીટીપીને મોટા પાયે નુકસાન થયું હતું.

પછી ગુજરાત સ્થાપના દિવસે પહેલી મેના રોજ બીટીપીના સંસ્થાપક છોટુ વસાવાએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. છોટુ વસાવા દિલ્હીમાં જઈને અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.

તો બીટીપીએ સોશિયલ મીડિયામાં એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું છે આ રાજીનામાં અમે સ્વીકાર્યાં છે.

તેમાં લખાયું કે 'બીટીપી પાસેથી રાજકીય કાવાદાવા શીખ્યા છે એવા કેટલાક લોકો પૈસા અને સત્તાની લાલચમાં પાર્ટી છોડીને ગયા છે. આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે.'

તેમાં લખ્યું કે 'આનાથી પાર્ટીના સંગઠનમાં કોઈ ફેર પડશે નહીં અને પાર્ટી સમાજ માટે સતત લડતી રહેશે.'

આદિવાસી લોકો 'આપ'માં કેમ જોડાઈ રહ્યા છે?

આદિવાસી આંદોલનકારી નેતા અને આમ આદમી પાર્ટીના નાંદોદ બેઠકના આપના વિધાનસભાના ઉમેદવાર ડૉ. પ્રફુલ્લ વસાવાએ આદિવાસી મતદારોમાં આપના વધતા પ્રભાવ અને બીટીપી અંગે વાત કરી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "ગુજરાતની હાલની જે રાજનીતિ છે, એમાં આદિવાસીઓની સમસ્યા, એમના બંધારણીય હકો, શિક્ષણ અંગે કોઈ પાર્ટી આગળ આવી નથી. તેમાં બીટીપીનો પણ સમાવેશ થાય છે."

તેમનો દાવો છે કે "આમ આદમી પાર્ટીએ આદિવાસીના મુદ્દાઓને સ્વીકાર્યા છે અને માટે આદિવાસી સમાજના યુવાનો આપમાં જોડાઈ રહ્યા છે."

તેઓ બંધારણની પાંચમી અનુસૂચિને લાગુ કરવા પર ભાર મૂકતા કહે છે કે "ભાજપ હોય કે કૉંગ્રેસ- બંનેએ આ જોગવાઈને લાગુ કરવામાં ઉદાસીન વલણ દાખવ્યું છે. અનુસૂચિ પ્રમાણે કોઈ આદિવાસી સંસ્કૃતિ, જંગલ, જમીન વગેરે બાબતોમાં આદિવાસી સમાજને નેતૃત્વ મળવું જોઈએ, જેથી કોઈ આવીને તેમના હકો પર તરાપ ન મારે. અમારી માગ છે કે આ અનુસૂચિનો જો અમલ કરવામાં આવે તો આદિવાસી તેમની સંસ્કૃતિ બચાવી શકશે અને તેમના હકો કોઈ છીનવી નહીં શકે."

તેઓ દાવા સાથે કહે છે કે આદિવાસી વિસ્તારમાં ચાલતાં વિવિધ આંદોલનકારીઓ પણ આપ તરફ ઝોક ધરાવે છે અને એટલે ઘણા આદિવાસીઓ એમાં જોડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન કેમ ન ચાલ્યું?

ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્ત્વપૂર્ણ છે. બીટીપી અને આપ વચ્ચેનાં ગઠબંધનનાં કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે આપને બીટીપીની તૈયાર કૅડર મળશે અને બીટીપીને મોટી પાર્ટીનો સાથ મળશે. જે કૉંગ્રેસ અને ભાજપ માટે પડકાર ઊભો કરશે.

જોકે, આવું થયું નહોતું અને ગઠબંધન તૂટી ગયું હતું.

ગઠબંધન તૂટવાનું કારણ જણાવતા બીટીપી નેતા અને ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય મહેશ વસાવાએ અગાઉ બીબીસી ગુજરાતીના રૉક્સી ગાગડેકર છારાને કહ્યું, "બીટીપીના સંગઠનને ખતમ કરવા માટે આપ પાર્ટી કામ કરી રહી હતી. અનામત અને બિનઅનામત બેઠકોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અમારો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી."

તેમણે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યો કે, "આપ પાર્ટી ભાજપની બી-ટીમ તરીકે કામ કરીને હાલમાં ગુજરાતમાં પ્રવેશી રહી છે."

મહેશ વસાવાએ કહ્યું, "ત્યારબાદની સભાઓમાં બીટીપીને રીતસર ખતમ કરવા માટે આપ પાર્ટીએ કામ કર્યું હતું, જેની અમને જાણ થતા અમે ગઠબંધન તોડી નાખ્યું છે."

કેટલાક નિષ્ણાંતોના મતે, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી કરતા બીટીપીનો વધુ ફાયદો જોવાતો હતો.

આમ આદમી પાર્ટી તરફથી પાર્ટીના પ્રદેશઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર વિધાનસભાના ઉમેદવાર અર્જુન રાઠવાએ અગાઉ બીબીસીને કહ્યું હતું કે "આમ આદમી પાર્ટી પરના બીટીપીના આરોપો ખોટા છે. બીટીપી એકાધિકાર ચલાવે છે અને છોટુભાઈનો સંપર્ક કરવો અમારા જેવા માટે પણ મુશ્કેલ છે, તો કાર્યકર્તાઓ તો કેવી રીતે તેમનો સંપર્ક કરી શકે. હવે બીટીપી સાથે અમારું ગઠબંધન નથી તો અમે બધી જ વિધાનસભા પર આપના ઉમેદવારો ઊભા રાખીશું. તેમની ડેડિયાપાડા અને ઝગડિયામાં પણ આપના ઉમેદવારો ચૂંટણી લડશે અને જીતશે.

ઉપરાંત ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બીટીપીનું વર્ચસ્વ છે.

જોકે, આ આરોપનો આમ આદમી પાર્ટીના પ્રદેશઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર વિધાનસભાના ઉમેદવાર અર્જુન રાઠવાએ ફગાવી દીધા હતા.

અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા તરીકે ઊભર્યા છે અને હાલમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમાં તેમનું નામ પણ હતું. તેમણે 2014માં લોકસભાની ચૂંટણી પણ લડી હતી.

બીટીપીનું ગુજરાતમાં નેતૃત્વ અને પ્રભુત્વ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 27 અનુસૂચિત જનજાતિ અનામત છે, રાજ્યમાં આદિવાસી સમુદાયની વસતી અંદાજે 16થી 17 ટકા છે.

હાલમાં ગુજરાત વિધાનસભામાં બીટીપીના બે ધારાસભ્ય છે. છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી બીટીપીમાંથી મહેશ વસાવા ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.

તો ભરૂચ જિલ્લાની ઝગડિયા બેઠક પરથી છોટુ વસાવા ધારાસભ્ય બન્યા હતા.

2017માં મહેશ વસાવાએ ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવાને 21,751 મતથી પરાજય આપ્યો હતો.

તો ગત વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવાએ ભાજપના ઉમેદવાર રવજી વસાવાને 48,948 મતથી પરાજય આપ્યો હતો.

છોટુ વસાવા સાત વખતથી ઝગડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં બે બેઠક જીતી હતી. ત્યાર બાદ થોડા દિવસ રાજસ્થાનમાં અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડી હતી.

ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાતમાં આદિવાસી મતવિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે, ખાસ કરીને નર્મદા અને ભરૂચ જિલ્લામાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો