You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હવે અમારું કોઈ નથી બચ્યું', લઠ્ઠાકાંડમાં પિતા અને કાકાને ગુમાવનાર દીકરીની વ્યથા
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, ધંધુકાના ભીમજી અણિયારી ગામથી
"એ મારાથી નાના હતા, મજૂરી કરતા, બે ભાઈઓ જતા રહ્યા. મારા પિતા અને કાકા હવે નથી રહ્યા છે, અમારું કોઈ બચ્યું નથી." ભાઈને ગુમાવનાર બહેન અને પિતાને ગુમાવનાર દીકરી આનાથી વધુ કશું બોલી શકતાં નથી. ધંધૂકા તાલુકાના ભીમણી અણિયારી ગામમાં શોકનો માહોલ છે. દેશી દારૂ પીવાને લીધે આ ગામમાં ચાર લોકોનાં મોત થયાં છે. ગામમાં શોકનું વાતાવરણ છે અને બધા પાસે પોતપોતાની દર્દભરી કહાણીઓ છે.
બે નાના ભાઈ (હિંમતભાઈ અને રમેશભાઈ)ઓને ગુમાવનારાં બહેન વાત કરતાં કરતાં રડી પડે છે. તેમના મનમાં ઘણું બધું કહેવાનું છે પણ ભાઈઓને ગુમાવ્યાનું દુખ તેમની આંખોમાં આંસુ લાવી દે છે.
ગામમાં શોકનું વાતાવરણ છે અને ન્યાય માટેની ઝંખના.
પિતાના મૃત્યુ અંગે દીકરીઓ થોડીક વાત કરે છે, પણ પછી તેમને ગળે ડૂમો બાઝી જાય છે. તે કશું બોલતાં નથી.
ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે અને ઘણાની હાલત ગંભીર છે.
'શર્ટ કાઢી ઓસરીમાં આટોળતા હતા'
હિંમતભાઈના મૃત્યુ અંગે ગામના એક આગેવાન ધનજીભાઈ કહે છે "હિંમતભાઈની પાછળ મારું ઘર છે. તેઓ ઓસરીમાં આળોટતા હતા. મને કહ્યું કે તેમને આખા શરીરે બળતરા ઊપડી છે. તેઓ બુશર્ટ કાઢીને સૂતા હતા. જલદી મને દવાખાને લઈ જા, નહીં તો હું નહીં રહું."
ત્યાર બાદ હિંમતભાઈને ધંધૂકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેમને બચાવી ન શકાયા.
ગામલોકોનો દાવો છે કે લોકોનાં મોત દેશી દારૂ પીવાને લીધે જ થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામના દરેક લોકોનાં મોઢે દારૂ બંધ કરાવવાની વાત નીકળી આવે છે.
મૃતક રમેશભાઈ હીરા ઘસવાનું કામ કરતા હતા અને તેમને દીકરો હાર્દિક ખેતીકામ કરે છે. તે કહે છે કે હવે મારું જીવન બહુ મુશ્કેલ છે.
'કેમિકલકાંડ કે લઠ્ઠાકાંડ?'
અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય હરપાલસિંહ ચુડાસમા કહે છે, "આ વિસ્તારમાં મોટા ભાગનાં ગામોમાં દારૂ વેચાણ થાય છે. ગામમાં કોઈ ઉદ્યોગો નથી, બેકારી છે. પોલીસને રેડ દરમિયાન પણ દારૂ અને દારૂ બનાવતા સંસાધનો મળ્યાં છે."
તેઓ કહે છે કે "સરકાર આને કેમિકલકાંડ ગણાવીને જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે. આ એક ષડયંત્ર છે."
તો ગામના એક નિવૃત્ત પોલીસ અધિકારી જગદીશસિંહ ચૂડાસમા કહે છે કે "ગામડામાં કેમિકલનાં સ્ટેન્ડ હોતાં નથી, દેશી દારૂના અડ્ડા હોય છે. એવું નથી માનતો કે અમારા ગામમાં કોઈને એવી ખબર હશે કે કેમિકલ પીવાય. એ તો દારૂ જ પીવે છે."
આ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી સામે પણ ગામલોકો સવાલો કરી રહ્યા છે. તો ગુજરાતની દારૂબંધી સામે પણ સવાલો થઈ રહ્યા છે.
લઠ્ઠાકાંડ બાદ પોલીસની કાર્યવાહી
પોલીસ સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે સારવાર હેઠળ 88 અસરગ્રસ્ત પૈકી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે.
પોલીસ સમક્ષ કુલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆર પૈકી 8 લોકોની ધરપકડ કરી છે.
બોટાદ જિલ્લાનું રોજિદ ગામ આ લઠ્ઠાકાંડનું સૌથી વધુ અસરગ્રસ્ત ગામો પૈકીનું એક છે. લઠ્ઠાકાંડથી જિલ્લાનાં અન્ય ગામોમાં પણ મૃત્યુ નોંધાયાં હતાં. અમદાવાદ જિલ્લાના બોટાદ સરહદે આવેલાં ગામોમાં ઓછાંમાં ઓછાં 8 મૃત્યુ નોંધાયાં છે.
ગુજરાત પોલીસે હવે દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા સામે તવાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.
વિભાગે એકાએક અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરી દીધી છે.
ગૃહવિભાગ દ્વારા બોટાદના પોલીસ અધીક્ષક કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધીક્ષક વીરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.
આ સિવાય બોટાદના ડીવાયએસપી એસ. કે. ત્રિવેદી, ધોળકાના ડીવાયએસપી એન. વી. પટેલ, બરવાળાના પીએસઆઈ ભગીરથસિંહ વાળા અને રાણપુરના પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ મામલાના મુખ્ય આરોપી ગજુબહેન અને પિન્ટુને પોલીસ દ્વારા બરવાળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પોલીસે કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેની સામે કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લઠ્ઠાકાંડ અને રાજકારણ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા સહિતના કૉંગ્રેસના નેતાઓએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
પત્રકારો સાથે વાત કરતી વખતે જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે "રાજ્યાશ્રય હેઠળ બુટલેગરો દારૂનો મુક્તપણે વેપાર કરે છે. આ બુટલેગરો પાસેથી વસૂલવામાં આવતાં નાણાંનો ભાજપ દ્વારા ચૂંટણીફંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને આ ગેરકાયદેસર અડ્ડાઓ પોલીસ અને સ્થાનિક ભાજપના નેતાઓની ભાગીદારીમાં ચલાવવામાં આવે છે."
તો આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'તમામ લોકો જાણે છે કે ગેરકાયદેસર દારૂના વેચાણ દ્વારા એકઠા થયેલા પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે.'
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે 'સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનાવ અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.'
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો