રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરનાર કૉંગ્રેસ નેતાને મહિલાપંચની નોટિસ

રાષ્ટ્રીય મહિલા પંચને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહેવા પર કૉંગ્રેસ નેતા અધીરરંજન ચૌધરીને નોટિસ ફટકારી છે.

રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષ રેખા શર્માએ અધીરરંજન ચૌધરીને નોટિસ પાઠવી તેમને ત્રણ ઑગસ્ટના પંચની સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે.

અધીરરંજન ચૌધરીને ત્રીજી ઑગસ્ટે સવારે સાડા 11 વાગ્યે રજૂ થવાનું કહેવામાં આવ્યું છે. તેમની પાસેથી લેખિતમાં પોતાનો પશ્ર રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

તેની સાથે જ પંચે કૉંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી અધીરરંજન ચૌધરીના આપત્તિજનક નિવેદન સામે કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.

અધીરરંજન ચૌધરીની સ્પષ્ટતા

વિવાદ વધ્યા બાદ અધીરરંજન ચૌધરીએ કહ્યું કે, " જો તેઓ ઇચ્છે તો મને ફાંસી પર લટકાવી દે. હું સજા ભોગવવા માટે તૈયાર છું પરંતુ તેમને આ વિવાદમાં કેસ ખેંચવામાં આવી રહ્યાં છે?"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના કથિત અપમાનના પ્રશ્ન પર તેમણે કહ્યું, " હું રાષ્ટ્રપતિના અપમાન વિશે વિચારી પણ ન શકું. તે બસ એક ભૂલ હતી. જો રાષ્ટ્રપતિજીને ખરાબ લાગ્યું હોય તો હું પોતે તેમને મળીને માફી માગીશ."

બોટાદ લઠ્ઠાકાંડ : ઉચ્ચ પોલીસઅધિકારીઓની બદલી, પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ

બોટાદ લઠ્ઠાકાંડનો આજે ત્રીજો દિવસ છે અને પોલીસની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે ગૃહવિભાગે એકાએક અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરી દીધી છે.

ગૃહવિભાગ દ્વારા બોટાદના પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.

આ સિવાય બોટાદના ડીવાયએસપી એસ. કે. ત્રિવેદી, ધોળકાના ડીવાયએસપી એન. વી. પટેલ, બરવાળાના પીએસઆઈ ભગીરથસિંહ વાળા અને રાણપુરના પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલાના મુખ્ય આરોપી ગજુબહેન અને પિન્ટુને પોલીસ દ્વારા બરવાળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પોલીસે કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેની સામે કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગુજરાત : લઠ્ઠાકાંડના બે દિવસમાં પ્રોહિબિશનના 2200થી વધુ કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ ગુજરાત પોલીસે રાજ્યના વિવિધ જિલ્લામાં બુટલેગરો અને દારૂના અડ્ડા પર દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચૅનલો પર પોલીસની કાર્યવાહીના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાત પોલીસે મંગળવારથી બુધવારે રાત્રિ સુધીમાં પ્રોહિબિશનના 2203 કેસ નોંધ્યા છે.

વડોદરામાં પોલીસે મીડિયા સાથે દેશી દારૂના અડ્ડા અને બુટલેગરોના ઘરે દરોડા પાડ્યા હતા. કેટલાક વીડિયોમાં પોલીસકર્મીઓને દેશી દારૂના બૅરલને લાત મારતા અને ઢોળી દેતા જોઈ શકાય છે. બે દિવસમાં વડોદરા પોલીસે પ્રોહિબિશન ઍક્ટ અંતર્ગત 167 કેસ નોંધ્યા હતા.

અહેવાલ મુજબ, આણંદ જિલ્લાના ધર્મજ શહેરમાં પોલીસ એક કથિત બુટલેગરના ઘરે દરોડો પાડવા પહોંચી હતી. આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ બુટલેગરના ઘરનો દરવાજો ખટખટાવી રહી હતી અને અંદર ગભરાહટના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આણંદ પોલીસે છેલ્લા બે દિવસમાં પ્રોહિબિશન ઍક્ટ અંતર્ગત 108 કેસ નોંધ્યા હતા.

આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ છે કે વલસાડ જિલ્લામાં અતુલ ગામમાં દારૂની મહેફિલમાં વલસાડ પોલીસના એક પીએસઆઈ, ત્રણ કૉન્સ્ટેબલ સહિત 15 લોકો ઝડપાયા હતા.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિદેશક નરસિમ્હા કોમરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બે દિવસમાં રાજ્યમાં વિશેષ ડ્રાઇવ અંતર્ગત પ્રોહિબિશનના 2203 કેસ નોંધ્યા છે અને 1,343 લોકોની અટકાયત કરાઈ છે.

BSNLને સંકટમાંથી બહાર કાઢવા માટે સરકારે શું નિર્ણય લીધો?

કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી ટેલિકૉમ કંપની 'ભારત સંચાર નિગમ લિમિટેડ' એટલે કે બીએસએનએલને સંકટમાંથી બહાર કાઢવા માટે 1,64,156 કરોડ રૂપિયાનું પૅકેજ આપવાની જાહેરાત કરી છે.

આ સિવાય કૅબિનેટ દ્વારા ભારત સંચાર નિગમ લિમિટેડ અને ભારત બ્રૉડબેન્ડ નેટવર્ક લિમિટેડના મર્જરને પણ મંજૂરી અપાઈ છે.

બીએસએનએલને સંકટમાંથી બહાર કાઢવા માટે આ પહેલાં સરકારે વર્ષ 2019માં પણ આર્થિક પૅકેજ જાહેર કર્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય ઇલૅક્ટ્રોનિક્સ અને સૂચનાઅધિકારી અશ્વિની વૈષ્ણવને ટાંકીને આ માહિતી આપી હતી.

મંગળવારથી શરૂ થયેલી 5જી સ્પૅક્ટ્રમની હરાજી અંગે તેમણે કહ્યું હતું કે અંદાજે 1.49 લાખ કરોડ રૂપિયાની બોલી મળી છે.

બ્રાઝિલિયન ઑઇલ બ્લૉકમાં 1.6 અબજ ડૉલરનું રોકાણ કરશે ભારત

બુધવારે ભારત સરકારની જાહેર ક્ષેત્રની કંપની 'ભારતીય પૅટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ' (બીપીસીએલ)ની સહાયક કંપની ભારત પૅટ્રો રિસોર્સિસ લિમિટેડ (બીપીઆરએલ)એ બ્રાઝિલના એક ઑઇલ બ્લૉકમાં 1.6 અબજ ડૉલરના રોકાણની મંજૂરી મળી છે.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. જે અંગે વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

જયશંકરે જણાવ્યું કે તેનાંથી ભારતની ઊર્જાસુરક્ષા વધવાની સાથેસાથે બ્રાઝિલ સાથે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત થશે.

આ ઑઇલ બ્લૉકમાં અત્યાર સુધી ઘણી વખત ઑઇલની શોધ થઈ ચૂકી છે. જ્યારે બીએમ-સીલ-11 નામની આ પરિયોજના દ્વારા 2026-27થી ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

બીપીઆરએલ પાસે આ બ્લૉકમાં 40 ટકા અને બ્રાઝિલની રાષ્ટ્રીય ઑઇલ કંપની 'પૅટ્રોબ્રાસ' પાસે 60 ટકા ભાગીદારી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો