બોટાદ લઠ્ઠાકાંડ : 'દારૂથી મારા પતિ મર્યા અને પોલીસ કહે છે કે દારૂ વેચાતો જ નથી', મૃતકના પરિવારજનોનો પ્રશ્ન

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, બોટાદથી
  • પોલીસ સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે સારવાર હેઠળ 88 અસરગ્રસ્ત પૈકી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે
  • ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં છ લોકો વૅન્ટિલેટર પર છે
  • નજર સમક્ષ પરિજનના મૃત્યુનું આ વર્ણન જેમણે નકલી દારૂ પીધો હતો તે તમામ ઘરની કહાની હતી
  • પોલીસ સમક્ષ કૂલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆર પૈકી 8 લોકોની ધરપકડ કરી છે
  • ગુજરાત પોલીસે હવે દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા પર તવાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે

એક તરફ છાતી કૂટતી, રોકકળ કરતી મહિલાઓ, બીજી તરફ પોલીસ વાનની તમામ હિલચાલ જોઈ રહેલા લોકોનો સમુહ અને ગામમાં કદી જોવા નહીં મળેલી મીડિયાકર્મીઓની ટીમ.

બોટાદના રોજિદ ગામવાસીઓ લઠ્ઠાકાંડને કારણે 30-35 વર્ષના 11 યુવાનોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા હતા.

મૃતદેહોને ખુલ્લા ટ્રેક્ટરમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્મશાનગૃહમાં તેમના કતારમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામના લોકો માટે આ અસામાન્ય દૃશ્ય હતું.

ત્યાં વિલાપ કરતી અને ગુસ્સે ભરાયેલી મહિલાઓનો સમુહ હતો, જેઓ સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ પર દેશી દારૂના ગેરકાયદેસર વેપારને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવી રહ્યો હતો.

રોજિદ આ લઠ્ઠાકાંડનું સૌથી વધુ અસરગ્રસ્ત ગામો પૈકીનું એક છે. લઠ્ઠાકાંડથી જિલ્લાનાં અન્ય ગામોમાં પણ મૃત્યુ નોંધાયાં હતાં. અમદાવાદ જિલ્લાના બોટાદ સરહદે આવેલાં ગામોમાં ઓછાંમાં ઓછાં 8 મૃત્યુ નોંધાયાં છે.

વશરામ વાઘેલા 30 વર્ષના સફાઈ કર્મચારી હતા, જે રવિવારે સાંજે કથિત નકલી દારૂ પીને બીમાર પડ્યા હતા. વાઘેલાના પરિવારમાં તેમનાં પત્ની સોનલ અને ત્રણ બાળકો છે.

સૌથી મોટો પુત્ર 11 વર્ષનો છે. બીબીસી સાથે વાત કરતી વખતે તેમનાં પત્ની સોનલ વાઘેલાએ જણાવ્યું કે તે રોજના માત્ર 150 થી 200 રૂપિયા કમાય છે અને હવે તેમના માટે તેમનાં ત્રણ બાળકોનું ભરણપોષણ કરવું અશક્ય થઈ પડ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ નાના ગામમાં રોજ કામ મળતું પણ નથી.

વશરામ વાઘેલાનાં બહેન કમુબહેન ભારે ગુસ્સામાં હતાં અને ગામમાં દારૂના ગેરકાયદે વેચાણને અટકાવી ન શકવા બદલ સ્થાનિક પોલીસને દોષી ઠેરવતાં હતાં.

કમુબહેને કહ્યું કે તેમના ભાઈ ગંદકી સાફ કરવાનું, ગટર સાફ કરવાનું કામ કરતા હતા અને એ બદબૂ સહન કરી શકાય એ માટે તેમને નશો કરવો પડતો હતો, જો તે આમ ન કરે તો તે કામ કેવી રીતે કરે અને તેના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરે?

કમુબહેને તેમનાં ભાભી સોનલ માટે નોકરીની માંગણી કરી, તેમની પાસે બાળકોને ઉછેરવાનો કોઈ વિકલ્પ નથી.

કમુબહેન કહે છે, "સરકારે આ અપરાધની જવાબદારી લેવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે પીડિત પરિવારોને વળતર આપવામાં આવે અને નોકરીઓ આપવામાં આવે જેથી તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે."

વશરામ વાઘેલાના ઘરથી થોડે દૂર કથિત નકલી દારૂ પીવાથી વધુ એક મૃત્યુ નોંધાયું હતું. દીપક વાઘેલાના પરિવારમાં તેમનાં પત્ની અને બે પુત્રી છે. બીબીસી સાથે વાત કરતાં તેમના પત્ની મનીષાએ કહે છે કે તેમને ખબર નથી કે હવે તેમનું અને તેમની દીકરીઓનું શું થશે.

નજર સમક્ષ તરફડીને મૃત્યુ પામેલા પતિનું વર્ણન કરતાં તેઓ જણાવે છે, "દીપક નજીકના દારૂના અડ્ડામાંથી 20 રૂપિયાનો દારૂ પીને રવિવારે મોડી સાંજે નોકરી પરથી પાછા ફર્યા હતા. તેમણે રાત્રે તબિયત સારી ન હોવાની ફરિયાદ કરી, પરંતુ અમે તેને હૉસ્પિટલ લઈ જઈ શક્યા નહીં, બીજા દિવસે અમે બધાં ખેતરમાં કામ કરવાં ગયાં અને તેમની તબિયત બગડી, તેમને ઊલટી થવા લાગી અને આંખોની રોશની ગુમાવવાની ફરિયાદ કરી. અમે તેમને હૉસ્પિટલ લઈ ગયા અને થોડા કલાકોમાં તે મૃત્યુ પામ્યા."

નજર સમક્ષ પરિવારજનોના મૃત્યુનું આવું વર્ણન જેમણે નકલી દારૂ પીધો હતો તે તમામ ઘરની કહાની હતી. ઍમ્બ્યુલન્સ આવાં ઘરોમાં ચક્કર લગાવી રહી હતી અને હૉસ્પિટલના કર્મચારીઓએ ખડેપગે રહેવું પડ્યું હતું.

બરવાળા પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાંથી મોટા ભાગના દર્દીઓને ભાવનગર સિવિલ હૉસ્પિટલ અથવા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પોલીસ શું કહે છે?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે 88 લોકો હજુ પણ ભાવનગર અને અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે.

ભાવનગરના રેન્જ આઈજી અશોક યાદવે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં છ લોકો વૅન્ટિલેટર પર છે. પોલીસ સમક્ષ કૂલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆર પૈકી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે."

આ દરમિયાન ગુજરાત પોલીસે હવે દારૂબંધી ધરાવતા રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર તવાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.

બીબીસીએ બોટાદ એસપી કરણરાજ વાઘેલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા.

અમદાવાદ જિલ્લાના રેન્જ આઈજી વી ચંદ્રશેખરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં નકલી દારૂના સેવનથી ઓછાંમાં ઓછાં 8 મૃત્યુ નોંધાયાં છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયાએ મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 'અમદાવાદના નારોલ ઔદ્યોગિક વિસ્તારની ફેકટરીમાંથી મિથેનૉલની દાણચોરી કરવામાં આવી હતી.'

રાજ્યના ગૃહવિભાગે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી અને રાજ્ય મૉનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય સાથેની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી હતી.

સુભાષ ત્રિવેદીએ મીડિયાકર્મીઓને કહ્યું હતું કે, ટીમ આ કેસમાં તમામ પાસાંની તપાસ કરશે.

હપ્તારાજ અને રાજનીતિ

બીબીસીએ રોજિદ ગામના સરપંચ જીગર ડુંગરાણી સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, "અમે દારૂના ગેરકાયદે વેપાર અંગે માર્ચ મહિનામાં બરવાળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી."

"જ્યારે મેં એક 15 વર્ષના છોકરાને અડ્ડામાંથી દારૂ પીને બહાર આવતા જોયો, ત્યારે મેં પોલીસનો સંપર્ક કર્યો. જોકે, મને ખબર ન હતી કે આ દારૂની બનાવટમા મિથેનૉલનો ઉપયોગ થાય છે. જો પોલીસે મારી અરજી પર સમયસર કાર્યવાહી કરી હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત."

સરપંચે દાવો કર્યો હતો કે સ્થાનિક પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા મેળવીને દારૂના ગેરકાયદેસર વેપારને મંજૂરી આપી રહી છે.

બીબીસી સાથે વાત કરતાં બોટાદ મતવિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે, તેમણે તાલુકા કક્ષાની સંકલન બેઠકમાં દારૂના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

લઠ્ઠાકાંડ મામલે વધુ વિગતો મેળવવા માટે બીબીસીએ ભાજપના સ્થાનિક વરિષ્ઠ નેતા અને બોટાદના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરનો પણ સંપર્ક કર્યો હતો.

તેમણે કહ્યું, "પોલીસ ગુનેગારોને પકડવા માટે અથાક મહેનત કરી રહી છે. મારા કાર્યકાળ દરમિયાન આ વિસ્તારમાં દારૂના કોઈ અડ્ડા નહોતા ચાલતા. આ બધું કૉંગ્રેસના ધારાસભ્યે ચાર્જ સંભાળ્યા પછી શરૂ થયું છે."

અડ્ડાના પૈસા ચૂંટણીમાં વપરાય છે?

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા સહિતના કૉંગ્રેસના નેતાઓએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

પત્રકારો સાથે વાત કરતી વખતે જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે રાજ્યાશ્રય હેઠળ બુટલેગરો દારૂનો મુક્તપણે વેપાર કરે છે. આ બુટલેગરો પાસેથી વસૂલવામાં આવતાં નાણાંનો ભાજપ દ્વારા ચૂંટણીફંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને આ ગેરકાયદેસર અડ્ડાઓ પોલીસ અને સ્થાનિક ભાજપના નેતાઓની ભાગીદારીમાં ચલાવવામાં આવે છે.

તો આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'તમામ લોકો જાણે છે કે ગેરકાયદેસર દારૂના વેચાણ દ્વારા એકઠા થયેલા પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે.'

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે 'સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનાવ અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો