નસવાડીમાં સ્કૂલનાં બાળકોના નામે જૉબ-કાર્ડ બનાવીને મનરેગાનું કથિત કૌભાંડ શું છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુદરકા ગામના મનરેગા યોજનામાં ખેતરની જમીન સમથળનું કામ ચાલતું હતું, જોકે આ કામ માત્ર કાગળ પર દેખાડ્યું હોવાની વાત સામે આવી છે.
  • આ સમગ્ર પ્રકરણમાં રોજગાર સેવક સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે ગામના સરપંચ અને તલાટીને ફરજ બેદરકારી બદલ નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે.
  • પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રાથમિક રિપોર્ટમાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસમાં 4 બાળકો જોબ-કાર્ડ બનાવ્યાં હોવાની હકીકત બહાર આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં મનરેગા યોજનામાં કથિત ભ્રષ્ટાચારના આરોપ બાદ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ અનુસાર કુકરદા ગામનાં 12થી 14 વર્ષની ઉંમરનાં અને સ્કૂલમાં ભણતાં બાળકોને મજૂર દર્શાવીને મનરેગા યોજનાનાં જૉબ-કાર્ડ બનાવ્યાં હતાં, પછી કાગળ પર કામ દેખાડી લાખોની ઉચાપતનો ગામલોકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે.

છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોની ફરિયાદ બાદ તપાસ કરી તો આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં રોજગાર સેવક સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે ગામના સરપંચ અને તલાટીને ફરજ બેદરકારી બદલ નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે.

તેમને આગામી તારીખ 25 જુલાઈ સુધીની સમયમર્યાદામાં ખુલાસો આપવા માટે કહેવાયું છે.

રોજગાર સેવક પર આરોપ છે કે તેમણે ગામના એક ખેડૂતની જમીન સમથળ કરી ઉપજાઉ બને તે માટેના કામમાં સ્કૂલના વિદ્યાર્થીઓને બેરોજગાર દર્શાવી તેમના નામે કામ પૂર્ણ હોવાનું દેખાડ્યું હતું.

કેવી રીતે થયું કૌભાંડ?

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુદરકા ગામના સરવે નંબર 168માં મનરેગા યોજનામાં ખેતરની જમીન સમથળ કરવાનું કામ ચાલતું હતું, જોકે આ કામ માત્ર કાગળ પર દેખાડ્યું હોવાની વાત સામે આવી છે.

જાણવા મળેલી વિગત અનુસાર, માત્ર કાગળ પર કામ થઈ ગયેલું દર્શાવીને આ કામનો એક લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.

આ ઉપરાતં આ ગામના પ્રાથમિક શાળાનાં બાળકોના નામનાં જૉબ-કાર્ડ બનાવીને તેમની ઑનલાઇન હાજરીમાં દર્શાવવામાં આવી હતી. જે અંગે ગ્રામજનોએ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીને આ મુદ્દે ફરિયાદ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના DDO ગંગાસિંઘે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "નસવાડી જિલ્લાના કુદરકાના ગામલોકો દ્વારા મનરેગા કામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અંગે તપાસ કરવા માટે અમે તપાસ કમિટી બનાવી હતી."

"આ તપાસ કમિટીના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, 18 વર્ષથી નાની ઉંમરનાં અને શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું મનરેગા જૉબ-કાર્ડ બનાવ્યું હતું."

તેઓ વધુમાં કહે છે, "બાળકોને કામની જરૂર હોવાની માગ મૂકી હતી, પછી કાગળ ઉપર વર્ક દેખાડી ચુકવણું કરાયું હતું, જેથી ગેરરીતિ બદલ અમે ગ્રામ રોજગાર સેવકને સસ્પેન્ડ કર્યા છે. તેમજ જૉબ-કાર્ડ વેરિફાઇડ કરવાની જવાબદારી ગામના સરપંચ અને તલાટીની હોય છે, આથી અમે સરપંચ અને તલાટીને પણ પદ પરથી કેમ દૂર ન કરવા જોઈએ તે અંગેની નોટિસ આપી છે."

બીબીસી ગુજરાતીએ આ અંગે ગામનાં સરપંચ સાથે સંપર્ક કર્યો હતો પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમની પાસેથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.

મનરેગા યોજના શું છે?

ભારત સરકારે વર્ષ 2006માં 'મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પલૉયમૅન્ટ ઍક્ટ' રચી દરેક વ્યક્તિને 100 દિવસની રોજગારી અને દૈનિક રોજગારીપેટે 200 રૂપિયા મળે તેવો કાયદો પસાર કર્યો હતો.

આ કાયદાનું અમલીકરણ ગ્રામપંચાયત મારફતે અને તાલુકા વિકાસ અધિકારી મારફતે થતું હોય છે.

દેશના ગ્રામ્ય વિસ્તારમાં આ યોજનાનો અમલ થાય છે.

આ યોજનાનો ફાયદો લેવા માટે લાભાર્થીએ એક અરજી કરવાની હોય છે. અરજીના આધારે જૉબ-કાર્ડ ઉપલબ્ધ કરાવાય છે. વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારી તેમજ ચૂકવાયેલા પૈસા વગેરેનો હિસાબ આ કાર્ડ મારફતે કરવામાં આવે છે.

પૈસાની તમામ લેવડ-દેવડ યોજનાના લાભાર્થીનાં બૅન્કખાતાં મારફતે કરવાની હોય છે.

સ્કૂલનાં બાળકોનાં જૉબ-કાર્ડ બનાવ્યાં

ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસના પ્રાથમિક રિપોર્ટમાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ રોજગાર સેવક લાલજીભાઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

તેમજ સરપંચ ગુનાબહેન અંબાલાલ તેમજ તલાટી-કમ-મંત્રી અનિલ દેસાઈને નોટિસ ફટકારવામાં આવી છે.

ગંગાસિંઘે વધુમાં જણાવ્યું હતું કે "ખેડૂતની જમીન ઉપજાઉ બને તે માટે જમીન સમથળ કરવાનું કામ હતું. હાલ તપાસમાં ચાર બાળકોનાં જૉબ-કાર્ડ બનાવ્યાં હોવાની હકીકત બહાર આવી છે."

ગંગાસિંઘે કહ્યું કે, "બાળકો શાળામાં અભ્યાસ કરે છે અને તેઓ શાળામાં જતાં હતાં. આ સમગ્ર પ્રકરણમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે."

આ સમગ્ર પ્રકરણ સ્થાનિક ગ્રામજનોની જાગૃતિને કારણે પ્રકાશમાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વિના ચુકવણું થયું અને લાભાર્થી તરીકે બાળકોને દર્શાવ્યાં હોવાની વિગતો સાથેની ફરિયાદ કરાઈ હતી.

તો અગાઉ ગુજરાતના બનાસકાંઠાના બાલુન્દ્રા ગામમાં મનરેગામાં કૌભાંડના અહેવાલ પણ છપાયા હતા. 2600 લોકોની વસતી ધરાવતા આ ગામમાં 827 ખોટાં જૉબ-કાર્ડ કાઢવાનો આ મામલો હતો. જેમાં ખોટાં બૅન્કખાતાં ખોલાવીને તે ખાતાઓમાં મનરેગાના પૈસા જમા કરાવી એટીએમ મારફતે કથિત રીતે ઉપાડી લેવાયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો