You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોટાદમાં કથિતપણે દેશી દારૂ પીવાથી 18 લોકોનાં મૃત્યુ, કેટલાય હૉસ્પિટલમાં દાખલ
બોટાદ જિલ્લામાં કથિતપણે દેશી દારૂ પીવાના કારણે કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યાનુસાર આ ઘટનામાં મંગળવારે સવાર સુધીમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે.
જે પૈકી ધંધુકામાં નવ અને બરવાળામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત સામે આવી છે. જ્યારે 40થી વધુ અસરગ્રસ્તોને સારવાર માટે ભાવનગર, બોટાદ તેમજ અમદાવાદ મોકલવામાં આવ્યા છે.
જ્યારે સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે પોલીસે અત્યાર સુધી આ ઘટનામાં સાતનાં મૃત્યુ થયાં હોવાની વાત કહી છે.
આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી દારૂ બનાવનાર, વેચનાર સહિત કુલ પાંચ વ્યક્તિની અત્યાર સુધી ધરપકડ કરી છે.
અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અલગઅલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. તેમજ જે વિસ્તારમાં ઘટના બની ત્યાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને જેમણે આ કામ કર્યું છે એમને પણ પકડવા માટે ટીમો બનાવી છે.
બોટાદના બરવાળાના રોજિદ ગામે કથિતપણે ઝેરી દારૂ પી જવાથી દસથી વધુ લોકોની તબિયત બગડી હતી, આ આંકડો વધુ પણ હોઈ શકે છે.
રોજિદ ગામના સરપંચે દાવો કર્યો હતો કે દેશી દારૂના અડ્ડા અંગે પોલીસને જાણ કરી હતી, જાણ કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી નહોતી.
તો મૃતકોએ રોજિદ ગામમાં દારૂ પીધો હતો એવું પરિજનોનું કહેવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક દર્દીઓને સારવાર માટે ભાવનગર અને કેટલાકને બોટાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સમગ્ર ઘટનાને પગલે બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો પણ તપાસમાં લાગ્યો છે.
તો કથિત લઠ્ઠાકાંડ મામલે SITની રચના થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઘટનામાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ગામના દર્દીઓને ભાવનગર લાવવામાં આવ્યા છે.
રોજિદ ગામના કુલ નવ લોકોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
સચીન પીઠવા અનુસાર 108 મારફતે તમામને ભાવનગર સર.ટી. હૉસ્પિટલમાં ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર લોકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત અને દારૂબંધી
ગુજરાતમાં દારૂબંધી છે પણ ઘણી વાર દારૂ મળ્યાના કે દારૂ પીવાતો હોવાના આરોપ લાગતા રહે છે.
ગુજરાતમાં લિકર કન્ઝમ્પશન (દારૂના સેવનનું પ્રમાણ)ની વાત કરીએ તો ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે આર.ટી.આઈ. (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ની એક અરજીના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં 2011-12થી 2017-18 દરમિયાન કુલ 3.85 લાખ લિટર દારૂ વેચાયો હતો, જેમાંથી 3.65 લાખ લિટર દારૂ પરવાનાધારકોને વેચવામાં આવ્યો હતો.
આ પરવાનાધારકોમાંથી માત્ર 52,000 પરમિટધારકો ગુજરાતી છે, જ્યારે 3.13 લાખ પરવાનગીઓ ગુજરાતથી બહાર આવેલા પ્રવાસીઓ તેમજ બિઝનેસ ડેલિગેટ્સને આપવામાં આવી હતી.
જોકે, બીજી તરફ ગુજરાતમાં કેમિકલયુક્ત શરાબના લીધે પણ ગંભીર ઘટનાઓ બની ચૂકી છે.
વર્ષ 2009 દરમિયાન અમદાવાદમાં ઘટેલી લઠ્ઠાકાંડની ઘટનામાં 136 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતની વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2012થી 2014 દરમિયાન ગેરકાયદે દારૂએ રાજ્યમાં 177 લોકોનો ભોગ લીધો હતો.
દારૂબંધી અંગે "બિઝનેસ સ્ટાન્ડર્ડ' એક લેખમાં સાહિલ પારેખ લખે છે, "દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં સરળતાથી દારૂ મળી રહે છે. પડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવે છે અને પરિવહન, જકાત, પોલીસ અને સરકારી અધિકારીઓનાં ખિસ્સાં ભ્રષ્ટાચારથી ભરી દેવામાં આવે છે. વર્ષ 1999થી 2009 દરમિયાન ગુજરાતમાં દારૂના લગભગ 80 હજાર કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર નવ ટકામાં જ સજા કરી શકાઈ હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો