કોરોના વાઇરસની રસીનો બૂસ્ટર ડોઝ 15મી જુલાઈથી 75 દિવસ સુધી મફતમાં મળશે - પ્રેસ રિવ્યૂ

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 15 જુલાઈથી આગામી 75 દિવસ સુધી મફતમાં કોરોના વાઇરસની રસીનો બૂસ્ટર ડોઝ મળશે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે જાહેરાત કરી હતી કે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીના અમૃતકાળના પ્રસંગે નક્કી કરવામાં આવ્યું છે કે 15 જુલાઈ, 2022થી આવતા 75 દિવસ સુધી 18 વર્ષથી ઉપરના નાગરિકોને તમામ સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોના વાઇરસની રસી અપાશે.

મહેસાણા જેવી જ ફેક IPL યુપીમાં પણ રમાઈ, સટ્ટો રશિયા અને પાકિસ્તાનમાં ખેલાયો?

ગુજરાતમાં નકલી આઈપીએલ ટૂર્નામેન્ટનું આયોજન કરનારાઓ પકડાયા બાદ ઉત્તર પ્રદેશમાં પણ આવી જ એક ટૂર્નામેન્ટનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

'બિગ બૉસ ટી-20 પંજાબ લીગ' નામથી ચાલી રહેલી આ નકલી ક્રિકેટ ટૂર્નામેન્ટ મેરઠમાં વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડો પર યોજાઈ રહી હતી.

આયોજકો 'ક્રિક હીરોઝ' નામની ઍપ્લિકેશનની મદદથી મૅચમાં સટ્ટો લગાવવા માટે લોકોને આમંત્રિત કરતા હતા.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતની જેમ આ ગ્રૂપનો માસ્ટરમાઇન્ડ પણ રશિયાની રાજધાની મૉસ્કોથી ઑપરેટ કરતો હતો.

આ કૌભાંડમાં સામેલ બંને આરોપી શિતાબઅલી શબ્બૂ અને ઋષભની પોલીસે મેરઠ બાયપાસ રોડ પરથી ધરપકડ કરી છે.

હાપુડના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દીપક ભુકેરે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, "છેલ્લા પાંચેક મહિનાથી આ પ્રકારની મૅચો મેરઠમાં યોજાતી હતી. તેનો મુખ્ય સૂત્રધાર અશોક ચૌધરી ઋષભને 40થી 50 હજાર રૂપિયા પ્રતિ મૅચ આપતો હતો. પકડાયેલા બંનેના ફોન તપાસતાં રશિયા અને પાકિસ્તાનના એક-એક ફોન નંબર મળી આવ્યા છે."

તેમણે આગળ કહ્યું, "તેઓ આગામી દિવસોમાં આ રીતે સટ્ટો રમાડવા માટે વૉલીબૉલ ટૂર્નામેન્ટ પણ યોજવાના હતા. તેમના ફોનમાંથી વીડિયો પણ મળી આવ્યા છે."

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ પાસેથી રોકડા 15150 રૂપિયા, 7800 શ્રીલંકન રૂપિયા, છ મોબાઇલ ફોન, બે ડૅબિટ કાર્ડ, બે કૅમેરા, એક એલસીડી મૉનિટર અને અન્ય કેટલાંક ગૅજેટ્સ મળી આવ્યાં છે.

ઉત્તર પ્રદેશમાંથી પકડાયેલા આ નકલી આઈપીએલ કૌભાંડમાં આરોપીઓની મોડસ ઑપરેન્ડી એકદમ ગુજરાતમાંથી પકડાયેલ કૌભાંડ જેવી જ હતી.

જેના પરથી બંને ઘટનાઓમાં મુખ્ય સૂત્રધાર એક જ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત, શિવસેના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને આપશે સમર્થન

શિવસેના પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાભવનમાં યોજાયેલી પત્રકારપરિષદમાં જાહેરાત કરી કે શિવસેના ભારતના રાષ્ટ્રપતિપદ માટે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપશે.

ઉદ્ધવ ઠાકરેએ એવા અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા કે શિવસેનાના સાંસદો રાષ્ટ્રપતિપદ માટે દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવા તેમના પર દબાણ કરી રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "આજે હું મારા તરફથી બોલી રહ્યો છું, કારણ કે કેટલાક સમાચાર લોકો સામે વિચિત્ર રીતે આવ્યા છે. હું સ્પષ્ટ કહીશ કે ગઈકાલે સાંસદોની બેઠકમાં કોઈ દબાણ નહોતું. નિર્ણય અમારો છે."

તેમણે કહ્યું, "છેલ્લા ચાર-પાંચ દિવસથી શિવસૈનિકો, ખાસ કરીને આદિવાસી સમાજમાં કામ કરતા લોકોએ વિનંતી કરી હતી કે જો કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ બનવાની તક મળે અને તમે તેમને ટેકો આપો તો આનંદ થશે."

કૉન્ટ્રેક્ટરદ કરવા બદલ ટ્વિટરે ઍલન મસ્ક પર કર્યો કેસ

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર ઍલન મસ્કની કંપની સાથે 44 અબજ ડૉલરનો કરાર પૂરો કરાવવા માટે કોર્ટના શરણે ગયું છે.

ટ્વિટરે અમેરિકાની ડૅલવેયર કોર્ટ સમક્ષ માગ મૂકી છે કે ઍલન મસ્કને શૅરદીઠ 54.20 ડૉલર પ્રમાણે સમજૂતી પૂરી કરવા આદેશ આપે.

ટ્વિટરે કાયદાકીય કાર્યવાહીનો નિર્ણય ત્યારે લીધો જ્યારે શુક્રવારે ઍલન મસ્કે જાહેરાત કરી કે તેઓ ટ્વિટર ખરીદી રહ્યા નથી.

તેમણે આરોપ લગાવ્યો કે કરાર સાથે જોડાયેલી શરતોને ઘણી વખત તોડવામાં આવી છે, જેના લીધે તેઓ પાછા હઠી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે ટ્વિટરે બોગસ એકાઉન્ટોની સંખ્યા વિશે જાણકારી આપી નથી.

ઍલન મસ્કે ટ્વિટર ખરીદવા માટે એપ્રિલમાં કરાર પર સહી કરી હતી. આ કરાર 44 અબજ ડૉલરમાં થયો હતો પરંતુ બીજા જ મહિને તેમણે કહ્યું હતું કે આ કરાર હાલ અસ્થાયી રીતે 'હૉલ્ડ' પર રાખવામાં આવ્યો છે કારણ કે તેઓ ટ્વિટરના ફેક અને સ્પૅમ એકાઉન્ટોની સંખ્યા સંબંધિત આંકડાની રાહ જોઈ રહ્યા છે.

ટ્વિટર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મસ્ક પર કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે મસ્ક એ માટે કરારમાંથી પાછા હઠી રહ્યા છે કારણ કે તેઓ હવે તેમનાં વ્યક્તિગત હિતોને પૂરા કરી કરી શકે એમ નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો