ગુજરાતીઓની આસ્થાનું કેન્દ્ર એવી અમરનાથ યાત્રામાં આ વખતે નવું શું છે?

ઇમેજ સ્રોત, BILAL BAHADUR
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી હિન્દી માટે, જમ્મુ અને કાશ્મીરથી
બે વર્ષના અવકાશ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે. આ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. આ યાત્રામાં સામેલ થવા માટે ભારતના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ કાશ્મીર ઘાટીમાં પહોંચી રહ્યા છે.
અમરનાથ ગુફા જતા શ્રદ્ધાળુઓ કાશ્મીર ખીણમાં બે બેઝ કૅમ્પમાં રોકાણ કરી રહ્યા છે અને આ બેઝ કૅમ્પમાંથી અમરનાથ ગુફાનાં દર્શન માટે દરરોજ યાત્રિકોના જથ્થો છોડવામાં આવે છે.
અમરનાથ જતા યાત્રિકો માટે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ટ્રાન્ઝિટ કૅમ્પ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં મોડી રાત્રે આવતા યાત્રિકો રોકાય છે અને બીજા દિવસે સવારે તેમને બેઝ કૅમ્પમાં જવા દેવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીર પ્રશાસનનું કહેવું છે કે અમરનાથ યાત્રા માટે દરેક સ્તરે વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી છે.

અંડરગ્રાઉન્ડ પાવર કેબલ સેવા

ઇમેજ સ્રોત, BILAL BAHADUR
વહીવટીતંત્રનું કહેવું છે કે પાછલાં વર્ષોની સરખામણીમાં આ વર્ષે મુસાફરોને કેટલીક નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
કાશ્મીર ઝોનના વિભાગીય કમિશનર પાંડુરંગ કે. પોલે કહ્યું કે મે મહિનાથી યાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે અને આ વખતે પણ એ જ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ વખતે કેટલીક તૈયારીઓ અલગથી કરવામાં આવી છે, જેમ કે જિયો નેટવર્ક અને એરટેલ નેટવર્ક ગુફાની બંને બાજુથી એટલે કે નુનવન અને બાલતાલ બેઝ કૅમ્પથી શરૂ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે આ વખતે બાલતાલથી ગુફા સુધી અંડરગ્રાઉન્ડ પાવર કેબલ સેવા પણ શરૂ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અંડરગ્રાઉન્ડ પાવર સર્વિસને કારણે યાત્રિકો અને યાત્રા સાથે જોડાયેલા લોકોની અગવડતાઓમાં ઘટાડો થશે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. કૅમ્પમાં યાત્રિકોની રહેવાની સગવડમાં લગભગ 30થી 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે."
"ત્રીજી વાત એ છે કે આ વખતે વહીવટીતંત્રે અમરનાથ યાત્રા પર આવતા દરેક શ્રદ્ધાળુ, લંગર, ઘોડેસવારને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (આરઆઈડીએફ) ટેગ આપ્યો છે. આરઆઈડીએફને આ વખતે યાત્રિકો માટે ફરજિયાત કરવામાં આવ્યો છે, જેથી સમયાંતરે યાત્રીઓ અને અન્ય લોકોને ટ્રેક અને મૉનિટર કરી શકાય."
કમિશનરે એમ પણ કહ્યું કે આ બધાને કારણે યાત્રાની તૈયારી કોઈ પડકારથી કમ નથી.

કડક સુરક્ષા વ્યવસ્થા

ઇમેજ સ્રોત, BILAL BAHADUR
આ વખતે અમરનાથ યાત્રાને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે લખનપુરથી અમરનાથ ગુફા સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વખતે પાંચ તબક્કામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વિવિધ સ્થળોએ સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે.
યાત્રાના સુરક્ષિત સંચાલન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં શાર્પશૂટર્સ, ડ્રોન અને સીસીટીવીની સર્વેલન્સ ટેકનોલૉજીનો સમાવેશ થાય છે.
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિદેશક વિજયકુમારે મંગળવારે અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
જમ્મુ-કાશ્મિર પોલીસે ટ્વીટ કર્યું હતું, "પોલીસ મહાનિદેશક અને અનંતનાગના એસએસપીએ પવિત્ર ગુફા અને યાત્રા કૅમ્પ અને પંજતીર્થની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે સીઆરપીએફ, આઈટીબીપી, જે ઍન્ડ કે પોલીસ, એનડીઆરએફ અને નાગરિક પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં પોલીસ મહાનિદેશકે વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું. તેમણે બહેતર સંકલન પર ભાર મૂક્યો અને યાત્રાને સુચારુ પાર પાડવા નિર્દેશ આપ્યા હતા."
43 દિવસ ચાલતી અમરનાથ યાત્રા 30 જૂને ગાંદેરબલ જિલ્લાના બાલતાલ અને અનંતનાગ જિલ્લાના પહેલગામના રસ્તેથી શરૂ થઈ છે.
દક્ષિણ કાશ્મીરના પહલગામના પરંપરાગત માર્ગ દ્વારા તીર્થયાત્રીઓએ નુનવાન બેઝ કૅમ્પથી અમરનાથ ગુફા સુધીનું 48 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે. જ્યારે મધ્ય કાશ્મીરના બાલતાલથી 14 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે.
અહેવાલો અનુસાર, સુરક્ષાદળોની 300 કંપનીઓને તાજેતરમાં જ કાશ્મીર લાવવામાં આવી છે જેથી અમરનાથ ગુફામાં જનારા શ્રદ્ધાળુઓને વધુ સારી સુરક્ષા મળી શકે.

સંક્ષિપ્તમાં: બે વર્ષ બાદ શરૂ થયેલી અમરનાથ યાત્રામાં શું નવી વ્યવસ્થાઓ છે?

- આ વખતે બાલતાલથી ગુફા સુધી અંડરગ્રાઉન્ડ પાવર કેબલ સેવા પણ શરૂ કરવામાં આવી છે.
- કૅમ્પમાં યાત્રિકોની રહેવાની સગવડમાં લગભગ 30થી 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
- દરેક શ્રદ્ધાળુ, લંગર, ઘોડેસવારને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (આરઆઈડીએફ) ટેગ આપ્યો છે.
- આરઆઈડીએફને આ વખતે યાત્રિકો માટે ફરજિયાત કરવામાં આવ્યો છે, જેથી સમયાંતરે યાત્રીઓ અને અન્ય લોકોને ટ્રેક અને મોનિટર કરી શકાય."
- 43 દિવસ ચાલતી અમરનાથ યાત્રા 30 જૂને ગાંદેરબલ જિલ્લાના બાલતાલ અને અનંતનાગ જિલ્લાના પહેલગામના રસ્તેથી શરૂ થઈ છે.
- દક્ષિણ કાશ્મીરના પહલગામના પરંપરાગત માર્ગ દ્વારા, તીર્થયાત્રીઓએ નુનવાન બેઝ કૅમ્પથી અમરનાથ ગુફા સુધીનું 48 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે.
- જ્યારે મધ્ય કાશ્મીરના બાલતાલથી 14 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે.
- પહેલગામ અને બાલતાલ રૂટ પર મુસાફરો માટે 70 તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પહલગામના ચંદનવાડીમાં તીર્થયાત્રીઓ માટે છ બેઝ હૉસ્પિટલ બનાવવામાં આવી છે.
- ટૉઇલેટ અને ન્હાવાની સુવિધામાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગની તૈયારીઓ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
જમ્મુ-કાશ્મીરના આરોગ્ય વિભાગે કાશ્મીરમાં જવાહર ટનલથી અમરનાથ ગુફા સુધી તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરી છે.
કાશ્મીર ઝોનના સ્વાસ્થ્ય વિભાગના ડિરેક્ટર મુશ્તાક રાથેરે બીબીસીને જણાવ્યું હતું કે પહેલગામ અને બાલતાલ રૂટ પર મુસાફરો માટે 70 તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે પહલગામના ચંદનવાડીમાં તીર્થયાત્રીઓ માટે છ બેઝ હૉસ્પિટલ બનાવવામાં આવી છે. ડૉક્ટર મુશ્તાકે કહ્યું કે ગુફા તરફ જતા રસ્તાઓ પર 26 ઓક્સિજન બૂથ બનાવવામાં આવ્યા છે.
તેમણે દાવો કર્યો છે કે પાછલાં વર્ષોની સરખામણીમાં આ વર્ષે આરોગ્ય વિભાગની તૈયારીઓ ત્રણ ગણી વધારે છે.

બે વર્ષથી અમરનાથ યાત્રા બંધ હતી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
વર્ષ 2020-21માં કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. બે વર્ષથી યાત્રાનું આયોજન ન થવાના કારણે આ વખતે યાત્રાળુની સંખ્યા પહેલા કરતા ઘણી વધારે છે.
આ વખતે અમરનાથ યાત્રાને મીડિયા દ્વારા કવર કરવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજભવને કોઈ પણ મીડિયા હાઉસને અમરનાથ ગુફામાં જવાની મંજૂરી આપી નથી.
લૅફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના મીડિયા સલાહકાર નીતેશ્વર કુમારે આ સંબંધમાં કેટલાક પત્રકારો સાથે બેઠક કરી હતી અને તે દરમિયાન પત્રકારોને આ માહિતી આપવામાં આવી છે કે કોઈ પણ મીડિયા હાઉસને અમરનાથ ગુફા સુધી જવા દેવામાં આવશે નહીં.
તે મીટિંગમાં સામેલ એક પત્રકારે કહ્યું કે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી, માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે મીડિયાને ગુફામાં જવા દેવામાં આવશે નહીં અને કોઈ પણ પત્રકાર પરવાનગી વિના બેઝ કૅમ્પમાં જઈ શકશે નહીં.
યાત્રાના કવરેજને લઈને મીડિયા માટે પ્રથમ વખત આ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગત બુધવારે જમ્મુથી પ્રથમ ટુકડી પવિત્ર ગુફા જવા રવાના થઈ હતી.
બુધવારે જમ્મુ અને કાશ્મીરના લૅફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગરના કૅમ્પમાંથી શ્રદ્ધાળુઓની પ્રથમ બેચને ઝંડી બતાવી હતી. જમ્મુના શ્રદ્ધાળુઓએ બમ-બમ ભોલેના જયઘોષ વચ્ચે અમરનાથ ગુફા તરફની યાત્રા શરૂ કરી હતી.

સ્થાનિકોએ યાત્રાળુઓનું સ્વાગત કર્યું

ઇમેજ સ્રોત, J&K INFORMATION DEPARTMENT
પ્રશાસનનું કહેવું છે કે અમરનાથ ગુફા તરફ જતા રસ્તાઓ પર તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને સ્થાનિક લોકો પરંપરાગત રીતે યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રવાસન વિભાગના સચિવ સરમદ હફીઝે બીબીસીને જણાવ્યું કે અમરનાથ યાત્રાને સુચારુ ચલાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
હફિઝના કહેવા પ્રમાણે, ટેન્ટ કૉલોનીઓ પણ ફાઈનલ થઈ ગઈ છે. યાત્રાળુઓને આવકારતા સ્થાનિક સેવાપ્રદાતાઓ વતી પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જમ્મુથી લઈને અમરનાથ ગુફા સુધી ઘણા સ્વયંસેવકોએ તેમના લંગર લગાવ્યા છે, જ્યાં ગુફામાં જતા શ્રદ્ધાળુઓને મફતમાં ભોજન આપવામાં આવે છે.
રાજસ્થાનથી આવેલા પ્રધાન દિનેશ નાડોઈયા દ્વારા શ્રીનગરના પંથ ચોક ટ્રાન્ઝિટ કૅમ્પમાં આવું જ લંગર લગાવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે વહીવટીતંત્ર દ્વારા તેમને રોજના ચારથી પાંચ હજાર મુસાફરોને ભોજન કરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
દિનેશ નાડોઈયાએ જણાવ્યું હતું કે, "અગાઉ આ ટ્રાન્ઝિટ કૅમ્પમાં ત્રણ શેડ હતા અને આ વખતે અહીં 10 શેડ બનાવવામાં આવ્યા છે. ટૉઇલેટ અને ન્હાવાની સુવિધામાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. વીજળી અને પાણીની વ્યવસ્થા પણ સારી કરવામાં આવી છે."
દિનેશ નાડોઈયાએ કહ્યું કે સુરક્ષાની પુરતી વ્યવસ્થા તો છે જ, તે સિવાય કાશ્મીરી લોકોને જે પ્રેમ મળી રહ્યો છે તેનો કોઈ તોટો નથી.
તેમણે કહ્યું, "કાશ્મીરી લોકો યાત્રિકોની માટે વેઠી રહ્યા છે. સામાન્ય કાશ્મીરીઓ હંમેશા આ યાત્રાની રાહ જોતા હોય છે. તેમનો રોજગાર પણ આ યાત્રા સાથે જોડાયેલો છે."
અમરનાથ ગુફામાં જનારા શ્રદ્ધાળુઓની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં નોંધાયેલા મુસાફરોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













