You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુપીની જેલમાં મુસલમાનો પર પોલીસની બર્બરતાનો એ વીડિયો જેણે દેશને હચમચાવી નાખ્યો
- લેેખક, રજની વૈદ્યનાથન અને દિલનવાઝ પાશા
- પદ, બીબીસી ન્યૂઝ
એક વીડિયોમાં પોલીસ મુસ્લિમોના એક સમૂહને મારતાં નજરે પડે છે. આ વીડિયો સત્તાધારી ભાજપના ધારાસભ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ લાખો લોકોએ જોયો. તેમણે વીડિયો પોસ્ટ કરતા તેને 'રિટર્ન ગિફ્ટ' ગણાવી હતી.
આ વીડિયોમાં દેખાઈ રહેલા પોલીસકર્મીઓ પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વીડિયોમાં દેખાતા લોકોના પરિવારજનોનું કહેવું છે કે તેઓ નિર્દોષ છે અને તેમને છોડી દેવા જોઈએ.
"આ મારો ભાઈ છે જેને બર્બરતાથી મારવામાં આવી રહ્યો છે. તે ચીસો પાડી રહ્યો છે." પોતાના નાના ભાઈ સૈફને માર પડતો હોવાનો વીડિયો જોઈને ઝેબાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને હાથ ધ્રુજવા લાગે છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ઝેબાના ઘરમાં પાડોશીઓ અને પરિવારજનોની ભીડ છે. તેઓ તેમને સાંત્વના આપવા આવ્યા છે. ઝેબા કહે છે, "હું આ વીડિયો જોઈ પણ શકતી નથી. તેને કેટલી ક્રૂરતાથી મારવામાં આવી રહ્યો છે."
આ પરેશાન કરી મૂકે એવા વીડિયોમાં બે પોલીસકર્મીઓ એક રૂમના ખૂણામાં ઊભા રહેલા એક જૂથને લાકડીઓથી મારતાં જોવા મળી રહ્યા છે. માર વેઠી રહેલા આ યુવાનોમાં ઝેબાના ભાઈ સૈફ પણ છે.
પોલીસકર્મીઓને સ્પષ્ટપણે લાકડીઓ વડે માર મારતાં જોઈ શકાય છે. તેઓ બેઝ-બૉલના બૅટની જેમ લાકડીઓ ફેરવે છે અને લાકડીના દરેક ફટકા સાથે લોકોની ચીસો સંભળાય છે.
દર્દથી કણસી રહેલા આ ડરેલા લોકોના અવાજમાં સંભળાય છે, "બહુ દુખે છે સાહેબ, બહુ દુખે છે."
પણ લાકડીઓના ફટકા રોકાતા નથી. લીલા રંગની ટીશર્ટમાં એક વ્યક્તિ હાથ જોડતી નજરે પડે છે. સફેદ ઝભ્ભામાં સૈફ જાણે આત્મસમર્પણ કરતા હોય તેમ હાથ ઊંચા કરતા જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 વર્ષીય સૈફ એ સંખ્યાબંધ મુસ્લિમ યુવાનોમાંના એક છે, જેમને પોલીસે ગયા શુક્રવારે પકડ્યા હતા.
શહેરની જામા મસ્જિદમાં નમાજ બાદ હજારો મુસ્લિમોએ પયગંબર મહમદ પર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવિદાસ્પદ ટિપ્પણી વિરુદ્ધ દેશના અન્ય ભાગોના મુસ્લિમોની જેમ પ્રદર્શન કર્યું હતું.
સહારનપુરમાં યોજાયેલું વિરોધપ્રદર્શન મોટાભાગે શાંતિપૂર્ણ હતું. ભીડે મસ્જિદથી લઈને શહેરના ઘંટાકર ચોક સુધી પદયાત્રા યોજી હતી.
જોકે, તણાવ વધતાં હિંદુ વેપારીઓની કેટલીક દુકાનો પર હુમલો કરવામાં આવ્યો. જેમાં બે લોકોને સમાન્ય ઈજાઓ પહોંચી હતી. ભીડને વેરવિખેર કરવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
પોલીસ તરફથી દાખલ કરાયેલી એફઆઈઆરમાં સૈફ અને અન્ય ત્રીસ લોકો પર હુલ્લડ શરૂ કરવાની અને ફરજ પર હાજર પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પણ થોડુંઘણું કામ કરીને સૈફના પરિવારનું કહેવું છે કે તેઓ નિર્દોષ છે અને પ્રદર્શનમાં સામેલ પણ ન હતા.
પરિવારનો દાવો છે કે સૈફ ઘરેથી સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોતાના એક મિત્રની બસ ટિકિટ કઢાવવા માટે ગયા હતા. તે સમયે પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતા અને કોતવાલીમાં લઈ જઈને લૉક-અપમાં પૂરી દીધા હતા.
ઝેબા કહે છે, "મારના કારણે તેનું શરીર ભૂરું થઈ ગયું હતું, તેઓ બેસી પણ શકતા ન હતા."
વીડિયોમાં પોલીસની જે બર્બરતા જોવા મળી રહી છે, તેનો આ વીડિયો ભાજપના ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીના ટ્વિટર પર શૅર કરાયા બાદ વાઇરલ થઈ ગયો. તેમણે ટ્વીટ સાથે લખ્યું હતું, "ઉપદ્રવીઓ માટે રિટર્ન ગિફ્ટ."
શલભ મણિ ત્રિપાઠી ભારતના સૌથી શક્તિશાળી રાજનેતાઓમાંના એક છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર પણ છે. અત્યાર સુધી ભાજપના કોઈ પણ પદાધિકારી કે નેતાએ આ વીડિયોની ટીકા કરી નથી.
બીબીસીએ સહારનપુરમાં એવા સંખ્યાબંધ પરિવારોની મુલાકાત કરી જેમનો દાવો છે કે તેમના પરિજનોને શુક્રવારે કસ્ટડીમાં લેવાયા બાદ સહારનપુર કોતવાલીમાં મારવામાં આવ્યા હતા અને વાઇરલ વીડિયોમાં તેમના પરિજનો જોવા મળી રહ્યા છે.
તેમણે વીડિયોમાં પોતાના પરિજનોની ઓળખ પણ કરી છે. અન્ય વીડિયોમાં આ લોકોને જેલમાંથી એક વાનમાં લઈ જતા જોઈ શકાય છે. આ વીડિયો સહારનપુર કોતવાલીમાં જ બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં સહારનપુર કોતવાલીનું બોર્ડ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પોલીસના રિપોર્ટમાં પણ સહારનપુર કોતવાલીનો ઉલ્લેખ છે. તેમ છતા સહારનપુરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક આકાશ તોમરે બીબીસી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું કે આ વીડિયો સહારનપુરનો નથી.
વીડિયો વિશે બીબીસીના પ્રશ્ન પર જવાબ આપતાં આકાશ તોમરે કહ્યું, "સહારનપુરમાં આવી કોઈ ઘટના બની નથી. સોશિયલ મીડિયા પર બે-ત્રણ વીડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે. જો આપ સ્લો મોશનમાં એક વીડિયો જોશો તો એક અન્ય જિલ્લાનું પણ નામ જોવા મળશે."
જોકે બાદમાં તેમણે કહ્યું કે તેઓ વીડિયોની સત્યતાની તપાસ કરી રહ્યા છે અને જો કોઈ પોલીસકર્મી દોષિત સાબિત થશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
વીડિયોમાં દેખાઈ રહેલા લોકોના પરિવારજનોનું કહેવું છે કે જ્યારે તેઓ પોલીસસ્ટેશનમાં પોતાના પરિજનોને છોડાવવા ગયા તો તેમને પણ પકડી લેવામાં આવ્યા હતા.
ફહમીદાના 19 વર્ષીય પુત્ર સુબ્હાન પોતાના મિત્ર આસિફની જાણકારી મેળવવા પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે તેમની પણ ધરપકડ કરી લીધી અને ખરાબ રીતે માર માર્યો.
પીળા ઝભ્ભામાં સુબ્હાનને પોલીસની લાકડીઓથી બચવા માટે જમીન પર પડી જતા જોઈ શકાય છે. પરિવારનો દાવો છે કે સુબ્હાન શુક્રવારે નમાજ પઢવા માટે જામા મસ્જિદ ગયા ન હતા અને વિરોધપ્રદર્શનમાં પણ ભાગ લીધો ન હતો.
પોતાનાં આંસુ લૂંછતાં ફહમીદા કહે છે, "મારા દીકરાને ક્રૂરતાથી મારવામાં આવ્યો છે."
સહારનપુરના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારની હિંસા બાદ અત્યાર સુધી 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક આકાશ તોમરે બીબીસીને જણાવ્યું, "તમામની પુરાવાઓના આધારે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અમે કોઈની ધરપકડ કરીએ છીએ તો પહેલાં તેમને હિંસક વિરોધમાં તેમનો વીડિયો બતાવીએ છીએ."
સહારનપુરમાં શાસનની તાકાત અન્ય રીતે પણ જોવા મળી રહી છે. એવા બે મુસ્લિમો જેમના પર પ્રદર્શનમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો, તેમનાં ઘર આંશિક રીતે તોડી પાડવામાં આવ્યાં હતાં.
શુક્રવારે નમાજ પઢનારા મુસ્લિમો તરફ ઇશારો કરીને યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર મૃત્યુંજયકુમારે બુલડોઝરની તસવીર શૅર કરીને લખ્યું, "શુક્રવાર બાદ શનિવાર આવે છે."
ગયા શનિવારે શહેરના ખત્તાખેડી વિસ્તારમાં એક કાચી કૉલોનીમાં ભાડાના મકાનમાં રહેનારાં મુસ્કાનના પરિવારના ઘરે બુલડોઝર પહોંચ્યું અને ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો.
પોલીસ મુસ્કાનના ભાઈની તસવીર લઈને પહોંચી હતી અને પૂછ્યું હતું કે શું તે અહીં જ રહે છે. મુસ્કાનના 17 વર્ષીય ભાઈની એક દિવસ પહેલાં જ શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં મુસ્કાને કહ્યું, "મારા અબ્બાએ પોલીસને કહ્યું કે તે મારો જ પુત્ર છે અને પૂછ્યું કે કંઈક થયું છે કે શું? તેમણે કોઈ જવાબ ન આપ્યો, સીધુ બુલડોઝર ફેરવી દીધું."
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ યુવકે શુક્રવારે ભીડને ભડકાવી હતી. એક પોલીસ અધિકારીએ બીબીસીને વીડિયો બતાવતાં કહ્યું કે, "આ જ ભીડને ભડકાવી રહ્યો છે."
આ વીડિયોમાં યુવક તેની આસપાસમાં એકઠા થયેલા ઓછી ઉંમરના છોકરાઓને કહી રહ્યો છે, "આ દેશના મુસ્લિમ ઊંઘી રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મુસ્લિમો જાગ્યા છે, કહેર બનીને તૂટી પડ્યા છે અને આ વખતે પણ એમ જ થશે."
મુસ્કાને પોતાના ભાઈ પર લાગેલા આરોપોને રદિયો આપતાં કહ્યું કે તેંણે આવું કંઇક કર્યું જ ન હોઈ શકે.
અધિકારીઓનું કહેવું છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમનાં ઘર પાડતાં પહેલાં નોટિસ આપવામાં આવી છે અને એવા લોકોનાં જ ઘર પાડવામાં આવ્યાં છે, જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યાં છે.
સહારનપુરના એસપી સિટી રાજેશકુમારે કહ્યું કે જો ધરપકડ કરાયેલા લોકોમાંથી અન્ય કોઈ વ્યક્તિ વિરુદ્ધ કંઈ પણ ગેરકાયદેસર મળશે તો તેના પર બુલડોઝર ફરશે.
ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના સલાહકાર નવનીત સહગલે બીબીસી સાથેની વાતમાં જણાવ્યું, "બુલડોઝરની કાર્યવાહી કાયદામાં રહીને કરવામાં આવી છે અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. તેમાં કાયદાની બહારનું કશું કરાયું નથી."
ભારતના કાયદા વિશેષજ્ઞો, જેમાં પૂર્વ જજ અને ઘણા ચર્ચિત વકીલોનો સમાવેશ થાય છે તેમના સમૂહે પોલીસ પર બર્બરતાથી મારપીટ કરવા અને બુલડોઝરથી ઘર પાડી નાખવાના મામલાને લઈને સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો છે.
તેમણે યોગી આદિત્યનાથ પર "પ્રદર્શનકારીઓને ક્રૂરતાથી અને ગેરકાયદેસર રીતે હેરાન કરવા" પોલીસને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે તાજેતરની કાર્યવાહીઓએ દેશની અંતરઆત્માને હચમચાવી નાખી છે.
માનવાધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારત સરકાર પર દરેક રીતે વિરોધી અવાજ પર દમન ગુજારવાનો આરોપ લગાવ્યો છે.
સહારનપુરમાં રહેનારાં મુન્ની બેગમ પરેશાન છે. તેમના પુત્ર અબ્દુલ સમદ અને પતિ ફુરકાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને પોલીસે ક્રૂરતાથી માર્યા છે. મુન્નીને ખ્યાલ સુધ્ધાં નથી કે બંનેની શું હાલત છે.
મુન્નીને એ પણ ખ્યાલ નથી કે તેઓ પાછા ફરશે કે કેમ અને ફરશે ત્યારે તેમણે દેવું કરીને બનાવેલું ઘર ટકશે કે નહીં?
તેઓ કહે છે, "મારો માસૂમ પુત્ર અને નિર્દોષ પતિ જેલમાં છે. આ ઘરમાં હું મારી પુત્રીઓ સાથે એકલી છું. મને ડર છે કે કદાચ અમારા ઘર પર પણ બુલડોઝર ફરશે તો અમારું શું થશે? આ ડરથી હું રાત્રે ઊંઘી પણ શકતી નથી."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો