નૂપુર શર્મા વિવાદ : અમદાવાદના જુહાપુરામાં પયગંબર ટિપ્પણી મુદ્દે વિરોધ કરતા પહેલાં 45 લોકોની અટકાયત

ભાજપના બે પૂર્વ પ્રવક્તાની મહમદ પયગંબર પર અપમાનજનક ટિપ્પણી બાદ દેશવિદેશમાં વિવાદ થયો છે અને હવે ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા છે.

અમદાવાદમાં પણ વિરોધની આશંકાને પગલે પોલીસ ખડે પગે થઈ છે.

અમદાવાદના મુસ્લિમ વિસ્તાર એવા જુહાપુરામાં પણ વિરોધની આશંકા જોતા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ભાજપ નેતા નૂપુર શર્માના બૅનર સાથે સ્થાનિક લોકો વિરોધ કરવાના છે તેવી માહિતી મળતાં જ પોલીસનો કાફલો ત્યાં ખડકાઈ ગયો હતો.

લોકો તેઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે 30 જેટલા પુરુષ અને 15 જેટલી મહિલાની અટકાયત કરી હતી.

અમદાવાદ ઝોન-7ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ભગીરથસિંહ જાડેજાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે "જુહાપુરામાં એક રેલી યોજાશે એવો એક ફેક મૅસેજ જુહાપુરામાં વાઇરલ થયો હતો. જેના અનુસંધાને પુરુષ અને મહિલાઓએ એકત્ર થઇને રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમની અટકાયત કરી હતી."

આ ઘટનામાં ભીડને વિખેરવા માટે પોલીસે છૂટોછવાયો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.

પોલીસે લોકોને અપીલ પણ કરી હતી કે સ્થાનિક લોકો આવા કોઈ પણ પ્રકારના મૅસેજ પર ધ્યાન ન આપે. કોઈ રેલી, ધરણાં કે માહોલ ખરાબ કરવાનો પ્રયાસ ન કરે.

ઉલ્લેખનીય છે કે દસ જૂને પણ અમદાવાદના શાહઆલમ, કાલુપુર વિસ્તારના મુસ્લિમ વેપારીઓએ દુકાનો બંધ રાખીને નુપૂર શર્માના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો. દરિયાપુર વિસ્તારમાં લોકોએ નુપૂર શર્માની ધરપકડની માગ કરી હતી.

વડોદરામાં પણ દસ જૂને શુક્રવારની નમાજ પછી ગોરવા વિસ્તારની શાકમાર્કેટ પાસે મોટી સંખ્યામાં લોકોએ બૅનર અને પોસ્ટર લઈને વિરોધ કર્યો હતો.

નૂપુર શર્માનું નિવેદન અને વિવાદ

ભાજપમાંથી સસ્પેન્ડડ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ 26 મેના રોજ એક ટીવી કાર્યક્રમમાં મહમદ પયંગબર પર એક ટિપ્પણી કરી હતી, જે વાઇરલ થયા બાદ વિવાદ થયો હતો.

બાદ આ મામલો એટલો આગળ વધ્યો કે ભારત-પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર તેનો ઘણો વિરોધ થયો હતો.

તેમના આ નિવેદન પછી સમર્થનમાં અને વિરોધમાં પણ પ્રદર્શનો થયાં હતાં.

સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, પાકિસ્તાન અને ઇરાક જેવા ઘણા મુસ્લિમ દેશો આ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને પણ નિવેદન જાહેર કરીને તેની ટીકા કરી હતી.

2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ ભારતમાં મુસલમાનો પર હુમલાની વાતો ઊઠતી રહે છે, પણ પહેલી વાર અરબ દેશોએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો