નૂપુર શર્મા વિવાદ : કુવૈતની સંસદમાં ભારત સરકારના વિરોધમાં એકજૂથ થયા 30 સાંસદ - પ્રેસ રિવ્યૂ

ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂકેલાં નૂપુર શર્મા અને દિલ્હી ભાજપમાં સભ્ય રહેલા નવીનકુમાર જિંદલે પયગંબર મહમદ પર કરેલી વિવાદિત ટિપ્પણીની જે જ્વાળાઓ અખાતના દેશોમાં પહોંચી હતી એ હજુ સુધી ઓલવાઈ નથી.

ગુરુવારે અખાતના દેશ કુવૈતની સંસદમાં સાંસદોએ પોતાની સરકારને કહ્યું કે એ ભારત સરકાર પર દબાણ કરવાના તમામ પ્રયાસો કરે.

'કુવૈત ટાઇમ્સ'ના સમાચાર અનુસાર નેશનલ ઍસેમ્બલીના 50 સાંસદોમાંથી 30 સાંસદોએ પોતાની સહી સાથેનું એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં ભારતના પ્રદર્શનકારી મુસલમાનો પર પોલીસની કાર્યવાહીની ભારે નિંદા કરાઈ છે.

કુવૈતની અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ 'અરબ ટાઇમ્સ'માં પણ પ્રમુખતાથી આ સમાચાર છપાયા છે.

'અરબ ટાઇમ્સ' લખે છે, 'કુલ 30 સાંસદોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને પયગંબર મહમદ પર અપમાનજનક ટિપ્પણીને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ સાંસદોએ કુવૈતની પોતાની સરકાર અને અન્ય ઇસ્લામિક દેશોને ભારતની સરકાર પર રાજકીય, રજનૈતિક અને આર્થિક દબાણ સર્જવા અપીલ કરી છે.'

ગુજરાતમાં ફરીથી કોરોનાનો પગરવ, ઍક્ટિવ કેસ એક હજારને પાર

ગુરુવારે ગુજરાતમાં 228 કોરોના કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસનો આંકડો એક હજારને પાર પહોંચ્યો છે. જેમાં 50 ટકાથી વધુ ઍક્ટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં ગુરુવારે 224 કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં અંદાજે ચાર મહિના બાદ કોરોનાના 200થી વધુ દૈનિક કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસનો આંકડો એક હજારને પાર પહોંચ્યો છે.

અહેવાલ મુજબ, રાજ્યમાં ગુરુવારે નોંધાયેલા 228 કોરોના કેસ પૈકી 114 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જે રાજ્યના કુલ દૈનિક કેસના 50 ટકા છે. જ્યારે રાજ્યમાં હાલ 1104 ઍક્ટિવ કેસ છે. જે પૈકી 50 ટકાથી વધુ એટલે કે 604 કેસ અમદાવાદમાં છે.

ગુરુવારે વડોદરામાં 26, સુરતમાં 20, રાજકોટમાં 12, જામનગરમાં સાત તેમજ ગાંધીનગરમાં ચાર કેસ નોંધાયા હતા. રાજ્યમાં હવે માત્ર નવ જિલ્લા એવા રહ્યા છે, જ્યાં એક પણ નવો કેસ નોંધાયો ન હોય.

અન્ય એક ચોંકાવનારી બાબત છે કે રાજ્યમાં ઘણા સમય બાદ વૅન્ટિલેટર પણ રખાયેલા દર્દીની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે, છેલ્લા ત્રણેક મહિનાથી રાજ્યમાં એક પણ દર્દી વૅન્ટિલેટર પર ન હતો. જ્યારે ગુરુવારે વૅન્ટિલેટર પર રખાયેલા દર્દીની સંખ્યા ત્રણ થઈ ગઈ હતી.

પીએફઆઈ અને તબલિગી જમાત પર પ્રતિબંધ લાદવાની બજરંગદળની માગ

બજરંગદળે ગુરુવારે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તબલિગી જમાત જેવાં સંગઠનો વિરુદ્ધ દેશભરમાં ધરણાં કર્યાં હતાં.

બજરંગદળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને આ સંગઠનો પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે.

વીએચપી તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ પ્રમાણે, વીએચપીના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું કહેવું છે કે નૂપુર અને નવીન જિંદલ પર જ્યાં સુધી ગુનો સાબિત ન થઈ જાય ત્યાં સુધી તેઓ નિર્દોષ છે.

નૂપુર શર્માએ પયગંબર મહમદને લઈને એક ટીવી ડિબેટમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદથી દેશભરમાં તેમના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

બજરંગદળે હિંસક પ્રદર્શન કરનારાઓની ઓળખ કરીને તેમની વિરુદ્ધ 'રાસુકા' અંતર્ગત કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે તેમણે એવા મૌલવીઓ અને નેતાઓ પર કાર્યવાહીની માગ કરી છે જે મુસ્લિમ સમાજને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની ઈડી સમક્ષ ચોથી વખતની પૂછપરછ સ્થગિત

નેશનલ હૅરાલ્ડ મામલે રાહુલ ગાંધી આજે શુક્રવારે ઈડી સમક્ષ ચોથી વખત પૂછપરછ માટે હાજર થવાના હતા. જોકે, આ પૂછપરછ હવે સોમવારે યોજાશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ ઈડીને રજૂઆત કરી હતી કે તેમની આગામી પૂછપરછ સોમવારે યોજાય. આ રજૂઆત ઈડીએ સ્વીકારી લીધી છે.

નેશનલ હૅરાલ્ડ મામલે મની લૉન્ડરિંગના આરોપસર ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે.

રાહુલ ગાંધીએ પોતાની પૂછપરછ પાછી ઠેલવવા પાછળ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યનું કારણ આપ્યું.

સોનિયા ગાંધી છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ છે.

નેશનલ હૅરાલ્ડ મામલે સોનિયા ગાંધીને પણ ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેમણે પણ પૂછપરછ માટે પહોંચવાનું હતું.

જોકે, અગાઉ કોરોના અને હાલ હૉસ્પિટલમાં દાખલ હોવાના કારણે તેઓ અત્યાર સુધી ઈડી સમક્ષ હાજર રહી શક્યા નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો