ડિસા : ઠાકોરોના વરઘોડા પર ઠાકોરોએ જ પથ્થરમારો કેમ કર્યો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બનાસકાંઠાના ડીસાના કુપટ ગામમાં વરઘોડા પર પોલીસની હાજરીમાં પથ્થરમારા થવાની ઘટના સામે આવી છે.

આ ઘટના કરતાં પણ તેની પાછળનું કારણ વધુ ચર્ચામાં છે.

એક જ જ્ઞાતિના બે સમુદાયના લોકો વચ્ચે 'જ્ઞાતિગુમાનનો પ્રશ્ન' સર્જાતાં આ ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે.

ગામલોકોનું કહેવું છે કે આ પહેલાં આ ગામમાં ક્યારેય સામાજિક તણાવનો માહોલ નથી સર્જાયો.

સ્થાનિક યુવાનના લગ્નનો વરઘોડો ગામના મંદિરે પહોંચ્યા બાદ તેમના પર પથ્થરમારો થતાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસે સ્થિતિ થાળે પાડવા ટિયરગૅસ સેલ છોડવા પડ્યા.

વરરાજાને બચાવવા જતાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા અને એ પછી 2,200ની વસતિ ધરાવતા આ ગામમાંથી 82 લોકોની ધરપકડ થઈ.

ગામમાં હવે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ગામમાં ફરી અશાંતિ ન સર્જાય.

પશુપાલન અને ખેતી પર નભતા કુપટ ગામમાં સૌથી વધુ વસતિ પાળવી ઠાકોર અને કોળી ઠાકોરની છે.

ગામમાં 700 પાળવી ઠાકોર અને 550 જેટલા કોળી ઠાકોર છે. ગામનાં મહિલા સરપંચ પાળવી ઠાકોર છે.

પથ્થરમારાનું કારણ વરઘોડો

ગામમાં નિયમ કરાયો હતો કે કોઈએ લગ્નનો વરઘોડો કાઢવો નહીં.

ગ્રામવાસી ચતુરજી સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "અમારા ગામમાં પહેલાંથી વરઘોડો કાઢવાની પ્રથા નથી, અમારા વડવાઓના કહેવા પ્રમાણે ઠાકરજી મહારાજના આદેશથી ગામમાં વરઘોડો કાઢવાની પ્રથા બંધ કરવામાં આવી હતી."

પરંતુ તાજેતરમાં ગ્રામવાસી પોપટસિંહ ચૌહાણનાં પુત્ર અને પુત્રી બંનેનાં લગ્ન હતાં. પહેલાં પુત્ર વિષ્ણુનાં લગ્ન હતાં અને બે દિવસ પછી પુત્રી જ્યોત્સનાબાનાં લગ્ન હતાં.

પોપટસિંહ ચૌહાણના દીકરા વિષ્ણુએ અને તેમના મિત્રો તેમજ કાકા-મામાના દીકરાઓએ નક્કી કર્યું કે ગામમાં વરઘોડો કાઢીને માતાજીના દર્શન કરીને પછી જ જાન જોડવી.

ગામના પાળવી ઠાકોરોએ વરઘોડો કાઢવાની ના પાડી. એમાં ચડસાચડસી થઈ ગઈ. પોપટસિંહે વરઘોડો કાઢવા માટે પોલીસરક્ષણ માગ્યું.

આ વરઘોડામાં જોડાયેલા અને પોપટસિંહનાં સંબંધી નટવરજી ઠાકોર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "અમારા કોળી ઠાકોરનાં લગ્નમાં અમે તલવાર, ડાંગ જેવાં હથિયારો સાથે લગ્નમાં જઈએ છીએ. આ અમારી પરંપરા છે. પણ પોપટસિંહે વરઘોડો કાઢવા પોલીસરક્ષણ માંગ્યું હતું, એટલે લગ્નના આગળના દિવસે પોલીસ સાથે થયેલી સંતલસ મુજબ શાંતિથી ખાલી વરઘોડો કાઢવાનું નક્કી થયું હતું."

તેઓ આગળ કહે છે, "જેવા અમે શીતળા માતાના મંદિર નજીક આવ્યા ત્યાં પથ્થરમારો શરૂ થઈ ગયો. આગળ પોલીસ હતી એટલે જાનૈયા પર હુમલો થાય એ પહેલાં પોલીસ પર પથ્થરો પડ્યા. પોલીસે વરરાજાને સલામત સ્થળે ખસેડ્યા પછી પણ પથ્થરમારો બંધ ન થયો. છેવટે પોલીસે ટિયરગૅસના સેલ છોડીને સ્થિતિ કાબૂમાં લીધી. પોલીસના વાહનને નુકસાન થયું અને પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા."

'ગામ ખાલી થઈ ગયું'

આ સમગ્ર ઘટના વખતે પોલીસ બંદોબસ્ત સંભાળી રહેલા અને પથ્થરમારામાં ઘાયલ થયેલા ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ.જે. ચૌધરી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "લગ્નના આગલા દિવસે બેઠકમાં વરઘોડા મુદ્દે સંમતિ સધાઈ હતી. તેમ છતાં હું 25 પોલીસ જવાનો સાથે સલામતી બંદોબસ્તમાં હાજર હતો."

તેઓ પથ્થરમારાની ઘટના વર્ણવતાં કહે છે, "જેવો વરઘોડો શીતળા માતાના મંદિર નજીક આવ્યો એટલે ગામના એક આગેવાને પોતાની જ્ઞાતિના લોકોને ઉશ્કેર્યા અને 200 લોકોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો."

"અમારી સાથે એસીપી ઓઝા હાજર હતા. મેં આગેવાન કાળુસિંહને સમજાવવા પ્રયાસ કર્યો, પણ અચાનક કાળુસિંહે મારા પર હુમલો કરી દીધો અને પોલીસને પણ મારવાની હાકલ કરવા લાગ્યા."

"અમે ટિયરગૅસના સેલ છોડીને અડધો કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં લીધી અને 82 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ચાર લોકોના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે જયારે 78 આરોપીઓને પાલનપુર સબ જેલમાં મોકલી આપ્યા છે."

પાળવી ઠાકોરોને છોડાવવાની કાનૂની પ્રક્રિયા માટે કુપટ ગામથી અમદાવાદ વકીલની સલાહ લેવા આવેલા લાખુસિંહ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગામ કેટલાક જુવાનિયાઓએ ઉશ્કેરાઈને પથ્થરમારો કર્યો છે, જેમાં પકડાયેલા કેટલાક 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે."

"પોલીસ વધુ ધરપકડ ન કરે એટલે ગામમાંથી લગભગ બધા પુરુષો ગામ છોડી ગયા છે. અમારાં 42 ગામના આગેવાનો ભેગા થઈ સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."

'ગૌરવહનનની લાગણી'

સમાજશાસ્ત્રી રાજેન્દ્ર જાની આ ઘટનાને જ્ઞાતિ ગૌરવ સાથે જોડતાં કહે છે, "પાળવી ઠાકોર અને કોળી ઠાકોર બંને ઓબીસીમાં આવે છે, પણ પોતાને લડવૈયા માનતા પાળવી ઠાકોર પોતાને કોળી ઠાકોરથી ઉપર ગણે છે."

"ઉત્તર ગુજરાતમાં 42 ગામનો પાળવી ઠાકોર ગોળ ગણાય છે. એમાં એ લોકો કોળી ઠાકોર સાથે રોટીનો વહેવાર રાખે છે, પણ બેટીનો વહેવાર રાખતા નથી."

સામાજિક પ્રસંગોમાં આવવું જવું અને એકબીજાના પ્રસંગે જમણવારમાં ભાગ લેવો તેને તળપદી ભાષામાં રોટી વહેવાર કહેવાય છે. પણ પાળવી ઠાકોર અને કોળી ઠાકોર સાથે લગ્નસંબંધ નથી બાંધતા એટલે બેટી વહેવાર નથી.

રાજેન્દ્ર જાની આગળ કહે છે, "પ્રભાવશાળી જ્ઞાતિના રિવાજનું આર્થિક રીતે સમૃદ્ધ થયેલી નીચેની જ્ઞાતિ અનુકરણ કરે છે. પ્રભાવશાળી જ્ઞાતિ પોતાનો મોભો જાળવવા વરઘોડો ન કાઢવા દે એવું બને છે."

"મુખ્યત્વે આ કારણે અનુસૂચિત જાતિનાં લગ્નમાં વરઘોડો કાઢવા સામે ઉત્તર ગુજરાતમાં વિરોધ જોવા મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રભાવશાળી જ્ઞાતિ દ્વારા એમના વરઘોડા રોકાયાના ઘણા કિસ્સા બન્યા છે, પ્રભાવશાળી જ્ઞાતિના અનુકરણમાં નાના ગામમાં આવા કિસ્સા વધી રહ્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો