ખેડૂતનેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેકવામાં આવી, ભાજપની સરકારને જવાબદાર ઠેરવી

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સોમવારે ખેડૂતનેતા રાકેશ ટિકૈતની પત્રકારપરિષદમાં એક ડઝન લોકો બળજબરી ઘૂસી ગયા હતા. તેમણે ટિકૈતના ચહેરા પર કાળી શાહી લગાડી હતી.

રાકેશ ટિકૈત

ઇમેજ સ્રોત, Ani

ટિકૈત ભારતીય કિસાન યુનિયનના નેતા છે. તેઓ અહીં પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના પર શાહીથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલાને પગલે પત્રકારપરિષદમાં દોડધામની નોબત આવી ગઈ હતી. કેટલાય લોકો ખુરશીઓ ફેંકતા પણ જોવા મળ્યા હતા.

અહીં નોંધનીય છે કે મોદી સરકારના ત્રણ વિવાદિત કૃષિકાયદાના વિરોધમાં યોજાયેલાં પ્રદર્શનોમાં ટિકૈત આગળ પડતો ચહેરો હતા.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ટિકૈતે આ હુમલા માટે ભાજપની સરકારને જવાબદાર ઠેરવી છે.

ટિકૈતે કહ્યું છે કે તેમની પત્રકારપરિષદ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

line

વડા પ્રધાન મોદીએ કોરોનામાં માતાપિતા ગુમાવનારાં બાળકોને ચાર હજાર રૂપિયા સહાયની કરી જાહેરાત

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ભાજપ સરકારને કેન્દ્રમાં સત્તા સંભાળી એનાં આઠ વર્ષ પૂર્ણ થતાં વડા પ્રધાન મોદીએ સોમવારે પીએમ કૅર્સ ફૉર ચિલ્ડ્રન યોજનાની જાહેરાત કરી છે. જેના અંતર્ગત કોરોનામાં માતાપિતા ગુમાવનારાં બાળકોને ચાર હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ જાહેરાત કરતાં વડા પ્રધાને કહ્યું, "આ સહાય ઉપરાંત જો કોઈ બાળકને અભ્યાસ માટે લોનની જરૂર પડશે તો તે પણ પીએમ કૅર્સમાંથી આપવામાં આવશે અને 18થી 23 વર્ષ ઉંમરના યુવકોને સ્ટાઇપન્ડ પણ અપાશે."

યોજના અંતર્ગત બાળક શાળામાં હોય ત્યારે 20 હજાર રૂપિયા સ્કૉલરશિપ અને તેની જરુરિયાતોને પૂરી કરવા દર મહિને ચાર હજાર રુપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બાળક 23 વર્ષની ઉંમર વટાવે ત્યારે 10 લાખ રૂપિયાની સહાય આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આયુષ્યમાન યોજના અંતર્ગત આ બાળકો માટે હૅલ્થ કાર્ડ બનાવવા અને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓમાં તેમને અગ્રિમતા આપવાનું પણ જણાવવામાં આવ્યું છે.

કોરોના જ્યારે પીક પર હતો ત્યારે ગુજરાતનાં તત્કાલિન મુખ્ય મંત્રી વિજય રુપાણીએ 'બાલસેવા યોજના' શરૂ કરી હતી.

આ યોજના અંતર્ગત કોરોનામાં માતાપિતા ગુમાવનારાં બાળકોને માસિક ચાર હજારથી છ હજાર રુપિયા આપવાનો નિર્ણય કરાયો હતો.

આ ઉપરાંત બાળકોને શિક્ષણ, આરોગ્ય, ઉચ્ચ અભ્યાસ, રોજગારી, તાલીમ અને વિદેશ અભ્યાસ માટેની લોનમાં પણ અગ્રિમતા આપવામાં આવશે.

વિજય રૂપાણીએ આ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ દર મહિને રાહત ભાવે ઘઉં, ચોખા સહિતનું કરિયાણું આપવાની પણ જાહેરાત કરી હતી.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો