You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશ : મુસ્લિમ સમજીને માર માર્યો, મૃત્યુ બાદ વીડિયો વાઇરલ થતાં હોબાળો
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, ભોપાલથી
મધ્યપ્રદેશના નીમચમાં માનસિક રીતે બીમાર વૃદ્ધની મારપીટનો વીડિયો વાઇરલ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
વીડિયોમાં જે વ્યક્તિની મારપીટ થઈ રહી છે તેની ઓળખ ભંવરલાલ જૈન તરીકે થઈ છે, જે રતલામના સરસી પોલીસ સ્ટેશનની હદમાં આવતા જાવરાના રહેવાસી હોવાનું કહેવાય છે.
વીડિયોમાં વૃદ્ધને માર મારનાર વ્યક્તિની ઓળખ મનાસાના રહેવાસી દિનેશ તરીકે થઈ છે. નીમચ પોલીસ દિનેશ વિશે કહે છે કે તે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ કાઉન્સિલરના પતિ છે.
નીમચના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સૂરજકુમાર વર્માએ બીબીસીને જણાવ્યું કે દિનેશ કુશવાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભંવરલાલ જૈનનો મૃતદેહ 19 મેના રોજ સાંજે નીમચના મનાસામાં રામપુરા રોડની બાજુમાંથી મળી આવ્યો હતો.
તેઓ કહે છે કે પહેલાં અજ્ઞાત માનીને મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં વાયરલ વીડિયો જોયા બાદ તેમના પરિવારના સભ્યો નીમચ પહોંચ્યા અને તેમની ઓળખ થઈ હતી.
મૃતકના ભત્રીજા વિકાસ વહોરા કહે છે કે ભંવરલાલ જૈન બાળપણથી જ માનસિક રીતે પીડિત હતા. તેઓ પરિવાર સાથે તે રાજસ્થાનના ચિત્તોડગઢ ફરવા ગયા હતા. વિકાસ અનુસાર, ભંવરલાલ ચિત્તોડગઢમાં જ પરિવારથી વિખૂટા પડી ગયા હતા.
તેઓ કહે છે, "અમે તેમની ઘણી શોધખોળ કરી. પરંતુ તેઓ ન મળ્યા, તેથી અમે ત્યાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસપી વર્માનું કહેવું છે કે ગુમ થવાનો રિપોર્ટ 16મી મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે મૃતદેહ 19મીએ મળી આવ્યો હતો.
બીબીસી સાથે વાત કરતાં એસપી વર્મા કહે છે, "વીડિયો ક્યારનો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. એ વાત સાચી છે કે મૃતક માનસિક રીતે અસ્વસ્થ હતા. હાલ તો વીડિયોના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વૃદ્ધને માર મારનાર વ્યક્તિની પણ ઓળખ થઈ ગઈ છે પરંતુ તે હાલ ફરાર છે."
જોકે, સ્થાનિક પત્રકાર કમલેશ સારડાના જણાવ્યા અનુસાર આ વીડિયો સૌપ્રથમ બુધવારે સોશિયલ મીડિયા પર આવ્યો હતો અને મૃતદેહ ગુરુવારે મળી આવ્યો હતો.
વાઇરલ વીડિયો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાલ શર્ટ પહેરેલી એક વ્યક્તિ ભંવરલાલને તમાચા મારી રહી છે અને તેનું નામ પૂછી રહી છે.
થપ્પડ મારનાર શખ્સ વારંવાર આધારકાર્ડ માંગતો જોવા-સાંભળવા મળે છે.
વીડિયોમાં, થપ્પડ મારનાર શખ્સ પૂછતો જોવા મળે છે, "મહમદ નામ છે? સાચું નામ બતાવ. આધારકાર્ડ બતાવ." પછી તે ઉપરાછાપરી થપ્પડ મારતો જોવા મળે છે અને કહે છે, "આધારકાર્ડ બતાવ."
તેના શબ્દો પરથી લાગે છે કે તેને શંકા હતી કે તે જે વ્યક્તિને મારતો હતો તે મુસલમાન છે, પરંતુ પોલીસે ધાર્મિક ઓળખ વિશે વાત કરી નથી.
વીડિયોમાં જોવા મળે છે કે વૃદ્ધ બરાબર બોલી શકતા નથી. તેઓ કહેતા સાંભળવા મળે છે કે, "પૈસા લઈ લો."
મૃતકના પરિવારજનોને એ વાતનું આશ્ચર્ય થયું કે એક તરફ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને બીજી તરફ પોલીસ ગુમનામ ગણાવીને મૃતદેહનો ફોટો જાહેર કરી રહી હતી.
મૃતકના ભત્રીજા અજિત ચત્તરનું કહેવું છે કે તેમના પરિવારને લાગે છે કે ભંવરલાલનું મૃત્યુ માર મારવાથી થયું છે.
જોકે, નીમચના પોલીસ અધિક્ષક સૂરજ વર્માનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યો નથી, તેથી ખાતરીપૂર્વક કહી શકાય નહીં.
તેમણે કહ્યું, "મૃતક માનસિક રીતે અસ્થિર હતા. બહુ ગરમી પણ પડી રહી છે. તેમણે કંઈ ખાધું હતું કે નહીં એ પણ ખબર નથી. ઉપરથી આ વાઇરલ વીડિયો! અત્યારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે."
મૃતકના પરિવારના અન્ય સભ્ય વિકાસનું કહેવું છે કે તેમને નીમચ પોલીસ દ્વારા જાહેર કરાયેલા મૃતદેહના ફોટા પરથી ખબર પડી અને આખો પરિવાર તેના મૃતદેહન નીમચથી રતલામ લઈ આવ્યો છે.
તેઓ કહે છે, "જ્યારે સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા હતા એ જ સમયે મારપીટનો વીડિયો અમારી પાસે આવ્યો. અમે ફરીથી નીમચ ગયા. અમે સ્થાનિક પોલીસને વીડિયો બતાવ્યો. પરંતુ તેઓ કંઈ કરતા માગતી નહોતી. એ બાદ ગામમાંથી વધુ લોકો આવ્યા અને પોલીસ પર દબાણ કર્યું. ત્યારબાદ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો."
ભંવરલાલના સંબંધીઓ માગ કરી રહ્યા છે કે વીડિયોમાં મારપીટ કરતી દેખાતી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને હત્યાનો કેસ નોંધવામાં આવે. તેમની માગ છે કે પોલીસે એ પણ શોધી કાઢવું જોઈએ કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ સિવાયના લોકો પણ શું વૃદ્ધને મારવામાં સામેલ હતી?
મધ્ય પ્રદેશ કૉંગ્રેસ સમિતિના નેતા જિતુ પટવારીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું છે.
"મનાસા (નીમચ) માર ખાતા ભંવરલાલ જૈન પાછળથી મૃત હાલતમાં મળી આવ્યા. મારવાવાળો ભાજપનાં ભૂતપૂર્વ કાઉન્સિલરનો પતિ દિનેશ છે. નરેન્દ્ર મોદી, શિવરાજસિંહ ચૌહાણ... પહેલા દલિત, પછી મુસ્લિમ-આદિવાસી અને હવે જૈન! આ ઝેર, ઘોર ધિક્કાર ભાજપે ઘોળ્યાં છે! ગૃહમંત્રી કંઈ કહેશે?"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો