You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : વેરાવળમાં બાળકો પર જર્જરિત મકાનની બાલ્કની તૂટી પડી, એક બાળકનું મૃત્યુ, બે ઈજાગ્રસ્ત
વેરાવળમાં એક જર્જરિત ઇમારતની બાલ્કની તૂટી પડતાં ત્રણ બાળકો દબાઈ ગયાં હતાં જેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દિલીપ મોરીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે જેમને વેરાવળની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.
મૃત્યુ પામેલા બાળકને વેરાવળ સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડાયું છે.
વેરાવળમાં દુર્ઘટના બાદ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, માછીમાર સમાજના આગેવાનો હૉસ્પિટલ ઈજાગ્રસ્ત બાળકોના પરિવારને મળવા પહોંચ્યા હતા.
મહારાષ્ટ્ર : 'મસ્જિદો પરના લાઉડસ્પીકર બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરશું'- રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મસ્જિદો પરના લાઉડસ્પીકર બંધ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
રાજ ઠાકરેએ કહ્યું, "અમે સરકારને મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવા વિનંતી કરી હતી. અમે કહ્યું હતું કે જો 4 મે પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો અમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડીશું. પરંતુ, હવે અમારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. તો મારો સવાલ છે કે આજે સવારે અઝાન કરતી 135 મસ્જિદો સામે શું કાર્યવાહી કરવામાં આવી છે?"
તેમણે કહ્યું, "હું અઝાનની વિરુદ્ધ નથી, પરંતુ તે ઘરે અથવા મસ્જિદની અંદર પઢવી જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ લાઉડસ્પીકર 45 થી 55 ડેસિબલની રેન્જમાં હોવા જોઈએ. આ અવાજ ઘરમાં ચાલતા ગ્રાઇન્ડર મિક્સર જેટલો છે. આનાથી વધુ અવાજ થશે તો કાર્યવાહી કરવામાં આવશે."
"અમે મહારાષ્ટ્રમાં શાંતિ ઇચ્છીએ છીએ. માત્ર મસ્જિદો જ નહીં, જો મંદિરોની ઉપર ગેરકાયદે લાઉડસ્પીકર હોય તો તમારે તેને પણ હટાવી લેવું જોઈએ. જો સુપ્રીમ કોર્ટની અવમાનના થઈ રહી છે તો આગળ શું થશે તે પણ મારે જોવું રહ્યું. જો સરકાર સુપ્રીમ કોર્ટનો આદેશ નહીં માને તો આદેશનો ફાયદો શું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે જ્યારે નિવેદનની ભાષા સમજાતી નથી ત્યારે આંદોલનની ભાષા શરૂ થાય છે. આ એક દિવસનું આંદોલન નથી. જો લાઉડસ્પીકર બંધ નહીં કરવામાં આવે તો આ આંદોલન ચાલુ રહેશે.
રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી. તેને ધ્યાનમાં રાખીને મુંબઈમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે.
પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેટલીક જગ્યાએ નાકાબંધી કરવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
તે જ સમયે, ઔરંગાબાદ પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ બે દિવસ પહેલા ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધ્યો છે. તેમને આ મામલે નોટિસ પણ પાઠવવામાં આવી છે.
પોલીસે મસ્જિદોના મૌલવીઓ અને ટ્રસ્ટીઓ સાથે પણ બેઠકો યોજી છે અને તેમને અવાજ પ્રદૂષણ સંબંધિત સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
કૉંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને મનાવવા માટે હવે રાહુલ ગાંધી મેદાને આવ્યા?
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત કૉંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને મનાવવા મેદાને આવ્યા છે. અખબાર એક સમાચાર એજન્સીનાં સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા હતા.
પાર્ટીનાં સૂત્રોના જણાવ્યાનુસાર રાહુલ ગાંધીએ જાતે હાર્દિક પટેલને પાર્ટી સાથે જોડાયેલા રહેવા માટે સંદેશો પાઠવ્યો છે. તેમજ રાહુલ ગાંધીએ પાર્ટીના સ્થાનિક નેતાઓને પણ હાર્દિક સાથેના મતભેદોના ઉકેલ માટે તેમનો સંપર્ક સાધવાનું સૂચન કર્યું છે. કૉંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે પાર્ટી લીડરશિપે હાર્દિક પટેલનો સંપર્ક સાધ્યો છે. નોંધનીય છે કે પાછલા ઘણા દિવસોથી હાર્દિક પટેલ ગુજરાત કૉંગ્રેસની ટોચની નેતાગીરી સાથે મતભેદ હોવાની સરાજાહેર વાત કરી રહ્યા છે. સોમવારે તેમણે પોતાના ટ્વિટરના બાયોમાંથી 'કૉંગ્રેસ' પાર્ટીનાં પદ અને ચિહ્ન હઠાવી દીધાં હતાં.
ગુજરાતમાં 2019ની સરખામણીએ 2020માં 13 ટકા વધુ મૃત્યુ નોંધાયાં
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2020માં 13 ટકા વધુ મૃત્યુ નોંધાયાં છે.
સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ)ના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે.
કેન્દ્ર દ્વારા મંગળવારે રજૂ કરાયેલ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2020માં 5.23 લાખ મૃત્યુ નોંધાયાં હતાં. જે વર્ષ 2019માં થયેલાં કુલ મૃત્યુની સરખામણીએ 13.30 ટકા વધુ હતાં.
રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં નોંધાયેલ સૌથી વધુ મૃત્યુ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વયજૂથમાં જોવા મળ્યાં હતાં. 2,15,839 મૃત્યુ સાથે આ વયજૂથમાં મૃત્યુનું પ્રમાણ કુલ મૃત્યુઆંકના 41 ટકા હતું.
નોંધનીય છે કે વર્ષ 2020માં કોરોનાના કેસો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં નોંધાવાની શરૂઆત થઈ હતી.
ગુજરાતને સિંહો માટે વધુ સંરક્ષિત વિસ્તારની જરૂરિયાત : સંસદીય સમિતિ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સંસદીય સમિતિએ ગુજરાતમાં સિંહો માટે વધુ સંરક્ષિત વિસ્તારની તાતી જરૂરિયાત હોવાનું અવલોકન જાહેર કર્યું હતું.
વિજ્ઞાન અને ટેકનૉલૉજી, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જની 11 સભ્યોવાળી સંસદીય સ્ટેન્ડિંગ સમિતિ, જે રાજ્યની ચાર દિવસની મુલાકાતે છે, આ સૂચન કર્યું હતું. સમિતિ અનુસાર ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા પૈકીના 50 ટકા સંરક્ષિત વિસ્તારની બહાર ફરે છે.
નોંધનીય છે કે પાછલાં બે વર્ષમાં ગુજરાતમાં 142 બાળસિંહો સહિત 283નાં મૃત્યુ થયાં હતાં. આ મૃત્યુમાં કુદરતી અને અકુદરતી મૃત્યુના કિસ્સા સામેલ છે.
આ સમિતિના ચૅરમૅન જયરામ રમેશે કહ્યું હતું કે ગુજરાતમાં બરડા ડુગંર જેવા અન્ય સંરક્ષિત વિસ્તારોનું નિર્માણ થવું જોઈએ, કારણ કે ગુજરાત અન્ય રાજ્યમાં સિંહોને મોકલવાના પક્ષમાં નથી.
નોંધનીય છે કે ગુજરાતનું ગીર એ એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે.
એલન મસ્કની જાહેરાત, "ટ્વિટર યુઝરોએ આગામી સમયમાં પૈસા ચૂકવવા પડી શકે"
અત્યાર સુધી લોકો ટ્વિટરનો ઉપયોગ વિનામૂલ્યે કરી શકતા હતા. પરંતુ ભવિષ્યમાં આ માટે ચૂકવણી કરવી પડી શકે છે.
આ જાણકારી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદનાર એલન મસ્કે આપી છે.
તેમણે ટ્વીટ કર્યું, "સામાન્ય યુઝરો માટે ટ્વિટર હંમેશાં મફત રહેશે. પરંતુ કૉમર્શિયલ/સરકારી ઉપયોગ માટે અમુક કિંમત ચૂકવવી પડી શકે છે."
આવી પરિસ્થિતિમાં સરકાર કે વ્યાવસાયિક ઉપયોગ કરનાર કંપની કે સંસ્થા ટ્વિટરની સેવાઓનો ઉપયોગ કરે છે તેમણે અમુક રકમની ચૂકવણી કરવી પડી શકે છે.
એલન મસ્ક ટ્વિટરમાં ફેરફારને લઈને અગાઉ પણ સંકેત આપી ચૂક્યા છે. તેમણે ટ્વિટરમાં એડિટ બટન આપવાની પણ વાત કરી હતી. તેઓ ટ્વિટરના મૅનેજમૅન્ટમાં પણ ફેરફાર કરી શકે છે.
એલન મસ્ક ઘણા સમયથી ટ્વિટર ખરીદવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેઓ તેવું નહોતા કરી શકી રહ્યા.
અમુક વિવાદ બાદ 25 એપ્રિલે એલન મસ્ક અને ટ્વિટર વચ્ચે ડીલ થઈ અને તેમણે ટ્વિટરને ખરીદી લીધું. આ ડીલ 44 અબજ ડૉલરમાં થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો