You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીનો નેપાળના પબમાં પાર્ટી કરતો વીડિયો વાઇરલ, લોકોએ શું કહ્યું?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે એક નાઇટક્લબમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઇરલ થતા લોકો તેના પર જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાઇરલ થયેલા વીડિયોમાં રાહુલ ગાંધી પોતાના ફોનમાં કંઇક કરી રહ્યા હોવાનું અને બાજુમાં ઊભેલી એક યુવતી સાથે વાત કરી રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે.
લોકો આ યુવતી નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાન્કી હોવાનું જણાવી રહ્યા છે અને તેમના પર નેપાળમાં રાજનેતાઓને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપ પણ લગાવી રહ્યા છે.
નેપાળના જાણીતા અખબાર કાઠમંડુ પોસ્ટ પ્રમાણે, રાહુલ ગાંધી નેપાળ પોતાની એક મિત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા છે.
લોકોએ શું કહ્યું?
વીડિયો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોની જાતભાતની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી.
રોઝી નામનાં એક ટ્વિટર યુઝરે વીડિયો સાથે ટ્વીટ કર્યું હતું કે રાહુલ ગાંધી પાર્ટી કરતી વખતે પણ હિંદુઓને હિંદુત્વ વિષે જ્ઞાન આપી રહ્યા છે.
તેહસીન પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, તેઓ દેખાવડા ખડતલ અને અપરિણીત માણસ છે. જેમને વિદેશમાં પણ લોકો માન આપે છે. આપણા 'સુપ્રીમ લીડર'ની જેમ નહીં, જેમણે ડિઝાઇનર કપડાં પહેરવા પડે છે અને કરદાતાના પૈસા ખર્ચીને ઉહાપોહ મચાવવા ચિયરલીડર્સને પૈસા આપવા પડે.
જ્યારે ભાજપના યુથ ડૅવલપમેન્ટ અને સ્પોર્ટ્સ સૅલના અધ્યક્ષ અમર પ્રસાદ રેડ્ડીએ ટ્વીટ કર્યું કે, "હજુ વધારે મજા કરો રાહુલ ગાંધીભાઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ. કે. નામના ટ્વીટર ઍકાઉન્ટ પરથી એક મીમ ટ્વીટ કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીની મુલાકાતને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ
રાહુલ ગાંધીના વીડિયો પર ભાજપ આઈટી સૅલના પ્રમુખ અમિત માલવીય, શાહનવાઝ હુસૈન સહિત ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.
કૉંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકારપરિષદમાં કહ્યું,"જ્યારે આજે સવારે મેં તપાસ્યું હતું ત્યાં સુધી આ દેશમાં કાયદો હતો કે આપ પોતાના સગા-સંબંધીઓ, મિત્રોના લગ્નસમારોહમાં સ્વતંત્રતાથી સામેલ થઈ શકો છો. રાહુલ ગાંધી એક ખાનગી સમારોહમાં ભાગ લેવા માટે મિત્ર દેશ નેપાળ ગયા છે. આજ સુધી આ દેશમાં મિત્રો સાથે ઊઠવું-બેસવું, સમારોહમાં ભાગ લેવો અપરાધ નહોતો બનતો. બની શકે છે કે આરએસએસને તે પસંદ ન હોવાથી આવતીકાલથી એમ પણ થઈ જાય."
જોકે, કેટલાક લોકો એવા પણ છે જે રાહુલ ગાંધીના પાર્ટી કરવા પર થયેલા હોબાળાને ખોટો ગણાવી રહ્યાં છે.
મણિકમ ટૅગોરે ટ્વીટ કર્યું, "જો રાહુલ ગાંધી કોઈ રિસેપ્શનમાં જોવા મળે છે તો તેમાં ખોટું શું છે? સંઘી જૂઠ્ઠાણું કેમ ફેલાવી રહ્યા છે. આપણે બધા ખાનગી સમારોહમાં જતા હોઈએ છીએ."
નેપાળના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
બીબીસી નેપાળી સેવાએ રાહુલ ગાંધીની યાત્રા વિષે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેવા લામસાલે કહ્યું, "રાહુલ ગાંધીની મુલાકાત ઔપચારિક ન હોવાથી અમને કોઈ જાણકારી નથી. રાહુલ ગાંધી અત્યારે સરકારમાં નથી એટલે વિદેશ યાત્રા પહેલાં તેમની યાત્રા વિષે જાણકારી આપવી જરૂરી નથી."
નેપાળની પોલીસને પણ રાહુલ ગાંધીની મુલાકાત વિષે કોઈ જાણકારી નથી.
નેપાળ પોલીસના એક વરિષ્ઠ અધિકારી કેસી કહે છે, "રાહુલ ગાંધી એક ખાનગી મુલાકાત માટે આવ્યા હોવા સિવાય અમને અન્ય કોઈ જાણકારી નથી."
નેપાળી અધિકારીઓ પ્રમાણે, રાહુલ ગાંધીની કોઈ નેતા કે સરકારી અધિકારીઓને મળવાની કોઈ યોજના નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો