અશ્વિન કોટવાલ : 'હું કૉંગ્રેસમાં હતો પણ મારા દિલમાં મોદી વસેલા હતા', ત્રણ ટર્મથી ચૂંટાતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલે રાજીનામું આપ્યું છે અને તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં વિધિવત્ સામેલ થતી વખતે કોટવાલે પત્રકારોને સંબોધ્યા હતા.

તેમણે જણાવ્યું હતું, "જે પાર્ટીમાં હું કામ કરી રહ્યો હતો તેની કામ કરવાની પદ્ધતિથી નારાજ હતો. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મેં વાત કરી હતી કે એનજીઓ આદિવાસીઓનું શોષણ કરે છે. 2007માં વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે મોદીએ ગુજરાતમાં જે કામગીરી કરી, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં."

"વડા પ્રધાન મોદી જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના ઘેરઘેર ફર્યા છે. ત્યાર બાદ રાજકારણમાં આવતાં પહેલાં આદિવાસીઓની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને 2007માં એમણે કહ્યું હતું કે ગુજરાતનો દરેક આદિવાસી પાકા મકાનમાં રહેવો જોઈએ. વીજળી અને પાણીની વ્યવસ્થા મળવી જોઈએ. તેમને બે ટંકનું ભોજન મળવું જોઈએ."

" 2007માં જોડાવાનો હતો. મોદીએ મને બોલાવ્યો અને કહ્યું કે રાજકારણમાં સારા સ્વચ્છ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકોની મારા પક્ષમાં જરૂરિયાત છે. ત્યારથી હું વડા પ્રધાન મોદીનો ભક્ત બન્યો હતો."

" હું ભલે કૉંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટાયો, પણ મારા દિલમાં નરેન્દ્ર મોદી વસેલા હતા."

કોણ છે અશ્વિન કોટવાલ?

આ પહેલાં આદિવાસી સમાજના આગેવાન અને વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકચાહના ધરાવતા અશ્વિન કોટવાલ પોતાના સંખ્યાબંધ સમર્થકો સાથે આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા.

છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસથી નારાજ અશ્વિન કોટવાલની હાજરીથી ભાજપને આદિવાસી મતો મેળવવામાં ફાયદો થઈ શકે છે.

અશ્વિન કોટવાલનો જન્મ 21 ઑક્ટોબર 1964ના રોજ થયો હતો. તેમના પિતા લક્ષ્મણભાઈ આદિવાસી સમાજના આગેવાન હતા અને રાજકારણમાં પણ સક્રિય હતા.

જેના કારણે તેમને પણ સક્રિય રાજકારણમાં રસ પડ્યો હતો. તેઓ બારમા ધોરણમાં હતા ત્યારથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે પોતાના પિતા ઉપરાંત પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકારણના પાઠ શીખ્યા હતા.

વર્ષ 1990માં તેઓ ગુજરાત યુથ કૉંગ્રેસના જનરલ સૅક્રેટરી બન્યા હતાં, જે બાદ સાબરકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ વિરોધપક્ષના નેતા બન્યા હતા.

તેઓ પહેલી વખત 2007માં કૉંગ્રેસ તરફથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ સતત ત્રણ ટર્મથી તેઓ ખેડબ્રહ્મા બેઠક પર જીતતા આવે છે.

ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને પંચાયતી રાજ સમિતિ, નેશનલ કમિશન ફૉર શૅડ્યુલ ટ્રાઇબ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સમિતિઓમાં સભ્યપદે રહી ચૂક્યા છે.

પરિવારમાં ત્રણ સભ્યો સક્રિય રાજકારણમાં

અશ્વિન કોટવાલ સિવાય તેમના પરિવારના ત્રણ સભ્યો સક્રિય રાજકારણમાં સામેલ છે.

તેમના પિતા લક્ષ્મણ કોટવાલ આદિવાસી સમાજના આગેવાન હતા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના ચૅરમેનપદે રહી ચૂક્યા છે.

તેમનાં પત્ની ઇન્દુબહેન શિક્ષિકા હતાં પરંતુ બાદમાં તેઓ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં.

જ્યારે તેમના પુત્ર યશ કોટવાલ પણ તાલુકા પંચાયતના પ્રમુખપદે રહી ચૂક્યા છે.

કૉંગ્રેસ સામે નારાજગીનો ભાજપને ફાયદો?

રાજકીય તજજ્ઞો પ્રમાણે, અશ્વિન કોટવાલ દિગ્ગજ આદિવાસી નેતા અને સમાજ પર મજબૂત પકડ ધરાવતા હોવા છતા કૉંગ્રેસમાં તેમની અવગણના કરવાના પ્રયાસો થતા આવ્યા છે. જોકે, તેમણે પક્ષમાં રહીને જ લડત આપવાનું ચાલુ રાખ્યું હતું.

કૉંગ્રેસના દિગ્ગજ નેતા મધુસુદન મિસ્ત્રી સાથે તેમનો અણબનાવ જગજાહેર છે. આ સિવાય કૉંગ્રેસના સિનિયર નેતા હોવા છતાં વિપક્ષના નેતા તરીકે નિમણૂક ન થતાં તેમની નારાજગી વધી હતી. જેનું કોઈ સમાધાન થયું ન હતું.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અશ્વિક કોટવાલ ભાજપમાં જોડાતા ભાજપની આદિવાસી નેતાઓની ક્રેડર વધુ મજબૂત બનશે.

એક તરફ ગુજરાતમાં ભાજપને આદિવાસી સમાજનો વિરોધ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે અશ્વિન કોટવાલની હાજરીથી પૂર્વ ગુજરાતની કેટલીક બેઠકો પર ભાજપને ફાયદો થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો