You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈદ પર બાઇડને કહ્યું, આખી દુનિયામાં મુસલમાનોને નિશાન બનાવાઈ રહ્યાં છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં સોમવારે ઈદની ઉજવણી કરી અને વ્હાઇટ હાઉસમાં ઈદ મનાવવાની પરંપરા ફરીથી શરૂ કરી અને એ સાથે મુસલમાનો સાથેના ભેદભાવનો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો છે.
અગાઉના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈદની ઉજવણીની પરંપરા તોડી દીધી હતી. આરબ દેશોમાં ઈદ સોમવારે હતી પણ દક્ષિણ એશિયામાં ઈદ મંગળવારે મનાવાઈ રહી છે.
ઈદ પ્રસંગે વ્હાઇટ હાઉસમાં આવેલા લોકોને સંબોધન કરતાં બાઇડને કહ્યું કે, આજે દુનિયાભરમાં હું જોઈ રહ્યો છું કે મોટા પ્રમાણમાં મુસલમાનો વિરુદ્ધ હિંસા થઈ રહી છે. કોઈની પણ સાથે ધાર્મિક ઓળખને લઈને ભેદભાવ કે અત્યાચાર ન થવો જોઈએ. મુસલમાનો આપણા દેશને દરરોજ મજબૂત બનાવી રહ્યા છે પણ આજે તેઓ સામાજિક પડકારો અને જોખમનો સામનો કરી રહ્યાં છે. એમણે હિંસા વેઠવી પડે છે અને ઇસ્લામોફોબિયા થકી પણ નિશાન બનાવાય છે.
અમેરિકામાં બિલ કિલન્ટને વ્હાઇટ હાઉસમાં ઈદ મનાવવાની શરૂઆત કરી હતી. આ પરંપરા ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધી ચાલતી હતી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઈદ મનાવવાની પરંપરા તોડી દીધી. જોકે ટ્રમ્પ પણ નિવેદન બહાર પાડીને ઈદની શુભેચ્છા આપતા હતા.
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે એમણે તાજેતરમાં જ ફેડરલ બેંચમાં પ્રથમ મુસ્લિમ મહિલાને નામાંકિત કર્યાં છે.
એમણે કહ્યું કે તેઓ પોતાની સરકારમાં વૈવિધ્યને ખાસ ભાર આપે છે અને તેને લઈને પ્રતિબદ્ધ છે.
વૉશિંગ્ટનની મસ્જિદના ઇમામ તાલિબ શરીફે કહ્યુ કે, વ્હાઇટ હાઉસ તરફથી અમેરિકા અને આખી દુનિયામાં મહત્ત્વનો સંદેશ ગયો છે. એમણે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિના નિવેદનનું સ્વાગત કરીએ છીએ. અમારી સરકાર રાષ્ટ્રના મૌલિક મૂલ્યો, કાયદા અને ધાર્મિક સ્વતંત્રતાને પ્રતિબદ્ધ છે.
ગુજરાતમાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
ગુજરાત સરકારે સોમવારે જાહેરાત કરી છે કે કોરોનાને કારણે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા સતત બીજા વર્ષે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટરના માધ્યમથી આ જાહેરાત કરી હતી.
ગત વર્ષે કોરોનાની બીજી લહેર વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા જ યોજાઈ ન હતી.
જ્યારે આ વર્ષે ઓફલાઇન પરીક્ષા યોજાઈ હોવા છતાં માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશથી વધુ 155 કિલોગ્રામ હેરોઇન ઝડપ્યું
ગુજરાત એટીએસે થોડા દિવસ પહેલાં ભારતીય જળસીમામાં ગુજરાત પાસેથી એક પાકિસ્તાની બોટમાંથી જંગી માત્રામાં હેરોઇન પકડ્યા બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સતત દરોડા પાડીને ડ્રગ્ઝ પકડવામાં આવી રહ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત એટીએસ તેમજ દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસે સાથે મળીને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી 775 કરોડ રુપિયાનું 155 કિલોગ્રામ હેરોઇન અને 55 કિલોગ્રામ કૅમિકલ પકડ્યું છે.
એટીએસનાં સૂત્રોને ટાંકીને અખબાર લખે છે કે આ ડ્રગ્ઝનો જથ્થો અગાઉ પકડાયેલા આરોપી રાજી હૈદર ઝૈદીના સંબંધીના ઘરમાંથી મળી આવ્યો છે.
એટીએસના એસ.પી. સુનીલ જોશીએ પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા વિસ્તારમાંથી પકડાયેલા 280 કરોડના હેરોઇન બાદની તપાસમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી પહેલા 35 કિલોગ્રામ અને ત્યાર દા 155 કિલોગ્રામ હેરોઇન પકડાયું છે અને દિલ્હીના જામિયાનગર અને શાહીનબાગમાંથી 50 કિલોગ્રામ હેરોઇન ઝડપાયું છે.
જર્મની 2030 સુધી ભારતને કરશે 10 અબજ યૂરોની મદદ
જર્મનીએ સોમવારે 2030 માટે નિર્ધારિત જળવાયુ પરિવર્તનના લક્ષ્યોને હાંસલ કરવા માટે ભારતની સહાય માટે 10 અબજ યૂરોની મદદ કરવાની જાહેરાત કરી છે.
ભારત માટે 2030ના લક્ષ્યમાં 50 ટકા સોલાર ઍનર્જી સોર્સિંગ અને 500 ગીગાવૉટ બિન-જીવાશ્મ ઇંધણથી વીજળી ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.
છઠ્ઠા ભારત-જર્મની ઇન્ટર-ગવર્મેન્ટ કન્સલ્ટેશન (આઈજીસી) બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે, "આજે જર્મની હરિત અને સતત વિકાસ માટે ઇન્ડો-જર્મન ભાગીદારીની શરૂઆત કરી રહ્યું છે. આ અંતર્ગત જર્મની 2030 સુધી 10 અબજ યૂરોની મદદ ભારતને કરશે. આ રકમ ભારતમાં હરિત વિકાસ યોજનાઓને મદદ કરશે."
વડા પ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્સ વચ્ચે વાતચીત બાદ આ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું.
બન્ને નેતાઓ વચ્ચે આ સમજૂતીને રાજનૈતિક દિશા આપવા માટે આઈજીસી અંતર્ગત એક દ્વિપક્ષીય મંત્રીસ્તરીય સિસ્ટમ બનાવવા પર સમજૂતી થઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો