મેહુલ ચોકસીની વિરુદ્ધ સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો, 22 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ - પ્રેસ રિવ્યૂ

સીબીઆઈએ હીરા વેપારી અને ભાગેડુ મેહુલ ચોકસી તથા તેમની કંપની ગીતાંજલિ જેમ્સની વિરુદ્ધ એક નવો કેસ દાખલ કર્યો છે.

ચોકસી અને તેમની કંપની પર આઈએફસીઆઈ સાથે દગો કરવાનો આરોપ છે. ચોકસીની વિરુદ્ધ કથિત રીતે 22 કરોડ રૂપિયાની દગાખોરીનો આરોપ છે.

સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારી અનુસાર આઈએફસીઆઈના આસિસ્ટન્ટ જનરલ મૅનેજરે મેહુલ ચોકસી અને તેમની કંપની ગીતાંજલિ જેમ્સની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ચોકસીની વિરુદ્ધ આઈપીસીની કલમ 420 (દગો) 468 અને કલમ 471 હેઠળ કેસ દાખલ કર્યો છે.

ગત મહિને પંજાબ નેશનલ બૅન્ક સાથે દગાખોરીના કેસમાં ઇનકમ ટૅક્સ વિભાગે પુણેમાં તેમની નવ અકર જમીન જપ્ત કરી લીધી હતી. મેહુલ ચોકસી અને નીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનો દગો કરવાનો આરોપ છે.

બંને 2018માં ભારતથી નાસી છૂટ્યા હતા. મેહુલ ચોકસી અને નીરવ મોદી સંબંધી પણ છે.

હાર્દિક પટેલે ટ્વિટર હેન્ડલ પરથી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું પદ હટાવ્યું

છેલ્લા કેટલાક સમયથી કૉંગ્રેસ પાર્ટીથી નારાજ હાર્દિક પટેલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કૉંગ્રેસનું પદ (કાર્યકારી અધ્યક્ષ) હટાવી દીધું છે.

હાર્દિક પટેલ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ છે અને ઘણા સમયથી તેઓ કૉંગ્રેસની કાર્યશૈલી અંગે મીડિયા સમક્ષ બોલતા રહ્યા છે.

હાર્દિક પટેલ પક્ષથી 'નારાજ હોવાથી તેઓ કૉંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે', એવી મીડિયામાં અટકળો પણ ચાલતી રહે છે.

ત્યારે હવે તેમણે ટ્વિટર હેન્ડલ પરથી કાર્યકારી અધ્યક્ષનું પદ કાઢી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં હાર્દિક પટેલના પિતાની પૂણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાર્દિકે કૉંગ્રેસ સહિત ભાજપના નેતાઓને પણ આમંત્રિત કર્યા હતા.

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કયાં શહેરોમાં હીટ વેવની આગાહી?

રવિવારે ગુજરાતમાં 44 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતું શહેર હતું. જોકે, હવામાનવિભાગ પ્રમાણે સોમવારે ગરમીમાં સામાન્ય રાહત રહી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, આગામી ત્રણ-ચાર દિવસમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ગરમી સામાન્ય કરતાં થોડી વધારે રહેશે. જોકે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે.

તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવા છતાં અમદાવાદ, ગાંધીનગર તેમજ કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

એપ્રિલ મહિનામાં જીએસટીનું રૅકૉર્ડ બ્રેકિંગ 1.68 લાખ કરોડનું કલેક્શન

એપ્રિલ મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)નું રૅકૉર્ડ બ્રેકિંગ કલેક્શન નોંધાયું છે.

ઇકોનૉમિક્સ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, અર્થતંત્રમાં કેટલીક તકલીફો હોવા છતાં એપ્રિલ મહિનામાં 1.68 લાખ કરોડ રૂપિયાનું કલૅક્શન નોંધાયું છે. જે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં નોંધાયેલા કલૅક્શન કરતાં 20 ટકા વધારે છે.

આ પહેલાં સૌથી વધારે કલૅક્શન માર્ચ મહિનામાં નોંધાયું હતું. જે 1.42 લાખ કરોડ હતું. તેના કરતાં આ વખતે 25 હજાર કરોડ રૂપિયા વધારે કલૅક્શન નોંધાયું છે.

એપ્રિલ 2022માં એક કરોડથી વધુ જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ કલૅક્શન નોંધાયું હોય તેવો દિવસ 20 એપ્રિલ હતો.

20 એપ્રિલે જીએસટી રિટર્ન માટે કૂલ 9,58,000 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતાં. જે થકી 57,847 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ હતી.

ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશથી કરોડોનું ડ્રગ્ઝ પકડ્યું

ગુજરાતના દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટ 'અલ હજ'માંથી નવ પાકિસ્તાની નાગરિકો સાથે પકડાયેલા કરોડોના ડ્રગ્ઝની તપાસ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત એન્ટી ટૅરિરિસ્ટ સ્ક્વૉડે ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરમાં આવેલા કિદવાઈનગરનાં બે ઘરોમાં દરોડા પાડ્યા હતા.

એટીએસ પાસે માહિતી હતી કે ડ્રગ પૅડલરે પોતાના પાડોશીના ઘરમાં ડ્રગ્ઝ સંતાડી રાખ્યું છે. તપાસ કરતાં પાડોશીના ઘરમાંથી જ મોટી માત્રામાં ડ્રગ્ઝ મળી આવ્યું હતું.

જોકે, પાડોશીનું કહેવું હતું કે તેમના ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી બેગ મૂકવા મંજૂરી આપી હતી અને તેમને આ વિષે કોઈ ખ્યાલ નથી.

થોડા દિવસ અગાઉ જ ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીએ સંયુક્ત કામગીરી દ્વારા દિલ્હીમાંથી આશરે 56 કિલોગ્રામ જેટલું હેરોઇન ઝડપી પાડ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો