You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
WWE WWF: વીર મહાન કોણ છે?
- લેેખક, હર્ષલ આકુડે
- પદ, બીબીસી સંવાદદાતા
એક સમય હતો જ્યારે ભારતમાં ક્રિકેટની સાથે જ WWE અને WWF શો ઘણા લોકપ્રિય હતા.
અંડરટેકર, કેન, જૉન સીના, ધ રૉક જેવા સુપરસ્ટાર એ સમયે WWEમાં ટોચ પર હતા. ભારત તરફથી 'ધ ગ્રેટ ખલી'એ પણ WWEમાં ખળભળાટ મચાવ્યો હતો.
ધ ગ્રેટ ખલી ઘણા લોકપ્રિય થયા હતા. હવે આ યાદીમાં વીર મહાનનું નામ ઉમેરાયું છે.
સોશિયલ મીડિયા પર પણ વીર મહાનની જબરી ચર્ચા થઈ રહી છે. WWEમાં પ્રવેશ્યા પછી વીર મહાનનો ભારતીય લૂક અને સ્ટાઇલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
વીર મહાન કોણ છે અને એમની ઍન્ટ્રીની આટલી બધી ચર્ચા શા માટે થઈ રહી છે, એ વિશે ઘણા લોકો જાણવા માગે છે.
કોણ છે આ વીર મહાન?
ઉત્તર પ્રદેશના નાનકડા ગામથી માંડીને WWE સુધીની વીર મહાનની સફર ઘણી સંઘર્ષમય અને રોમાંચક રહી છે.
વીર મહાનનું સાચું નામ રિંકુસિંહ રાજપૂત છે અને તેઓ ઉત્તર પ્રદેશના રવિદાસનગર જિલ્લાના ગોપીગંજમાં 8 ઑગસ્ટે જન્મ્યા હતા.
રિંકુસિંહના પિતા ટ્રકચાલક છે. એમને 9 બાળકો છે. એમાંના એક તે રિંકુસિંહ રાજપૂત. રાજપૂતપરિવાર ગોપીગંજના એક નાના-શા ગામમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળપણથી જ એમને રમતગમતનો શોખ હતો અને તેઓ પહેલવાની પણ કરતા રહ્યા.
બેઝબૉલમાં સ્પીડ
શાળાજીવન દરમિયાન રિંકુસિંહ ભાલાફેંકના ખેલાડી હતા. ભાલાફેંકમાં એમને જુનિયર નૅશનલ કૅટેગરીમાં ચંદ્રક પણ મળ્યો છે. ત્યાર બાદ તેમણે લખનૌની ગુરુ ગોવિંદસિંહ સ્પૉર્ટ્સ કૉલેજમાં ઍડ્મિશન લીધું.
2008માં રિંકુએ ધ મિલિયન ડૉલર આર્મ નામના ભારતીય રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. એ શોમાં ઝડપથી બેઝબૉલ ફેંકવાનારા ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો. તે બેઝબૉલનો એક ટૅલેન્ટ શો હતો.
એ ટૅલેન્ટ શોમાં રિંકુસિંહને એમના ભાલાફેંકના અનુભવથી ઘણો ફાયદો થયો. એમ તો તે પહેલાં રિંકુસિંહ ક્યારેય બેઝબૉલ નહોતા રમ્યા, પરંતુ સશક્ત શરીર અને ગતિશીલતાના કારણે તેઓ ટૅલેન્ટ શો જીતી ગયા હતા.
રિંકુસિંહે એ શોમાં પ્રતિ કલાક 87 માઇલ એટલે કે 140 કિલોમીટરની ઝડપે બેઝબૉલ ફેંક્યો હતો અને પહેલા નંબરે રહ્યા હતા. આ કથાનક પર એક ફિલ્મ પણ બની છે.
ત્યાર બાદ બેઝબૉલમાં રિંકુસિંહની રુચિ વધી ગઈ. તેઓ બેઝબૉલમાં કરિયર બનાવવા માટે અમેરિકા જતા રહ્યા. ત્યાં એમણે જુદી જુદી બેઝબૉલ ટીમોમાં ભાગ લીધો. છેવટે પીટર્સબર્ગ પાઇરેટ્સની સાથે એમણે કરાર કર્યો અને તેઓ સફળ થયા.
રિંકુસિંહ રાજપૂત વ્યાવસાયિક અમેરિકન બેઝબૉલ ટીમમાં રમનારા પહેલા ભારતીય ખેલાડી પણ બની ગયા.
આગળ જતાં રિંકુસિંહે બેઝબૉલ ફેંકવાની પોતાની સ્પીડ પ્રતિ કલાક 87 માઇલથી વધારીને પ્રતિ કલાક 90 માઇલની કરી લીધી. એમણે 2009થી લઈને 2016 સુધી દુનિયાભરમાં ઘણી લીગમાં ભાગ લીધો અને એમની રમતે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું.
2018માં રિંકુસિંહે બેઝબૉલની રમત છોડી દીધી. ત્યાર બાદ એમણે વ્યાવસાયિક રેસલિંગ તરફ ધ્યાન આપવા માંડ્યું અને 2018માં એમણે WWEની સાથે કરાર કર્યો.
ભારતીય ખેલાડી સૌરવ ગુર્જરની સાથે મળીને એમણે 'ધ ઇન્ડસ શેર' નામની ટીમ બનાવી. બંનેએ સાથે મળીને WWE NXTમાં ભાગ લીધો. આરંભના સમયે રિંકુસિંહ પોતાના જન્મના નામ રિંકુથી જ WWEમાં ચર્ચામાં હતા.
એમની ટીમમાં જિંદર મહાલ નામના અન્ય એક સભ્ય જોડાઈ ગયા. તે સમયે રિંકુસિંહે વીર નામ ધારણ કરી લીધું અને એ નામથી જ તેમણે ઘણા શોમાં ભાગ લીધો.
વીર, શૉકી અને જિંદરની બનેલી ટીમ સળંગ 12 સ્પર્ધા જીતી. ઘણાં બધાં કારણોને લીધે આખરે 2021માં વીર પોતાની એ ટીમમાંથી છૂટા પડી ગયા. એમણે સ્વતંત્ર રેસલર તરીકે WWE રૉની સાથે કરાર કર્યો. આ વખતે એમણે પોતાનું નામ વીર મહાન રાખ્યું.
વીર મહાનનું ટ્રમ્પ કાર્ડ શું છે?
જ્યારે સ્માર્ટ ફોન નહોતા ત્યારે WWEના ખેલાડી એમના ટ્રમ્પ કાર્ડથી ઓળખાતા હતા. એ ટ્રમ્પ કાર્ડમાં WWEના રેસલરની ઊંચાઈ, વજન, વગેરે માહિતી રહેતી હતી.
તો પછી, વીર મહાનનું ટ્રમ્પ કાર્ડ શું છે? વીર મહાનના સશક્ત શરીર વિશે અગાઉ જણાવી ચૂક્યા છીએ. એમની ઊંચાઈ 6 ફૂટ 4 ઇંચ અને વજન 125 કિલો છે.
WWEના શોમાં વીર મહાન અદ્દલ ભારતીય સ્ટાઇલમાં જોવા મળે છે. એમના ભુજાઓ સુધી પહોંચતા વાળ, કાળી આંખો, લાંબી દાઢી અને માથા પર લાગેલા ચંદન સાથેનું એમનું વ્યક્તિત્વ વધારે ભવ્ય દેખાય છે.
એની સાથે જ, એમના લૂકની સૌથી ખાસ વાત કપાળ પરનું પારંપરિક ભારતીય ત્રિપુંડ (ચંદન) છે. એમના જૂના સાથી સૌરવ ગુર્જર પણ એમની જેમ જ માથે ચંદન લગાવતા હતા.
વીર મહાનની છાતી પર મોટા અક્ષરોમાં 'मां' લખેલું છે, જે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. તેઓ ગળામાં રુદ્રાક્ષની માળા અને કાળું કપડું પહેરે છે. આ લૂકમાં તેઓ અલગ જ દેખાઈ આવે છે.
પોતાની લક્ષ્યભેદી સ્ટાઇલની સાથે 4 એપ્રિલે વીર મહાને WWEમાં ઍન્ટ્રી કરી હતી. ગયા વર્ષે ઑક્ટોબરમાં WWE રૉમાં વીરની ઘણી ચર્ચા થઈ હતી. મોટા પાયે એમની જાહેરાતો પણ થઈ હતી. છેવટે 4 એપ્રિલે વીર મહાન મુકાબલા માટે રિંગમાં ઊતર્યા. એ મુકાબલામાં વીર મહાને રે અને ડોમિનિક મિસ્ટ્રિયો - પિતા-પુત્રની જોડીને પછાડી દીધી હતી. સોશિયલ મીડિયા પર એ મુકાબલાની ઘણી ચર્ચા થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો