IPL 2021 : ચહલની હૅટ્રિક અને બટલરની સદી પણ મૅચનો ખરો હીરો સાબિત થયો સાવ અજાણ્યો ખેલાડી
રમતની દુનિયામાં કહેવાય છે કે જે ખેલાડી અંતિમ પળ સુધી દબાણમાં નથી આવતો, જીત તેના જ નસીબમાં આવે છે. સોમવારે રાત્રે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સ વચ્ચે યોજાયેલી મૅચમાં આ વાત ફરી એક વખત સાબિત થઈ.

ઇમેજ સ્રોત, BCCI/IPL
બન્ને ટીમો વચ્ચે રસપ્રદ જંગ જામી હતી અને મૅચની અંતિમ ઓવર પહેલાં કોણ જીતશે, તે કહેવું મુશ્કેલ હતું.
કોલકાતા નાઇટરાઇડર્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી.
આમ તો આ સ્કોર સામાન્ય લાગતો હતો કારણ કે જ્યારે ત્રણ ઓવરમાં 38 રન કરવાના બાકી હતા ત્યારે ઉમેશ યાદવે બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને મૅચનો રોમાંચ જાળવી રાખ્યો હતો.
બીજી બાજુ રાજસ્થાન રૉયલ્સના ચારેય મુખ્ય બૉલર્સની ઑવર પૂરી થઈ ગઈ હતી. ટ્રૅન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ફાસ્ટ બૉલર સિવાય રવિચંદ્રન અશ્વિન અને યજુવેન્દ્ર ચહલ જેવા સ્પિનર પોતાની ચાર-ચાર ઑવર પૂર્ણ કરી ચૂક્યા હતા.

ઇમેજ સ્રોત, BCCI/IPL
કૅપ્ટન સંજુ સૅમસન પાસે પોતાના પાંચમા બૉલર ઓબેડ મૅકૉય સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. મૅકૉય પોતાની ત્રણ ઓવરમાં 38 રન આપી ચૂક્યા હતા.
આ પડકારને મૅકોય સંભાળી શકશે કે કેમ, તેને લઈને કોઈ પણ નિશ્ચિંતપણે દાવો કરવાની સ્થિતિમાં ન હતું, કારણ કે તેઓ આઈપીએલમાં પોતાની ડૅબ્યુ મૅચ રમી રહ્યા હતા.
જોકે, ડૅબ્યુ મૅચને યાદગાર બનાવવા માટે મૅકૉયે દબાણના પળોમાં કોઈ ચૂક ન કરી. તેમણે લાઇન લૅન્થને ઠીક રાખવા સાથે ધીમા બૉલ પર પણ ભરોસો કર્યો. પ્રથમ બૉલ પર તેમણે બે રન આપ્યા. બીજા બૉલ પર તેમણે શૅલ્ડન જૅક્સનને શૉર્ટ ફાઇન લેગ પર કૅચ આઉટ કરાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રીજા બૉલ પર વરુણ ચક્રવર્તીએ એક રન આપીને ઉમેશ યાદવને સ્ટ્રાઇક આપી. ઉમેશ માત્ર આઠ બૉલમાં 21 રન બનાવીને રમી રહ્યા હતા. તેમની સામે ત્રણ બૉલમાં આઠ રન બનાવવાનો પડકાર હતો, પરંતુ મૅકૉયે એક સીધો ધીમો બૉલ નાંખીને તેમને ક્લીન બોલ્ડ કરી દીધા.

ચહલની હૅટ્રિક

ઇમેજ સ્રોત, BCCI/IPL
જો ઓબેડ મૅકૉયની ઓવરમાં કોલકાતાએ 11 રન બનાવી દીધા હોત તો જૉસ બટલરની સદી અને યજુવેન્દ્ર ચહલની હૅટ્રિક બન્ને પર પાણી ફરી ગયું હોત. ઉલ્લેખનીય છે કે આઈપીએલના 15મી સિઝનમાં આ પહેલી મૅચ હતી જેમાં સદી અને ઇનિંગમાં પાંચ વિકેટ એકસાથે જોવા મળી હોય. રસપ્રદ વાત એ પણ છે કે બન્ને વસ્તુ રાજસ્થાન રૉયલ્સ તરફથી જ જોવા મળી.
જોકે, કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી ઍરૉન ફિન્ચ અને કૅપ્ટન શ્રેયસ ઐય્યરે બટલરની સદીને લગભગ નિષ્ફળ સાબિત કરી દીધી હતી. ઇનિંગના પહેલા બૉલ પર સુનીલ નરેન ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા બાદ ફિંચ અને અય્યરે માત્ર 53 બૉલમાં 107 રનની ભાગીદારી નોંધાવી હતી.
નવમી ઓવરના અંતિમ બૉલ પર ઍરૉન ફિંચ 28 બૉલમાં 58 રન બનાવીને આઉટ થયા હતા. તેમણે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ શ્રેયસ ઐય્યરે મોર્ચો સંભાળી રાખ્યો. તેઓ 50 બૉલમાં 85 રન બનાવીને ક્રીસ પર ઊભા હતા.
મૅચની 17મી ઓવર માટે જ્યારે યજુવેન્દ્ર ચહલ આવ્યા ત્યારે કોલકાતાને ચાર ઓવરમાં 40 રનની જરૂર હતી અને તેમની પાસે છ વિકેટ બાકી હતી.

ઇમેજ સ્રોત, BCCI/IPL
આ ઓવરના પહેલા બૉલ પર ચહલે વેંકટેશ ઐય્યરને આઉટ કર્યા અને અંતિમ ત્રણ બૉલ પર શ્રેયસ ઐય્યર, શિવમ માવી અને પૅટ કમિન્સને પૅવેલિયનભેગા કર્યા હતા. હૅટ્રિક સહિત ચહલે આ ઓવરમાં કૂલ ચાર વિકેટ ખેરવી હતી.
એક રીતે મૅચની 17મી ઓવર ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ. ચહલે આ ઓવરમાં ચાર વિકેટ લઈને માત્ર બે રન આપ્યા. તેમણે પહેલી વખત આઈપીએલની ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી. જેથી તેમને 'મૅન ઑફ ધ મૅચ'નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
ચહલની હૅટ્રિકની અસર એ રહી કે કોલકાતાના ચાર બૅટર પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્યા.

બટલરની તોફાની સદી

ઇમેજ સ્રોત, BCCI/IPL
આ પહેલા ઇંગ્લૅન્ડના બૅટર જૉસ બટલરે એક ધમાકેદાર સદી ફટકારીને રાજસ્થાન રૉયલ્સનો સ્કોર પાંચ વિકેટ પર 217 રન સુધી પહોંચાડ્યો હતો. બટલરે 61 બૉલમાં 103 રન માર્યા હતા. જેમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ છે.
તેમની આ ઇનિંગના કારણે જ રાજસ્થાન રૉયલ્સ આ સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું છે. બટલર શરૂઆતમાં જરાય ફોર્મમાં નહોતા લાગી રહ્યા. પહેલી બે ઓવર દરમિયાન તેઓ સરખી રીતે બૅટિંગ પણ નહોતા કરી શક્તા.
પહેલા નવ બૉલમાં તેમણે માત્ર ત્રણ રન બનાવ્યા હતા, પરંતુ જ્યારે તેમનો ટાઇમિંગ ઠીક થયો ત્યારે તેમણે પાછળ વળીને જોયું પણ નહીં. ખાસ વાત એ રહી કે તેમણે ખુદ પર કાબૂ પણ રાખ્યો અને કોલકાતા તરફથી 150મી મૅચ રમી રહેલા સુનીલ નરેનના સ્પિન પર કોઈ જોખમ ન ઉઠાવ્યું.
217 રન આઈપીએલની આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે. હૅટમાયર 13 બૉલમાં 26 રન બનાવીને અણનમ રહ્યા. તેમણે અંતિમ ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો મારીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
હૅટમાયર અને મૅકૉય બન્ને વેસ્ટ ઇન્ડીઝ ટીમના ખેલાડી છે અને બન્ને આ મેચમાં રાજસ્થાન રૉયલ્સ માટે નિર્ણાયક સાબિત થયા હતા.
આ હાર બાદ કોલકાતા નાઇટરાઇડર્સ કદાચ જ મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં કોઈ મૅચ રમવા ઈચ્છે, કારણ કે તેઓ અહીં રમેલી તમામ પાંચ મૅચ હારી ચૂક્યા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












