ઇસ્લામોફોબિયા સામે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ થયેલા પ્રસ્તાવથી ભારત ચિંતિત શા માટે?

    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મંગળવારે નિર્ણય કર્યો છે કે હવેથી 15 માર્ચને 'ઇસ્લામોફોબિયા વિરોધી દિવસ' તરીકે ઊજવવામાં આવશે.

આ મુદ્દે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે એક ધર્મવિશેષની બાબતમાં ડર એટલી હદે વધી ગયો છે કે એના માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની સ્થિતિ ઊભી થઈ છે.

ભારતે એમ પણ કહ્યું કે વિભિન્ન ધર્મો, ખાસ કરીને હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મની સામે અલગ રીતે ડરનો માહોલ ઊભો કરાઈ રહ્યો છે.

એ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આખરે ભારત જેવો દેશ મુસલમાનો વિરુદ્ધની હિંસા અને નફરત રોકવા માટે લાવતા કોઈ પણ પ્રસ્તાવનો વિરોધ કેમ કરે છે?

પ્રસ્તાવ શો છે?

આ પહેલાં, 193 સભ્ય ધરાવતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉન્ફરન્સ (ઓઆઇસી) તરફથી દર વર્ષે 15 માર્ચને 'ઇન્ટરનૅશનલ ડે ટૂ કૉમ્બેટ ઇસ્લામોફોબિયા' એટલે કે ઇસ્લામ સામેના ડર સામે લડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ઓઆઇસીના 57 સભ્ય દેશો ઉપરાંત ચીન, રશિયા સહિત અન્ય 8 દેશોના સમર્થનથી આ પ્રસ્તાવ પાસ પણ થઈ ગયો. દાવો એવો કરાયો છે કે દુનિયામાં મુસલમાનો વિરુદ્ધનાં નફરત, ભેદભાવ અને હિંસાને અટકાવવા માટે આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસ્તાવને રજૂ કરતાં પાકિસ્તાની રાજદૂત મુનીર અકરમે કહ્યું કે, "ઇસ્લામોફોબિયા એક સચ્ચાઈ છે. આ પ્રવૃત્તિ દુનિયાના ઘણા ભાગમાં વધી રહી છે. આ તથ્યને ધ્યાનમાં રાખવું જોઈએ."

અકરમે કહ્યું કે દુનિયામાં ઇસ્લામોફોબિયાને નફરત ફેલાવતાં ભાષણો, ભેદભાવ અને મુસલમાનો વિરુદ્ધ થતી હિંસારૂપે જોઈ શકાય છે.

એમણે કહ્યું કે આ પ્રકારનાં હિંસા, ભેદભાવ અને શત્રુતાપૂર્ણ વ્યવહાર મુસલમાનોના માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન છે અને એનાથી મુસ્લિમ દેશોમાં અશાંતિ ઊભી થાય છે.

જોકે, ભારતનું માનવું છે કે આ પ્રસ્તાવ એક ધર્મવિશેષ વિરુદ્ધ પોતાનો અવાજ રજૂ કરે છે, પરંતુ બીજા ધર્માવલંબીઓ પર થનારા અત્યાચારોની ઉપેક્ષા કરે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે આ પ્રસ્તાવ હિન્દુ, શીખ અને બૌદ્ધ જેવા અન્ય ધર્મો સામેનાં હિંસા, ભેદભાવ અને નફરતને નજરઅંદાજ કરે છે.

ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, "એક ધર્મ પર ભાર મૂકવો એ એક વાત છે અને એક ખાસ ધર્મ માટેની નફરત વિરોધી દિવસ ઊજવવો બિલકુલ બીજી વાત છે. એવી શક્યતા છે કે આ પ્રસ્તાવ બીજા બધા ધર્મો સામેની ઘૃણા અને હિંસાની ગંભીરતાને દબાવી દેશે.

ભારતે શું કહ્યું?

હિંદુઓ, શીખો અને બૌદ્ધો સામેની ઘૃણા અને હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે 1.2 અબજ લોકો હિન્દુ ધર્મમાં માને છે. બૌદ્ધ ધર્મમાં માનનારા 53.5 કરોડ લોકો છે અને 3 કરોડથી વધારે શીખ દુનિયાભરમાં છે. આ સમયે આપણે એક ધર્મના બદલે બધા ધર્મો સામે ફેલાઈ રહેલા ડરના માહોલને સમજીએ.

સંયુક્ત રાષ્ટ્રએ એવા ધાર્મિક મુદ્દાઓથી અલગ રહેવાની જરૂર છે જે દુનિયાને એક પરિવારની રીતે જોવા અને આપણને શાંતિ અને સૌહાર્દના મંચ પર એકસાથે રાખવાના બદલે આપણને વહેંચી શકે છે.

આ પ્રસ્તાવ પાસ થયા પછી તિરુમૂર્તિએ કહ્યું કે ભારત યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની સામે થતી કોઈ પણ પ્રવૃત્તિની નિંદા કરે છે, પરંતુ ડરનો માહોલ માત્ર આ ધર્મો માટે જ નથી.

એમણે કહ્યું, "વાસ્તવમાં એ વાતની સાબિતી છે કે ધર્મોની સામે આવા ડરના માહોલે યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનો સિવાય અન્ય ધર્માવલંબીઓને પણ અસર કરી છે. એનાથી ધર્મો સામે ખાસ કરીને હિન્દુઓ, બૌદ્ધો અને શીખો માટે ડરનો માહોલ વધ્યો છે."

એમણે એ તરફ પણ ધ્યાન દોર્યું કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને એ ના ભૂલવું જોઈએ કે 2019થી, 22 ઑગસ્ટને ધર્મના નામે થતી હિંસામાં મરાયેલા લોકોની યાદમાં મનાવવામાં આવે છે. એ દિવસ સંપૂર્ણ રીતે બધાં પાસાંને આવરી લે છે.

ભારતના જાણીતા પત્રકાર અને વિશ્લેષક હરતોષસિંહ બલે કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્રનો પ્રસ્તાવ એક સારું પગલું છે, પરંતુ પ્રસ્તાવની બાબતે ભારત ચિંતિત છે, કેમ કે ભવિષ્યમાં એની જ ટીકા કરવામાં આવશે."

"ભારત એક તરફ ધાર્મિક સમતા, લોકશાહી અને સહિષ્ણતાની વાત કરે છે, બીજી તરફ નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) જેવો ધાર્મિક ભેદભાવ કરનારો કાયદો પણ પાસ કરે છે. દેશનું લોકશાહી માળખું બહુસંખ્યકના ધર્મ પ્રમાણે ઘડવામાં આવે છે. ત્યાં, સંયુક્ત રાષ્ટ્રમાં સહિષ્ણુતાની વાત થઈ રહી છે."

થોડાક મહિના પહેલાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહેલું કે સાંપ્રદાયિક ઘૃણા માત્ર અબ્રાહ્મિક ધર્મો (ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મ)ની સામે જ નથી, બલકે હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મની સામે પણ ફેલાઈ રહી છે.

ભારતના રાજદૂતે પોતાના બયાનમાં કહ્યું કે, અફઘાનિસ્તાનના બામિયાનમાં ગૌતમ બુદ્ધની પ્રાચીન પ્રતિમા તોડવી, ગુરુદ્વારા અપવિત્ર કરવા, ગુરુદ્વારામાં શીખોનો નરસંહાર, મંદિરો પર હુમલા અને મૂર્તિઓ તોડવી અ-બ્રાહ્મિક ધર્મોની સામે સાંપ્રદાયિક ઘૃણા ફેલાવવાની નવી રીતો છે.

અંગ્રેજી દૈનિક ધ હિન્દુ સાથે જોડાયેલા જાણીતા પત્રકાર અમિત બરુઆએ બીબીસી સાથે થયેલી વાતચીતમાં કહ્યું કે ભારતે આ બાબતમાં ખૂબ અસામાન્ય વલણ અપનાવ્યું છે.

અમિત બરુઆએ કહ્યું, "ઇસ્લામોફોબિયા એક ગંભીર મુદ્દો છે અને સારું છે કે હવે એ મામલો દુનિયાના મંચ પર ગંભીર મુદ્દા તરીકે ઊભર્યો છે. પહેલાં ઇસ્લામોફોબિયા પર ધ્યાન ન આપવાનું એક મુખ્ય કારણ આતંકવાદ હતું."

જોકે, એમનું માનવું છે કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ કરતાં વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે દુનિયાના તમામ દેશ પોતપોતાના દેશમાં ઇસ્લામોફોબિયાની સામે સખત કાયદો બનાવે.

ભારતના વલણ બાબતે એમણે જણાવ્યું કે, "જ્યાં સુધી હિન્દુ અને શીખ ધર્મોની સામે ધાર્મિક નફરતનો સવાલ છે, તો મોટા ભાગે એ પશ્ચિમી દેશોની અજ્ઞાનતાનું પરિણામ છે."

એમણે ઉમેર્યું કે, "ભારતે પોતાના નાગરિકોને સંદેશ પહોંચાડવા માટે આ વલણ અપનાવ્યું છે."

મુસલમાન ભારતનો સૌથી મોટો અલ્પસંખ્યક સમૂહ છે. દેશમાં એમની વસ્તીસંખ્યા લગભગ 14 ટકા છે. ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન પછી ભારતમાં મુસલમાનોની વસ્તી સૌથી વધારે છે.

માનવાધિકાર સમૂહો અને જાણકારોનું માનવું છે કે દેશમાં ભાજપા સત્તારૂઢ થયા પછીથી મુસલમાનો સામે ભાદભાવ, હિંસા અને સાંપ્રદાયિક ઘૃણાની ઘટનાઓ તેજીથી વધી છે.

ભારતમાં મુસલમાનો સામે વધતી નફરતની બાબતમાં સંયુક્ત રાષ્ટ્ર, યુરોપીય સંઘ, અમેરિકા અને ઘણા અરબ દેશ છેલ્લા કેટલાક સમયથી પોતપોતાની ચિંતા પ્રકટ કરતા રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો