મોડાસા : પતિનું કાતિલ આલિંગન, પત્નીને ભેટ્યો અને બ્લાસ્ટ થયો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી
ફિદાઇન ઍટેક એટલે કે આત્મઘાતી હુમલો શબ્દ આપણે દેશ અને દુનિયામાં ચરમપંથી સમૂહોની આસપાસ જ સાંભળ્યો છે, પણ કોઈ પતિ પોતાની પત્નીની હત્યા કરવા ફિદાઇન ઍટેક કરે એવી ઘટના પહેલી વાર બની છે અને તે ગુજરાતમાં બની છે.
24 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં મોડાસા પાસેના નાનકડા ગામ ટીબી છાપરામાં આ ઘટના બની છે. આ ઘટનામાં પતિએ શરીર પર ડિટોનેટર બાંધીને, પત્નીને ભેટીને બ્લાસ્ટ કર્યો અને તેમાં પતિ અને પત્ની બેઉ મૃત્યુ પામ્યાં.

ઇમેજ સ્રોત, Ramesh Patel
ફિદાઇન ઍટેક કરનાર પતિનું નામ લાલાભાઈ પગી છે અને પત્નીનું નામ શારદાબહેન છે.

દારૂની લત, ચારિત્ર્યની શંકા અને સમાધાન

ઇમેજ સ્રોત, Ramesh Patel
ઉત્તર ગુજરાતના નાનકડા ગામ બીટી છાપરામાં રહેતાં શારદાબહેન પગીનાં લગ્ન 18 વર્ષ પહેલાં મુલોજ ગામના લાલાભાઈ પગી સાથે થયાં હતાં.
એમનું લગ્નજીવન શરૂઆતમાં સુખી હતું અને તેમને એક 16 વર્ષનો પુત્ર પણ છે.
પથ્થર તોડવાનું અને વૅલ્ડિંગનું કામ કરતા લાલાભાઈ પગીને 2006થી દારૂ પીવાની ટેવ પડી ગઈ અને એ કારણે ઘરમાં કંકાસ રહેતો હતો.

ઇમેજ સ્રોત, Ramesh Patel
મૃતક શારદાબહેનના ભાઈ તારાલભાઈ પગીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "2016માં મારા બનેવીએ મારી બહેનને ઘર ચલાવવા માટે પૈસા આપવાનું બંધ કર્યું, તો મારી બહેને મજૂરી કરી ઘર ચલાવવાનું શરૂ કર્યું."
"મારો બનેવી દારૂ પીને ફર્યા કરતો હતો. મારી બહેનની મજૂરીના પૈસા લઈ લેતો અને દારૂ પીને મારતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારી બહેનનો બીજા પુરૂષ સાથે આડો સંબંધ હોવાનો આરોપ પણ એ મૂકતો હતો. મારી બહેન મજૂરી કરવા જાય તો પ્રેમીને મળવા જાય છે, એમ કહી મારતો હતો. બહેનની હાલત ખરાબ થઈ ગઈ એટલે કંટાળીને અમે એને અમારા ઘરે લઈ આવ્યા હતા."
શારદાબહેનના પિયર જતા રહેવાથી પતિ લાલાભાઈ પગીની 'સમાજમાં બદનામી થઈ' અને સાસરીપક્ષે સમાધાન કરી લેવા કહ્યું.
શારદાબહેન ફરીથી સાસરીમા જવા માગતાં નહોતાં પરંતુ સમાજના આગેવાનોની હાજરીમાં પિયરપક્ષ અને સાસરીપક્ષ વચ્ચે સમાધાન થયું.

લૉકડાઉનની બેકારી અને ફરીથી દારૂની લત

ઇમેજ સ્રોત, Ramesh Patel
નવેમ્બર 2018માં 100 રૂપિયાના સ્ટેમ્પપેપર પર પતિ લાલાભાઈ દારૂ નહીં પીવે અને મારઝૂડ નહીં કરે એ શરત સાથે લખાણ કરવામાં આવ્યું અને એ પછી શારદાબહેન સાસરીમાં ગયાં.
તારાલભાઈ કહે છે કે, "લેખિત સમાધાન બાદ અમારી બહેન પુત્રના ભવિષ્ય વિચારીને ફરીથી સાસરીમાં ગઈ. સમાધાન પછી બધું સારું ચાલી રહ્યું હતું પણ લૉકડાઉન થયું અને બનેવીએ બેકારીમાં ફરીથી દારૂ પીવાનું શરૂ કર્યું."
"અગાઉની જેમ જ પરપુરુષ સાથે લફરું હોવાનો આરોપ મૂકીને, દારૂ પીને મારી બહેનની રોજ મારઝૂડ થવા માંડી. આશરે બે મહિના એણે મારઝૂડ અને ત્રાસ સહન કર્યાં અને ન વેઠાયું એટલે ફરી પિયર આવી ગઈ."

જેવો પતિ પત્નીને ભેટ્યો કે થયો બ્લાસ્ટ...

ઇમેજ સ્રોત, Getty Images
શારદાબહેન ફરીથી પિયર આવી ગયાં એ પછી લાલાભાઈ પગી વાંરવાર એમને પાછા સાસરીમાં લઈ જવા માટે આવતા હતા અને માફી માગતા હતા, આત્મઘાતી હુમલાની ઘટના પણ આ રીતે જ બની.
તારાલાભાઈ પગી કહે છે કે, "ગુરૂવારે રાત્રે મારો બનેવી ઘરે માફી માંગવા આવ્યો હતો. મારી બહેન સાથે ખાનગીમાં વાત કરવાનું કહીને એ એને ઘરની બહાર ઓસરીમાં લઈ ગયો."
"એણે પગે પડીને બહેનની માફી માગી. એ શું બોલે છે એ અમને સંભળાતું નહોતું પણ અમે આ દૂરથી જોઈ રહ્યાં હતાં. બનેવી અચાનક બહેનને ભેટ્યો અને તરત જ મોટો ધડાકો થયો."
"અમારી આંખ સામે જ મારી બહેનનાં શરીરના ફુરચા ઊડી ગયા. મારા બનેવીના પેટના ભાગના પણ ફુરચા ઊડી ગયા હતા. મારી બહેન શારદા ત્યાં જ મૃત્યુ પામી અને બનેવી લાલાભાઈને હૉસ્પિટલ લઈ જતા રસ્તામાં એમનું મોત થયું. એ કપડાંની અંદર બૉમ્બ છુપાવીને આવ્યો હશે, એની અમને ખબર જ ન પડી."

ઘાતક ડિટોનેટરની પોલીસતપાસ

ઇમેજ સ્રોત, Ramesh Patel
આ સમગ્ર બનાવની તપાસ કરી રહેલા અરવલ્લીના ડી.વાય. એસ.પી. બી.બી. બસિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને રાત્રે મોડાસાના ઈસારી પાસેના બીટી છાપરા ગામમાં બૉમ્બબ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયાની અને એક ગંભીર રીતે ઘાયલ થયાની જાણકારી મળી."
"અમે ત્યાં પહોંચ્યાં અને જોયું તો શારદાબહેન નામનાં મહિલા મૃત્યુ પામ્યાં હતાં. એના પતિ શરીર પર ડિટોનેટર બાંધીને આવ્યા હતા અને એ પત્નીને ભેટ્યા, જેમાં બંનેનું મૃત્યુ થયું હતું."
તેઓ કહે છે, "પત્ની સાથે બદલો લેવા માટે પતિ જીવતો બૉમ્બ બની આવે એવો આ પહેલો કિસ્સો છે. જોકે, અમારા માટે આ હત્યામાં ડિટોનેટરનો ઉપયોગ એ ખૂબ મોટી વાત હતી. અમે તાત્કાલિક એની તપાસ શરૂ કરી."
ડી.વાય.એસ.પી. બસિયા કહે છે કે, "પોતાની પત્નીને મારવા માટે ડિટોનેટરનો ઉપયોગ કરનાર લાલજીને દારૂની ટેવ હતી. અમે તેની અવરજવરની જગ્યાઓ પર તપાસ કરી તો ખબર પડી કે એ ડિટોનેટર મેઘરજના મણિલાલ તરાર પાસેથી લાવ્યો હતો."

ઇમેજ સ્રોત, Ramesh Patel
મેઘરાજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી. પી. વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મેઘરજ બસસ્ટૅન્ડ પાસે ભાડાની દુકાનમાં ગેરકાયદે ડિટોનેટર વેચવાનો ધંધો કરનાર મણિલાલ તરારની 50 નંગ ડિટોનેટર સાથે ધરપકડ કરી લેવામાં આવી છે."
રિટાયર્ડ એસીપી દીપક વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતમાં પરવાનગી સિવાય ડિટોનેટર વેચી શકાતું નથી."
"મુખ્યત્વે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણાના અમુક ભાગોમાં અને મધ્ય ગુજરાતના પંચમહાલ બાજુ કૂવા ઊંડા કરવા માટે અને પથ્થર તોડવા માટે ડિટોનેટર લાવવામાં આવે છે, અને એ સરકારી મંજૂરી પ્રમાણે જ વેચી શકાય છે."
દીપક વ્યાસ જણાવે છે કે, "સાબરકાંઠા અને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં પાણીનું સ્તર નીચે ગયું હોવાથી ઘણા આદિવાસી ખેડૂતો ગેરકાયદે ડિટોનેટર ખરીદી કૂવો ઊંડો કરતા હોય છે. મોટી ખાણોમાંથી વધારે પ્રમાણમાં ડિટોનેટર ગેરકાયદે વેચાય છે."

દારૂની માનસિક અસર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ઘટનામાં દારૂની લત એક મહત્ત્વનો મુદ્દો છે, ત્યારે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર પાર્થ વૈષ્ણવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ક્રોનિક આલ્કૉહોલિક લોકોને ભાન રહેતું નથી. દારૂનું વધારે પડતું સેવન કરવાથી જ્ઞાનતંતુઓ પર અસર થાય છે. એ કારણે ઇચ્છાશક્તિ મરી જાય અને લાગણીઓમાં ઓટ આવે છે."
"આવા લોકો ડિપ્રેશન અને બાયપોલર ડિસઑર્ડરનો પણ ભોગ બને છે. આવા લોકો ધર્મ અથવા સમાજની બીકે થોડા સમય માટે દારૂ છોડી દે તો પણ થોડા સમયમાં ડર જતો રહે તો ફરી દારૂ પીવાનું શરૂ કરી દે છે. આ સંજોગોમાં સિવિયર ડિપ્રેશનના કારણે એને સમાજમાં બદનામીની પણ બીક હોય છે."
"વળી, ક્રોનિક આલ્કૉહોલિક માણસ જાતીય સમસ્યાઓથી પણ પીડાતો હોય છે, એટલે નશાની આદતને કારણે એને સતત એવી ભ્રમણા પણ રહેતી હોય છે કે પત્નીને આડાસંબંધો હશે. આ સંજોગોમાં એ દારૂ ઉપરાંત પોતાની નબળાઈ ઢાંકવા માટે હિંસા પણ કરતો હોય છે. આ કેસમાં પણ આવું જ લાગી રહ્યું છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













