કરસનદાસ માણેક : પાકિસ્તાનમાં જન્મેલા એ ગુજરાતી કવિ, જેમણે મોરારજી દેસાઈને રોકડું પરખાવી દીધું
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
'જીવન અંજલિ થાજો! મારું જીવન અંજલિ થાજો!'
'તે દિન આંસુ ભીના રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં'
'દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે'.

ઇમેજ સ્રોત, gujarati sahitya parishad
આવી અમરકૃતિઓના રચનાકાર કવિ કરસનદાસ માણેક સાહિત્યપટ પર કેમ સાવ અદૃશ્ય જણાય છે?
પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા કવિ કરસનદાસ માણેકે ગાંધીજીની દાંડીકૂચ વખતે કુંવરબાઈનું મામેરુ આખ્યાન કરેલું.
એક વાર તેમણે પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈને રોકડું પરખાવી દીધું હતું.

કરાચીની શાળાના આચાર્ય
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કરસનદાસ માણેકનું વતન જામનગર જિલ્લાનું હડિયાણા હતું. પ્રાથમિકથી લઈને કૉલેજ સુધીનું શિક્ષણ કરાચીમાં મેળવ્યું હતું.
1921માં અસહકારની ચળવળમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પરંતુ પરીક્ષા આપ્યા વગર કરાચીની ડી.જે. સિંધ કૉલેજમાં દાખલ થઈ 1927માં સંસ્કૃત તથા અંગ્રેજી સાથે બીએ થયા. 1939 સુધી કરાચીની હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્યકાલીન સમયના મોખરાના ગણાતા અને 'પદ્મ', 'વૈશંપાયન' અને 'વ્યાસ'ના ઉપનામથી લખતા કવિ કરસનદાસ માણેક (જન્મ: 28 નવેમ્બર 1901- મૃત્યુ: 18 જાન્યુઆરી 1978)ને 'પરિભ્રમણ'માં ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકરનું સંસ્કાર-બાલ ગણાવે છે.
પછીથી મુંબઈમાં વસવાટ કર્યો અને 'જન્મભૂમિ'ના તંત્રી-વિભાગમાં જોડાયા. 1951માં 'નચિકેતા' માસિક શરૂ કર્યુ હતું.
પ્રાચીન અને મધ્યકાલીન ભાષાસાહિત્યના ઊંડા અભ્યાસુ અને જામનગરમાં રહેતા મૂર્ધન્ય સાહિત્યકાર લાભશંકર પુરોહિત 90 વર્ષની આયુએ ઊભા છે અને કરસનદાસ માણેકને સંભારે છે.
તેઓ કહે છે, "મેં કરસનદાસ માણેકને બેએક વખત સાંભળ્યા છે. ગાંધીજીની દાંડીકૂચ વખતે એમણે કુંવરબાઈનું મામેરુ આખ્યાન કરેલું એ મેં સાંભળેલું. ત્યારે મારી બાલ્યાવસ્થા હતી."
"માણેક મૂળ જામનગર જિલ્લાના હડિયાણા ગામના વતની. હડિયાણામાં માણેક શાખવાળા લુહાણાની ઘણી વસ્તી હતી. કરાચીમાં શારદામંદિર શાળાના એ આચાર્ય હતા. ગુજરાતીઓએ બંધાવેલી એ હાઇસ્કૂલ સુધીની એ ગુજરાતી શાળાની પ્રતિષ્ઠા યુનિવર્સિટી જેટલી હતી."
"ભારત-પાકિસ્તાનના વિભાજન પછી શારદામંદિરને માંગરોળના શેખના બંગલામાં ખસેડવામાં આવી હતી. એ હવે બંધ થઈ ગઈ છે."

સાંભળવાનું યંત્ર કાકાસાહેબને આપી દીધું
અજિત પોપટ કાકાસાહેબ અને કરસનદાસ માણેકને જોડતો એક પ્રસંગ કહે છે, "એ અવસ્થામાં એમના કાન ગયા હતા. ગજવામાં રાખવાનું પૉકેટ મશીન પહેરે. એક વાર કાકાસાહેબ કહે કે મને પણ સાલું ઓછું સંભળાય છે, તો પોતાનું મશીન કાઢીને કાકાસાહેબને આપી દીધું. લ્યો તમે પહેરો. કાકાસાહેબ કહે કે તમે શું કરશો તો કહે કે હું મારું ફોડી લઈશ. તમે વાપરો. આવા ઓલિયા પ્રકૃતિના માણસ હતા."
કરસનદાસ માણેક મુંબઈના વિલે-પાર્લેમાં દાદાભાઈ રોડ પર જોશીભૂવનમાં રહેતા. અજિત પોપટ કહે છે, "એમની એકદમ સામે બૈજુ-બાવરાવાળા વિજય ભટ્ટનો બંગલો, બે મકાન છોડીને સ્નેહરશ્મિનું ઘર, એનાથી થોડે આગળ કવિ પ્રદીપજીનો બંગલો, તેનાથી થોડે આગળ જાવ એટલે ઉપેન્દ્ર ત્રિવેદીનું ઘર આવે. પરંતુ માણેક એટલા બધા અંતર્મુખી કે પ્રદીપજી સિવાય કોઈને બહુ મળે નહી. બંનેના અધ્યાત્મના વિચારો બહુ મળતા હતા."

જ્યારે મોરારજી દેસાઈને રોકડું સંભળાવી દીધું

વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક અજિત પોપટનાં બા કરસનદાસનાં માસીયાઈ બહેન થાય.
આટલા પ્રચંડ કવિ અને સાવ પડદા પાછળ ધકેલાઈ ગયા, એવું કેમ થયુ હશે? આ પ્રશ્નના ઉત્તરમાં કરસનદાસ માણેકની તાસીર રજૂ કરતા અજિત પોપટ કહે છે, "એમને પોતાના માર્કેટિંગમાં રસ નહોતો. એક ઉદાહરણ જોઈએ, એક વાર સાબરમતી આશ્રમમાં મોરારજીભાઈ આવેલા. મોરારજીભાઈના ખાદીનાં વસ્ત્રો એકદમ કડક ઇસ્ત્રીવાળાં હોય."
"મોરારજીભાઈએ માણેકને કહ્યું કે તમે આ શું ગાભા જેવા ઝભ્ભા-લેંઘા પહેરીને ફરો છો. માણેકે જવાબ આપ્યો કે આ ખાદી મેં હાથે વણેલી છે અને હું જાતે ધોઉં છું, તમારી જેમ વૉશિંગમાં ધોવા નથી આપતો."
"માણેક અંતર્મુખી સ્વભાવના. બહુ ઓછાબોલા. તમે દસ વાક્યો બોલો ત્યારે તે બે શબ્દોમાં જવાબ આપે. એટલે તેમના સમકાલીન કવિઓ ઉમાશંકર, સુંદરમ, મનસુખલાલ ઝવેરી, સ્નેહરશ્મિ વગેરે ઘણા આગળ આવી ગયા પણ માણેકને પ્રસિદ્ધિમાં રસ નહોતો."
છેલ્લે અધ્યાત્મમાં જ રમમાણ રહેતા. 'નચિકેતા' માસિકમાં એમણે ઘણું ચિંતનાત્મક લખ્યું.
અજિત પોપટ એ સંભારણાં વાગોળતાં કહે છે, "ઘણી વાર એવું બનતું કે આયોજકોએ મોટી મોટી વાતો કરીને માણેકને આખ્યાન કરવા બોલાવ્યા હોય. અમે જઈએ. આખ્યાન એટલે કે કાર્યક્રમ પૂરો થઈ જાય પછી આયોજકો ગોત્યા જડે નહીં."

'જુઓ ઘરમાં કાનુડો આવ્યો છે'

ઇમેજ સ્રોત, Getty Images
અજિત પોપટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે કરાચીમાં માણેક જે શાળામાં આચાર્ય હતા તે શાળામાં મારાં બા ભણતાં હતાં.
કરસનદાસના જન્મસમયની એક ચમત્કૃતિ જણાવતા અજિત પોપટ કહે છે, "કરાચીમાં દાંડિયાબજારમાં એમનું હવેલી જેવું મકાન હતું. કરસનદાસના જન્મસમયે તેમના પિતા નરસિંહદાસની આંખો ગઈ હતી. પણ એમણે બૂમ પાડીને ઘરમાં બધાને કહ્યુ કે જુઓ, ઘરમાં કાનુડો આવ્યો છે. તે વખતે બધાને થયું કે દાદાને ચિત્તભ્રમ થયો છે, કેમ કે બા હજુ કરાચીની હૉસ્પિટલમાં હતાં."
"કરસનદાસે ગાંધીજી સાથે સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ઝંપલાવ્યું અને એમની બધી સંપત્તિ વેચી નાખી હતી. મુંબઈમાં આવીને તેઓ જન્મભૂમિ દૈનિક સાથે જોડાયા હતા."
માણેકનો મહાત્મા ગાંધીજી પ્રત્યેનો અનુરાગ પણ તેમના સાહિત્યમાં ઊતર્યો છે.
એક પ્રસંગને સંભારતા અજિત પોપટ કહે છે, "ગાંધીજીને 75 વર્ષ પૂરાં થયાં ત્યારે તેઓ કલ્યાણયાત્રી નામનું 75 અનુષ્ટુપ છંદનું કાવ્ય લખીને ગાંધીજી પાસે ગયા. ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું કે મારે તો પંચોતેર ગઈ કાલે પૂરા થયાં. આજે તો ચોત્તેરમું છે તો તારું કાવ્ય અધૂરું કહેવાય. માણેકે ત્યારે ગાંધીજીને કહેલું કે તમે 100 વર્ષ પૂરાં કરશો ત્યારે હું 101 અનુષ્ટુપ છંદનું કાવ્ય રચીશ."
અજિત પોપટ કહે છે, "માણેકનો ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને પર્શિયન અને ફારસી ભાષા ઉપર પણ અદ્દભુત પકડ હતી. તેમણે કેટલાંક કાવ્યો સિંધીમાં પણ લખ્યાં હતાં. જે અત્યારે કશે ઉપલબ્ધ નથી."

'માણભટ્ટની જેમ ગામેગામે આખ્યાનો કરતા'

ઇમેજ સ્રોત, Getty Images
માણેકનાં આખ્યાનો અને શૈલી વિશે વાત કરતા અજિત પોપટ કહે છે કે માણેક માણભટ્ટની શૈલીમાં ગામેગામ આખ્યાનો કરતાં. આખ્યાનોમાં તેઓ વાતોને માર્મિક રીતે વણી લેતા.
"એક ઉદાહરણ આપું, 'નથી સાસરામાં રહ્યું હવે દુખ, ગોરી તમે ઘેર જાઓ!' 1948માં આ કવિતા લખાઈ હતી. ગોરી સરકારને દેશ છોડવાનું કહેવાની આ તેમની રીત હતી."
"જ્યારે જ્યારે મોટી ઘટના બને ત્યારે એમને કાવ્ય સૂઝતું. સન 1968-69માં ગાંધી શતાબ્દી વખતે હું અમદાવાદમાં એમની સાથે હારમોનિયમ વગાડતો. તે વખતે કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં. એમણે આશ્રમનાં પગથિયે બેસીને કવિતા લખી અને જન્મભૂમિમાં મોકલી આપી."
એ કવિતાના શબ્દો હતાઃ
સબૂર, તું કોની સામે હાથ હિંસાનો ઉગામે છે,
નથી હિંદુ નથી મુસ્લિમ ખુદાનું નૂર સામે છે'
સામાજિક ક્રાન્તિ જેવાં કાવ્યો, 'ડુંગર ટોચે દેવ બિરાજે ખીણમાં ખદબદે માનવકીટ, જય જગદીશ જય જગદીશ', 'મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાં અને પથ્થરો તરી જાય છે'- આપણી સામાજિક અસમાનતા ઉપર પ્રહાર કરે છે.
કવિ બોટાદકરનું 'જનનીની જોડ સખી'ની હરોળનું કહી શકાય એવું એમનું મંદાક્રાન્તા છંદમાં કાવ્ય સાંભળોઃ
મેં ગ્રંથોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં
મેંતીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયાં
અને છેલ્લી પંક્તિમાં કવિ લખે છે કે 'મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ'.
એમની કવિતામાં કેટલીક વાર ભવિષ્યવાણી જેવું આવી જતું. અજિત પોપટ એક પ્રસંગ કહે છે, "તેમણે 1956માં લખેલી કવિતામાં એક પંક્તિ આવતી કે 'બાબુલનાથ પર વીજળી પડી' ત્યારે કેટલાક વાંકદેખા સમીક્ષકોએ ટીકા કરેલી કે આવું કેવી રીતે કવિતામાં લખી શકાય. પરંતુ એ કવિતાના બરાબર 10 વર્ષ પછી બાબુલનાથ મંદિર પર વીજળી પડી હતી."

'ગુજરાતી સાહિત્યમાં માણેક ભજનકવિ તરીકે પંકાઈ ગયા'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આઝાદી પહેલાના આ દેશના ખેડૂતની દયનીય સ્થિતિ કવિ 'હરિનાં લોચનિયાં' (1969)માં કંઈક આમ રજૂ કરે છે:
ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા
વરુનાં ધાડાં મૃત ઘેટાની માંસ લાલચે ધાયાં
થેલી ખડિયા ઝોળી તિજોરી સૌ ભરચક ભરાણાં
કાળી મજૂરીના કરતલને બે ટંક પુગ્યા ન દાણાં
ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહી તણાણા
રંક ખેડૂના રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં
તે દિન આંસુ ભીના રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં
અજિત પોપટ કહે છે, "ખબર નહીં કેમ ગુજરાતી સાહિત્યમાં માણેક ભજનકવિ તરીકે પંકાઈ ગયા." રામ તારો દીવડો નામે એમણે ભજનસંગ્રહ બહાર પાડેલો. જેમની પ્રસ્તાવના રામભાઈ બક્ષીએ લખી હતી.
અજિત પોપટ કહે છે, "રામભાઈ અને માણેકને એટલા આત્મીય સંબંધો હતા કે બંને વિદ્વાનો ઘણી વાર કલાકો સુધી સંસ્કૃતમાં વાતો કર્યા કરતા. એવી જ રીતે આચાર્ય કૃપલાણી સાથે કલાકો સુધી સિંધીમાં વાતો કરતા. એ જ રીતે કાકાસાહેબ સાથે મરાઠીમાં વાતો કરતા."

માણેકવાર
માણેકે 'મહાભારત-કથા' (ભાગ 1, 2, 3)માં મહાભારતકથાનું રસાળ શૈલીમાં સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.
મહાભારતકથાના એક પ્રસંગનું વર્ણન કરતા અજિત પોપટ કહે છે, "માણેક કહેતા કે ભગવાન શ્રીકૃષ્ણે દ્રોપદીને વનવાસ વખતે અક્ષયપાત્ર આપ્યું. તે વખતે ભગવાને દ્રોપદીને જે શબ્દો કહ્યા તે ધ્યાનથી સાંભળો તો ખયાલ આવશે કે આમાં ચમત્કાર જેવું કશું નથી. ભગવાને કહ્યું કે તું ન જમી લે, એટલે કે કોઈ પણ ઘરની ગૃહિણી જમી ન લે ત્યા સુધી વાસણ ખાલી ન હોય."
"વિલે-પાર્લેના લક્ષ્મીનારાયણ મંદિરમાં બુધવારને લોકો માણેકવાર કહેતા, કેમ કે બુધવારે રાતે સાડા નવથી અગિયાર વાગ્યા સુધી માણેકનાં વ્યાખ્યાનો થતાં."
"તેમણે મને કહ્યું હતું કે મારા પછી તું આખ્યાન કરજે અને તેમના દેહાવસાન પછી મેં વિલે-પાર્લે લક્ષ્મીનારાયણ મંદિરમાં સાત વર્ષ સુધી મહાભારતની કથાઓ કરી હતી."
લાભશંકર પુરોહિત કરસનદાસ સાથે જોડાયેલી હયાત કડી અંગે વાત કરતા કહે છે, "કરસનદાસ માણેકે મુંબઈમાં કીર્તનકેન્દ્ર શરુ કર્યું હતું. શરૂઆતમાં એ સારું ચાલતું. વીસેક વર્ષ પહેલાં કરસનદાસ માણેકની શતાબ્દીની ઉજવણી વખતે ગુજરાતી સાહિત્ય પરિષદે મને મુંબઈ બોલાવ્યો હતો ત્યારે તેમણે મને બંધ કીર્તનકેન્દ્રને ચાલુ કરવા માટે સહાયરૂપ થવા કહ્યું હતું. મેં કીર્તનકેન્દ્રનો અભ્યાસક્રમ પણ બનાવી આપ્યો હતો."

કેમ વિસરાયા કરસનદાસ માણેક?
કીર્તનકેન્દ્ર સાથે એક કાળે પરોક્ષ રીતે સંકળાયેલા નવનીત સમર્પણના તંત્રી દીપક દોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "કરસનદાસ માણેકમાં આંતરિક ઉઘાડ હતો અને એ તેમનાં કાવ્યોમાં દેખાતો. જોકે તે પછીના સમયમાં પરંપરાગત સાહિત્યથી અલગ આધુનિક સાહિત્યનો નવો પ્રવાહ શરૂ થયો. વિદેશી સાહિત્ય અને એમના તરફનો અભિગમ અને આખેઆખી વિવેચનાની પદ્ધતિ બદલાઈ ગઈ. એને લીધે પારંપરિક કામ કરતા હતા તેમના પ્રત્યે દુર્લક્ષ્ય સેવાયું."
સંગીતકાર ઉદય મજુમદાર હાલ કીર્તનકેન્દ્ર સંભાળે છે. તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "ખરી વાત છે કે કરસનદાસ માણેક અને એમના જેવી ઘણી પ્રતિભાઓ કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ છે."
માણેકના વિસરાઈ જવા અંગે લાભશંકર પુરોહિત કહે છે, "આપણે ત્યાં છેલ્લાં 10-15 વર્ષથી એવો પવન ચાલ્યો છે કે જૂનાનો કોઈ ભાવ પૂછતું નથી. ઓળખતું પણ નથી. પ્રજા તરીકે આ આપણી મોટી લુચ્ચાઈ અને નુગરાપણું છે. એમાં આવા ઘણાબધા વિલાઈ ગયા."
"મોટે ભાગે નવ્વાણું ટકા બોદા માણસો બધે બેસી ગયા છે. બોદા માણસોની ખાસિયત એ હોય કે તેમનાથી દોરાવા ચડતો માણસ હોય એમને સંઘરે નહીં. અત્યારે જેમને પ્રતિષ્ઠિત કહેવામાં આવે છે તેમણે મોટે ભાગે ખરીદેલી પ્રતિષ્ઠા મેળવી હોય છે."

'આલબેલ' એટલે પહેરેગીરોનો રાત્રિ-પુકાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
1935માં પ્રગટ થયેલો કવિનો સંગ્રહ 'આલબેલ' કારાગૃહના ઊર્મિ-સંવેદનોનાં કાવ્યોનો સંગ્રહ છે. તે સમયે કવિ કરાચીની શાળાના આચાર્ય હતા.
'આલબેલ'ની મિમાંસામાં ઝવેરચંદ મેઘાણી આમ લખે છે, 'ભાઈ માણેક વિદ્યાપીઠના યુવાન છે, ને કાકા કાલેલકરનું સંસ્કાર-બાલ છે.'
આલબેલમાં કારાવાસની એક મધરાતનું દૃશ્ય કંઈક આવું છે:
મધરાતે મારી કોટડીએ,
ધીમે પગલે, પ્રેમાળ હૈયે,
પ્રકાશનાં પુષ્પો પાથરતા
પ્રીતમજી આવ્યા!
કારાવાસી બાલ-કવિ પાસે પ્રભુ પધારે છે તેનું વર્ણન રસાર્દ્ર છે:
નેણ ભીડેલાં નીંદરભારે,
ચૂમી પોપચાં પ્રભુ ઉઘાડે;
નવલખ ભાણ ઊગ્યા શું હારે
તુરંગ-અંધારે!
આલબેલ એટલે ઑલ-વેલ, પહેરેગીરોનો રાત્રિ-પુકાર. મેઘાણી લખે છે, "આલબેલની ઊર્મિ-સંવેદનોમાં વારંવાર આપણને કોઈ એક મિસ્ટિકનો-ભક્તનો, શોધકનો-સાદ સંભળાય છે."
જાડી ભીતું તમે જાગતી રે'જો, જાગજે, જાડા ઉર!
જાડી જંજાળું, જાગજો: દેજો આલબેલુંના સૂર:
પ્રભુનાં પગલાં થાશે!
જાડપું આપણી જાશે'
'આલબેલ'ના ત્રણ પંક્તિના દુહા વિશે મેઘાણી લખે છે, 'મિસ્ટિક'ની-એટલે મર્મ-શોધકની- અદાથી જ કવિએ સિંધના મહામરમી શાહ અબ્દુલ લતીફની શૈલીએ ત્રિપંક્તિબદ્ધ દુહા રચી અજબ સફળતા જમાવી છે:
સળગે સૂના ઉરમાં વ્રેહની ધૂણી અખંડ
તણખા ઊડે ત્રિલોકમાં, પૂછે પિયુનો પંથ:
ખોળે ખંડેખંડ; દળવાદળ ગગને ચડ્યાં
અને
સર છલે, સરિતા છલે, ઉછળે સાયર નીર
ડોલે તરુવર, મોરલા બોલે ગદગદ ગીર:
અંતર એક અધરી: સાદ ન સાજનનો સુણ્યો!
પછી એ જ આખરી બોલ ઉઠાવીને-
સાજન સાદ સુણ્યો નહિ, નવ જોગ તણી થઈ જાણ,
ખત ખબર કાસદ નહિ, નહિ આવ્યાનાં એંધાણ:
અકળાયે અમ પ્રાણ; પુલકિત છાતી પૃથ્વીની!'
ગાયકના આ 'મિસ્ટિસીઝમે' પાર્થિવ જાતીય પ્રેમને પણ નવી ખુમારીથી રંગ્યો છે. 'ખાખનાં પોયણાં' (1934) એટલે ઘમસાણની ધૂળમાં અને મસાણની ખાખમાં ઉદયનો બોધ.
પરંતુ છેલ્લે કવિના હાથમાં ઝૂરાપો આવે છે, ઘમસાણો થઈ ગયાં, તું તો ગઈ -
તું ગઈ, સ્વપ્ન ગયાં, સુખડા ગયાં,
જખમ જીર્ણ રહ્યા, ઝૂરવા રહ્યા,
કરુણ અશ્રુ રહ્યાં, ડૂસકા રહ્યાં-
પ્રગટિયાં નહિ ખાખથી પોયણાં!
'ખાખનાં પોયણાં' વિશે મેઘાણી આમ અભિપ્રાય આપે છે, 'પ્રેય-શ્રેય બંનેના પ્રતીકરૂપ કવિ-પ્રિયાની અસરોએ આખા સંગ્રહની ભાતભાતની કૃતિઓમાં એક ન કથી શકાય તેવી 'લાલપ' તરવરાવી છે. લેખકની વાણી છંદમાં આસાનીથી સરે છે, ને ગુરુલઘુના ટેકણોથી લગભગ મોકળી રહેલ છે. ઊર્મિઓનાં ગાઢાં મંથનો ઝીલતું એનું કાવ્યતત્ત્વ ભાષાના વિચિત્ર પ્રયોગો વચ્ચે ક્યાંયે અટવાતું નથી.'
'ભાષા અને ભાવની સમૃદ્ધિઓને આટલી સ્વાભાવિક આસાનીથી છંદે ગૂંથી જાણનારા, ને કવિતાને સુગેય સુડોલનવતી બનાવી શકનારા આપણે ત્યાં થોડા છે, એનું એક કારણ તો શિષ્ટ ગીર્વાણ, તેમજ સાદી બોલાતી, બંને વાણીઓ પર ભાઈ માણેકની પ્રભુતા છે. લોકભાષાએ એમને એક જીવતો શબ્દકોશ આપ્યો છે.'

કરસનદાસ માણેકનું સાહિત્યમાં ખેડાણ
કરસનદાસ માણેકે 1924માં રવીન્દ્રનાથ ટાગોરના 'મુક્તધારા' નાટકના ગુજરાતી અનુવાદથી લેખનકાર્યનો આરંભ કર્યો.
'ખાખનાં પોયણાં', 'આલબેલ', 'મહોબતને માંડવે', 'વૈશંપાયનની વાણી' (ભાગ 1, 2), 'પ્રેમધનુષ્ય' સહિત 'હરિનાં લોચનિયાં' અને 'લાક્ષાગૃહ' એમનાં કાવ્યસર્જનો છે.
'માલિની', રામ ઝરુખે બૈઠકે' અને 'તરણાં ઓથે' એમના વાર્તાસંગ્રહો છે. 'પ્રકાશનાં પગલાં', 'દિવ્ય વાર્તાઓ', 'અમર અજવાળાં' અને 'રઘુકુળરીતિ'માં એમણે લાક્ષણિક શૈલીમાં ધર્મકથાઓ આલેખી છે.
'સિંધુની પ્રેમકથાઓ' અને 'પ્રીતનો દોર' નામે બે લઘુનવલો પણ એમની પ્રગટ થઈ છે.
અધ્યાત્મદર્શનના લેખો 'ગીતાવિચાર' અને 'હરિનાં દ્વાર' (1979) એમના મરણ બાદ પ્રગટ થયા હતા.
તેમણે હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથનો અનુવાદ 'ભર્તૃહરિનિર્વેદ' (1958) નામે કર્યો છે. એમનું સમગ્ર લેખનકાર્ય પ્રેમ, ભક્તિ, અધ્યાત્મ, રાષ્ટ્રપ્રેમ તથા તેમના સમકાલીન જીવનના ઘટનાપ્રવાહો જેવા વિષયોને આવરી લે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















