You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં એક જ દિવસમાં 11 હજારથી વધુ કેસ, હવે ઓમિક્રૉનથી વધુ જોખમી વૅરિયન્ટનો ખતરો?
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનોનો પ્રકોપ વધી રહ્યો છે. સમગ્ર દેશની જેમ રાજ્યમાં પણ કોરોનાના નવા કેસો અભૂતપૂર્વ ઝડપથી વધી રહ્યા છે.
ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયની દૈનિક અખબારી યાદીની વિગતો મુજબ ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોનાના નવા 11,176 કેસો નોંધાયા હતા. જ્યારે મૃતાંકમાં વધુ પાંચ વ્યક્તિનો ઉમેરો થતાં રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 10,142 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.
જોકે ઘણા નિષ્ણાતોના મત મુજબ આ વખતે કોરોના સંક્રમિત થયા પછી રિકવરીનો રેટ વધુ છે. તેવું જ કંઈક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માહિતી અનુસાર કોવિડ-19થી સાજા થવાનો દર 93.23 ટકા છે.
ગુજરાતમાં સૌથી વધુ કેસો ફરી એકવાર અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદ કૉર્પોરેશનમાં 3,673 નવા કેસો નોંધાયા છે. સુરત કૉર્પોરેશનમાં 2,690 નવા કેસો નોંધાયા છે. જ્યારે વડોદરા અને રાજકોટ કૉર્પોરેશનમાં અનુક્રમે 950 અને 440 નવા કેસો નોંધાયા છે.
જો રાજ્યના કુલ ઍક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં 50,612 ઍક્ટિવ કેસ છે. જે પૈકી 64 વૅન્ટિલેટર પર અને 50,548ની સ્થિતિ સ્થિર છે.
'નવા વૅરિયન્ટના જોખમ માટે તૈયાર રહો'
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ચેતવણી ઉચ્ચારાઈ છે કે કોરોનાના કેસનો દર જે રીતે વધી રહ્યો છે, એને ઘટાડવામાં સફળતા ન મળી તો વિશ્વ પર ઓમિક્રૉન જેવા વધુ એક વૅરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે.
WHOએ એવી પણ ચેતવણી આપી છે કે જો વિશ્વમાં રસીકરણની ઝડપ ના વધારાઈ તો ઓમિક્રૉન ખતરનાક વૅરિયન્ટમાં ફેરવાઈ શકે છે.
WHOના પ્રમુખ ડૉ. ટ્રડોસ ઍડહનોમનું કહેવું છે કે હાલમાં જે લોકો હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકોએ રસી નથી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વમાં ગત સપ્તાહે કોરોનાના નવા દોઢ કરોડ કેસ નોંધાયા. મહામારી શરૂ થઈ ત્યારથી નોંધાયેલો આ સૌથી મોટો આંક છે.
ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસ અઢી લાખની નજીક
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,47,417 નવા કેસ નોંધાયા છે. એક દિવસ પહેલાંની સરખામણીએ કોરોના કેસોની સંખ્યામાં 27 ટકાનો વધારો નોંધાયો છે.
જ્યારે એક દિવસમાં કોરોનાથી 380 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ સિવાય છેલ્લા 24 કલાકમાં 84,825 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલમાં દેશમાં 11 લાખ 17થી વધુ ઍક્ટિવ કેસ છે.
ભારતમાં દૈનિક પૉઝિટિવિટી રૅટ 13.11 ટકા છે અને ઓમિક્રૉનના કેસ 5,488 પર પહોંચી ગયા છે.
ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસોની વાત કરવામાં આવે તો દેશમાં ત્રણ કરોડ 59 લાખથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ચાર લાખ 85 હજારથી વધુ મૃત્યુ નીપજ્યાં છે.
કોરોના વૅક્સિનેશનની વાત કરવામાં આવે તો એક દિવસમાં 76,32,024 વૅક્સિનનાં ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધી 154 કરોડથી વધુ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં પીક ક્યારે આવશે?
ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારા અંગે પોતાનું અવલોકન રજૂ કરતાં યુનિવર્સિટી ઑફ મિશિગનનાં મહામારી-વિશેષજ્ઞ અને ડેટા વૈજ્ઞાનિક ડૉ. ભ્રમર મુખરજીએ 'ઇન્ડિયા ટુડે' સાથે વાત કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે, "હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકો માટે થોડું રાહતભર્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ઝડપથી કેસ વધી રહ્યા છે જેથી પીક ઝડપથી હાંસલ કરશે. આગામી સાત-દસ દિવસમાં વૃદ્ધિદરમાં ઘટાડો જોવા મળશે."
તેઓ જણાવે છે કે, "ભારતમાં હંમેશાં રાષ્ટ્રોની અંદર ઘણાં રાષ્ટ્રો હોવા જેવી સ્થિતિ રહે છે. તેથી જુદાં જુદાં ક્ષેત્રોમાં પીકનો સમયગાળો એકસરખો રહેતો નથી."
"દિલ્હીમાં રિપ્રોડક્શન નંબર 2 હતો જે ઘટીને 1.4 થયો છે. મને આશા છે કે ખરેખર ટેસ્ટ પૉઝિટિવિટી રેટમાં થોડો ઘટાડો નોંધાયો છે. મને આશા છે કે આગામી સાત દિવસમાં અમુક રાજ્યોમાં પીક નોંધાશે. જ્યારે સમગ્ર ભારતમાં પીક જાન્યુઆરીના અંત સુધીમાં નોંધાઈ શકે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો