પેટાચૂંટણીનાં પરિણામોથી ભાજપે ચિંતા કરવાની જરૂર કે કૉંગ્રેસે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
મંગળવારે ત્રણ લોકસભા અને 29 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાં હતાં.
તે પૈકી સાત પર ભાજપનો વિજય થયો હતો, તેમના સહયોગીઓને આઠ બેઠકો પર સફળતા મળી. તેમજ કૉંગ્રેસના ખાતામાં પણ આઠ બેઠકો આવી છે.
આ વચ્ચે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી બેઠક પર થયેલી પેટાચૂંટણીની પણ ચર્ચા થઈ રહી છે, જેમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરના મૃત્યુ બાદ તેમનાં વિધવા કલાબહેન ચૂંટણી લડ્યાં અને તેમણે જીતી લીધી છે.

કલાબહેન ડેલકર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોની સામે શિવસેના તરફથી ચૂંટણી લડ્યાં હતાં અને તેમને એક લાખ અઢાર હજાર જેટલા મતો મળ્યા છે.
આ બેઠક પર ભાજપના ઉમેદવારને જિતાડવા માટે ભાજપના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે જઈને પ્રચાર કર્યો હતો.
ભાજપ અને કૉંગ્રેસ સિવાય ટીએમસીને પશ્ચિમ બંગાળની તમામ ચાર બેઠકો પર જીત મળી. અન્ય તમામ બેઠકો પર ક્ષેત્રીય પાર્ટીઓનું પ્રદર્શન સારું રહ્યું છે.
આ પરિણામો બાદ કૉંગ્રેસના પક્ષમાં ખુશીની લહેર છે અને ભાજપના પક્ષે થોડી ચિંતા છે.
કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે જનતાના આ નિર્ણયને વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીઓ સાથે જોડીને ટ્વીટ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરિણામો બાદ સૌથી વધુ ચર્ચા હિમાચલ પ્રદેશ અંગે થઈ રહી છે. ત્યાંની ત્રણ વિધાનસભા અને એક લોકસભાની બેઠક પર કૉંગ્રેસને જીત મળી છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપના પરાજય બાદ એવી ચર્ચા થઈ રહી છે કે ત્યાંના મુખ્ય મંત્રી બદલાઈ શકે છે.
હાલમાં જ ભાજપે ગુજરાત અને ઉત્તરાખંડમાં પોતાના મુખ્ય મંત્રી બદલ્યા છે, નોંધનીય છે કે આ રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે.
હિમાચલ પ્રદેશમાં આગામી વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ કારણે પણ મુખ્ય મંત્રી બદલાશે તેવી ચર્ચા થઈ રહી છે.

હિમાચલમાં હાર અને સંભવિત પરિણામો

ઇમેજ સ્રોત, Getty Images
હિમાચલ પ્રદેશ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો ગૃહપ્રદેશ છે.
તેથી ત્યાં થયેલા પરાજયથી ભાજપ વધુ નિરાશ છે. ચૂંટણીનાં પરિણામો બાદ આસામ, બિહાર, તેલંગણા અને મધ્ય પ્રદેશમાં પાર્ટીને મળેલ વિજય પર તેમણે જુદાં-જુદાં ટ્વીટ કર્યાં. પરંતુ હિમાચલ અને કર્ણાટક બાબતે ચુપકીદી જાળવી.
જોકે, હિમાચલ પ્રદેશના વરિષ્ઠ પત્રકાર અશ્વિની શર્મા કહે છે કે, “પેટાચૂંટણીમાં ભાજપને મળેલા પરાજયને જે. પી. નડ્ડા સાથે જોડીને જોવું એ અતિશયોક્તિ છે.”
“ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ના તો પેટાચૂંટણીમાં કૅમ્પેન માટે હિમાચલ આવ્યા હતા, ના આ ચૂંટણી તેમના વિસ્તારમાં થઈ હતી."
"પરિણામોમાં માત્ર એક જ ફૅક્ટર કામ કરી ગયું, તે છે – વીરભદ્રસિંહ. મરણ બાદ પણ તેઓ જનતાને પ્રભાવિત કરી ગયા, તેથી હવે મુખ્ય મંત્રીને લઈને ચર્ચા છે. શું જયરામ ઠાકુર ભવિષ્યમાં પણ મુખ્ય મંત્રી તરીકે જળવાઈ રહેશે?”
મુખ્ય મંત્રીની ખુરશી પર જયરામ ઠાકુર જળવાઈ રહે તે માટે તેમના પક્ષમાં ઘણી બાબતો છે.
આ કારણો અંગે વાત કરતાં અશ્વિની શર્મા કહે છે, “જયરામ ઠાકુરની છબિ પ્રામાણિક નેતા તરીકેની છે. તેઓ ઘણી મહેનત કરીને આટલે પહોંચ્યા છે. તેઓ જે. પી. નડ્ડાની નિકટ હોવાનું મનાય છે. ક્યારેક તેઓ જે. પી. નડ્ડાને મુખ્ય મંત્રી બનાવવા માટે કામ કરતા દેખાઈ રહ્યા હતા. તેઓ કેન્દ્રમાં ભાજપના અન્ય મોટા નેતાઓની પણ પસંદ છે.”
જોકે કયા મુખ્ય મંત્રી ચૂંટણીમાં જિતાડવાની શક્તિ ધરાવે છે, આ વાત પણ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મંડી જયરામ ઠાકુરનો ગૃહજિલ્લો છે. અહીં જ ભાજપ ચૂંટણી હાર્યો છે.
અશ્વિની શર્મા આગળ જણાવે છે કે, “ભાજપને જો એ વાતનો આભાસ થઈ જાય કે જયરામ ઠાકુરને મુખ્ય મંત્રી તરીકે જાળવી રાખવાથી વિધાનસભાની ચૂંટણીમાં જીતવું મુશ્કેલ બની શકે છે, તો તેઓ તેમને બદલવામાં જરા પણ ખચકાટ નહીં અનુભવે.”
અન્ય ઘણાં રાજ્યોની જેમ હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સત્તાધારી પાર્ટીને બદલવાનો ટ્રેન્ડ છે. ભાજપની ચિંતા આ કારણે પણ વધી ગઈ છે.
વર્ષોથી ભાજપને કવર રહેલાં, અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'નાં પત્રકાર નિસ્તુલા હેબ્બાર કહે છે કે ભાજપની ચિંતામાં આ પેટાચૂંટણીનાં પરિણામોનાં કારણે વધારો જરૂર થયો હશે. ખાસ કરીને હિમાચલ અને કર્ણાટકમાં.
હિમાચલ પ્રદેશ વિશે તેઓ કહે છે કે, "વીરભદ્રસિંહના મૃત્યુ બાદ ભાજપને લાગે છે કે કૉંગ્રેસની હાલત વધુ સારી નથી. આટલી દુર્બળ કૉંગ્રેસ સામે આવી ખરાબ રીતે ભાજપ ચૂંટણી હારે તેનાથી ખબર પડે છે કે લોકો નારાજ છે. આ નારાજગી પ્રદેશ સરકારથી છે કે કેન્દ્રથી તે ભાજપે જોવું પડશે."
હાર બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતાં જયરામ ઠાકુરે કહ્યું હતું કે કૉંગ્રેસે મોંઘવારીનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. સ્પષ્ટ છે કે તેઓ હારનું કારણ કેન્દ્ર સરકારને ગણાવી રહ્યા છે.
પરંતુ કેટલાક સ્થાનિક મુદ્દા પણ છે, જેના પર ભાજપે વાયદા કર્યા પરંતુ તે વાયદા પૂરા નથી કરી શક્યો, જે પૈકી એક છે નેશનલ હાઇવેની પહોળો કરવાનો વાયદો.
કેન્દ્રમાં હિમાચલના બે મોટા ચહેરા છે. એક રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને બીજા અનુરાગ ઠાકુર, જેઓ સરકારમાં મંત્રી પણ છે.

ભાજપ માટે આ પરિણામનું મહત્ત્વ?

ઇમેજ સ્રોત, TWITTER/JAIRAM THAKUR
હિમાચલ પ્રદેશ બાદ ભાજપને કર્ણાટકમાં પણ હતાશા જ મળી.
કર્ણાટક પેટાચૂંટણીમાં એક બેઠક પર જીત અને એક પર તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર હંગલ બેઠક પર થઈ છે.
આ બેઠક મુખ્ય મંત્રી બાસવરાજ બોમ્મઈ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ મનાઈ રહી હતી, કારણ કે તે તેમના ગૃહજિલ્લામાં છે.
ભાજપે કર્ણાટકમાં હાલમાં જ બી. એસ. યેદિયુરપ્પાને હઠાવીને બાસવરાજ બોમ્મઈને રાજ્યની ધુરા સોંપી હતી.
મુખ્ય મંત્રી બન્યા બાદ આ તેમની પ્રથમ પરીક્ષા હતી, જે તેમણે પોતાની પ્રતિષ્ઠા સાથે જોડી હતી.
નિસ્તુલા કહે છે કે, "બી. એસ. યેદિયુરપ્પા ભાજપના જૂના ધુરંધર નેતા છે, જેમની જનતામાં સારી પકડ મનાય છે. તેમને હઠાવીને ભાજપે યોગ્ય નિર્ણય કર્યો કે કેમ - આ પરાજયના પરિપ્રેક્ષ્યમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ફરી વાર આ અંગે વિચારવાની જરૂર પડી શકે છે."

શિવરાજ અને હેમંત બિસ્વ સરમા થયા મજબૂત?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બીજી તરફ બે એવાં પણ રાજ્યો છે, જ્યાં ભાજપને થોડી રાહત મળી છે.
આસામામાં ભાજપે પોતાના સહયોગીઓ સાથે પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી. મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ તેની ક્રૅડિટ પાર્ટીના કાર્યકરો અને સરકારનાં કામકાજને આપી.
તેમજ મધ્ય પ્રદેશમાં પણ ભાજપનું પ્રદર્શન ખરાબ નથી રહ્યું. ખાસ કરીને જોબટ બેઠક પર, જે 70 વર્ષોમાં બીજી વખત ભાજપના ખાતામાં ગઈ છે.
નિસ્તુલા કહે છે કે, "કર્ણાટકથી ઊલટું મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પાર્ટીના જૂના ચહેરા છે. અવારનવાર એવું સાંભળવા મળે છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ તેમનાથી ખુશ નથી રહેતું. પરંતુ પેટાચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે સમગ્ર મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ જ ભાજપનો સૌથી મોટો ચહેરો છે."
મધ્ય પ્રદેશના રાજકારણમાં પેટાચૂંટણીનાં પરિણામો બાદ મંત્રીમંડળમાં ફેરફારની આશંકા સેવાઈ રહી છે. અમુક સ્થાનિક નેતાઓ, જેમને શિવરાજવિરોધી કૅમ્પના ગણવામાં આવે છે, તેમની નિવેદનબાજીને સત્તા આંચકી લેવાના અભિયાન તરીકે જોવામાં આવી રહી હતી.
પરંતુ હવે મનાઈ રહ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણ હજુ થોડા દિવસ સુધી ત્યાં મજબૂત સ્થિતિમાં છે.
આવી જ રીતે હરિયાણાની એલાનાબાદ બેઠક પર અભય ચૌટાલાના વિજય બાદ ભાજપે રાહતનો શ્વાસ લીધો હશે.
અભય ચૌટાલાએ કેન્દ્રના કૃષિકાયદાઓને લઈને રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપનું માનવું છે કે અભયસિંહ ચૌટાલા ભલે ચૂંટણી જીતી ગયા છે, પરંતુ જીતનું અંતર પહેલાં કરતાં ઘટ્યું છે, જે જણાવે છે કે ખેડૂત આંદોલન એટલો મોટો મુદ્દો નથી.
આ વખત અભય ચૌટાલા છ હજાર કરતાં વધુ મતોથી જીત્યા, જે ગત વખત કરતાં 50 ટકા જેટલા ઓછા મતો છે.

કૉંગ્રેસ માટે પરિણામોનું મહત્ત્વ?

ઇમેજ સ્રોત, Reuters
29 બેઠકો પૈકી કૉંગ્રેસને આઠ બેઠકો પર જીત મળી છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ વિશે ટ્વીટ કરીને આ જીતને નફરત વિરુદ્ધનો વિજય ગણાવ્યો.
વરિષ્ઠ પત્રકાર અને લેખક રશીદ કિદવઈ કહે છે કે, "કૉંગ્રેસનો વિજય ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની જીત થઈ એ સારી વાત છે. પરંતુ પેટાચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ફરક હોય છે."
"પેટાચૂંટણી મૂળપણે સ્થાનિક મુદ્દે લડાતી હોય છે. જો આ જ વિજય ગોવા જેવા નાના રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મળી હોત તો તે કૉંગ્રેસ માટે મોટી વાત થઈ જાત. પરંતુ પછી મધ્ય પ્રદેશમં ચાર બેઠક પર તેઓ જીતી ગયા હોત તો આ જીત ગણતરીમાં લેવાત."

ઇમેજ સ્રોત, Twitter
"રાજસ્થાનમાં બંને બેઠકો પર જીતથી ગહલોત મજબૂત જરૂર દેખાય છે, પરંતુ તેમાં વસુંધરા રાજે સિંધિયાનો કેન્દ્રીય નેતૃત્વ સાથે ખેંચતાણનો પણ એક રોલ છે. આવી જ રીતે બિહારમાં કૉંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા."
"લોકતાંત્રિકપણે તેઓ આવું કરી શકતા હતા, પરંતુ રાજકીય દૃષ્ટિએ તેમને નુકસાન થયું. જો ત્યાંનાં પરિણામો નીતીશના પક્ષમાં ન આવ્યાં હોત તો રાજકીય ખળભળાટ મચી શક્યો હોત."
હાલ તો પેટાચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસ ભાજપના નુકસાનને જોઈને ખુશ થઈ શકે છે, પરંતુ 2022માં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં બંને પક્ષોએ ઘણી લાંબી સફર કરવાની છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












