ગુરમિત રામરહીમસિંહને હત્યાના કેસમાં સીબીઆઈની કોર્ટે જનમટીપ ફટકારી - BBC TOP NEWS

રણજિતસિંહ હત્યાકેસમાં 'ડેરા સચ્ચા સૌદા'ના વડા ગુરમિત રામરહીમસિંહને જનમટીપ તથા રૂપિયા 31 લાખની સજા ફટકારવામાં આવી છે. સોમવારે સીબીઆઈની વિશેષ અદાલતે આ ચુકાદો સંભળાવ્યો હતો.

રણજિતસિંહ ડેરાના અનુયાયી હતા અને મૅનેજમૅન્ટ કમિટીના સભ્ય પણ હતા, વર્ષ 2002માં તેમની હત્યા થઈ ગઈ હતી.

ડેરાપ્રમુખે જ તેમની હત્યા કરાવી હોવાનું સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની તપાસમાં બહાર આવ્યું હતું.

આ પહેલાં પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે 12 ઑક્ટોબરે રામરહીમને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ તેમને સજા સંભળાવવાની બાકી રાખી હતી.

ઉલ્લેખનીય છે કે રામરહીમ અગાઉથી જ બળાત્કાર તથા પત્રકારની હત્યાના કેસમાં જેલમાં બંધ છે.

આ સિવાય પણ ડેરાપ્રમુખ અનેક વિવાદમાં પણ સપડાયા હતા.

કોણ છે ગુરમિત રામરહીમ ?

ગુરમિત રામરહીમસિંહનો જન્મ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયો હતો. શાહ મસ્તાના દ્વારા સ્થાપિત ડેરાની કમાન વર્ષ 1990માં તેમના હાથમાં આવી હતી.

બાબા રામરહીમનાં દેશભરમાં 50 કરતાં વધુ આશ્રમો છે તથા તેમના અનુયાયીઓની સંખ્યા લાખોમાં હોવાનું માનવામાં આવે છે.

તેઓ વિધવા પુનર્વિવાહ, સમૂહવિવાહ, ગરીબોને માટે સહાય, રક્તદાન જેવા અનેક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ સિવાય ડેરાપ્રમુખ ફિલ્મોમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે.

ગુરમિત રામરહીમના પુત્રનું લગ્ન કૉંગ્રેસના નેતા હરમિંદરસિંહ જસ્સીનાં પુત્રી સાથે થયું છે. જોકે ગત હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ભાજપને સાથ આપવાની જાહેરાત કરી હતી.

પેટ્રોલ-ડીઝલ વધતાં ભાવો અંગે રાહુલ-પ્રિયંકાએ મોદી સરકારને શું કહ્યું?

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ અને મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં છે.

રાહુલ ગંધીએ 'મિન્ટ' અખબારના એક રિપોર્ટને ટ્વિટ કરતાં લખ્યું, "આ એકદમ ગંભીર મુદ્દો છે. ચૂંટણી-મત-રાજનીતિ પહેલાં જનતાની સાધારણ જરૂરિયાતો જે આજે પૂરી નથી થઈ રહી એ આવે છે."

રાહુલે કટાક્ષમાં કહ્યું, "મોદી મિત્રોના ફાયદા માટે જે જનતાને દગો કરાઈ રહ્યો છે, હું એ જનતા સાથે છું અને તેમનો અવાજ ઉઠાવતો રહીશ."

પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે ભાજપ સરકારને ઘેરી હતી. તેમણે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો સાથે જોડાયેલી એક ખબર ટ્વિટ કરી.

તેમણે લખ્યું, ""વાયદો કર્યો હતો કે હવાઈ ચંપલવાળા હવાઈ જહાજમાં મુસાફરી કરશે. પરંતુ ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ એટલા વધારી દીધા કે હવાઈ ચંપલવાળા અને મધ્યમવર્ગનું માર્ગ પર સફર કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે."

ગત કેટલાક મહિનાઓમાં ભારતનાં કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાથી વધુ થઈ ગયા છે અને તેની અસર ખાણીપીણીથી લઈને રોજિંદી જીવનમાં વપરાતી ચીજવસ્તુઓની કિંમત પર પણ પડી છે.

સીએનજી અને પીએનજીના ભાવોમાં સતત વધારો થયો છે સાથે જ ઘરેલુ ગૅસના ભાવ પણ વધ્યા છે.

ક્રિકેટર યુવરાજસિંહની ઇન્સ્ટાગ્રામ લાઇવ મામલે ધરપકડ કેમ કરાઈ?

ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહની હિસાર પોલીસે જ્ઞાતિગત ટિપ્પણીના મામલે રવિવારે ધરપકડ કરી હતી અને એ પછી તરત તેમને વચગાળાના જામીન પર છોડી દેવાયા હતા.

તેમની ધરપકડના સમાચાર રવિવારે મોડી રાતે આવ્યા હતા.

યુવરાજસિંહ પર એક ઇન્સ્ટાગ્રામ લાઇવમાં જ્ઞાતિગત ટિપ્પણી કરવાનો આરોપ છે.

હંસીના રહેવાસી રજત કલસન નામની વ્યક્તિએ યુવરાજસિંહ વિરુદ્ધ અનેક કલમો સાથે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.

હંસીના એસપી નિકિતા ગહેલોતે જણાવ્યું છે કે યુવરાજસિંહ અદાલતના આદેશ પ્રમાણે તપાસમાં સામેલ થયા હતા, જે બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવાયા હતા.

ગહેલોતે જણાવ્યું કે પોલીસે યુવરાજસિંહનો ફોન જપ્ત કરી લીધો છે. યુવરાજસિંહે ચંડીગઢ હાઈકોર્ટમાં પોતાના વિરુદ્ધની એફઆઈઆર રદ કરવાની અરજી કરી છે.

ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વિવાદ થયો, એ બાદ યુવરાજસિંહે માફી માગી હતી.

લખીમપુર ખીરી મામલે આજે ખેડૂતોનું રેલરોકો આંદોલન

લખીમપુર ખીરીની ઘટના સંદર્ભે 18 ઑક્ટોબર, સોમવારે સંયુક્ત કિસાન મોરચાએ રેલરોકો આંદોલન કરવાની જાહેરાત કરી હતી.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે સંગઠને કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીને તેમના પદેથી હઠાવવામાં નહીં આવે તો રેલરોકો આંદોલન થશે.

અહેવાલ પ્રમાણે સંગઠને રવિવારે જણાવ્યું હતું કે તેઓ સવારના દસથી સાંજના ચાર વાગ્યા દરમિયાન, એટલે કે છ કલાક માટે રાષ્ટ્રવ્યાપી રેલરોકો આંદોલન કરશે.

બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું, 'દુર્ગાપૂજા દરમિયાન થયેલા હુમલા પૂર્વાયોજિત'

એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝ્ઝામન ખાને રવિવારે કહ્યું છે કે દુર્ગાપૂજા દરમિયાન થયેલા હુમલા પૂર્વાયોજિત હતા અને હુમલા પાછળનો હેતુ કોમી એકતાને હાનિ પહોંચાડવાનો હતો.

ઉલ્લેખનીય છે કે દુર્ગાપૂજા દરમિયાન કુરાનનું અપમાન કરવાનો કથિત મામલો સામે આવ્યો હતો, જે બાદ ઠેક-ઠેકાણે દુગાર્પૂજાના પંડાલો પર હુમલા થયા હતા.

દુર્ગાપૂજા બાદ ઇસ્કૉન સહિતનાં હિંદુ મંદિરોમાં હિંસા અને હત્યાના બનાવો પણ બન્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો