સિંઘુ બૉર્ડર પર થયેલી દલિતની હત્યા વિશે સરકાર પહેલાંથી જાણતી હતી : રાકેશ ટિકૈતનો આરોપ - Top News

ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે સિંઘુ બૉર્ડર પર થયેલી દલિત ખેડૂતની હત્યાને ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

તેમણે કહ્યું કે નિહંગ સમુદાયે પણ આને ધાર્મિક મામલો ગણાવ્યો છે અને સરકારે આ ઘટનાને ખેડૂતોના આંદોલન સાથે જોડવી જોઈએ.

તેમને સરકાર પર આરોપ લગાવ્યો છે કે ઘટના વિશે તેમને પહેલાંથી જાણ હતી.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું છે કે, "આ એક ધાર્મિક ઘટના છે. આને ખેડૂતોના આંદોલન સાથે સંબંધ નથી."

"આ ષડયંત્ર સરકારની દેન છે, કેમ કે જો કોઈ ઘટના ઘટી તો ઇન્ટેલિજન્સ વિભાગ ક્યાં હતો. ત્યાં દિલ્હી પોલીસનો બંદોબસ્ત હતો, શું તેમને આ અંગે માહિતી નહોતી?"

"એવું લાગે છે કે સૌને આ અંગે માહિતી હતી અને આ જાણીને કરવામાં આવ્યું છે."

કેરળમાં ભારે વરસાદથી પૂર, ભેખડ ધસી પડતાં 18નાં મૃત્યુ

કેરળમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ભેખડો ધસી પડવાની ઘટના પણ બની છે.

ભારે વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં નવ લોકોનું મૃત્યુ થયું છે અને 20 લોકો લાપતા છે. બીબીસી ન્યૂઝના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ આ સમાચાર આપ્યા છે.

જોકે સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર કેરળના માહિતી ખાતાએ કહ્યું છે કે મૃતકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે.

કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં ઘરોના કાટમાળ અને ભૂસ્ખલન વચ્ચે લાપતા થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

આપદાપ્રબંધન વિભાગના અધિકારીઓ મુજબ ઇડુક્કીમાં છ લોકો અને કોટ્ટાયમમાં આજ સવારે ત્રણ લોકોનું મૃત્યુ થઈ ગયું કારણ કે ભારે વરસાદને કારણે રાત્રે બચાવકાર્ય પણ રોકવું પડ્યું.

‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ અનુસાર કેરળમાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડતાં છ લોકોનાં મોત થયા છે. સ્થિતિને પગલે પાંચ જિલ્લાઓમાં રેડ ઍલર્ટની જાહેરાત કરાઈ છે.

દક્ષિણ અને મધ્ય કેરળમાં આ ઘટનાઓ બની છે. જેમાં 10થી વધુ લાપતા છે.

કોટ્ટાયમ જિલ્લાના ઇડુક્કી તથા કૂટ્ટિક્કલના થોડુપૂઝા અને કોક્કાયારમાં ભેખડો ધસી પડી હતી.

કોટ્ટાયમ,ઇડુક્કી અને પથનમથિટ્ટાના પહાડી વિસ્તારોમાં પૂરની સાથે સાથે મીનાચલ અને મનિમાલા નદીઓ પણ ઑવરફ્લૉ થઈ ગઈ છે. વળી કોલ્લમની કલ્લડા નદી પણ ઑવરફ્લૉ થતા એનાથુ પુલ પર પાણી ફરી વળ્યા હતા.

કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને સ્થિતિને ગંભીર દર્શાવી છે. અને હવામાન વિભાગે રાજ્યમાં હજુ વધુ વરસાદની આગાહી કરી છે. એરેબિયન સાગરમાં લૉ-પ્રેશર સર્જાતા આ સ્થિતિ સર્જાઈ છે.

તેમણે કહ્યું કે મધ્ય અને દક્ષિણ બાદ હવે ઉત્તરમાં પણ વરસાદ વરસી શકે છે.

કાશ્મીરમાં ચાર દિવસથી ચાલતા ઍન્કાઉન્ટરમાં નવ જવાનોનાં મૃત્યુ, ઉગ્રવાદીઓને પકડવાનું ઑપરેશન ચાલુ

કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ગત ગુરૂવારે ઍન્કાઉન્ટર દરમિયાન પાંચ જવાનોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કેટલાક જવાનો ગુમ થયા હતા.

તેમની શોધખોળ હજુ પણ ચાલુ છે તથા ઉગ્રવાદીઓને પકડવાનું ઑપરેશન કાર્યરત છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ સેનાને શોધખોળ દરમિયાન વધુ ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. તેથી આ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા જવાનોની કુલ સંખ્યા નવ થઈ છે.

મૃત્યુ પામેલા જવાનોમાં જુનિયર કમિશન્ડ ઑફિસર (જેસીઓ)નો પણ સમાવેશ થાય છે.

રાઇફલમૅન વિક્રમસિંઘ નેગી અને યોગામ્બર સિંઘના મૃતહેદો શુક્રવારે મળી આવ્યા હતા.

જ્યારે સૂબેદાર અજય સિંઘ અને નાયક હરેન્દ્ર સિંઘના મૃતદેહો શનિવારે મેંધર વિસ્તારમાં નાર ખાસ જંગલોમાંથી મળી આવ્યા હતા.

આ ચારેય ગુરુવારથી લાપતા હતા. તેઓ ભાટા ડુરિયન ગામ પાસેથી લાપતા થયા હતા.

પૂંછ અને રાજૌરીના જંગલોમાં સૈન્ય દ્વારા મોટાપાયે સર્ચ ઑપરેશન દરમિયાન આ મૃતદેહ મળી આવ્યા હતા.

હાલ અહીંનાં જંગલોમાં ઉગ્રવાદીઓ છૂપાયા હોવાની બાતમી બાદ ગુરૂવારથી શોધખોળ ચાલી રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં સાત વકીલોની ન્યાયાધીશ તરીકે નિમણૂક

સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સાત વકીલોની નિમણૂક કરી છે.

કૉલેજિયમે આ નામોની અગાઉ ભલામણ કરી હતી. તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગઈ છે.

હવે ગુજરાત હાઈકોર્ટમાં બે મહિલા ન્યાયમૂર્તિ સહિત કુલ સાત વકીલ નવનિયુક્ત ન્યાયમૂર્તિઓ તરીકે શપથ લેશે.

મોનાબહેન ભટ્ટ અ્ને નિશાબહેન ઠાકોર મહિલા વકીલ સહિત સમીર જે. દવે, હેમંત એમ. પ્રચ્છક, અનિરુદ્ધ પી. માયી, નિરલ આર. મહેતા, સંદીપ એન. ભટ્ટના નામની ભલામણ થઈ હતી.

આ બધા જ નામોને કેન્દ્ર સરકારની મંજૂરી પછી રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે.

હાઇકોર્ટમાં હાલ 25 જજ છે અને નવા નામની મંજૂરી બાદ કુલ જજોની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો