GST: પેટ્રોલ-ડીઝલને આવરી લેવામાં કેન્દ્ર કે રાજ્ય કોઈ તૈયાર કેમ નથી?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જીએસટી કાઉન્સિલની 45મી બેઠક હાલમાં જ મળી તેમાં ઘણા અગત્યના મુદ્દાઓની ચર્ચા થઈ, પરંતુ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવા અંગે કોઈ નિર્ણય થઈ શક્યો નહીં.
બેઠક બાદ નાણામંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા માટે બેઠકમાં કોઈ નિર્ણય થઈ શક્યો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીના નાણામંત્રી અગાઉ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો આ યોગ્ય સમય નથી, કેમ કે તેના કારણે સરકારની આવક પર અસર પડી શકે છે.
બેઠક પહેલાં મહારાષ્ટ્ર અને કેરળ સરકારોએ પણ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાના નિર્ણયનો તેઓ વિરોધ કરશે.
શુક્રવારની જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થાય તે પહેલાં જ બંને રાજ્યોના નાણામંત્રીએ આવાં નિવેદનો આપ્યાં હતાં.
મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે કહ્યું હતું કે, "એવી ચર્ચા છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માગે છે. જોકે આ વિશે અમને કોઈ જાણકારી મળી નથી. જીએસટીના 30-32 હજાર કરોડ રૂપિયા હજી સુધી મહારાષ્ટ્ર સરકારને નથી મળ્યા. પેટ્રોલ અને ડીઝલપર સરકારે જે ટૅક્સ લગાવ્યો છે, તે ઓછો કરી શકે છે. રાજ્યોને જે અધિકાર આપવામાં આવ્યો છે તેને કોઈ હાનિ થવી જોઈએ નહીં."
મહારાષ્ટ્ર પછી કેરળ સરકારે પણ આ મુદ્દે મોરચો ખોલ્યો હતો. કેરળના નાણામંત્રી એન. બાલાગોપાલે પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે નિર્ણય થશે તો રાજ્ય સરકાર તેનો વિરોધ કરશે.
ભારતમાં જુલાઈ 2017થી ગૂડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) લાગુ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વખતે પેટ્રોલ અને ડીઝલ સહિત પાંચ પેટ્રોલિયમ પદાર્થોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તે વખતે એવી દલીલ કરવામાં આવી હતી કે આ પદાર્થો પર ટૅક્સમાંથી થતી આવક પર જ કેન્દ્ર અને રાજ્ય સરકારો આધારિત છે.

કેન્દ્ર સરકાર માટે કમાણીનું મોટું સાધન

ઇમેજ સ્રોત, Getty Images
હાલના દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવવધારા પછી બિન-ભાજપી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સામે માગણી મૂકી હતી કે તેના પર લગાડવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવામાં આવે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આવી માગણી કરી હતી. તેમણે જુલાઈમાં જ આ માટે એક પત્ર કેન્દ્ર સરકારને લખ્યો હતો.
મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવીને જણાવ્યું હતું કે, "2014-15 પછી ઑઇલ અને પેટ્રોલિયમ પદાર્થો પર ટૅક્સ વસૂલીને થતી કમાણીમાં 370 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં જ કેન્દ્ર સરકારને આમાંથી 3.71 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કેન્દ્ર સરકાર પણ આ વાત સ્વીકારે છે.
આમાંથી થતી મોટી કમાણીને ધ્યાનમાં રાખીને જ રાજ્યોની માગણી છે કે કેન્દ્ર સરકારે પોતાનો ટૅક્સ ઓછો કરવો જોઈએ.
હવે એવી ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચાર કરી રહી છે.
આવો નિર્ણય લેવામાં આવે તો તેનાથી જનતાને મોટો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સીધો 25થી 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.
તેની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવક ગુમાવવી પડશે.
જો સરકારને આવકમાં નુકસાન જ જવાનું હોય તો પછી શા માટે આવી દરખાસ્ત પર ચર્ચા અને વિવાદ થઈ રહ્યો છે?
હકીકતમાં કેરળ હાઈકોર્ટમાં જૂન મહિનામાં જ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવા માટેની માગણી કરતી એક જાહેર હિતની અરજી થઈ હતી. હાઈકોર્ટે આ બાબતમાં નિર્ણય કરવા માટે જીએસટી કાઉન્સિલને જણાવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને કેટલી કમાણી થાય છે?

ઇમેજ સ્રોત, EPA
કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલ અને ડીઝલ પર વેરો નાખીને કેટલી કમાણી થાય છે તે જાણવું જરૂરી છે.
16 સપ્ટેમ્બર, 2021ના રોજ ઇન્ડિયન ઑઇલ પેટ્રોલનો ભાવ પાટનગર દિલ્હીમાં હતો એક લિટરના 101.19 રૂપિયા.
પેટ્રોલનો ભાવ કઈ રીતે આટલે પહોંચે છે તે માટે નીચેની ગણતરી જુઓ:
- ડિલરોને પેટ્રોલ આપવામાં આવે તેનો ભાવ પ્રતિ લિટર 41.10 રૂપિયા
- તેના પર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી લાગે છે 32.90 રૂપિયા
- રાજ્ય સરકારનો વેટ તેના પર લાગે છે રૂપિયા 23.35
- પ્રતિ લિટર વેચાણ પર ડીલરને મળતું કમિશન છે રૂપિયા 3.84
- આ બધાનો સરવાળો કરો એટલે એક લિટર પેટ્રોલનો ભાવ થાય છે રૂપિયા 101.19
આના પરથી સ્પષ્ટ થાય છે કે એક લિટર પર 32.90 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લાગે છે તે કેન્દ્ર સરકારની કમાણી છે.
દિલ્હી રાજ્ય સરકારના ખિસ્સામાં વેટ તરીકે 23.35 રૂપિયા જાય છે.
આનો અર્થ એ થયો કે પેટ્રોલની બેઝ પ્રાઇસ છે, તેના કરતાં બમણી કિંમતે દિલ્હીમાં પેટ્રોલ વેચાય છે. આ વધારાની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં જાય છે.

જીએસટી હેઠળ આવરી લેવાથી કેટલું નુકસાન થઈ શકે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી અને હાલમાં ભાજપના રાજ્યસભાના સભ્ય સુશીલ મોદી પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની તરફેણમાં નથી.
બિહારમાં ભાજપ અને જેડીયુની સંયુક્ત સરકાર ચાલે છે.
સુશીલ મોદીનું કહેવું છે કે, "પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યોને 4.10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આટલું મોટું નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ છે. કેન્દ્ર સરકારને હજી મફતમાં કોરોના રસીકરણ, મફત રૅશન અને અર્થતંત્રને સુધારવા માટે મોટી રકમની જરૂર છે."
ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ સૌરભચંદ્ર કહે છે, "એક અંદાજ અનુસાર ભારતમાં વર્ષે 10-11 હજાર કરોડ લિટર ડીઝલ વેચાય છે અને 3-4 હજાર કરોડ લિટર પેટ્રોલનું વેચાણ થાય છે. બંનેનો સરવાળો કરીએ તો કુલ 14 હજાર કરોડ લિટરનું વેચાણ થાય છે. માની લો કે રાજ્ય સરકારે એક રૂપિયો જ વેટ લગાવેલો હોય, તો પણ કેટલું નુકસાન થઈ શકે તેનો અંદાજ તમે આસાનીથી લગાવી શકો છો."
આ ઉત્પાદનોનું કેટલું વેચાણ થાય છે અને તેના પર કેટલો વેટ લેવાય છે, તેના આધારે દરેક રાજ્યને અલગ અલગ નુકસાન થઈ શકે છે. કેરળનું અનુમાન છે કે તેને વર્ષે 8000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

નુકસાનની ભરપાઈ કેવી રીતે થાય?

સૌરભચંદ્ર વધુમાં જણાવે છે કે, "પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લઈ લેવાં મુશ્કેલ છે. રાજ્ય સરકારો તેના પર વેરો નાખવાની પોતાની સત્તા જતી કરવા માગતી નથી. કેન્દ્ર સરકાર પણ તેમ ઇચ્છતી નથી. બંને માટે આવકનું મોટું સાધન આ છે. તેથી તેને જીએસટીમાં લાવતાં પહેલાં પોતાની કમાણીનો મોહ જતો કરવો પડે તેમ છે. તો જ આવો મોટો નિર્ણય લઈ શકાય તેમ છે."
જીએસટીના દરનું માળખું છે તે પણ એક અડચણ છે. અત્યારે સરકાર પેટ્રોલની મૂળ કિંમત પર અંદાજે 100 ટકા જેટલો વેરો વસૂલે છે.
તેની સામે જીએસટીમાં વધુમાં વધુ 28 ટકાનો વેરાનો દર છે. ધારી લો કે સૌથી મોટા ટૅક્સ સ્લેબમાં પેટ્રોલ અને ડીઝલને રાખવામાં આવે તો પણ બાકીના 70-72 ટકા ટૅક્સની આવકની ભરપાઈ ક્યાંથી કરવી?
નુકસાનીની ભરપાઈના ઉપાયો વિશે વાત કરતાં ભૂતપૂર્વ નાણાસચિવ સુભાષચંદ્ર ગર્ગ કહે છે, "આ કમાણીની ભરપાઈ કરવા માટે 28 ટકા જીએસટી ઉપરાંત સરચાર્જ લગાવી શકાય છે. લક્ઝરી કાર પર કેન્દ્ર સરકારે એવું કર્યું છે."
"બીજી રીત એ છે કે કેન્દ્ર સરકાર જીએસટી ઉપરાંત એક્સાઇઝ ડ્યુટી પણ લગાડે અને તેમાંથી થતી કમાણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચી લેવામાં આવે. આ ફૉર્મ્યુલા માટે કેન્દ્ર અને રાજ્યો બંને રાજી હોવાં જોઈએ."
જીએસટીના કાયદા વિશે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. જીએસટીનો અમલ શરૂ થયો તે પછી પાંચ વર્ષ સુધી રાજ્ય સરકારોને મહેસુલમાં ઘટ પડે તેની ભરપાઈ કરવા નાણાકીય સહાય કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટીની આવકમાં થયેલા નુકસાન બદલ 2.35 લાખ કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની થાય છે અને તેના માટે વિખવાદ ચાલી રહ્યો છે.
આ સ્થિતિમાં વધુ એક નુકસાન તેમાં ઉમેરાય તો મુશ્કેલી વધી શકે છે.
હકીકતમાં રાજ્ય સરકારો પાસે હવે આવક ઊભી કરવાનાં સાધનો ઓછો રહ્યાં છે. શરાબ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરના વેટમાંથી જ સૌથી મોટી આવક થાય છે. આવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલની બાબતમાં જે પણ નિર્ણય લેવામાં આવે તેમાં કેન્દ્ર અને રાજ્યો બંનેનાં હિતને ધ્યાનમાં રાખવું જરૂરી બન્યું છે. સાથે એ પણ નક્કી કરવું પડે તેમ છે કે લોકોનાં ખિસ્સાં પર વધારે બોજ ના આવે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો-












